Text Size

સિદ્ધિઓ વિશે

પ્રશ્ન : યોગની સાધનામાં સિદ્ધિઓનો સમાવેશ થાય છે ?
ઉત્તર : થાય છે.

પ્રશ્ન : કયી કયી સિદ્ધિઓનો ? યોગના પરંપરાગત પ્રસિદ્ધ ગ્રંથોમાં સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું હોય તો તે સિદ્ધિઓ કયી જાતની છે ?
ઉત્તર : એ સિદ્ધિઓ મુખ્યત્વે આઠ પ્રકારની છે. અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ.

પ્રશ્ન : એ સિદ્ધિઓ પર થોડોક પ્રકાશ પાડશો ?
ઉત્તર : અણિમા એટલે પોતાના શરીરને અણુ કરતાં પણ નાનું બનાવવું તે. એ સિદ્ધિ પામનાર યોગી પોતાના પંચમહાભૂતના સ્થૂલ શરીરને એક અણુ અથવા પરમાણુ કરતાં પણ નાનું બનાવી શકે છે. મહિમા નામની સિદ્ધિથી સંપન્ન મહાયોગી પોતાના શરીરને ધારે તેટલું મોટું અથવા વિરાટ બનાવી શકે છે. ભગવાન કૃષ્ણે એ અસાધારણ સિદ્ધિની મદદથી મહાભારતના યુદ્ધ મેદાનમાં અર્જુનને વિશ્વરૂપદર્શન કરાવ્યું હતું. લઘિમા નામની સિદ્ધિની મદદથી યોગી પોતાના શરીરને રૂ જેવું હલકું બનાવી શકે છે. એથી ઉલટું, ગરિમા નામની સિદ્ધિવાળો યોગી પોતાના પંચમહાભૂતના સ્થૂલ શરીરને ખૂબ જ ભારે અથવા વજનદાર બનાવી શકે છે. પ્રાપ્તિ નામની સિદ્ધિવાળો યોગી જે ઈચ્છા કરે છે તે પદાર્થને સહેલાઈથી અને સત્વર મેળવી શકે છે. તેને માટે જગતમાં કોઈ પણ પદાર્થને પામવાનું અશક્ય નથી હોતું. પ્રાકામ્ય નામની સિદ્ધિની મદદથી યોગી પોતાની સઘળી કામનાઓને પૂર્ણ કરી શકે છે. અને ઈચ્છાનુસાર સ્વરૂપ ધારણ કરી શકે છે. ઈશિત્વ નામની સિદ્ધિવાળો યોગી સૌના ઉપર શાસન કરી શકે છે અને વશિત્વ નામની સિદ્ધિની મદદથી યોગી જેને ધારે તેને વશ કરીને પોતાની ઇચ્છા પ્રમાણે ચલાવી શકે છે.

પ્રશ્ન : એ આઠ સિદ્ધિઓ સિવાયની બીજી સિદ્ધિઓ પણ છે ?
ઉત્તર : યોગના પ્રસિદ્ધ ગ્રંથોમાં એ આઠ સિદ્ધિઓ સિવાયની કેટલીક બીજી સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દાખલા તરીકે યોગની સાધનામાં સિદ્ધ થયેલો યોગી આકાશ, વાયુ, અગ્નિ, પાણી તથા પૃથ્વી જેવા પંચમહાભૂતો પર કાબુ કરી શકે છે. એમની મદદથી એ ધારેલાં બધાં જ કામો કરી શકે છે. એ ઉપરાંત યોગી ભૂખ, તરસ, ટાઢ, તાપ જેવી વસ્તુઓ પર પણ વિજય પામી શકે છે. એને વૃદ્ધાવસ્થા, વ્યાધિ, નિદ્રા કશી અસર પહોંચાડી શકતા નથી. એ દેશકાળથી અતીત બની જાય છે.

પ્રશ્ન : યોગની સાધનામાં એ બધી સિદ્ધિઓ સિવાયની બીજી સિદ્ધિઓ સાંપડે છે ?
ઉત્તર : હા, સાંપડે છે. જેમ કે પોતાના તથા બીજાના ભૂત તથા ભવિષ્યકાળનું જ્ઞાન થાય છે, દૂરના પદાર્થોને જોઈ શકાય છે. અને દૂરના શબ્દોને સાંભળી શકાય છે. એવી એવી કેટલીક બીજી સિદ્ધિઓ પણ સાંપડે છે.

પ્રશ્ન : એ સઘળી સિદ્ધિઓ યોગની સાધનામાં આવશ્યક અથવા અનિવાર્ય હોય છે ?
ઉત્તર : ના, એ બધી સિદ્ધિઓ યોગની સાધનામાં અનિવાર્ય અથવા આવશ્યક હોતી નથી. યોગની સાધનામાં જે અનિવાર્યરૂપે આવશ્યક હોય છે તે તો મનની શુદ્ધિ, મન તથા ઈન્દ્રિયોનો સંયમ, અને પરમાત્માના સાક્ષાત્કાર માટેની અદમ્ય અભિલાષા છે. એ સિવાય યોગની સાધના સફળતા પર પહોંચતી નથી. યોગના પ્રણેતા મહર્ષિ પતંજલિએ તો સાધકોને માટે ત્યાં સુધી કહ્યું છે કે, સાધકે સિદ્ધિઓ પ્રત્યે પણ વૈરાગ્યભાવથી જોવું જોઈએ. સિદ્ધિઓ કેટલીક વાર કાચા મનના સાધકોને માટે અંતરાયરૂપ બને છે. તેમના આકર્ષણમાં, મોહમાં અને નશામાં પડીને સાધક કેટલીકવાર પોતાની સાધનાના ધ્યેયને ભૂલી જાય છે. સાધનાનું પરમ પ્રાપ્તવ્ય નાની મોટી સિદ્ધિઓ નથી પરંતુ સિદ્ધિઓના સ્વામી પરમકૃપાળુ પરમાત્માની પ્રાપ્તિ છે. એ સદા યાદ રાખીને પરમ જાગૃતિપૂર્વક આગળ વધવાથી શાંતિ, મુક્તિ, પૂર્ણતાની પ્રાપ્તિ થઈ શકે છે.

પ્રશ્ન : યોગની સિદ્ધિઓની મદદથી બીજાને મદદ કરી શકાય ખરી ? એ સિદ્ધિઓ બીજાના કામમાં આવી શકે ?
ઉત્તર : યોગની સિદ્ધિઓનો ઉપયોગ બીજાની સુખશાંતિ તથા સમુન્નતિ માટે કરી શકાય છે. તેમના પ્રયોગથી બીજાને દુઃખ તથા દર્દમાંથી મુક્તિ અથવા રાહત આપી શકાય છે. એનો આધાર મુખ્યત્વે સિદ્ધિ પામેલા યોગીની ઇચ્છા અથવા ભાવના પર રહેતો હોય છે. બીજાને એક અથવા બીજી રીતે ઉપયોગી થનારા યોગીઓ અથવા મહાપુરુષો જેટલા પણ પ્રમાણમાં થાય તેટલા ઈચ્છવા યોગ્ય અને આવકારદાયક છે. પરંતુ તેવા યોગી પુરુષોએ પણ સમજવું જોઈએ કે યોગની સાધનાનું છેવટનું ધ્યેય આત્મસાક્ષાત્કારનું જ છે. એ ધ્યેયને સિદ્ધ કરવા માટે યોગીએ નિરંતર પ્રયત્ન કરવો જોઈએ.

પ્રશ્ન : તમારી દૃષ્ટિએ મોટામાં મોટી સિદ્ધિ કયી છે ?
ઉત્તર : મારી દૃષ્ટિએ મોટામાં મોટી સિદ્ધિ આત્મસિદ્ધિ છે. તે સિવાય યોગીની અથવા આધ્યાત્મિક અભિરુચિવાળા કોઈપણ માનવની સાધના સફળ થઈ શકતી નથી. તેને જીવનની ધન્યતા પણ પ્રાપ્ત થતી નથી. કામ તથા ક્રોધ, સ્વાર્થ તથા મોહ, રાગ તથા દ્વેષને જીતવાની સિદ્ધિ અથવા પોતાના ઉપર વિજય મેળવવાની સિદ્ધિ સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ છે. તેનાથી સાધકનું પરમ કલ્યાણ થાય છે. તે સિદ્ધિ સર્વપ્રકારે સાધક ઠરે છે. પરંતુ બીજી સિદ્ધિઓ મોટે ભાગે બાધક બને છે.

પ્રશ્ન : યોગની સાધના સિવાયની બીજી સાધનાથી પણ સિદ્ધિઓ મળી શકે છે ?
ઉત્તર : હા, યોગની સાધના સિવાયની બીજી નાનીમોટી સાધનાઓની મદદથી સિદ્ધિઓ સાંપડી શકે છે. તેવી સિદ્ધિઓ કેટલીક વાર છેક સાધારણ હોય છે. છાયાપુરુષની સાધના, બટુકભૈરવની સાધના, કર્ણપિશાચિનીની સાધના, તંત્રની સાધના, મંત્રની સાધના તથા પ્રેતવિદ્યા દ્વારા કેટલીક નાની મોટી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. કેટલીક ઔષધિઓના પ્રયોગોથી પણ સિદ્ધિઓ સાંપડે છે. પૂર્વજન્મના સંસ્કારોના પરિણામે પણ કેટલાક સાધકોને અપવાદરૂપ નાનીમોટી સિદ્ધિઓ વારસામાં મળતી હોય છે. ઉત્તમ પ્રકારની સાધના માનવને નિર્મળ બનાવે છે, અને સાચી શાંતિ બક્ષે છે. માટે સાધકે સાધનાના પથને બનતા પ્રમાણમાં પવિત્ર રાખવાની આવશ્યકતા છે.


Today's Quote

There is a sufficiency in the world for man's need but not for man's greed.
- Mahatma Gandhi

prabhu-handwriting