Text Size

Adhyay 3

Pada 2, Verse 05-06

५. पराभिध्यानात्तु तिरोहितं ततो हास्य बन्धविपर्ययौ ।

અર્થ
(જીવાત્મામાં પણ પરમાત્મા જેવા જ ગુણો છે)
તુ = પરંતુ.
તિરોહિતમ્ = છૂપાયલા કે ઢંકાયલા છે.
પરાભિધ્યાનાત્ = (એટલે) પરમાત્મા સતત ધ્યાનથી (પ્રકટ થઈ જાય છે.)
હિ = કારણ કે
તતઃ = એ પરમાત્માને લીધે જ,
અસ્ય = એનાં 
બન્ધવિપર્યયૌ = બંધન અને એથી વિપરીત એટલે કે મોક્ષ છે.

ભાવાર્થ
જીવાત્મા પરમાત્માનો અંશ છે એવું સંતો તથા શાસ્ત્રો કહી બતાવે છે. એ કથન પરથી સહેજે અનુમાન કરી શકાય છે કે એની અંદર પરમાત્માનું જ્ઞાન અને ઐશ્વર્યરૂપી ગુણો પણ આંશિક રીતે રહેતા હશે. એ ગુણોનો આધાર લઈને સ્વપ્ન સૃષ્ટિની રચના એ સ્વયં કરે છે એવું માની લઈએ તો શી હરકત છે ? એવો પ્રશ્ન પૂછવામાં આવે તો એના ઉત્તરમાં આ સૂત્ર દ્વારા જણાવવામાં આવે છે કે જીવાત્મા પરમાત્માનો અંશ હોવા છતાં સ્વપ્નસૃષ્ટિની રચના નથી કરી શકતો. કારણ કે એ સંપૂર્ણ સ્વતંત્ર નથી. એના બંધનનો ને મોક્ષનો આધાર પરમાત્મા પર રહેલો છે. એ પરમાત્માને ઓળખે તો મોક્ષ મેળવે અને પરમાત્માને ભૂલીને વિષયોમાં આસક્તિ કરે તો બદ્ધ બને.

જીવાત્મા પરમાત્માનો અંશ છે અને પરમાત્મા જેવા ગુણોથી સંપન્ન છે એ સાચું હોવા છતાં એ પણ એટલું જ સાચું છે કે એના એ ગુણો અત્યારે પ્રકટ નથી અને અવિદ્યાને લીધે ઢંકાઈ ગયેલા છે. ચંદ્રની ઉપર જેમ વાદળ છવાઈ જાય અને એનું સાચું સ્વરૂપ ઢંકાઈ જાય તેમ એનું મૂળભૂત સ્વરૂપ ઢંકાઈ ગયું છે. એના એ સ્વરૂપને, ઐશ્વર્યને અને અનંત ગુણસમૂહને પ્રકટ કરવા માટે શું કરવું જોઈએ ? પરમાત્માનું બને તેટલા વધારે ને વધારે પ્રમાણમાં અને નિરંતર ધ્યાન. ધ્યાનની શક્તિ અપાર છે. ધ્યાન કરનાર છેવટે જેનું ધ્યાન કરવામાં આવે છે તેવો બની જાય છે. એ દ્વારા જીવાત્મા પરમાત્મા સ્વરૂપ બની જાય છે. જીવાત્મા પોતાના મૂળભૂત સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિતિ કરે, સંપૂર્ણ બને, અને અનંત સુખશાંતિ અને ઐશ્વર્યનો અધીશ્વર થઈ રહે એટલા માટે પરમાત્માની આવશ્યકતા છે.

---

६. देहयोगाद्वा सोङपि ।

અર્થ
સઃ = એ  તિરોભાવ. 
અપિ = પણ. 
દેહયોગાત્ = શરીરના સંબંધથી.
વા = જ છે.

ભાવાર્થ
જીવાત્મા વાસ્તવિક રીતે વિચારતાં પરમાત્મા સ્વરૂપ છે અને પરમાત્મા જેવા ગુણધર્મોથી યુક્ત છે તો પણ વ્યાવહારિક રીતે એ ગુણોથી વંચિત કેમ છે અને પોતાના સહજ પરમાત્મા સ્વરૂપનો સ્વાનુભવ કેમ નથી કરતો ? એનું મુખ્ય કારણ એનો દેહાધ્યાસ છે. એ શરીરનો સંબંધ તો રાખે જ છે પરંતુ શરીરનો મોહ તથા શરીરની મમતા સેવે છે, ને પોતાને શરીરમાં મર્યાદિત માને છે ને શરીર સમજે છે. દેહ બુદ્ધિને લીધે વિષયવતી વૃત્તિ તથા બુદ્ધિને લીધે એ વિષયાંધ બનીને અનેક પ્રકારનાં કુકર્મો કરે છે, અને એના પરિણામે સુખદુઃખનો સંમિશ્રિત અનુભવ કરતાં જન્મ મરણને આધીન બનીને વિવિધ યોનિઓમાં વિહરે છે. એ વિષયાસક્તિ, મોહવૃત્તિ તથા દેહાધ્યાસની વિપરીત ભાવનાનો અંત આણવા માટે પરમાત્માની આરાધના અથવા આત્મવિચાર જેવો અકસીર, અમોઘ ઉપાય બીજો એકે નથી. એ ઉપાયને અજમાવવાથી પરમાત્માની અસાધારણ અપાર અનુકંપાથી એ પોતાના મુળભૂત શાશ્વત સત્ય સ્વરૂપનો સ્વાનુભવ કરી શકે છે, અનંત ઐશ્વર્યનો સ્વામી થાય છે, ને મુક્ત, પૂર્ણ તથા ધન્ય બને છે.