Text Size

પ્રણમ્ય અને પ્રશસ્ય

અંધકારના અનેકાનેક આવરણો એકાએક બધે ફરી વળ્યાં.
ચપલા ચમકવા માંડી, ગગનમાં ગગડાટ શરૂ થયા,
થોડીવારમાં તો વરસાદ વરસવા માંડ્યો.
કુદપ્રગતિના પુરુષાર્થ પ્રેરેલા પથ પર, કેટલી વાર પડ્યા એનું મહત્વ નથી,
એને વારંવાર નથી વાગોળવાનું;
પડ્યા પછી બેઠા થયા કે નહિ એ જ અગત્યનું છે;
આશીર્વાદરૂપ છે, અભિનંદનીય છે.
જીવનમાં જે એક કે બે વાર પડે છે,
પરંતુ પડ્યા પછી બેઠા થઈને પોતાના પથ પર પ્રયાણ કરી શકે છે,
એને હું આદર આપું છું.
એ પ્રણમ્ય ને પ્રશસ્ય છે, ખરેખર પ્રશસ્ય છે.

પ્રગતિના પુરુષાર્થ પ્રેરેલા પથ પર,
કેટકેટલા કંટકથી ક્લેશયુક્ત થવાયું એ મહત્વનું નથી,
એ કંટકને કેટકેટલી વાર કુસુમમાં પલટાવી શકાયા એ જ અગત્યનું છે,
આશીર્વાદરૂપ છે, અભિનંદનીય છે.
જીવનમાં સંકટના કંટક તો આવવાના જ.
કિન્તુ એનાથી ડર્યા કે ડગ્યા વિના,
એમની સામે સ્મિત કરીને, જે પોતાને પંથે પ્રયાણ કરી શકે છે--
એને હું આદર આપું છું.
એ પ્રણમ્ય ને પ્રશસ્ય છે, ખરેખર પ્રશસ્ય છે.

પ્રગતિના પુરુષાર્થ પ્રેરેલ પથ પર,
કેટલી વાર વિશ્રાંતિ કરવા બેઠા,
કેટલી વાર પ્રવાસનું વિસ્મરણ કરીને પડી રહ્યા, એનું મહત્વ નથી.
એને વારંવાર નથી વાગોળવાનું.
વિશ્રાંતિ કરીને કે ભુલભુલામણીથી ભ્રમિત થઈને
મૂળ મુસાફરીનો આરંભ કર્યો કે નહિ એ જ અગત્યનું છે,
આશીર્વાદરૂપ છે, અભિનંદનીય છે.

જીવનમાં ભયસ્થાનો ને પ્રલોભનો તો આવવાનાં જ.
પરંતુ એથી પ્રભાવિત, હતપ્રભ કે અંધ બન્યા વિના,
એમનાથી અલિપ્ત રહીને, એમની સામે મોરચો માંડીને,
પોતાના સાધ્યની સિદ્ધિ કે પ્રવાસની પૂર્ણાહુતિ કરી શકે છે,
એને હું આદર આપું છું.
એ પ્રણમ્ય ને પ્રશસ્ય છે, ખરેખર પ્રશસ્ય છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Some of God's greatest gifts are unanswered prayers.
- G. Brooks

prabhu-handwriting