Text Size

અભાગી દેશ

એ દેશ અભાગી છે,
જે ધર્મ, નીતિ તથા ઈશ્વર પરની શ્રદ્ધા ખોઈ બેઠો છે;
અથવા તો એ શ્રદ્ધાનું પ્રદર્શન કરવા છતાં,
એના આચરણ પરથી હાથ ધોઈ બેઠો છે:

જેના રાજપુરુષો, નેતાઓ, વિચારકો રોજી કે રોટીને જ મહત્વની માને છે,
અને ભૌતિક સુખસંપત્તિને જ સર્વકાંઈ સમજી બેસે છે,
પરંતુ સુવિચાર, સંસ્કાર તથા સત્કર્મથી સુવાસિત
માનવતાની મહાવાટિકાને મહેંકતી કરવાની કોશિશ નથી કરતા.

જ્યાં વ્યક્તિ પોતાનો જ વિચાર કરીને જીવે છે અને આગળ વધે છે;
બીજાનો વિચાર નથી કરતી; અને
પોતાને માટે બીજાને નુકશાન કરતાં કે નષ્ટ કરતાં પાછું વાળીને નથી જોતી.

જ્યાં સત્તા કેવળ બળથી જ ટકે છે,
શિલથી નહિ;
ધન કેવળ અધર્મ અથવા અન્યાયથી જ એકઠું થાય છે,
ન્યાય ને નીતિથી નહિ;
સમૃદ્ધિ, સેવા કે સહકારનું સાધન નથી થતી,
સ્વાર્થની સહચરી બની રહે છે;
વિદ્યા વેપાર થાય છે, વિકાસનું સાધન નહિ;
સૌંદર્ય વિલાસ માટે વપરાય છે,
એની પાછળની પરમ શક્તિની શોધ માટે નહિ.

યૌવન જ્યાં મૌહાંધ કે ભ્રાંત બનીને ભમ્યા કરે છે;
સ્થિર કે સ્વસ્થ બનીને વિકાસને માટે સાધન નથી થતું;
જીવન જ્યાં પોતાનું મૂલ્ય ને મહત્વ ખોઈ બેસે છે,
અને આદર્શ વિનાનું બની રહે છે;
જેની પ્રજા પરની પ્રશસ્તિ કરે છે, અન્યને અનુસરે
પરંતુ જેને પોતાનું જ ગૌરવ નથી થતું;
પોતાનું જ સારું અથવા અનુકરણીય નથી લાગતું;

એ દેશની દયા ખાઉં છું !

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

We turn to God for help when our foundations are shaking, only to learn that it is God who is shaking them.
- Unknown

prabhu-handwriting