Text Size

અંતરનો અનુરાગ

અમાસની રાતે આસોની

અમાસની રાતે આસોની, પ્રકાશની પૂનમ પ્રકટો !
દીપાવલી કરી દો ન્યારી, પ્રકાશની પૂનમ પ્રકટો !

આજ તમારી કરું પ્રતીક્ષા લગન લઈને લોચનમાં,
મંદિરના દીપકના જેવી આશ જલાવીને ઉરમાં;
અમૃતના આગાર થકીયે મધુર તમે આજે પ્રકટો,
અમાસની અંધારી રાતે પ્રકાશની પૂનમ પ્રકટો !

તપી રહ્યો કૃશકાય તપસ્વી બાલ તમારો કૈં દિનથી,
ગુર્જરદેશે કાયા ધારી વસે હિમાલયમાં મનથી;
ભૂમિ અલૌકિક ઉત્તમ છે આ જનની સંસ્કૃતિ સંતોની,
પ્રકટ બનો તો આજ પ્રેમથી, આશા અન્ય નથી કોની.
સાકાર સુધાસ્વરૂપ જેવાં રસમય આજ તમે પ્રકટો,
અમાસની અંધારી રાતે પ્રકાશની પૂનમ પ્રકટો !

પ્રેમીજનને પ્રેમામૃતથી તૃપ્ત કરી દો આજ તમે,
મુક્ત કરી સંપૂર્ણ કરી દો, અન્ય ન મુજને કૈંય ગમે.
આશા ઉરની, માધુરી મનની, પ્રતિમા પ્રેમતણી પ્રકટો,
ગૌરવની ગંગા, સાધનની સિદ્ધિ, યશગાથા, પ્રકટો !
અમાસની રાતે આસોની પ્રકાશની પૂનમ પ્રકટો !

પ્રકાશપંથ બતાવું સૌને, મનુકુલને ચિરશાંતિ ધરું,
સ્વયં બની સંપૂર્ણ અન્યને પૂર્ણ થવાની વાત કરું;
યશ ફેલાવું બધે તમારો, સ્વપ્ન લઈને એ ફરતો;
તમારી જ છે બધી પ્રેરણા, તમે જ મારાં પ્રેરક તો.

પૂર્ણતાતણું પ્રભાત બનતાં ‘પાગલ’ની પાસે પ્રકટો,
અમાસની અંધારી રાતે પ્રકાશની પૂનમ પ્રકટો !
દીપાવલી કરી દો ન્યારી, પ્રકાશની પૂનમ પ્રકટો !

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Wherever there is a human being, there is an opportunity for kindness. 
- Seneca (Roman Philosopher)

prabhu-handwriting