Text Size

અંતરનો અનુરાગ

આજ મારે અંતરે આનંદ ના સમાય

આજ મારે અંતરે આનંદ ના સમાય,
પકવાનો પીરસાયાં પ્રેમનાં જમાય;
પ્રેમતણાં ગીત ઘણા ગૌરવે ગવાય,
ડોલી ઉઠે છે હર્ષઘેલી હવા ય ... આજ મારે.

નવા ભાવ, નવા રાગ, નૂતન આલાપ,
નવા ફૂલ, નવી પૂજા, નવલા છે જાપ;
ઉરમાં આરાધના આજ મારે થાય,
આરતીના અજવાળે અંધકાર જાય ... આજ મારે.

નવા વર્ષનું ઉગ્યું છે કેવું પ્રભાત,
રંગ તેમ રોશનીની ના જ થાય વાત;
ખીલ્યા છે ફૂલ ખૂબ ઉપવનમાં આજ,
માનવ ફરે છે તેમ સજી નવા સાજ ... આજ મારે.

નવો વેશ, નવા ભાવ, નવી શબ્દલ્હાણ,
નવા રૂપરંગ ધરી પ્રકટે છે પ્રાણ;
હુંય લઈ બીન આજ ગાઈ રહ્યો ગાન,
ઓતપ્રોત પ્રાણ કરી, કરી રહ્યો દાન ... આજ મારે.

તમારા વિના અધૂરો આનંદ આ,
આવો તો ઉત્સવ સંપૂર્ણ થાય હા !
નવું વર્ષ થાય તમે પ્રકટો ત્યારે,
આતમ આનંદે આજ આશાતારે ... આજ મારે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Let us not pray to be sheltered from dangers but to be fearless when facing them.
- Rabindranath Tagore

prabhu-handwriting