Text Size
 • slide1
 • slide1

વિખ્યાત વૈજ્ઞાનિક આઈઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણના મશહૂર સિદ્ધાંતની શોધ કરી અને એ શોધ સંસારના શિક્ષિત સમાજ સમક્ષ મૂકી તે પહેલાં શું ગુરુત્વાકર્ષણનો એ સિદ્ધાંત સંસારમાં કામ નહોતો કરતો ? ન્યૂટનની શોધ પહેલાં સંસારમાં શું એનું અસ્તિત્વ જ ન હતું ? કુદરત શું એ નિયમના આધારે નહોતી ચાલતી અને ન્યૂટને શોધેલા સિદ્ધાંત પછી જ ચાલતી થઈ ? એ સિદ્ધાંતની શોધ થઈ તે પહેલાં પણ વૃક્ષ પરથી છૂટાં પડેલાં ફળો પૃથ્વી પર જ પડતાં હતાં, એ કાંઈ અવકાશમાં અધ્ધર ને અધ્ધર નહોતાં રહેતાં. ચંદ્ર સૂર્યની આજુબાજુ ફરતો, પૃથ્વી ચંદ્રની આજુબાજુ ફરતી, ને તે ઉપરાંત, પોતાની ધરીની આસપાસ પણ ફર્યા કરતી. ન્યૂટને એના રહસ્યનું ઉદ્દઘાટન કર્યું એટલું જ.

સંસારના બીજા મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધી કાઢ્યો- ‘થિયેરી ઓફ રિલેટીવીટી’. તે પ્રમાણે દેશ, કાળ, સમય જેવા વિભાગો કલ્પિત અથવા તો અનેક વૃત્તિને લીધે પેદા થાય છે, અનંત કાળ અને સ્થળમાં એવા વિભાગો ખરેખર અસ્તિત્વ નથી ધરાવતા.

પરંતુ આઈન્સ્ટાઈનની એ શોધ પહેલાં એનું રહસ્ય શું સંસારમાં કામ નહોતું કરતું ? કામ તો કરતું જ હતું, પરંતુ લોકો એનાથી અનભિજ્ઞ હતા એટલું જ. આઈન્સ્ટાઈને દિવસો, મહિના કે વરસો સુધી પ્રયોગ તથા સંશોધન કરીને એ રહસ્યને મૂર્તિમંત કર્યું એટલું જ. ભારતના મહાપુરુષોએ વરસો પહેલાં એને મળતા દ્દષ્ટિ-સૃષ્ટિવાદના સુંદર સિદ્ધાંતની રચના કરી હતી. વિદ્વાનો એ વાતને સારી પેઠે જાણે છે. આઈન્સ્ટાઈને એને આધુનિક વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સિદ્ધ કરી બતાવ્યો તેથી લાગતાવળગતા લોકોનો વિશ્વાસ એમાં વધી પડ્યો.

ભારતના ત્રીજા મહાન વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બોઝે પ્રયોગ કરીને સંસારને ચકીત કરી નાખનારી એવી અવનવી વાતની શોધ કરી કે વનસ્પતિમાં પણ જીવ છે. એ અગાઉ મોટા ભાગના લોકો એમ માનતા કે વનસ્પતિ જડ અથવા નિર્જીવ છે. પરંતુ ભારતના એ સપૂતની શોધે વૈજ્ઞાનિક જગતમાં ક્રાંતિ કરી. હવે પ્રશ્ન એ થાય છે કે તે પહેલાં શું વનસ્પતિ નિર્જીવ હતી  ? ના, બિલકુલ નહિ.

ભારતના વૈદિક કાળના ૠષિવરોએ તો સાફ શબ્દોમાં જાહેર કર્યું છે કે ચરાચરમાં પરમાત્માનો પરમ પ્રકાશ વિદ્યમાન હોવાથી બધું ચિન્મય જ છે, અને જડ તથા ચેતન જેવા ભેદો તો ઉપર ઉપરના, કામચલાઉ અથવા વ્યાવહારિક છે. પરમાત્મ તત્વ જડ કહેવાતા પદાર્થોમાં પણ છે, પરંતુ ગૂઢ, સૂક્ષ્મરૂપે, સુષુપ્ત અથવા અપ્રકટ છે એટલું જ. જગદીશચંદ્ર બોઝે એ પ્રાચીન વિચારધારા પર વૈજ્ઞાનિક સંશોધનની મહોર મારી એવું કહી શકાય. ગુરુત્વાકર્ષણ, સાપેક્ષવાદ તથા વનસ્પતિમાં જીવતત્વ હોવાના સિદ્ધાંતો તો સંસારમાં પહેલેથી જ કામ કરી રહ્યા હતા. ન્યૂટન, આઈન્સ્ટાઈન તથા જગદીશચન્દ્ર બોઝે એને નવેસરથી પેદા નથી કર્યા પરંતુ શોધી કાઢ્યા કે સિદ્ધ કર્યા છે.

અવનિમાં અમેરિકાનું અસ્તિત્વ તો લાંબા વખતથી હતું, પણ કોલંબસે એની શોધ કરી ત્યારથી જ લોકો તો એને જાણતા થયા. કોલંબસ અમેરિકાના એ અવનવા પ્રદેશનો સર્જક ન હતો પણ સંશોધક હતો, અથવા કહો કે સૌથી પ્રથમ જોનારો હતો. તેવી જ રીતે પેલા વૈજ્ઞાનિકો પણ લાંબા વખતથી કામ કરનારા નૈસર્ગિક નિયમોના કે રહસ્યોના દ્રષ્ટા અથવા ઉદ્દગાતા હતા.

આટલી વાત જો સારી પેઠે સમજાઈ ગઈ હશે તો ૠષિઓને ‘દ્રષ્ટા’ શા માટે કહેવામાં આવે છે એ હકીકત પણ સહેલાઈથી સમજાઈ જશે. ૠષિઓની એવી મક્કમ માન્યતા હતી કે પરમાત્માની પેઠે તેમનું જ્ઞાન પણ સનાતન છે, અથવા તો અનંતકાળથી ચાલ્યું આવે છે. એ જ્ઞાનનો પાવન પ્રકાશ પરમાત્માની પેઠે શાશ્વત છે, હતો અને રહેશે. ૠષિઓએ તે તપ તથા પવિત્રતાનો આશ્રય લઈને પરમાત્માની કૃપાથી એ જ્ઞાનને ઝીલ્યું તેમજ પ્રગટ કર્યું છે એટલું જ. એ જ્ઞાનના એ સ્ત્રષ્ટા કે સ્વામી નથી પરંતુ દ્રષ્ટા છે. એ અનાદિ, શાશ્વત જ્ઞાનપ્રકાશને સંસારના હિત માટે પ્રકટ કરવામાં અને પ્રસરાવવામાં પોતે માત્ર નિમિત્ત બન્યા હોવાથી, એના પર એમણે માલિકીપણાની મહોર નથી મારી. એ જ્ઞાન પરમાત્માનું પોતાનું કે પરમાત્મામય છે એવું એમણે જાહેર કર્યું છે. એમાં એમની પ્રખર પરમાત્મપરાયણતા તથા નમ્રતા દેખાય છે. વેદ જેવા જ્ઞાનગ્રંથોને એવા વિશાળ ભાવાર્થમાં જ મનુષ્યરચિત નહિ પરંતુ ઈશ્વરપ્રણીત કહેવામાં આવે છે.

માનવજાતિના પરમ મંગલને માટે ધર્મનો જે સંદેશ એમણે આપ્યો એ ધર્મના પર પણ કોઈ વિશેષ વ્યક્તિની મહોર મારવાને બદલે, એ ધર્મને એમણે ‘સનાતન ધર્મ’ના વિશાળ નામે ઓળખાવ્યો છે. એને ‘વૈદિક ધર્મ’ કે ‘હિંદુ ધર્મ’ પણ કહેવામાં આવે છે. દુનિયાના બીજા ધર્મો કોઈ ને કોઈ મહાન ધર્મસંસ્થાપકના નામ સાથે સંબંધ ધરાવે છે, અને એમના વિના એ ધર્મો ટકી નથી શકતા. જો એ ધર્મસ્થાપકોનાં નામોને કાઢી લઈએ તો એ ધર્મોનો સમગ્ર આત્મા ચાલ્યો જાય છે. પરંતુ સનાતન ધર્મનું તેવું નથી. તે તો સિદ્ધાંતો અને આદર્શોના આધાર પર ઊભો થયો છે, સુદ્રઢ બન્યો છે, ને એમને અગત્ય આપી આગળ વધ્યો છે.

બીજા ધર્મો પોતાના એકાદ ધર્મસ્થાપકના જીવન માટે ગૌરવ લે છે, પરંતુ ભારતના સનાતન ધર્મમાં તો એવા એકેકથી ચઢિયાતા, અનેક લોકોત્તર મહાપુરુષો પેદા થયા છે. છતાં પણ એ ધર્મનો આત્મા એવા પ્રતાપી પુરુષોમાં જ સીમિત નથી થયો. એના સિદ્ધાંતો શાશ્વત છે અને ભારતની જ નહિ પરંતુ સૃષ્ટિની સઘળી પ્રજાઓને માટે કામના છે. એટલા માટે જ એ સનાતન છે, સર્વોપયોગી છે અને સર્વમંગલ છે.

વ્યક્તિપૂજા ભારતમાં ચાલુ થઈ છે અને મહાન લોકોત્તર વ્યક્તિની પૂજાનો પ્રસાર થયો છે; પરંતુ વ્યક્તિને ‘પરમાત્માની પ્રતિનિધિ’ માનીને જ પૂજવામાં આવી છે. એ દ્રષ્ટિએ જોતાં વ્યક્તિને નહિ પણ પરમાત્માને જ પૂજ્ય તથા પ્રશસ્ય માનવામાં આવ્યા છે, અને એમનો જ આરાધ્ય અને આદર્શરૂપે અંગીકાર થયો છે. માટે તો ધર્મને કોઈ વ્યક્તિવિશેષના નામની સાથે સાંકળી લેવાને બદલે, એને સનાતન સિદ્ધાંતો તથા સનાતન પરમાત્માની પ્રાપ્તિનું સાધન, વાહન કે માધ્યમ માનીને, સનાતન ધર્મનું સારવાહી નામ આપવામાં આવ્યું છે. સનાતન ધર્મનું એ રહસ્ય શાંતિપૂર્વક સમજવા જેવું છે.

(૨)  જ્ઞાન અને વિજ્ઞાન

આવા મહાન ધર્મ અથવા તો એની અભિવ્યક્તિ કરનારી સાંસ્કૃતિક પરંપરા માટે ખરેખર ગૌરવ લેવા જેવું છે. એ ધર્મ કે સંસ્કૃતિના વારસાને માટે કોઈપણ પ્રજા ગૌરવ અથવા આદરભાવની અધિકારિણી બની શકે છે. એની પરંપરામાં આપણને પણ શ્વાસ લેવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે એ કાંઈ જેવીતેવી વાત નથી. એનો પૂરેપૂરો લાભ લઈએ અને આપણા તથા બીજાના જીવનને ઉજ્જવળ કરવાનો પ્રયત્ન કરી છૂટીએ એ આવશ્યક છે. એ ધાર્મિક કે સાંસ્કૃતિક પરંપરાને સારી પેઠે સમજીને વધારે પ્રતાપી ને પ્રકાશવાન બનાવવામાં જીવનનો વિનિયોગ કરીએ, અથવા એને અધિક સૌરભથી ભરીએ, એથી વિશેષ રૂડું બીજું શું હોઈ શકે ?

સનાતન ધર્મ વેદ, ઉપનિષદ કે ગીતા જેવા ગ્રંથોનો જ બનેલો છે એવું નથી સમજવાનું. એ ગ્રંથો ને એવા બીજા ગ્રંથો એના પ્રાણનું પ્રતિનિધિત્વ કરે છે અને એને સમજવામાં સહાય કરે છે એ સાચું, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે એનો આત્મા એવા બધા ગ્રંથોમાં જ સીમિત કે કેદ નથી થયો. એ તો અનંત છે, એ કોઈ ગ્રંથોના માળખામાં પૂરેપૂરી રીતે પુરાઈ શકે તેમ નથી. માટે તો એ ધર્મના બે સ્વરૂપો માનવામાં આવ્યાં છે. એક તો એનું શાસ્ત્રોમાં સાકાર થતું સ્વરૂપ ને બીજું સ્વાનુભવના ક્ષેત્રમાં પ્રવેશ કરવાને પરિણામે પ્રાપ્ત થતું સ્વરૂપ. એના આત્માને અનુભવવા માટે માણસે  શાસ્ત્રોમાં સીમિત બનીને, સંતુષ્ટ થઈને બેસી રહેવાને બદલે, અંતરંગ સાધનોનો આધાર લઈને અનુભૂતિની દુનિયામાં ઊંડા ઊતરવું જોઈએ. જે સિદ્ધાંતો બુદ્ધિ દ્વારા સમજાયા ને સાચા લાગ્યા છે તેને આચારમાં અનુવાદિત કરવા, જીવનમાં જીવવા, સંમિશ્રિત કે આત્મસાત્  કરવા કોશિશ કરવી જોઈએ. ત્યારે જ ધર્મનું સાચું સ્વરૂપ સમજાઈ શકે અને એના આત્માનો આનંદ પણ ત્યારે જ મળી શકે. એ વાતને સમજાવવા માટે જ શાસ્ત્રીય પરિભાષામાં ‘શ્રોત્રિય’ અને ‘બ્રહ્મનિષ્ઠ’ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે. માણસે શ્રોત્રિય એટલે વિદ્વાન તો બનવાનું જ છે, પરંતુ બ્રહ્મનિષ્ઠ બનીને સાચા અર્થમાં વિદ્-વાન પણ થવાનું છે, મતલબ કે બ્રહ્મતત્વને પ્રત્યક્ષ રીતે અનુભવવાનું છે. ત્યારે જ તેનું જીવન કૃતાર્થ બની શકે. જ્ઞાન અને વિજ્ઞાન-અનુભવમાંથી ઉત્પન્ન થયેલું વિશેષ જ્ઞાન- બંનેનો એણે સમન્વય સાધવાનો છે. એના વિના એની દશા સહદેવ જેવી કરૂણ ને અસહાય થઈ પડવાની. જે જાણે તેને આચરણમાં ઉતારી ના શકવાથી, સ્વાનુભવના વિશેષ જ્ઞાનથી સંપન્ન ના કરવાથી, એનો અંતરાત્મા અહર્નિશ આક્રંદ કર્યા કરવાનો ને શાંતિ નહિ મેળવવાનો. એ જ્ઞાન એને માટે બોજારૂપ બની જવાનું પરંતુ મુક્તિ, પૂર્ણતા, કલ્યાણ કે જીવનની સમુન્નતિનું સાધન નહિ બનવાનું.

(૩) વિશ્વધર્મની યોગ્યતા

‘જીવો અને જીવવા દો’માં સંપૂર્ણપણે માનનારી આ ધર્મની પ્રજા પોતાના જીવનના શૈશવકાળથી માંડીને છેક આજ સુધી પોતાની સીમાઓ છોડીને દુનિયાના કોઈપણ દેશને જીતવા કે પરાધીન બનાવવા બહાર નથી ગઈ. ‘વસુધૈવ કુટુંબકમ્’ અથવા ‘આત્મવત્ સર્વભૂતેષુ’માં માનનારી એ પ્રજાએ પોતાને ત્યાં જે જે ઈતરધર્મી લોકો આવ્યા એમનું ઉછળતે હૃદયે સ્વાગત કર્યું છે, ને એમને આદરણીય આસન ધર્યું છે. ‘માતૃવત્ પરદારેષુ, પરદ્રવ્યેષુ લોષ્ટવત્’નો સામાજિક જીવનનો મહામૂલો વ્યવહારમંત્ર પૂરો પાડનારા તેમજ યમ-નિયમ જેવી યોગસાધનાની પરંપરા પેદા કરનારા એ ધર્મે ધર્મને કેવળ વાદવિવાદ કે ચર્ચાવિચારણા ક્ષેત્રમાં જ જકડી નથી રાખ્યો, પરંતુ જીવનનો શ્વાસોચ્છવાસ, પ્રાણ કે ધડકાર બનાવ્યો છે. એણે શ્રેય અને પ્રેયનો સમન્વય સાધી, એની સમતુલા સાચવીને, જીવનને સર્વાંગી તથા પરિપૂર્ણ કરવાની સાધના પૂરી પાડી છે. એણે સૌનું શુભ ચાહ્યું છે, સૌનું મંગલ, ને સૌનું શ્રેય. નિંદાખોરી, દબાવ, ભય, પ્રલોભન, ધાકધમકી તથા પોતાના પ્રચારની બીજી છળકપટભરી તરકીબોથી એ દૂર રહ્યો છે. એનું મગજ આકાશમાં ઉડતું રહ્યું છે, અને એના પગ પૃથ્વી પર સ્થિર થયા છે. એની ઉદારતા, વિશાળતા તથા મહાનતા અપાર છે. અને એથી જ ઉત્તમોત્તમ તત્વોને લીધે જ એ આજે પણ શ્વાસ લે છે ને શ્વાસ લેશે. સંસારની કેટલીય સંસ્કૃતિઓ અસ્ત થઈ, પરંતુ એનું જીવન અમર છે. સમસ્ત સંસારનો ધર્મ બનવાની એનામાં પૂરતી યોગ્યતા છે. એવો વિશ્વધર્મ બનશે કે કેમ અને બનવો જોઈએ કે કેમ, એ વાત જુદી છે, પરંતુ જો એની રચના થવાની જ હોય તો બીજા બધા ધર્મો કરતાં સનાતન ધર્મ એને માટે અધિક લાયકાતો ધરાવે છે એવું જાહેર કરવામાં કોઈ પણ પ્રકારના સંકોચને સ્થાન નથી રહેતું.

(૪) વિશેષતા

આ સનાતન હિંદુધર્મ કેવો છે તે જાણો છો ? એક વિશાળ વટ-વૃક્ષ જેવો, સંગ્રહસ્થાન જેવો કે જથ્થાબંધ માલની મોટી દુકાન જેવો. એની કેટલીય શાખા-પ્રશાખાઓ છે, અને એના પર કેટલાંય પંખીઓએ માળા બાંધ્યા છે. એમાં સામગ્રી પણ ભાતભાતની ને જાતજાતની છે. બીજા ધર્મો સાધન કે ઉપાસનાની એકાદ પદ્ધતિ જ પૂરી પાડે છે. પરંતુ આ ધર્મમાં એ માટેની અનેક પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. જેવી જેની પ્રકૃતિ તથા રુચિ તે પ્રમાણે તે તેવા સાધનનો આધાર લઈ શકે છે.

ખ્રિસ્તી ધર્મમાં જાવ તો તે તમને ઈશુ તથા મેરીની ઉપાસના કરવાનું તથા બાઈબલ વાંચવાનું શીખવશે. બુદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધ તથા અવલોકિતેશ્વર અને ધમ્મપદ કે ત્રિપિટકની રજૂઆત થશે. ઈસ્લામમાં મોહમદ સાહેબને પયગંબર તથા કુરાનને ધર્મગ્રંથ માનવાનું કહેવામાં આવશે. પરંતુ સનાતન ધર્મનું તેવું નથી. તેમાં નિર્ગુણ તથા સગુણ બંને પ્રકારની પૂજાપદ્ધતિઓનો સમાવેશ થયો છે.

સગુણ ઉપાસનાના પણ અનેક પ્રકાર છે. રામ, કૃષ્ણ, શંકર, દેવી, સૂર્ય અને મંત્રજપ પણ પ્રણવથી માંડીને બીજા કેટલાય છે. યોગ, ભક્તિ, કર્મ ને જ્ઞાનની ચતુર્વિધ સાધનામાંથી કોઈનોય આધાર લઈને આગળ વધી શકાય છે. ધર્મના ગ્રંથો પણ વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્ર, સ્મૃતિ, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત જેવા વિવિધ છે. એમાંથી રુચિ પ્રમાણે લાભ લઈ શકાય છે. અને કોઈનોય આશ્રય યોગ્ય ના લાગે તો કોઈયે મંત્ર, ગ્રંથ, સંપ્રદાય કે વ્યક્તિવિશેષમાં મન લગાડ્યા વિના સ્વતંત્ર રીતે પણ વિકાસ કરી શકાય છે. ધર્માનુષ્ઠાનની આટલી બધી સ્વતંત્રતા, ઉદારતા, વિશાળતા તથા પસંદગીનો આટલો મોટો અવકાશ, સનાતન ધર્મ વિના બીજે ક્યાંય નહિ મળે. સનાતન ધર્મની એ આગવી વિશેષતા છે. એ એની વિશેષતા નથી. પરંતુ સબળતા છે; એનું દૂષણ નહિ, પરંતુ ભૂષણ છે; એની કુરૂપતા નહિ, પરંતુ શોભા છે. બધા ધર્મોને એ પોતાની અંદર સમાવી લેવાની ક્ષમતા ધરાવે છે. એમાં સાધનો અનેક છે, પરંતુ સાધ્ય એક. એક પરમાત્માના પરિચયનો જ એ સંદેશ આપે છે. જીવનનું ધ્યેય એ એક જ બતાવે છે- મુક્તિ, પૂર્ણતા કે પરમાત્માનો સાક્ષાત્કાર. એની વિવિધ સાધનપ્રણાલિમાં અંદરખાને એકતા છે અને સંવાદિતા છે એ નથી ભૂલવાનું.

(૫) ધર્મના સંરક્ષણની જરૂર

સનાતન ધર્મનું સાચું સ્વરૂપ આટલું બધું ઉત્તમ હોવા છતાં એના ભવ્ય ભૂતકાળ તેમજ એના ઉચ્ચતમ આદર્શોનાં ગુણગાન ગાવા માત્રથી જ કાંઈ નહિ વળે. કોઈ પણ ધર્મની ઉત્તમતા કે ભવ્યતાને ચિરંજીવ રાખવી કે ટકાવી રાખવી હોય તો તેના પ્રવાહને વહેતો રાખવો જોઈએ, એનો લાભ લેવો જોઈએ. કમનસીબે વર્તમાનકાળમાં પરિસ્થિતિ એથી ઊલટી જ દેખાય છે. ધર્મનો પ્રવાહ વહે છે ખરો, પરંતુ એનો લાભ લેનારા બહુ થોડા છે. પ્રજાનો એક વર્ગ ગમે તે કારણથી પ્રેરાઈને પણ એમાંથી પોતાની શ્રદ્ધા ગુમાવી બેઠો છે ને ગુમાવતો જાય છે, તથા બીજો વર્ગ ત્રિશંકુની પેઠે અવિશ્વાસ અથવા આશંકામાં જ જીવ્યા કરે છે. એ વર્ગે ધર્મના સારતત્વને સમજવાની તથા પચાવવાની કોશિશ ભાગ્યે જ કરી છે. એને એની બહુ પડી હોય એમ પણ નથી લાગતું. તે ઉપરાંત, બીજા ધર્મપ્રચારકો અનેક ભળતા કે વિકૃત માર્ગોનો આધાર લઈને, યુક્તિપ્રયુક્તિ તથા છળકપટ અજમાવીને કે લોકોની લાચારીનો લાભ લઈને એમનું ધર્માંતર કરવાની પ્રખર પ્રવૃત્તિઓ કર્યા કરે છે. એને લીધે હજારો લોકો પોતાનો પરંપરાગત ધર્મ છોડી દે છે. હિંદુધર્મીઓ તો પોતાના ભૂતકાળના ભવ્ય વારસાના મિથ્યાભિમાનમાંથી જ ઊંચા નથી આવતા, એટલે એમને તો પોતાના પ્રચારની પડી છે જ ક્યાં ? સરકાર પણ એ પ્રત્યે ઉદાસીન છે. પરિણામે તાજેતરના વસ્તીગણતરીના આંકડાઓએ બતાવી આપ્યું છે કે હિંદુઓની સંખ્યા ઘટી છે, ઘટતી જાય છે ને ઈતર ધર્મી વધતા જાય છે. આ પરિસ્થિતિ ભારે કરુણ અને ખેદજનક છે. કહો કે જોખમકારક છે. અને વેળાસર ચેતીને એનો ઈલાજ નહિ કરવામાં આવે તો એક સમય કદાચ એવો પણ આવશે કે પોતાના ધર્મનું ગૌરવ લેનારી હિંદુ પ્રજા પોતાની જ નબળાઈનો ભોગ બનીને, પોતાના જ દેશમાં, પોતાનો ધર્મ આટલો બધો પ્રખર અને પ્રાણવાન હોવા છતાં, તદ્દન લઘુમતિમાં મુકાઈ જશે.

સૌથી પહેલાં તો હિંદુ ધર્મના નામે જે વાડાબંધી, સાંપ્રદાયિકતા, મતમતાંતર અને એમાંથી ઉત્પન્ન થયેલ વૈમનસ્ય ને ફાટફૂટ છે તેને દૂર કરી, પ્રત્યેક હિંદુ ધર્માવલંબી પોતાના ધર્મ ગૌરવ સાથે, ધાર્મિક જીવન જીવતાં, એક જ પ્લેટફોર્મ પર સંપ, સ્નેહ કે સહકારની ભાવના સાથે ઊભો રહે એવી પરિસ્થિતિ પેદા થવી જોઈએ. હિંદુધર્મના જે વિભિન્ન ડાળાંપાંખડાં છે એનાથી અલગતાવાદની ભાવના ના પોષાય, ને વિરોધ કે ભેદભાવની ખાઈ પેદા ના થાય એ અત્યંત આવશ્યક છે. એ બધી ધર્મપરાયણ પ્રજા પરસ્પર આક્ષેપ ના કરે, કાદવ ના ફેંકે, પરંતુ મદદરૂપ થઈને, મજબૂત બનીને ઊભી રહે એ જરૂરી છે.

બીજો માર્ગ શિક્ષિત વર્ગમાં ધર્મની સાચી સમજ પેદા કરવાનો, વધારવાનો અને અશિક્ષિત, પછાત કે ગરીબ વર્ગની સેવા કરવાનો છે. એની અસર પણ ઘણી સારી પડશે. શ્રીમંતોએ એને માટે છૂટે હાથે ધનની સહાયતા કરવાની રહેશે.

એની સાથે સાથે સરકારે પણ ભારતના મૂળ પુરાતન ધર્મ તરીકે વૈદિક ધર્મ કે હિંદુ ધર્મનું સંરક્ષણ કરવામાં રસ લેવો જોઈએ અને બનતી બધી જ રીતે મદદ કરવી જોઈએ. બીજા ધર્મીઓની વટાળપ્રવૃત્તિ તથા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાની સરકારની ફરજ છે. સૌ ધર્મના અનુષ્ઠાન માટે દેશમાં અવકાશ હોય, સૌ ધર્મો અભય પણ હોય, પરંતુ એનો અર્થ એવો નથી જ કે દેશે પોતાના પરંપરાગત મૂળ ધર્મમાં અને પોતાની અસલ સંસ્કૃતિમાં અથવા એના સંવર્ધનમાં રસ ના લેવો. એવો રસ ધર્મનિરપેક્ષ રાજ્યની વચ્ચે નથી આવતો.

એવી રીતે જો પ્રયત્નો કરવામાં આવે તો સનાતન ધર્મના ગૌરવને જીવતું અથવા અક્ષય રાખી શકાશે. બાકી કાળની કૂચમાં એનાં પગલાં પાછળ પડતાં જશે. સંભવ છે કે એ પોતાનો મહિમા પણ કદાચ ખોઈ બેસશે.

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #3 Jay Vora 2017-08-24 20:44
સમય ને રોકી દેવો મતલબ જો તમે " કિૃૃષ " મૂવિ જોયુ હોય
તો તેમા હીરોની વૈજ્ઞાનિક સાથે પહેલી મૂલાકાત થાય છે ત્યારે હિરો થોડી જ વારમાં એક મોટી બૂક વાંચી લે છે.. બસ આ જ સમજાય તો.
0 #2 અનિલ પટેલ 2017-07-29 18:11
મારો પ્રશ્ન ભગવદ ગીતા બાબતે છે , જો ગીતા એ કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ મૌખિક સંવાદ હતો જેને આ બે જણ સિવાય કોઇ એ સાંભળ્યો ના હતો , એવું પણ કહેવાય છે કે ત્યારે સમયને પણ કૃષ્ણ દ્વારા રોકી દેવામાં આવ્યો હતો તો પછી આ ગીતા કોણે લખી ?
0 #1 Parakh Raval 2011-10-29 10:06
fine-saras.

Add comment

Security code
Refresh

Facebook Feed

Recent Comments

 • મંગલ મંદિર ખોલો
  Vatsal Thakkar
  Now when I have heard it with explanation I can feel the depth of this poem. Superb one ...
   
 • Guest Book
  Ritesh S
  Thanks for the putting the spiritual content online. It is very very helpful.
   
 • Guest Book
  Deven Shah
  I am fond of the collection on this site. My favorite still remains Gujarati version of Shivmahima ...
   
 • સનાતન ધર્મનું રહસ્ય
  Jay Vora
  સમય ને રોકી દેવો મતલબ જો તમે " કિૃૃષ " મૂવિ જોયુ હોય તો તેમા હીરોની વૈજ્ઞાનિક સાથે પહેલી મૂલાકાત થાય ...
   
 • સુખદુઃખ મનમાં ન આણીએ
  Narimanji
  સુંદર .....અતિ સુંદર.
   
 • Guest Book
  Aatish Pandya
  Hari Om. In the sacred text section > Upanishad > Taitirri Upanishad > shikshawali not available. Can ...

Today's Quote

Wherever there is a human being, there is an opportunity for kindness. 
- Seneca (Roman Philosopher)

prabhu-handwriting

 • હિમાલયના પત્રો +

  હિમાલયના પત્રો લગભગ બે દાયકાના હિમાલય નિવાસ દરમ્યાન યોગેશ્વરજીએ લખેલ પ્રેરણાદાયી પત્રોનું સંકલન Read More
 • પ્રકાશના પંથે +

  પ્રકાશના પંથે સાધકો માટે ભોમિયાની ગરજ સારતી, મહાત્મા શ્રી યોગેશ્વરજીની સુપ્રસિદ્ધ આત્મકથા Read More
 • ભગવાન રમણ મહર્ષિ +

  ભગવાન રમણ મહર્ષિ યોગેશ્વરજીની સિદ્ધ કલમે તિરુવન્નામલૈના સુપ્રસિદ્ધ સંત શ્રી રમણ મહર્ષિના જીવન અને કાર્યો પર આધારિત ગ્રંથ Read More
 • સરળ ગીતા +

  સરળ ગીતા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો યોગેશ્વરજી દ્વારા કરાયેલ સરળ ગુજરાતી પદ્યાનુવાદ ... Read More
 • પરબનાં પાણી +

  પરબનાં પાણી શ્રી યોગેશ્વરજીની સિદ્ધ કલમે આલેખાયેલ સંત મહાપુરુષોના જીવનના પ્રેરણાદાયી પ્રસંગચિત્રો Read More
 • મહર્ષિની સુખદ સંનિધિમાં +

  મહર્ષિની સુખદ સંનિધિમાં મૌની સાધુ કૃત 'In days of great peace' નો શ્રી યોગેશ્વરજી દ્વારા કરાયેલો ગુજરાતી અનુવાદ Read More
 • 1

Nitya Path

Unable to embed Rapid1Pixelout audio player. Please double check that:  1)You have the latest version of Adobe Flash Player.  2)This web page does not have any fatal Javascript errors.  3)The audio-player.js file of Rapid1Pixelout has been included.

Ramayan

image

image

The Story of Lord Ram
દશરથપુત્ર ભગવાન રામના જીવનની કથા

Mahabharat

image

image

The Great Story of Bharat Dynasty
પાંડુના પાંચ પુત્રો (પાંડવો) અને ધૃતરાષ્ટ્રના સો પુત્રો (કૌરવો) વચ્ચે થયેલ મહાભયકંર યુદ્ધનો ઈતિહાસ.

Bhagavad Gita

image

image

The song celestial
ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને નિમિત્ત બનાવી માનવજાતિને અપાયેલ સંદેશ.