દિન છે અમુલખ આ એકેક.
મુલ્યવાન પળપળ જીવનની,
શ્વાસોશ્વાસ હરેક;
જીવન આ તો અમોઘ આખું,
એમાં ના અતિરેક ... દિન છે.
ઉત્તમ નિધિ છે સાચે આ તો,
ભાગ્યોદય છે છેક;
વ્યર્થ ન ખોજે જોજે તેને,
લેજે લાભ અનેક ... દિન છે.
પ્રમાદ છોડી યત્ન કરે જે
આદર્શ લઈ નેક;
તે પામે મુક્તાફલ મોટું,
નિત્ય નિભાવી ટેક ... દિન છે.
પ્રવાહ જેમ વહે કાલનદી,
તરંગ આ એકેક;
વહી જાય તે ફરી ન આવે,
નિયમ સનાતન છેક ... દિન છે.
પ્રેમધન કમાઈ લે ભાઈ,
રાખ સદાય વિવેક;
‘પાગલ’ પુરુષારથ કર તો તો
ધન્ય બની જા છેક ... દિન છે.
- © શ્રી યોગેશ્વરજી