Text Size

અનન્ય ભક્તિભાવ

અનન્ય શ્રદ્ધાભક્તિથી સંપન્ન બનીને સંસારમાં માનવો જુદા જુદા કર્મોમાં સફળતા મેળવે છે. વૈજ્ઞાનિક પોતાની પ્રયોગશાળામાં દિવસો સુધી સ્વેચ્છાપૂર્વક કેદ બને છે, પ્રયોગો કરે છે, અને અંતે ધારેલી સિદ્ધિની પ્રાપ્તિ કરે છે. પર્વતો પર આરોહણ કરનારા પુરુષો મક્કમ મનથી, યુક્તિપ્રયુક્તિથી, ક્રમશ: આગળ વધે છે ત્યારે આખરે વિજયી બને છે. એવરેસ્ટના શિખરને સર કરવા માટે કેટલાય માનવીએ પ્રયત્નો આરંભ્યા. એમાંના કેટલાય એ પુરુષાર્થની પાછળ ફના થઈ ગયા, કેટલાય ગ્લેસિયર્સમાં વહી ગયા, તો પણ માનવની પ્રચંડ ઈચ્છાશક્તિ અને સાહસવૃત્તિ મરી નહીં. એક દિવસ એનો વિજય થયો અને એણે અજેય મનાતા એવરેસ્ટ પર વિજયધ્વજ ફરકાવ્યો. અદ્દભુત શ્રદ્ધા-ભક્તિથી અને અવિરત પુરુષાર્થથી શું નથી થતું ? જંગલી જનાવરોને વશ કરાય છે, પ્રબળકાય પ્રચંડ પર્વતોને તોડીને તેમાંથી રસ્તા બંધાય છે, સમુદ્રની પાર પહોંચાય છે, પૃથ્વીની પ્રદક્ષિણા થાય છે અને ચંદ્ર જેવા ગ્રહોમાં ઊતરાય છે.

અનન્ય ભક્તિભાવ વિના કોઈ પદાર્થની પ્રાપ્તિ થઈ શકે છે ખરી ? ના. પરમ પદાર્થ પરમાત્માની તો નહીં જ. પરમાત્માની પ્રપ્તિ માટે તો એકધારી અખંડ અનન્ય ભક્તિ જોઈએ. માટે તો ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે કે અર્જુન, એ પરમ પુરુષ પરમાત્માની પ્રાપ્તિ અનન્ય ભક્તિ દ્વારા જ કરી શકાય છે. पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया ।

અનન્ય ભક્તિમાં શેનો શેનો સમાવેશ થાય છે તે જાણો છો ? પરમાત્માને માટેના પરમ પ્રેમનો સમાવેશ તો એમાં થાય છે જ, પરંતુ એ ઉપરાંત, એની સાથે સાથે શ્રદ્ધા, સમર્પણ ભાવ અને લગનપૂર્વકના પુરુષાર્થનો સમાવેશ પણ થઈ જાય છે. ભક્તિનું વિશાળ કલેવર એ સૌના સહયોગથી જ શક્ય બને છે.

પરમાત્માના સાક્ષાત્કારની ઊંડી લગન હશે પરંતુ તે લગનને સફળ કરવાની કે સંતોષવાની શક્યતાવાળો પુરુષાર્થ નહીં હોય તો લગન માત્ર લગન રહેશે, અને એથી આગળ વધીને જીવનમાં આનંદનો અનુભવ કરાવનારી વાસ્તવિકતા નહીં બને. એ પુરુષાર્થની પાછળ અસીમ શ્રદ્ધાની સામગ્રી નહીં હોય તો પુરુષાર્થ પણ પ્રેરણાહીન અને નિષ્પ્રાણ બનશે, અને જો એની પાછળ આત્મ-બલિદાન કે સમર્પણ-ભાવનું પ્રેરક પીઠબળ નહીં હોય તો તેની સફળતા માટેની શક્યતા પણ બહુ ઓછી રહેશે. એટલા માટે તો ભક્તિની સાધનામાં એમનો ચોક્કસપણે સ્વીકાર કરવામાં આવ્યો છે.

એવી અનન્ય ભક્તિ બહુ ઓછા મનુષ્યોમાં જોવા મળે છે અને એટલે જ પરમાત્માનો સાક્ષાત્કાર સૌને માટે શક્ય નથી બનતો. અનન્ય ભક્તિથી સંપન્ન બનીને ભક્ત પરમાત્માને માટે મોટામાં મોટો ભોગ આપતા પણ નથી અચકાતો. એવી ભક્તિ એને માટે પરમાત્માનો પ્રત્યક્ષ પરિચય કરાવી આપનારી સચોટ સાધના બની જાય છે. એવી શ્રદ્ધા-ભક્તિની પ્રાપ્તિમાં કેટલીક વાર મન વચ્ચે આવે છે, તો પણ એનોયે ઉપાય નથી થતો એવું નથી સમજવાનું.

વિષધર અતિશય ચંચળ અને ભયંકર હોય છે. છતાં પણ મદારી ભારે કુશળતાપૂર્વક વશ કરે છે, પકડે છે અને ટોપલીમાં પૂરી દે છે. તે તો જાણો છો ને ? એ એની ઈચ્છાનુસાર નચાવે છે પણ ખરો. એ કેવી રીતે શક્ય બની શકે છે ? કહે છે કે પોતાના બીનમાંથી સંગીતના સુમધુર સ્વર છોડતો મદારી જંગલમાં જાય છે, ત્યાં સંગીતના શ્રવણથી મુગ્ધ થઈને સાપ આપોઆપ આવે છે અને ડોલે છે. પછી તો પરવશ બનેલા, ભાન ભૂલેલા, સાપને મદારી પકડે છે અને ટોપલીમાં કેદ કરે છે. એના મુખમાં ઝેરની બે કોથળીઓ હોય છે તે કોથળીઓ પણ તે કાઢી નાંખે છે. એથી સાપ શક્તિ વિનાનો તથા નિ:શસ્ત્ર બની જાય છે અને કરડે છે તો પણ એનું ઝેર નથી ચડતું.

મન પણ એવી જ રીતે ચંચળ, તોફાની અને ભયંકર કહેવાય છે. એનો સંયમ વાયુને વશ કરવા જેવો મુશ્કેલ મનાય છે. છતાં પણ એવી માન્યતાને લક્ષમાં લઈને હતાશ બની જઈશું ? કદાપિ નહીં. હતાશ બનવાથી કશું જ નહીં વળે. હતાશ થવાનું કોઈ કારણ પણ નથી. હતાશ બનવાને બદલે ઈશ્વરના સુમધુર નામસ્મરણ અથવા સંકીર્તનનો આધાર લઈશું. એ નામસ્મરણ અથવા સંકીર્તનના પ્રભાવથી મન લાંબે વખતે છતાં આપોઆપ વશ થઈ જશે, અને પોતાની ચંચળતાનો ત્યાગ કરશે. પછી એ અંતર્મુખ, એકાગ્ર, અથવા આત્મામાં કેન્દ્રિત બની જશે.

સાપને જેમ ઝેરની બે કોથળીઓ હોય છે તેમ મનની પણ ઝેરી બે કોથળીઓ છે : અહંતા અને મમતા. એમાંથી જ રાગ અને દ્વેષની સૃષ્ટિ થાય છે. ઈશ્વરશરણ લેનાર વિવેકી ભક્ત એ બંને પ્રકારની કોથળીઓમાંથી મુક્તિ મેળવશે એટલે એનું ઝેર બીજાને તો નહીં લાગે પરંતુ સાથે સાથે એના પોતાના જીવન પર પણ વિઘાતક અસર નહીં કરે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Wise people talk because they have something to say; fools, because they have to say something.
- Plato