Text Size

વાતો કરતાં શીખો

મારા આજના વિષયનું શીર્ષક છે ‘વાતો કરતાં શીખો’. એના પરથી કોઈને કહેવાનું મન થશે કે એ વિષય નવો નથી, કારણ કે આપણે વાતો તો કરીએ જ છીએ; એ સંબંધમાં શીખવા જેવું કાંઈ જ નથી. પરંતુ મારા વિચારોને સાંભળ્યા અથવા સમજ્યા પછી થશે કે વાતો કરવાની કળામાં આપણે જુદી જ જાતની કુશળતાની પ્રાપ્તિ કરવાની છે. આપણે વાતો તો કરીએ જ છીએ, અને કેટલીકવાર મર્યાદાની બહાર જઈને વધારે પડતી વાતો પણ કરીએ છીએ, પરંતુ એ વાતો માનવની સાથેની હોય છે; પરમાત્મા સાથેની નથી હોતી. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આપણે માનવો સાથે વાત કરીએ છીએ તેમ પરમાત્મા સાથે વાતો કરતાં શીખવું જોઈએ.

પરમાત્મા સાથે વાતો કરતાં ? હા, પરમાત્મા સાથે વાતો કરતાં. હવે તમને આશ્ચર્ય સાથે લાગતું હશે કે મારો વિષય નવો છે. આપણે જપ કરીએ છીએ, ધ્યાન ધરીએ છીએ, પ્રાર્થના, પાઠપૂજા કે સ્વાધ્યાય કરીએ છીએ, દેવમંદિરમાં જઈએ છીએ, ધર્મ-ભક્તિ-યોગ અથવા સાધનાને નામે કેટલીય નાનીમોટી પ્રવૃત્તિઓનો આધાર લઈએ છીએ. એ સઘળી સાધનાવિષયક પ્રવૃત્તિઓની સાથે સાથે, સંયુક્ત રીતે અથવા સ્વતંત્ર રીતે, પરમાત્મા સાથે વાર્તાલાપ કરતાં પણ શીખવું જોઈએ. એ પરમાત્મા આપણી અંદર અને બહાર સર્વત્ર વિરાજે છે, આપણી તદ્દન પાસે છે, પ્રાણની પણ પાસે છે, એવું સમજીને, અને એ આપણી વાતને સહાનુભૂતિપૂર્વક સસ્નેહ સાંભળે છે એવો વિશ્વાસ રાખીને એમની આગળ આપણા અંતરને ઠાલવતા. મનોભાવોની, વિચારોની, લાગણીઓનાં તરંગોની અભિવ્યક્તિ કરતાં અથવા આત્મનિવેદન કરતાં શીખવું જોઈએ. જેમ જેમ એ પ્રકારના અંતરંગ આત્મીયતાપૂર્વકના અભ્યાસની અભિવૃદ્ધિ થશે તેમ તેમ સમજાશે અને અનુભવાશે કે એ પરમ પ્રેમમય પરમ શક્તિસંપન્ન પરમાત્મા આપણી સઘળી પ્રકટ-અપ્રકટ વાતોને અથવા સમસ્યાઓને સાંભળે છે, એમના સંતોષકારક સમ્યક્ પ્રત્યુત્તર પૂરા પાડે છે, પ્રેરણા-પથપ્રદર્શન-પ્રશાંતિ પહોંચાડે છે, તન-મન-અંતરને પુલકિત કરે છે, જીવનમાં નવું જોમ ભરે છે, અને આપણાં શાશ્વત સાચા સાથી, સુહૃદ કે સારથિ થઈને આપણને અંધકારમાંથી પ્રકાશમાં, બંધનમાંથી મુક્તિમાં ને અપૂર્ણતામાંથી પૂર્ણતાની પાવન પ્રદેશ-દિશામાં દોરે છે. આપણને શોક તથા મોહમાંથી છોડાવે છે, ભયરહિત બનાવે છે અને આવશ્યક આશ્વાસન આપે છે.

પરમાત્માની સાથે વાતો કરવાની કળાને લીધે જપ તથા ધ્યાનની સાધના વધારે સજીવ, સ-રસ, સફળ થશે, દેવદર્શન, પાઠપૂજા અને પ્રાર્થના યાંત્રિક બનવાને બદલે ચિન્મય બનશે. જીવન પરમાત્માના પ્રેમથી પરિપ્લાવિત, શ્રદ્ધાભક્તિથી ભરપૂર, જ્યોર્તિમય બનશે. આરંભમાં એક આસન પર, એક સ્થળમાં, એક સુનિશ્ચિત સમયે બેસીને એવો વાર્તાલાપ કૃત્રિમ રીતે કરવો પડશે: પછી વખતના વીતવાની સાથે જેમ જેમ આગળ વધાશે તેમ તેમ નૈસર્ગિક બનશે, સહજ થશે, ને સર્વ સમયે અને સ્થળે થયા કરશે. પરમાત્માના સાક્ષાત્કાર તેમ જ સનાતન સંબંધનું સાધન બનશે.

પરમાત્મા સાથે વાતો કરતાં શીખવું એ પણ એક સ્વતંત્ર સુંદર શ્રેયસ્કર સાધના જ છે.

- શ્રી યોગેશ્વરજી

Comments  

+1 #1 Pushpa Rathod 2011-07-27 23:07
પરમાત્મા સાથે વાતો કરો એમ કહો છો પરંતુ આ તો રોજ પ્રભુને હેરાન કરવું ન કહેવાય? કારણ કે રોજ શરીર, મન, સ્વભાવ, બદલાય અને ફરિયાદ કરવું એમ ન કહેવાય? તો રોજ મરે અને કોણ રોવે?

Today's Quote

Change your thoughts and you change your world.
- Norman Vincent Peale