if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દુનિયામાં દુઃખનો પાર નથી. દુનિયા દુઃખથી ભરેલી છે એમ કહીએ તો ચાલે. કેટલાય લોકો દુઃખી છે. એ લોકો દુઃખમાંથી મુક્તિ મેળવવાની ઈચ્છા રાખે છે, અને એને માટે બનતા પ્રયાસ પણ કરે છે. કોઈના પ્રયાસ ફળે છે તો કોઈના નથી ફળતા, અથવા તો ઓછી માત્રામાં ફળે છે એ વાત જુદી છે

એવા દુઃખી લોકોના શારીરિક, માનસિક કે આત્મિક દુઃખને ઈચ્છા હશે તો પણ, તમે લઈ શકો તેમ નથી. તે દુઃખ તો તેમણે ભોગવવાનું જ છે. છતાં પણ તેમને મળવાનો અવસર આવે ત્યારે તેમને શાંતિથી મળજો તથા સાંભળજો. તેમનો તિરસ્કાર ના કરશો, તેમને જોઈને મોં પણ ના મચકોડશો, કે તેમની હાંસી પણ ના ઉડાવશો. તેમની જગ્યાએ જો તમે હો તો કેવા વર્તનની આશા રાખો તેનો વિચાર કરીને તેમની સાથે સહાનુભૂતિભરેલો વ્યવહાર કરજો. કોઈનું દુઃખ કોઈ લઈ લેતું નથી એ વાત સાચી છે છતાં પણ એ હકીકત પણ એટલી જ સાચી છે કે આપણો પ્રેમમય અથવા તો માનવતાભરેલો વ્યવહાર બીજાના દુઃખદર્દને માટે મલમપટ્ટાનું કામ કરે છે: આપણી મીઠી નેહભરી નજર કોઈકના અંતરને આશ્વાસન આપવામાં મોટો ભાગ ભજવે છે, અને આપણી ભાવથી ભરેલી ભાષા કેટલીક વાર માનવના સંતપ્ત હૃદયને સુધાસિંચન કરીને શાંત કરવામાં અનેરો સહયોગ આપતી હોય છે. આપણે ધારીએ છીએ તેના કરતાં તેની અંદર ઘણી ભારે શક્તિ સમાયેલી છે. એ શક્તિથી બીજાને માટે રાહતરૂપ થઈ શકાય છે. એટલે વિચાર, વાણી ને વર્તન દ્વારા એવી રીતે બીજાને આશ્વાસન આપવાનો પ્રયાસ કરી શકીએ, અને ભલે ઘડી-બે ઘડીને માટે અથવા તો કામચલાઉ વખતને માટે પણ, કોઈકના ક્લેશમય કાળજાને ટાઢક પહોંચાડી શકીએ, તો પણ ઘણું કામ કર્યું કહેવાશે. એટલી સેવા પણ ઓછી નથી. દુઃખી માનવોને સહાનુભૂતિ સાથે સાંભળીને બને તો તેમને દુઃખમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવીએ, અને મુક્તિ મેળવવામાં શક્ય એટલી સહાયતા કરીએ, તો તો એથી વિશેષ રૂડું બીજું શું હોઈ શકે ? પરંતુ ધારો કે એ શક્ય ના હોય તોપણ એમને શાંતિ, સ્નેહ તેમજ સમભાવથી સાંભળીએ તો ખરા જ. દુઃખી માનવો દુઃખને હળવું કરવા માટે અથવા તો પોતાના અંતરની વેદનાવરાળને બહાર કાઢવા માટે, કેટલીક વાર દ્વાર કે વાતાયનની આશા રાખતા હોય છે, અને એવી આશાથી જ આપણો સંસર્ગ સાધતા હોય છે. આપણે એમને નિરાશ કરીને વધારે વ્યથા ના પહોંચાડીએ, અને આપણી વાણી ને આપણા વર્તન દ્વારા કોઈ પણ કારણે વિશેષ દુઃખી તો ના જ કરીએ, એ માટે ખાસ તકેદારી રાખવાની છે.

દુઃખી લોકોએ પણ થોડીક વાતો યાદ રાખવાની છે. ભર્તુહરિનો પેલો પ્રખ્યાત શ્લોક તો સાંભળ્યો  છે ને ? તે શ્લોકમાં તે કહે છે કે, ‘હે ચાતક, મિત્રના શબ્દોને સાવધાન થઈને સાંભળી લે. આકાશમાં અનેકવિધ વાદળો વસે છે ને વિહાર કરે છે. પરંતુ તે સર્વે કાંઈ એકસરખાં થોડાં જ હોય છે ? કેટલાંક વાદળ વૃષ્ટિ કરીને ધરતીને ભીંજવી દે છે, તો બીજાં કેટલાંક વ્યર્થ ગર્જના કર્યા કરતાં હોય છે. તારી ઈચ્છાને તૃપ્ત કરનારું વાદળ તો તને કોઈક જ મળશે. માટે મહેરબાની કરીને જે જે વાદળને વિલોકે તેની તેની આગળ દીનતાભરેલાં આર્ત વચનો ના બોલીશ.’

દુઃખી જીવન વ્યતીત કરનારા, સુખની કામનાવાળા લોકોને પણ આપણે કહીશું કે જેની-તેની આગળ બેસીને તમારા દુઃખદર્દનું ગાણું ગાવાનો કશો જ અર્થ નથી. હજારોમાંથી કોઈક જ તમારા દુઃખને શાંતિથી સાંભળશે, અને તેમાંથી પણ ભાગ્યે જ કોઈ શક્તિ તથા શક્યતા હોવા છતાં પણ, તમને મદદરૂપ થવાની કોશિશ કરશે. માટે ચૌટે ને ચકલે, જેની-તેની આગળ, દુઃખના આરોહ-અવરોહ કરવાની આદત છોડી દો. એના કરતાં તો તમારી પાસેમાં પાસે, તમારા અંતરના અંતરતમમાં બેઠેલા, તમારા પ્રિયમાં પ્રિય, સૌથી શ્રેષ્ઠ અને સાચા સ્વજન જેવા પરમાત્માની પાસે તમારા દિલને ખુલ્લું કરી દો. તેની આગળ તમારા દુઃખનું નિવેદન કરતાં, તમારી જીવન સમસ્યાઓને રજૂ કરતાં, અને તેની સાથે વાર્તાલાપ કરતાં તથા તેની મદદ માગતાં શીખો. પરમાત્માના રૂપમાં તમારી પાસે તમારો પરમ પ્રિય પ્રામાણિક પથપ્રદર્શક ને મિત્ર બેઠેલો છે. ફક્ત તમે એને ઓળખતા નથી અને એનો સંપર્ક નથી સાધતા એટલું જ. એટલે જ એના મહિમાવંતા પાવનકારી પ્રકાશને નથી પામી શકતા, અને એની પ્રેરણા તેમજ સહાયતાથી વંચિત રહી જાવ છો. તમારાં દુઃખદર્દને ઘડીના છઠ્ઠા ભાગમાં દૂર કરીને જે તમને ઊંડી ને સનાતન શાંતિ આપી શકે તેમ છે, તેનું શરણ લેવાને બદલે, બીજાની પાસે તમે તમારાં દુઃખદર્દને ગાયા કરો છો, તેથી દુઃખનો સાચો ઈલાજ નથી થતો. ઈશ્વરની શરણાગતિ દુ:ખોની એકમાત્ર અકસીર ઔષધિ છે. એ ઔષધિનું સેવન કરવાની જરૂર છે.

દુઃખ આવે છે ત્યારે તેની નિવૃત્તિ માટે માણસ મહેનત કરે છે. સંતમહાત્મા, દેવતા ને જ્યોતિષી પણ ત્યારે જ વધારે યાદ આવે છે. ઈશ્વરસ્મરણ કરવાનું ને દેવદર્શન તથા તપવ્રતનો આધાર લેવાનું પણ ત્યારે જ વધારે ગમે છે. ગમે તેમ કરીને દુઃખ દૂર કરવાનો માણસનો મનોરથ હોય છે. એ મનોરથ સારો છે એમાં સંદેહ નથી. પરંતુ દુઃખના દિવસો દરમિયાન જ તપવ્રત કે સત્કર્મ કરવાં ને સુખના દિવસોમાં ના કરવાં એવું નથી સમજવાનું. ઈશ્વરની ભક્તિ તથા સત્મકર્મોનું અનુષ્ઠાન સુખ અને દુઃખ ઉભયમાં એકસરખું અમુલખ અથવા આવશ્યક છે. માણસનું મન ચંચલ તેમજ વિષયપરાયણ છે. સુખના દિવસોમાં તે છકી જાય છે, સન્માર્ગને તે ભૂલી પણ જાય છે, અને તેથી પોતાનાં જ દુષ્કૃત્યોના પરિણામરૂપે હાથે કરીને દુઃખને વહોરી લે છે. પછીથી એથી બેચેન બને છે. ઈશ્વરસ્મરણ તરફ પણ વળે છે. થોડું જ દુઃખ એવી રીતે કેટલીક વાર, જો માણસ સમજુ હોય તો, જીવનના ઉત્કર્ષ કે કલ્યાણની સહાયક સામગ્રી બની રહે છે. છતાં પણ, સુખના સોનેરી સમય દરમિયાન માણસે ચેતવાની, સાવધાન રહેવાની, સન્માર્ગગામી થવાની ને ઈશ્વરપરાયણ બનવાની જરૂર છે. જો સુખના સમય દરમિયાન સમજીને ચાલીએ અને ઈશ્વરસ્મરણ કરીએ તો દુઃખને આવવાનો અવસર જ ના આવે.

એટલે સુખના સમયમાં ખાસ સંભાળવાનું છે. છતાં પણ, મેં ઉપર કહ્યું તેમ, દુઃખના દિવસોનું ઈશ્વરશરણ તથા ઈશ્વરસ્મરણ પણ મિથ્યા નહિ થાય. દુઃખને સસ્મિત શાંતિપૂર્વક સહન કરવામાં અને એના ભારને હળવો બનાવવામાં એ ખાસ ભાગ ભજવશે, શાંતિ આપશે અને સઘળા સંજોગોમાં સહાયક તથા પ્રેરક થશે. માણસને ભાંગી પડતો બચાવવામાં તેમજ ટટ્ટાર રાખવામાં એ મહત્વનો, મહામૂલ્યવાન ફાળો આપશે.

તમારા જીવનમાં દુઃખ હોય તો તે દુઃખના નિરંતર જાપ કરી તથા તેને વધારે માની, તેથી હતપ્રભ ને હતાશ થયા વિના, તમારા કરતાં બીજા વધારે દુઃખી લોકોનો વિચાર કરો. દુનિયામાં તમારા કરતાં વધારે દુઃખી લોકો બીજા ઘણા છે. તેમનાં દુ:ખો પણ અનેક છે. કોઈ શરીરના અસાધ્ય વ્યાધિથી પીડાય છે, કોઈ ધન વિના પરેશાન થાય છે, કોઈ ઘર કે કુટુંબજીવનના ક્લેશકલહને પરિણામે અશાંતિરૂપી અસહ્ય અગ્નિમાં તપી રહ્યાં છે, તો કોઈ માનસિક દર્દોથી પીડાય છે, કોઈ ઘર વિનાનાં થઈને ફૂટપાથ પર જીવન વિતાવી રહ્યાં છે, કોઈને પૂરતું ખાવાનું નથી મળતું, તો કોઈ બીજી ઉપાધિ, ચિંતા, વેદના અને અછતનો શિકાર બની રહ્યાં છે. એવી રીતે ચારે તરફ દુઃખનો દાવાનળ સળગી રહ્યો છે. તેની સાથે સરખાવતાં તમારું દુઃખ તમને ઘણું ઓછું લાગશે, અને બીજા કરતાં તમારું ભાગ્ય કાંઈક વધારે સારું છે એવું તમને લાગ્યા વિના નહિ રહે. એવી રીતે વિચારતાં શીખશો તો તમારા આર્ત અંતરને આશ્વાસન મળશે.

એની સાથે સાથે જે થોડી કે વધારે અનુકૂળતા અને જે થોડું કે વધારે સુખ તમારા વર્તમાન જીવનમાં હયાતિ ધરાવે છે, તેનો વિચાર કરો, તેને ઓળખો, તેનો રસાસ્વાદ લો, અથવા તો તેની દ્વારા જીવનને હર્યું ભર્યું બનાવતાં શીખો, તો તમને બધી રીતે લાભ જ થશે. તેને માટે ઈશ્વરનો ઉપકાર માનો. કેટલીય વાર એવું પણ બને છે કે માણસ પોતાના જીવનનાં વાસ્તવિક રસ તથા સુખ અને આનંદને નથી ઓળખી શકતો, તેનો લાભ નથી ઉઠાવી શકતો, અને દૂરના અદૃશ્ય અથવા અશક્ય સુખની કલ્પના કરીને હાથે કરીને દુઃખી થયા કરે છે. જીવનમાં જે સ્વલ્પ પણ સુખ છે તે સુખનો સંપૂર્ણ સ્વાદ લેતાં ના આવડવાને લીધે જ વધારે ભાગના લોકો દુઃખી થતા હોય છે. સુખનો સ્વાદ લેતાં શીખવું એ પણ એક કળા છે, અને એ કળાથી ઘણા લોકો અનભિજ્ઞ હોય છે.

મોટામોટા ભક્તો, સંતો, જ્ઞાનીઓ અને મહાન પુરુષોના જીવન પર દૃષ્ટિપાત કરતાં જણાય છે કે તેમાંના મોટા ભાગના પુરુષો એક યા બીજી રીતે દુઃખી જ હતા. તેમને પ્રતિકૂળતા, કષ્ટ કે મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. તેમની જીવનયાત્રાનો માર્ગ સીધો કે સરળ ન હતો. તેમાં આકરા ચઢાવઉતાર, પથ્થર અને કંટક હતા. પીડાના પારાવારથી તે છવાયેલો હતો. રામ, કૃષ્ણ, ઈશુ, પ્રહ્લાદ, શંકર, તુકારામ, નરસી, તુલસી તથા મીરાંબાઈનાં નામ એ બાબત સવિશેષ ઉલ્લેખનીય છે. છતાં પણ એ દુઃખથી ડર્યા કે ડગ્યા નહિ. મુસીબતોથી મહાત ના થયા. પીડાથી પીડિત ના બન્યા. નિરાશા એમને નાસીપાસ ના કરી શકી. વેદના વલોવી ના શકી. પ્રતિકૂળતાથી એમનો પ્રાણ પામર ના બન્યો. ચિંતા એમને ચકરાવે ના ચઢાવી શકી. મુશ્કેલી, મુસીબત તથા મંથનમાં એ વધારે મજબૂત બન્યા, તેમ જ ઈશ્વરપરાયણ થયા. સંસારની અસારતા ને દુઃખમયતાને વધારે સારી રીતે સમજીને એ એનાથી વિશેષ ને વિશેષ ઉપરામ બન્યા. વૈરાગ્યના ભાવને વધારીને એ પોતાના જીવનનું શ્રેય સાધી ગયા. દુઃખ એમને સત્યના અપનાવેલા માર્ગમાંથી વિચલિત કરીને કે સિદ્ધાંતભ્રષ્ટ બનાવીને કુમાર્ગે ના લઈ ગયું. દુઃખને ઈશ્વરનો આર્શીવાદ માનીને એ એમાં પણ સુખનો સ્વાદ લેતા રહ્યા.

એમના જીવનમાંથી બોધપાઠ લઈને તમે પણ જીવનને સુખમય કરી શકો છો. જે દુઃખ પડવાનું છે તે તો પડવાનું જ છે. તો પછી તેને રડીને, કકળીને, કલ્પાંત કરીને કે બડબડાટ કરીને ભોગવવું એના કરતાં હસીને, શાંતિ રાખીને, મનની સ્થિરતા સાચવી રાખીને, એક વીરને છાજે એવી રીતે છાતીને લોખંડી કરીને ભોગવવું શું ખોટું છે? એને ભોગવ્યા સિવાય તો છૂટકો જ નથી. તો પછી કાળજાને કઠણ કરીને બનતી શાંતિપૂર્વક ભોગવવું એ જ સારું છે. એમાં જ બહાદુરી છે. માતા કુંતી એ કહે છે કે ભગવાન શ્રીકૃષ્ણ પાસે વરદાન માંગવાનું કહ્યું ત્યારે દુઃખ માંગ્યું. તેવી રીતે આપણે ઈશ્વરની પાસે દુઃખ નથી માંગવું. પરંતુ દુઃખ આવી જ પડે તો શું કરવું ? કુંતીએ કહેલું કે દુઃખમાં તમારું સ્મરણ વધારે થાય છે, અને સુખમાં તો વિષયાસક્ત થઈને જીવ તમને ભૂલી જાય છે, માટે જીવનમાં થોડુંક દુઃખ રહે એવી મારી માગણી છે. તે તો માતા કુંતીનું અને મહાભારતકાળનું દૃષ્ટિબિંદુ હતું. અત્યારે આપણે જુદા કાળમાં જીવીએ છીએ. એટલે દુઃખની માગણી નહિ કરીએ. ના, ઈશ્વરનું સ્મરણ કરવા માટે પણ નહિં. આપણે તો સુખની ને સંપૂર્ણ સુખની જ માગણી કરીશું. ફક્ત તે સુખ આપણા અંતરને મોહાંધ ના બનાવે, કુમાર્ગગામી ના કરે, અને આપણને માનવતારહિત કરી દઈને ઈશ્વરની વિસ્મૃતિ ના કરાવે, એનું જ ધ્યાન રાખવાનું છે, અને એવું ધ્યાન આપણે રાખીશું. છતાં પણ, જીવનમાં બધું આપણી ઈચ્છા, પસંદગી કે માગણી પ્રમાણે નહિ થાય. તેમાં સુખની સાથે દુઃખ અને અનુકૂળતાની સાથે પ્રતિકૂળતા પણ આવશે જ. છાયાની સાથે તાપની, શાંતિની સાથે અશાંતિની, નિશ્ચિંતતાની સાથે ચિંતાની, અને આનંદની સાથે શોક કે સંતાપની ક્ષણો પણ તેમાં આવવાની જ. તેવી ક્ષણો જીવનની કપરી કસોટી કરનારી સાબિત થાય છે. તે આપણા જીવનને બરબાદ ના બનાવે, હતાશ ના કરી દે, નિરર્થક જેવું ના લાગવા દે, નીરસ કે બોજારૂપ તેમજ ગરલાના ઘુંટડા જેવું કરાળ ના કરી દે, તે જોવાનું છે. જીવન પ્રત્યેની આપણી શ્રદ્ધાને આપણે ખોઈ ના બેસીએ અથવા તો જીવન, જગત અને આપણી શ્રદ્ધાને આપણે ખોઈ ના બેસીએ, એના પ્રત્યે વૈરાગી ના બની જઈએ તેમજ કેવળ નિરાશાવાદી દૃષ્ટિકોણ ના કેળવીએ તેનું ધ્યાન રાખવાનું છે.

પ્રતિકૂળતા, વિરોધ કે વિપત્તિથી કંટાળીને તથા હતાશ થઈને આપઘાત કરવાનો કે શરીરને શાંત કરી દેવાનો વિચાર કદાપિ ના કરો. સમજો કે પ્રતિકૂળતા, વિરોધ, વિપત્તિ કે દુઃખ સ્થાયી નથી. તે આવે છે તેમ ચાલ્યુ પણ જશે. તેથી ગભરાઈને, ડરીને કે નાસીપાસ થઈને, આટલા બધા કીમતી ને મહામહિમાવાળા જીવનનો અંત આણવાનો વિચાર કરવાનું કામ લેશ પણ પ્રશસ્ય અથવા આવકારદાયક નથી. એવા આપઘાતથી કોઈ જ હેતુ નહિ સરે. તે તો નબળા મનની નિશાની છે, નિર્માલ્યતા છે, ભૂલ છે, અપરાધ છે. માટે કાયર કે ડરપોક બનવાને બદલે હિંમત રાખો, તિતિક્ષા કેળવો, વજ્ર જેવા મજબૂત બનો, લોખંડી મનોબળ પેદા કરો. જીવનનો જંગ જટિલ છે. તે બહાદુર આત્માઓને માટે છે. તેમાં નામર્દ હોય છે તે સફળ નથી થઈ શકતા.

દુઃખને દૂર કરવાનો ઉપાય પણ નથી એવું થોડું છે ? ઈશ્વરના શરણ તથા સ્મરણથી તે દૂર થઈ શકે છે. ઈશ્વરની કૃપાથી કોઈયે દુઃખ અસાધ્ય નથી રહેતું. દુઃખમાત્રનો ઈલાજ છે. પરંતુ પ્રામાણિક પ્રયાસો કરવા છતાં પણ દુઃખ દૂર ના થાય તો તેનો બનતી શાંતિ અને સ્વસ્થતાથી ભોગ કરો. તેની નિવૃત્તિ માટે ખંતપૂર્વકના વારંવારના પ્રયાસ કરો. એની સાથે સાથે એક બીજી વાત છે. સુખ અને દુઃખ એ આપણાં પોતાનાં જ જ્ઞાત અથવા તો અજ્ઞાત કર્મોની સૃષ્ટિ છે. એ આપણાં પોતાની જ પ્રવૃત્તિઓનો પરિપાક છે. એ સાચું હોય કે ના હોય તોપણ ભવિષ્યમાં દુઃખ ના આવે તેને માટે વર્તમાન કાળમાં સત્કર્મોનું સુંદર બીજ વાવી દો. સારા વિચારો, ભાવો તેમજ સંસ્કારોથી સંપન્ન બનો. જેવું કરશો તેવું પામશો અને વાવશો તેવું લણશો. જે કાળ વહી ગયો છે તે તો તમારા હાથમાં નથી રહ્યો. તે તો ખરેખર ભૂતકાળ બની ગયો છે, પરંતુ જે કાળ વહી રહ્યો છે તે તમારા હાથમાં છે. તમે તેના માલિક છો. હવે પછી જે કાળ આવવાનો છે તેના પણ તમે અધીશ્વર છો. માટે અત્યારે જે કાળ વહી રહ્યો છે તેનો સમ્યક મદુપયોગ કરી લો તો ભવિષ્યકાળ અથવા આવતી કાલ તમારે માટે નિરાપદ બની જશે. ભવિષ્યને એમ અનુકૂળ કરવાનું આપણા હાથમાં છે.

કેટલીય વ્યક્તિઓ એવી છે જેમને ઘર અને કુટુંબમાં સુખશાંતિનો અનુભવ ભાગ્યે જ થતો હોય છે. તેમને પ્રતિકૂળ પરિસ્થિતિમાં રહેવું પડે છે તથા પ્રતિકૂળતાનો સામનો કરવો પડે છે. વિપરીત વાતાવરણમાં એ શ્વાસ લે છે. પુરુષ હોય છે તો તેને સ્ત્રી સાથે નથી બનતું. અને સ્ત્રી હોય છે તો તેને પુરુષની સાથે મેળ નથી ખાતો. સ્વભાવોના, વિચારોના, વૃત્તિઓના અને આદતોના ભેદ અને ઘર્ષણને લીધે પરસ્પર ખટરાગ ચાલ્યા કરે છે, મન ઊંચા રહે છે. અશાંતિ વધતી જાય છે, ને કેટલીક વાર તો વાત એટલી બધી હદે આગળ વધે છે કે બોલવાનો સંબંધ પણ નથી રહેતો. જીવન કટુ બની જાય છે, દુઃખદ થાય છે, ને ઝેરના કટોરા જેવું થઈ પડે છે. સામાન્ય સાંસારિક વ્યક્તિઓના જીવનમાં જ નહિ, પરંતુ આત્મિક વિકાસના માર્ગે આગળ વધનારી કે આગળ વધવા માગનારી વ્યક્તિઓના જીવનમાં પણ એવી પ્રતિકૂળ પરિસ્થિતિ પેદા થાય છે, અને કેટલાંય સ્ત્રીપુરુષો એનો હિંમતપૂર્વક સામનો કરે છે, ઉપાય શોધે છે,તથા આગળ વધે છે, તો બીજાં કેટલાંક એથી હતાશ થાય છે, નાસીપાસ બની જાય છે, ભગ્નહૃદય થાય છે, ને કેટલીક વાર તો વાત એટલી બધી વણસી જાય છે તે આપઘાત પણ કરી બેસે તો કોઈ કોઈ વાર વિવેકને તિલાંજલિ આપીને વિપથગામી પણ બની બેસે છે.

આ સંસારમાં બધું માણસની મરજી મુજબ નથી બનતું અથવા નથી મળતું. કાંઈક ને કાંઈક કચાશ રહી જાય છે. સર્વ પ્રકારે સુખદ, આનંદમય અને અનુકૂળ વાતાવરણ તો કોઈકને જ મળે છે. બીજા બધાએ તો આવી મળેલા વાતાવરણને અનુકૂળ થવાનું જ રહે છે. માણસ કેટલા પ્રમાણમાં વાતાવરણને અનુકૂળ થઈ શકે છે કે અનુકૂળ કરી શકે છે એ જુદી વાત છે, કિન્તુ એ કળામાં એણે કુશળ થવાની જરૂર રહે છે. જીવનના ધારણપોષણમાં એ કળા બહુ જ મોટો ને મહત્વનો ભાગ ભજવતી હોય છે. એમાં ધાર્યા કરતાં ઘણી વધારે ધીરજની જરૂર પડે છે: હિંમત, ખંત, શ્રદ્ધા ને સહનશક્તિ જોઈએ છે, શાંતિ જોઈએ છે, બીજાને સહાનુભૂતિથી સમજવાની વૃત્તિ તથા શક્તિ જોઈએ છે, તેમજ એ બઘા ઉપરાંત, બાંધછોડની વૃત્તિ જોઈએ છે. કેટલીક વાર એવાં બધાં ઉપકરણોને લીધે વાતાવરણમાં થોડોઘણો સુધારો થઈ જાય છે, તો કેટલીકવાર પ્રયત્નો કરવા છતાં પણ, વાતાવરણ એવું ને એવું જ રહી જાય છે. એ વિકૃત વાતાવરણ યાવચ્ચંદ્રદિવાકરૌ એવું જ રહેવા માટે સરજાયું હોય એવો ભાસ થયા કરે છે. ગમે તેમ, પણ માણસે આજ્ઞા અને શ્રદ્ધા રાખીને સાચા દિલથી પુરુષાર્થ કરવાનો તો રહે જ છે. ફળ આપવું ના આપવું ઈશ્વરના હાથમાં છે.

છતાં પણ, કોઈ પણ કારણે ને કોઈએ સંજોગોમાં માણસે હતોત્સાહ બનવાની જરૂર નથી. તમારી પરિસ્થિતિ એવી હોય તો તમે પણ હતોત્સાહ ના બનતા કે ભગ્નહૃદય ના થતાં. પ્રતિકૂળતા, પીડા, દુઃખ કે અંદરઅંદરની અશાંતિ એક રીતે જોતાં ઈશ્વરના અમુલખ આશીર્વાદરૂપ છે. જો આપણી દૃષ્ટિમાં ફેરફાર કરીએ તો એનો લાભ લઈને આપણે પીછેહટ કરવાને બદલે આગળ વધી શકીએ તેમ છીએ. દુઃખ, વિષાદ, ઘર્ષણ, અશાંતિ, પીડા કે પ્રતિકૂળતાના પ્રસંગો કેટલીક વાર આપણા હૈયાને હલાવી નાખે છે, અને આપણી અંદર દુન્વયી વ્યક્તિ કે વિષયો પ્રત્યેની જે રાગવૃત્તિ, મમતા, અહંતા કે આસક્તિ હોય છે તેને ઓગાળી નાખે છે. એ આપણને અત્યંત અસરકારક રીતે છતાં પણ છેક જ સહેલાઈથી પદાર્થપાઠ પૂરો પાડે છે કે આ સંસારમાં સાચી રીતે જોઈએ તો આપણું કોઈ જ નથી. એક ઈશ્વર વિના બીજું કોઈ જ આપણને વફાદાર નથી રહી શકે તેમ, સુખશાંતિ નથી આપી શકે તેમ, અને જીવનના શ્રેયમાં સહાયક પણ નથી થઈ શકે તેમ. માટે આ સંસારમાં વર્તમાન શરીરમાં શ્વાસ લેવાનો સમય મળ્યો છે તે દરમિયાન, કશાનો મોહ રાખવાને બદલે, અને કશામાં બંધાઈને ભાન ભૂલવાને બદલે, એક ઈશ્વરમાં જ આસક્ત થવું જોઈએ, અને જીવનમાં તટસ્થ રહીને બનતી તટસ્થ રીતે વ્યવહાર કરતાં કરતાં, બંધનમુક્ત થવાની તથા શાંતિ મેળવવાની કોશિશ કરવી જોઈએ. એવી રીતે કરીએ તો પ્રતિકૂળ પરિસ્થિતિ આપણને ભગ્નહૃદય, ભ્રાંત બનવાને બદલે ઉત્તરોઉત્તર આગળ વધારે, અને આપણા આત્મવિકાસમાં સહાયક ઠરે. દુઃખ, પ્રતિકૂળતા, વિષાદ કે પીડા આપણા જીવનમાં કર્મના ગમે તે નિયમને લીધે આવતી હોય, પરંતુ આપણે એને એવી રીતે ઉપયોગી બનાવી શકીએ છીએ. એને એવી રીતે ઉપયોગી બનાવતાં શીખવું જ પડશે. તો તે આપણને હરાવી કે ડરાવી નહિ શકે.

જેમણે જીવનને ઉજ્જવળ બનાવ્યું છે, અથવા જેમણે આત્મિક વિકાસની સિદ્ધિ કરી છે, તે એવો ઉપયોગ કરવામાં કુશળ હતા. તેમનાં જીવન પર દૃષ્ટિપાત કરશો તો જણાશે કે તેમનામાંના મોટા ભાગના માણસોનાં જીવન સલામત કે સરળ ન હતાં. તેમના જીવનમાં મુસીબતો હતી, પીડા હતી, પ્રતિકૂળતા તથા ચિંતા હતી, અને ઘરના, કુટુંબના તથા સમાજના વિરોધનો પણ પાર ન હતો. તેમને અનેક પ્રકારની યંત્રણા ને વેદનામાંથી પસાર થવું પડ્યું હતું. તો પણ તે નાહિંમત કે નિરાશ ના થયા. કેટલાકને પતિ તરફથી, પત્ની તરફથી, માતાપિતા તરફથી કે પુત્રો તરફથી કે બીજી વ્યક્તિઓ તરફથી કષ્ટ હતું. કેટલાક સાંસારિક રીતે જોતાં અછતમાં જ જનમ્યાં ને અછતમાં જ જીવ્યા હતા. કોઈ કોઈની સમાજે નિંદા કરી હતી, કોઈને પીડા પહોંચાડી હતી, તો કોઈને સામાજિક રીતે બહિષ્કૃત કરવામાં પણ આવ્યા હતા. છતાં પણ તેમનું મનોબળ મજબૂત હતું એટલે તેમણે પોતાના પસંદ કરેલા માર્ગને મૂક્યો નહિ. જેમ જેમ પ્રતિકૂળતાઓ આવતી ગઈ, વિરોધો થતા ગયા, અને સંકટોનો સામનો કરવો પડ્યો, તેમ તેમ તેમનો વૈરાગ્ય વધારે ને વધારે મજબૂત બનતો ગયો, તેમનું મન સંસારના પદાર્થો પરથી ઉપરામ બનતું ગયું, અને તે વધારે ને વધારે પ્રમાણમાં ઈશ્વરપરાયણ થતા ગયા. પ્રતિકૂળ પરિસ્થિતિ ના આવી હોત તો તે કદાચ એટલી બધી સહેલાઈથી આગળ ના વધી શક્યા હોત. આગળ વધવાને માટે પ્રતિકૂળ પરિસ્થિતિની આવશ્યકતા છે જ એવું નથી સમજવાનું; અનુકૂળ પરિસ્થિતિમાં રહીને પણ આગળ વધતાં શીખવું જ જોઈએ છતાં પણ, પ્રતિકૂળ પરિસ્થિતિથી ડરવાને બદલે તેને વિકાસનું સાધન બનાવવી જોઈએ અને બનાવી શકાય છે, એ જ મારા કહેવાનું તાત્પર્ય છે.

એટલે આપત્તિ, અવહેલના, ચિંતા કે પ્રતિકૂળતાથી ડગો કે ડરો નહિ, પરંતુ તમારા આત્મબળને વધારે ને વધારે દૃઢ બનાવો. એ બધાનો લાભ લઈને તમે જે જે વસ્તુમાં મમતા અથવા આસક્તિ કરી છે, તે તે વસ્તુની મમતા તથા આસક્તિને ઓછી કરો, એનો અંત આણો, અને ઈશ્વરમાં તમારી શ્રદ્ધાભક્તિને વધારતા જાવ, તો તમારા જીવનનું શ્રેય સહેજે સાધી શકશો. નહિ તો દુઃખ, પ્રતિકૂળતા કે વિરોધને દૂર તો નહિ કરી શકો, પરંતુ એથી હતપ્રભ થઈને વધારે દુઃખી, દીન અને અશાંત બની જશો.

પ્રતિકૂળતા કે દુઃખ તમારા જીવનરસ કે ઉત્સાહને મારી ના નાખે પરંતુ તમને વધારે સારા અને આદર્શ માણસ બનાવે તેનું ખાસ ધ્યાન રાખજો. એવી રીતે એને એક પ્રકારની અલૌકિક ઔષધિ સમજી લેજો, અને આત્મવિકાસને માટે આશીર્વાદરૂપ ઔષધિમાં પલટાવી દેજો. મક્કમ સંકલ્પ અને પ્રબળ પ્રયાસથી ઘણાએ એ કામમાં સફળતા મેળવી છે તેવી રીતે તમે પણ જો ધારશો તો અવશ્ય મેળવી શકશો.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.