Text Size

જ્યોતિને જાગ્રત કરો

કેટલાક લોકો માને છે કે આ જીવન આનંદપ્રમોદ, ભોગવિલાસ તથા એશઆરામને માટે છે. ‘યાવજ્જીવેત્ સુખં જીવેત્, ૠણં કૃત્વા ઘૃતં પિબેત્’ એટલે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સુખપૂર્વક જીવો, અને તમારી પોતાની સ્થિતિ ના હોય તો દેવું કરીને પણ ઘી પીઓ અથવા તો મોજમજા ઉડાવો; એ ચાર્વાકમતમાં માનનારા ચાર્વાકના વંશજો જેવા લોકો આ અણુયુગમાં પણ નથી એમ નહિ. તે તો પ્રત્યેક યુગમાં રહેવાના. એમનો સમૂળો લોપ નહિ જ થવાનો. એ લોકોની ફિલસૂફી-જો એને ફિલસૂફી કહી શકાતી હોય તો, ખાવા, પીવા ને લહેર કરવાની હોય છે. એવી સમજથી પ્રેરાઈને જ એ જીવન જીવતા હોય છે. એમને કોઈ પૂછે કે તમે આંખ મીંચીને બુદ્ધિને ગીરે મૂકીને કર્મ કરો છો તે કર્મોનો હિસાબ થશે ત્યારે ? તો તે ઉત્તર આપે છે કે એ વખતે જોઈ લેવાશે. પડશે તેવી દેવાશે. કોઈક વકીલને રોકીશું, અને એમ કહીને સદાચારી કે નીતિમાન માણસની ઠેકડી કરે છે.

એનાથી ઊલટો મનુષ્ય-સમાજનો એક બીજો વર્ગ છે જે ભોગ માત્રને હેય માને છે, ઉપેક્ષાવૃત્તિથી જુએ છે, પતન કે વિનાશકારક સમજે છે, અને એથી અળગા રહેવાની શિક્ષા આપે છે. જેમ ઉપર્યુક્ત પ્રકારના મનુષ્યો સંપૂર્ણ ભોગવિલાસની તરફેણ કરે છે, તેમ આવા માણસો ભોગના, વિલાસના, આનંદપ્રમોદના, અથવા તો તન, મન ને ઈન્દ્રિયોને આરામ આપનાર કે સુખ પહોંચાડનારા પદાર્થોના કાયમી ત્યાગની ભલામણ કરે છે, અને એમનાથી દૂર રહેવાનો સંદેશ આપે છે. કષ્ટ સહન કરીને, પોતાના આત્માને ગૂંગળાવી કે ભાવનાઓને દબાવીને પણ ભોગ પદાર્થોથી દૂર રહેવામાં જ તે શ્રેય માને છે. એ જ માર્ગ તેમને સારો કે સલામત લાગે છે.

કેવળ ભોગ અને ભોગ્ય પદાર્થોની સાથે સંબંધવિચ્છેદ અથવા તો એમના નિતાંત ત્યાગ એ બંને પ્રકારની વિચારસરણી કે વૃત્તિવાળા માણસો સંસારમાં જોવા મળે છે. એ બંને વૃત્તિ કે વિચારસરણી વચ્ચે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર છે, બંને એકમેકની વિરોધી છે, અને એમનું કદી સંમિલન નથી થતું. એની સાથે સાથે એક ત્રીજા પ્રકારની વૃત્તિ કે વિચારશ્રેણીવાળા માણસો પણ છે જે ઈન્દ્રિયોના ભોગને આપત્તિકારક, અનર્થમય અથવા તો અમંગલ સમજે છે. આત્મિક વિકાસને માટે એમના ત્યાગની આવશ્યકતાનો પણ સ્વીકાર કરે છે. પણ પોતાની નિર્બળતાને લીધે પાછા પડે છે, હતાશ થાય છે અને એના પ્રત્યાઘાત રૂપે કાં તો પ્રયાસ કરવાનું જ છોડી દે છે અથવા ત્યાગની કે ઈન્દ્રિયોના વિજયની શ્રદ્ધા ખોઈ બેસીને સુખોપભોગના ચિરપરિચિત પ્રવાહમાં જ વહેવા માંડે છે. અને તે પણ અનેક ગણી વધારે ગતિથી.

સંસારમાં એવા ત્રિવિધ પ્રકારના માણસો છે. તેમાં પ્રથમ પ્રકારના માણસોએ સમજી લેવું જોઈશે કે મનુષ્યજીવન કેવળ આમોદપ્રમોદ, ભોગવિલાસ કે એશઆરામ માટે નથી. તેનું મૂલ્ય ઘણું મોટું છે. એની અંદર જે શક્તિ, સંપત્તિ, બુદ્ધિ અથવા તો મેધા છે એનો ઉપયોગ કરીને સ્વ અને પરની ઉન્નતિ કે સુખાકારી માટે પરિશ્રમ કરી છૂટવાનો છે. એને માટે એક મહામૂલ્યવાન સુવર્ણ તક છે. એ તકનો સદુપયોગ કરવામાં જ બુદ્ધિમાની કે મનુષ્યત્વ છે. આટલું મોટું મનુષ્યજીવન પશુજીવનની પેઠે આમોદપ્રમોદને માટે હોઈ શકે નહિ. એ જીવનની પાછળ ધ્યેય છે, એ ધ્યેયને સિદ્ધ કરવા માટેની સાધના છે, અને એ સાધનામાં સફળ મનોરથ થવાની મહાન શક્યતા રહેલી છે. એ જીવન દ્વારા પોતાની મુક્તિ તથા પૂર્ણતાને માટે કામ કરી શકાય છે તથા સમાજના ઉત્કર્ષને ખાતર બલી બનાય છે.

ભોગોના ત્યાગનો એકાંગી ઉપદેશ આપનારે પણ એની પાછળની ગંભીરતા અને એની પાછળના જોખમોને જાણી લેવાની જરૂર છે. ઘણીયે વાર જરૂરી સમજ, સંગ, વાતાવરણ અથવા તો સામર્થ્યના અભાવને લીધે બાહ્ય ત્યાગ ટકવાને બદલે બગડે છે, અને દુઃખ, વિષાદ, અનર્થ કે પતનનું કારણ થાય છે. એવે વખતે બળજબરી કે હઠથી નિગ્રહમાં રાખેલી વિષયોની રસવૃત્તિઓ, આશ્ચર્યચકીત કે સ્તબ્ધ કરી દે એવા વેગથી પાછી વિષયાભિમુખ થઈને વહેવા માંડે છે, સંયમને સમજવાના બધા જ કિનારાને તોડી નાંખે છે, અને બેકાબુ બની જાય છે. એવા ઉદાહરણો ત્યાગના ઈતિહાસમાં કેટલાય છે. સંજોગો પ્રતિકૂળ થતાં અને એકાંત મળતા જે વૃત્તિઓ શાંત બનીને બેઠી હોય છે, અથવા તો નિર્મૂળ બની છે એમ લાગતું હોય છે, તે જ વૃત્તિઓ સંજોગો સાનુકૂળ થતાં, વસ્તીમાં આવતાં, વિષયી પદાર્થોની વચ્ચે વસતા કે સંયમની સાધના શીથિલ બનતા સહસ્ત્રમુખી બનીને સચેત થાય છે અને તનને, મનને, સંયમ ને શાંતિના બધા જ બંધનોને છિન્ન ભિન્ન કરી નાંખે છે. એટલે ભોગોનો નિતાંત ત્યાગ જેટલો માનવામાં આવે છે એટલો સહેલો નથી. એને કરવો કદાચ સહેલો હોય, પરંતુ નિભાવવો મુશ્કેલ છે. સંયમના સમ્યક પાલનને માટે વિવેક જોઈશે. સદ્દબુદ્ધિ, ધ્રુતિ, વૈરાગ્યવૃત્તિ, હિંમત તથા તિતીક્ષા જોઈશે. ભોગ ને ત્યાગ બંનેની વચ્ચે રહીને માણસે બુદ્ધિને કામે લગાડવી પડશે. સદ્દવિચારની જ્યોતિને જાગ્રત રાખવી પડશે, તો તે જડ બનવાને બદલે ચેતનપ્રદાયક બની જીવનવિકાસમાં મદદરૂપ થશે. આંધળો ભોગ અને વિવેક વગરનો ત્યાગ બંને હાનિકારક છે.

ઈન્દ્રિયોના ભોગોમાં સાચી ને સંપૂર્ણ શાંતિ નથી એ વાત જેટલી પણ વહેલી સમજાઈ જાય એટલી જ લાભકારક છે. ઈન્દ્રિયલોલુપ માણસની સુખોપભોગની લાલસા વધ્યે જ જાય છે, એનો અંત નથી આવતો. અગ્નિમાં ઘી નાંખવાથી એ વધારે ને વધારે પ્રબળ બને છે, તેમ સાંસારિક સુખોપભોગની કામના વધતી જ જાય છે. એની પરિતૃપ્તિ નથી થતી. ઈન્દ્રિયલોલુપ લોકો કેટલા બધા પરવશ હોય છે, લાચાર હોય છે, અસ્થિર હોય છે, અંધ અથવા અશાંત હોય છે, તે તેમને જોવાથી સહેજે સમજી શકાય છે. એટલે જીવનને સુખશાંતિમય કરવાને માટે, ઈન્દ્રિયોના વિષયોમાંથી તેને પાછું વાળી લઈને, જેટલું પણ બને તેટલું પરમાત્માપરાયણ કરવાની આવશ્યકતા છે. બહારના પદાર્થોને બદલે એને અંદર આત્મામાં રસ લેતું ને રમતું કરવું પડશે. જેમ જેમ મન આત્માભિમુખ બનતું જશે તેમ તેમ, એની અંદર સુખશાંતિ અથવા તો આનંદના અમૃતમય પ્રવાહનો આર્વિભાવ થતો જશે. એના અનેરા આસ્વાદમાં એ લીન બનશે. એને માટે દ્રઢ સંકલ્પબળ, સદ્દબુદ્ધિ કે વિવેક જોઈશે. પરંતુ એ બળ, બુદ્ધિ કે વિવેકશક્તિને ધીરે ધીરે અથવા તો ક્રમે ક્રમે જાગ્રત કરવી જ પડશે. એ વિના બીજો કોઈ માર્ગ જ નથી.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

If you want to make God laugh, tell him about your plans.
- Woody Allen