Text Size

Asana (આસન)

મત્સ્યાસન (Fish Pose)

મત્સ્ય એટલે મીન કે માછલી. આ આસનમાં શરીરનો આકાર કંઈક અંશે માછલી જેવો થાય છે. વળી આ આસન કરનાર વ્યક્તિ પ્લાવિની પ્રાણાયામની મદદથી પાણીમાં લાંબો સમય સુધી તરી શકે છે તેથી પણ એને મત્સ્યાસન કહેવામાં આવે છે.

matsyasana
આસનની રીત
 • થોડુંક મુલાયમ આસન પાથરી તેની ઉપર બેસી સૌ પ્રથમ પદ્માસન કરો. એમ કરવાથી જમણો પગ ડાબા સાથળ પર અને ડાબો પગ જમણા સાથળ પર આવશે.
 • હવે પદ્માસન કરી ચત્તા સૂઈ જાવ. બંને હાથના પંજાઓને શરીરની સમાંતર જમીન પર ટેકવો. હાથના પંજાઓના આધારે બરડાને કમરમાંથી કમાનની માફક વાળો કે જેથી માથાનો ટોચનો (vertex) ભાગ જમીનને અડે.
 • આ સ્થિતિમાં માથાનો ટોચનો ભાગ જમીન પર હશે. અને શરીરનો કમરથી નીચેનો ભાગ પદ્માસનની સ્થિતિમાં જમીનને અડેલો હશે. કમર અને ખભા વચ્ચેનો ભાગ કમાન આકારે વળેલો હશે.
 • હવે ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો અને જમણા હાથથી ડાબા હાથનો અંગૂઠો પકડો. આ સમયે કોણીઓ જમીનને અડકાડેલી રાખો.
 • લગભગ અડધા થી એક મિનીટ સુધી આ સ્થિતિમાં રહ્યા પછી ધીમેથી ઉલટા ક્રમમાં આસન છોડી મૂળ સ્થિતિમાં આવો.
 • અભ્યાસ પછી ત્રણેક મિનીટ આ આસનમાં રહો. અને પછી આસનનો સમય વધારવા કરતાં એવા ત્રણ આવર્તન કરો.
આસનના ફાયદા
 • આ આસનથી સર્વાંગાસન દરમ્યાન જેને કસરત નથી મળતી એવા ખભાથી ઉપરના શરીરના પ્રદેશોને કસરત મળે છે. એથી આ આસનને સર્વાંગાસનનું પૂરક આસન પણ કહેવાય છે.
 • સર્વાંગાસનમાં ગરદનના ભાગમાં આવેલ કરોડરજ્જુ આગળ નમે છે. જ્યારે મત્સ્યાસનમાં એ પાછળ ખેંચાય છે. ખભાના સ્નાયુઓ ઉલટી દિશામાં ખેંચાતા હોવાથી ગરદન અને ખભાના સ્નાયુઓનું અક્કડપણું દૂર થઈ માલીસ જેવો લાભ થાય છે. કરોડરજ્જુના એ ભાગમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ ચેતનવંતા બને છે અને કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને છે.
 • માથાનો શિખાવાળો ભાગ જમીનને અડે છે ત્યારે ગુરુત્વાકર્ષણથી ગરદન, મુખ અને માથામાંથી લોહી ઉપર ધકેલાય છે. એમ થતાં મસ્તકના ભાગમાં લોહીનો સંચાર થાય છે. જેથી મસ્તકમાં આવેલ પીટ્યુટરી અને પીનીઅલ ગ્રંથિઓને પોષણ મળે છે. એથી બુદ્ધિનો વિકાસ થાય છે.
 • ખભાના સ્નાયુઓ ઉલટી રીતે ખેંચાવાથી છાતી અને ફેફસાં વિકસે છે. પ્રાણવાયુ વધુ પ્રમાણમાં અંદર જાય છે. શુદ્ધ લોહીનું પરિભ્રમણ વધે છે. ફેફસાં અને કાકડા જેવા ગળાના રોગોમાં ફાયદો થાય છે.
 • પગ પદ્માસનમાં વળેલા હોવાથી પદ્માસનના લાભ ઉપરાંત નીચેના પેટ પાસેના સ્નાયુઓ ખેંચાવાથી આંતરડાને કસરત મળે છે. આંતરડામાં ભેગો થયેલ મળ નીચે ધકેલાય છે. એથી મળ શુદ્ધિ માટે આ આસન ઉપયોગી છે. આ આસન પછી ઉડ્ડિયાન બંધ અને નૌલિ ક્રિયા કરવાથી મળની સંપૂર્ણ શુદ્ધિ થાય છે.
 • પાચનતંત્ર કાર્યક્ષમ બનવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. ભૂખ લાગે છે.
 • આ આસનથી દમ, ક્ષય, ક્રોનિક બ્રોનકાઈટીસ જેવા રોગોમાં અસાધારણ રાહત મળે છે. સખત સળેખમ પણ કાલાંતરે આ આસનથી મટે છે.
 • સ્ત્રીઓનાં માસિક દર્દો તથા માસિકની અનિયમિતતા આ આસનથી દૂર થાય છે.