Text Size

અધ્યાત્મયોગનું અનુષ્ઠાન

કઠ ઉપનિષદમાં યમદેવે નચિકેતાને કહ્યું છે, નચિકેતા ! અધ્યાત્મયોગના સફળ સમજપૂર્વકના અનુસરણ અથવા અનુષ્ઠાનથી માનવ દેહદેવળમાં વિરાજેલા દેવોના દેવ પરમદિવ્ય પરમાત્માનો સાક્ષાત્કાર સાધી શકે છે અને એ ધૈર્યવાન શ્રેષ્ઠ સાધકપુરૂષ હર્ષ તથા શોક જેવાં દ્વંદ્વોમાંથી અથવા એમની અનુકૂળ—પ્રતિકુળ પ્રતિક્રિયામાંથી મુક્તિ મેળવે છે. अध्यात्मयोगाधिगमेन देवं ज्ञात्वा धीरो हर्षशोकौ जहाति ।

એ ઉદ્ ગારોમાં યમદેવે અધ્યાત્મયોગ શબ્દપ્રયોગ કરેલો છે. એ શબ્દપ્રયોગ મૌલિક, અભિનવ અને સારગર્ભિત છે. અધ્યાત્મની વ્યાખ્યા આપતાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે  स्वभावोङ़ध्यात्ममुच्यते । એટલે કે સ્વભાવને અધ્યાત્મ કહેવામાં આવે છે. માનવ મુળભૂત રીતે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મનું પ્રતિનિધિત્વ કરે છે. એ પરમાત્માસ્વરૂપ, પરમાત્માનો અલૌકિક અંશ છે. શુદ્ધ, બુદ્ધ, મુક્ત છે. એ જ એનો સ્વભાવ છે. પ્રકૃતિના પાશમાં બંધાઈને ત્રિગુણાત્મિકા પ્રકૃતિના ગુણધર્મોમાં આસક્ત બનીને પોતાના સ્વરૂપનું વિસ્મરણ કરીને એ સ્વભાવમાં પ્રતિષ્ઠિત બનવાને બદલે પરભાવમાં પ્રવાહિત બને છે. જે સાધના અથવા આરાધના દ્વારા એ પ્રકૃતિના પાશમાંથી મુક્તિ મેળવીને સચ્ચિદાનંદ પરમાત્મા તરફ વળે છે અને છેવટે પોતાના શુદ્ધ, બુદ્ધ, મુક્ત અને પૂર્ણ સ્વરૂપનો અથવા પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે તે સાધના અથવા આરાધનાને અધ્યાત્મયોગ તરીકે ઓળખવામાં આવે છે. એને અધ્યાત્મ પણ કહી શકાય.

અધ્યાત્મયોગની મદદથી માનવસ્વરૂપનો સાક્ષાત્કાર સાધી શકે અથવા પરમાત્માના અપરોક્ષ અનુભવથી કૃતાર્થ બની શકે, પરંતુ એને માટે એણે ધીર બનવું જોઈએ એવો ગર્ભિત સંકેત પણ ઉપનિષદના એ મંત્રમાંથી મળી રહે છે. માટે તો તેમાં ધીર: શબ્દપ્રયોગ કરાયો છે. જે ધીર બને છે, વીર બને છે, સંપૂર્ણ સ્થિરતા, સ્વસ્થતા, મક્કમતાપૂર્વક આગળ વધે છે; જીવનના મુખ્ય સાધનાત્મક ધ્યેયને ભૂલ્યા વિના સઘળા સંજોગોમાં સર્વ સ્થળે, સઘળી શક્તિથી એની સિદ્ધિના પાર વિનાના પ્રામાણિક પ્રયત્નોમાં લાગેલ રહે છે, અને કોઈ કારણે આડમાર્ગે અટવાતા નથી. ભ્રાંતિમાં ભમતા કે પથભ્રાંત બનતા નથી, ને ગમે તેટલો વખત વીતે કે ગમે તેવો ને તેટલો ભોગ આપવો પડે તો પણ સિદ્ધિને પામીને જ અટકે છે; તે જ ધીર તથા વીર છે. પરમાત્મદર્શન, સ્વરૂપના સાક્ષાત્કાર અથવા આધ્યાત્મિક અભ્યુત્થાનને માટે એવી ધીરતા-વીરતાની અનિવાર્યરૂપે આવશ્યકતા હોય છે.

હર્ષ અને શોક, જય-વિજયની, લાભ-હાનિની, પ્રાપ્તિ તથા અપ્રાપ્તિની, સ્તુતિ અને નિંદાની સર્વસામાન્ય પ્રતિક્રિયા છે. એ પ્રતિક્રિયામાંથી બીજી નાનીમોટી અનેક પ્રતિક્રિયાઓ પેદા થાય છે ને માનવને પરવશ બનાવે છે. એ પરવશતા, દીનતામાંથી મુક્તિ મેળવવા માટે અધ્યાત્મયોગનું આલંબન અત્યંત આવશ્યક છે. ઉપનિષદે પણ સુસ્પષ્ટ કર્યું છે. અધ્યાત્મયોગનું અનુષ્ઠાન જીવનને વધારે ને વધારે સ્વસ્થ, સ્થિર, સંવાદી, શાંતિસભર, સંયમી, પરમાત્મદર્શી કરે છે. આજે સર્વત્ર એવા જીવનની આવશ્યકતા પ્રતીત થાય છે ત્યારે ઉપનિષદનું એ વચન વિશેષ મહત્વ ધારણ કરે છે. બીજો કોઈ વિકલ્પ જ ક્યાં છે ?

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Fear knocked at my door. Faith opened that door and no one was there.
- Unknown