Text Size

મનનું મહત્વ

શાસ્ત્રો તથા સત્પુરુષોએ મનને બંધન અને મોક્ષનું, શાંતિનું અને અશાંતિનું, ઉત્થાન અને અધઃપતનનું, સુખ તેમ જ દુઃખનું, એક માત્ર અગત્યનું કારણ કહી બતાવ્યું છે. એમના અભિપ્રાયને અનુસરીને વિચારીએ તો, મન જ સંવાદ તથા વિસંવાદનું, સ્થિરતા અને અસ્થિરતાનું મૂળભૂત કારણ છે. એ એક એવું અમોઘ અસરકારક માધ્યમ છે જેની મદદથી આત્મોન્નતિના ક્ષેત્રે સફળતા સહિત સંગીન રીતે આગળ પણ વધી શકાય, અને પાછળ પણ પડી શકાય. એ સ્વર્ગની સૃષ્ટિ પણ કરે છે ને નરકના નિર્માણમાં પણ નિમિત્ત બને છે. પળમાં પ્રસન્નતા તો પળમાં અપ્રસન્નતા, ક્ષણમાં આહ્ લાદ તો ક્ષણમાં અવસાદ ધરે છે.

સામાન્ય રીતે પરંપરાગત પ્રાચીન કહેવત ચાલી આવે છે કે માનવ જેવા વિચારોને સેવે છે તેવો જ તે ઓછાવત્તા પ્રમાણમાં બને છે. વિચારોનો પ્રભાવ વ્યવહાર પર અથવા મનનો પ્રભાવ તન પર પણ પડે છે. માટે જ કહ્યું છે કે, 'તન્મે મન શિવસંકલ્પમસ્તુ’ એટલે કે ‘મારું મન પવિત્ર વિચારોથી સંપન્ન બનો’.

એક પુરૂષને ઘરનાં બધાં જ પ્રેમભાવે જોયા કરતાં. એમની પત્ની પણ એની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરતી. પરંતુ એમના મનમાં કોણ જાણે કેમ, પણ એવી અવિદ્યામૂલક ગ્રંથિ પડેલી કે દુનિયામાં મારું કોઈ નથી; અને મારા પ્રત્યે કોઈને પ્રેમ નથી. એટલે એ અહર્નિશ ઉદાસ રહેતા. એમની આજુબાજુનું અસાધારણ ઐશ્વર્ય પણ એમને આનંદ આપી શકતું નહિ. આખરે એમણે અવસાદગ્રસ્ત બનીને આપઘાત કર્યો. બીજા પુરૂષે પોતાના મનને એવી રીતે કેળવ્યું કે સૌ પ્રત્યે પ્રેમભાવ પ્રકટે અને સૌ સારું જ લાગે. પરિણામે એમનું જીવન અભાવ અને આપત્તિની વચ્ચે પણ આનંદ અનુભવવા લાગ્યું. એ એમના જીવનને ઉત્સવમય બનાવી શક્યા.

ટુંકમાં, મન ઉપર જીવનનો આધાર છે. એટલા માટે તો આધ્યાત્મિક ઉત્કર્ષને માટે કરાતી સઘળી સાધનાઓ મનને વિશુદ્ધ, ઉદાત્ત, અનાસક્ત બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જ્ઞાન, ભક્તિ, યોગ કે કર્મ દ્વારા છેવટે તો મનની સર્વતોમુખી સંશુદ્ધિ જ સાધવાની છે. મન સંશુદ્ધ અને સમુદાત્ત બનશે એટલે વાસનારહિત, ક્લેશરહિત અને બંધનમુક્ત બનશે. અંદરથી જ શાંતિ અથવા આનંદનો અનુભવ કરશે, પોતાના મૂલાધાર એવા સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માના સાક્ષાત્કારના સર્વોત્તમ સુખાસ્વાદને પામીને કૃતાર્થ બનશે.

- શ્રી યોગેશ્વરજી

Comments  

+2 #4 Shridevi 2013-12-24 16:40
I remember one hindi song 'Tora man Darpan Kehlay, Man hi Ishwar , Man hi Pooja, Man se Baada na koi'
+1 #3 Muljibhai Patel 2012-10-07 02:04
This is really a nice and helpful site to find and read of our choice in the field of religion and some inspirational stories. I like it the most.
+2 #2 Pradip Patel 2011-12-23 19:06
Really, this website is wonderful, excellent. I do not have any more words to describe.
+2 #1 Usha 2009-11-30 23:32
ધર્મ એટલે વ્યક્તિએ સમાજમાં કેમ રહેવું અને સમાજે વ્યક્તિને કેમ સંભાળવી તેનો ચીતાર. મારી આ માન્યતા છે. ખબર નથી કે આમા કેટલુ અધુરુ છે. આપના લેખ વાચ્યા મજા આવી. આધ્યાત્મીક લેખો વાચવાથી અમુક અંશે પતનથી અટકાય છે એવી મારી શ્રધ્ધા છે.

Today's Quote

Live as if you were to die tomorrow. Learn as if you were to live forever.
- Mahatma Gandhi