Text Size

બુદ્ધિયોગ

શ્રીમદ્ ભગવદ્  ગીતાના દસમા અધ્યાયના દસમા શ્લોકમાં ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું છે :
તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્ ।
દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે ।।
અર્થાત્ જેમનાં જીવન મારી સાથે સતત રીતે સદાને માટે જોડાયેલાં હોય છે ને જે મને પરમ પ્રેમપૂર્વક શ્રદ્ધાભક્તિથી સંપન્ન બનીને અંતરના અંતરમમાંથી સર્વ પ્રકારે ભજે છે તેમને હું બુદ્ધિયોગ આપું છું જેથી તે મને મેળવી લે છે અથવા મારો સાક્ષાત્કાર સાધી શકે છે.

એ ઉદ્ ગારોનું રહસ્ય જાણવા જેવું છે. ભગવાન ભક્ત પર પ્રસન્ન થઈને શું આપે છે ? ધન, વૈભવ, યશ, પદ, પ્રતિષ્ઠા, અધિકાર, સૌંદર્ય, યૌવન, દીર્ઘજીવન, રિદ્ધિસિદ્ધિ ? ભગવદ્ ગીતામાં એના પ્રત્યે અંગુલિનિર્દેશ કરવામાં નથી આવ્યો, એમાં તો જણાવવામાં આવ્યું છે કે ભગવાન પોતાના એકનિષ્ઠ ભક્ત કે આરાધકને કૃપા કરીને બુદ્ધિયોગ આપે છે.

બુદ્ધિની પ્રાપ્તિ થવી એક વાત છે ને બુદ્ધિયોગની સંપ્રાપ્તિ થવી એ જુદી જ વાત છે. બુદ્ધિથી સંપન્ન માનવો અનેક દેખાય છે. વૈજ્ઞાનિકો, ડૉક્ટરો, વકીલો, ન્યાયાધીશો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, અમલદારો, રાજનીતિજ્ઞો, લોકસેવકો, ખેડૂતો અને મજૂરો ઓછીવત્તી બુદ્ધિથી સંપન્ન હોય છે. ચોરી તથા ખૂન કરનારા ને કરવેરા છુપાવનારાઓ તથા દાણચોરોમાં પણ ઓછી બુદ્ધિ નથી હોતી. પોતાના કુકર્મને સફળતાપૂર્વક પાર પાડવા માટે તે બુદ્ધિનો ઉપયોગ કરીને કુશળતાપૂર્વક યોજના બનાવે છે અને એનો અમલ કરે છે. રાવણે સીતાના હરણ માટે જે યોજના ઘડેલી એને માટે અસાધારણ બુદ્ધિશક્તિનો ઉપયોગ કરેલો. પરંતુ એ બુદ્ધિ પ્રશસ્ય ના બની અને, એનું અને અન્યનું કલ્યાણ પણ ના કરી શકી. ભગવાન ભક્તને કૃપાની વર્ષા વરસાવીને એવી બુદ્ધિનું દાન નથી કરતા. ગીતામાં એમણે પોતાના અનુગ્રહના પરિણામરૂપ કેવળ બુદ્ધિ પ્રદાન કરવાનું કહેવાને બદલે બુદ્ધિયોગ પ્રદાન કરવાની વાત કરી છે.

એ બુદ્ધિયોગનો અર્થ શો થાય છે અથવા એ કેવાંક કામમાં આવે છે એનું સ્પષ્ટીકરણ એમણે ત્યાં તરત જ કર્યું છે. 'યેન મામુપયાંતિ તે.’ ભક્તને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેની મદદથી એ મારી પાસે પહોંચી શકે અથવા મારો સુખદ શાંતિપ્રદાયક સાક્ષાત્કાર સાધી શકે. બુદ્ધિ વાદવિવાદ માટે, વિતંડાવાદ માટે, બુદ્ધિપ્રદર્શન માટે પણ હોઈ શકે. મસ્તિષ્કનો અલંકાર પણ બની શકે. ભગવાન એવી બુદ્ધિની બાંયધારી આપવાને બદલે બુદ્ધિયોગની બાંયધરી આપે છે. નિર્મળ પરમાત્મમયી પરમાત્મપરાયણ વૃત્તિ કે બુદ્ધિ જ યોગ બની શકે. જીવ અને શિવની વચ્ચેના સેતુનું કામ કરી શકે. માનવને પવિત્ર, માનવતાથી મંડિત, મુક્ત ને પૂર્ણ બનાવે અને અન્યને માટે જીવતાં શીખવે. ભક્ત કે સાધકને એવા બુદ્ધિયોગની જ અપેક્ષા અને આવશ્યકતા હોય છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયના અગિયારમા શ્લોકમાં એવા જ સંદર્ભમાં પરંતુ જરાક જુદી દેખાતી પરિભાષામાં કહેવામાં આવ્યું છે કે એવા શરણાગત એકનિષ્ઠ ભક્તો પર અનુકંપા કરવા માટે એમના અંતરમાં પરમ પ્રકાશવાન પ્રજ્ઞાના પ્રદીપને પ્રકટાવીને હું અજ્ઞાનરૂપી અંધકારનો અંત આણું છું.
તેષામેવાનુંકંપરર્થ મહમજ્ઞાનજં તમઃ ।
નાશયાભ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા ।।
જીવનને ઉજ્જવળ, નિર્વાસનિક, નિર્બંધ બનાવવા માટે એવા બુદ્ધિયોગની આવશ્યકતા છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના પંદરમાં અધ્યાયના છેવટના શ્લોકમાં પણ એ જ અર્થમાં જણાવ્યું છે કે હે પવિત્ર અર્જુન, મેં તને આ ગુહ્યતમ શાસ્ત્રનો સદુપદેશ સંભળાવ્યો છે, એને સમજીને બુદ્ધિમાન થવું જોઈએ.
ઈતિગુહ્યતમં શાસ્ત્રમિદમુક્તં મયાનઘ ।
એતદ્ બુદ્ ધ્વા બુદ્ધિમાન્ સ્યાત્ કૃતકૃતશ્ચ ભારત ।।
ત્યાં પણ સુસ્પષ્ટ કર્યું છે કે શાસ્ત્રનું શ્રવણમનન કેવળ બુદ્ધિમાન બનવા માટે નથી પરંતુ કૃતકૃત્ય થવા માટે છે. એવી કૃતકૃત્યતા બુદ્ધિયોગ દ્વારા જીવનને ઉજ્જવળ કરીને પરમાત્માની અપરોક્ષાનુભૂતિ કરવાથી જ પરમાત્માનું અલૌકિક અનુસંધાન સાધવાથી જ પામી શકાય.  

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Success is a journey, not a destination.
- Vince Lombardi