Text Size

મનનો કાબુ

આપણી આજુબાજુના વાતાવરણનું-માનવસમાજનું નિરીક્ષણ કરતાં શું લાગે છે ? મોટા ભાગના માનવો પોતાના મનમાં પેદા થનારી રાગ ને દ્વેષની, કામક્રોધાદિ વિપરીત વૃત્તિઓના તરત જ ભોગ બની જાય છે. જે વૃત્તિ કે વિચાર અથવા ઊર્મિતરંગ ઊઠે છે તેની વાસ્તવિકતાને વિચાર્યા વિના, તેના સારાસારને સમજ્યા વિના કે સમજવાની પણ પરવા કર્યા વિના, એ શુભ છે કે અશુભ અને એનું પરિણામ પોતાના વ્યક્તિગત આત્મવિકાસને માટે તથા સમષ્ટિગત સુખાકારી, શાંતિ, સમુન્નત્તિ કે સમૃદ્ધિને માટે કેવું આવશે, કલ્યાણકારક કે અકલ્યાણકારક, એની વિશેષ અથવા અલ્પ મથામણમાં પડ્યા વિના એમના પ્રવાહમાં પ્રવાહિત બનવા અને અંતતોગત્વા પરવશ બનીને પૂર્ણપણે તણાવા માંડે છે. પાણીના પ્રચંડ પ્રવાહમાં જેમ નાનાં નાનાં લાકડાં, કાગળ કે કપડાં તણાય છે તેમ એમના મનમાં એક વિચાર, ભાવ, સંકલ્પ, ઊર્મિ, વિકાર, ઊઠે છે કે તરત જ એ એનો આજ્ઞાંકિત સેવકની પેઠે અમલ કરી દે છે. કેટલીવાર તો એમને ખબર પણ નથી પડતી કે વિચાર, ભાવ, સંકલ્પ, ઊર્મિતરંગ કે વિકાર ક્યારે ઊઠ્યો ને ક્યારે ક્રિયાન્વિત અથવા અમલી બન્યો. એમાંના કોઈ કોઈ વિરલ આત્માઓને ના કરવા જેવાં કર્મોને કરવા માટે પાછળથી દુઃખ, શોક, કે પશ્ચાતાપ પણ થાય છે. પોતાની ભૂલોનું પુનરાવર્તન ના કરવાનો તે સંકલ્પ પણ કરે છે. પરંતુ અધિકાંશ માનવો પોતાના મનોભાવો ને પોતાની મનોવૃત્તિના એવા દાસ હોય છે.

મીઠાઈ ખાવાનો વિચાર આવ્યો ને મીઠાઈ ખાઈ લીધી. ચોરી કરવાનો સંકલ્પ થયો ને એના શુભાશુભ પરિણામને વિચારવાની તસ્દી લીધા સિવાય ચોરી કરી લીધી. કામક્રોધની વૃત્તિઓ જાગી અને એમના શિકાર બની ગયા. લોભ ને મોહને, રાગ ને દ્વેષને સંતોષવા વિપળનાય વિલંબ વિના આકાશ-પાતાળને એક કરી નાખ્યાં. એ ભૂમિકાથી આગળ વધેલા કેટલાક ઉદાત્ત આત્માઓ વૃત્તિના સારાસારને, કામનાની શુભાશુભતાને, કલ્યાણકારકતાને અથવા અકલ્યાણકારકતાને સમજી શકતા હોય છે તે પણ આવશ્યક આત્મબળના અભાવને લીધે, પુરાણી આદત અથવા રસવૃત્તિને લીધે, સ્વભાવની કોઈક અસાધારણ ત્રુટીને લીધે, સંગદોષને લીધે અથવા એવા જ કોઈક બીજા મહત્વના પ્રધાન અથવા ગૌણ કારણને લીધે, પોતાની જાતનો સંયમ સાધીને, અશુભને ત્યાગીને, શુભને ગ્રહણ કરી શકતા નથી. કલ્યાણની કેડીને બૌદ્ધિક રીતે સુચારુરૂપે સમજવા છતાં પણ એ કેડીએ આગળ વધી શકતા નથી. અશુભને જાણવા છતાં પણ એનો અંત નથી આણી શકતા. અમંગલનો સદાને સારું સંબંધવિચ્છેદ નથી કરી શકતા. દુર્વિચારો, દુર્ભાવો, દુર્વૃત્તિઓ, દુષ્કર્મોને દફનાવી નથી શકતા. એમના જીવનમાં વિપરીત, વિનાશક, વિચારો ને વૃત્તિઓ તથા વ્યવહારોનું તાંડવ ચાલ્યા જ કરે છે. એમનાં જીવન અથવા અંતઃકરણ આસુરી ભાવો તથા એમાંથી પાંગરતી તથા પુષ્ટિ પામીને પ્રાણવાન બનતી પ્રવૃત્તિઓનો અખાડો બની જાય છે. એ પોતાના મનની આસુરી વિચારણા, વૃત્તિ કે વાસનાને શમાવી નથી શકતા. એમના મનમાં વાસનાના સંસ્કારો સૂતેલા હોવાથી, પદાર્થો અથવા વાસનાપૂર્તિનાં સાધનોનો અભાવ હોય ત્યારે પણ એ માનસિક રીતે પણ વિચારો, ભાવો ને વિકારોને સેવ્યા કરે છે અને એમનો આસ્વાદ માણે છે. બહારથી વિષયોને ને પદાર્થોને ત્યાગનારા માનવોમાં પણ એવી અવસ્થા અવલોકવા મળે છે.
*
બે સાધુપુરૂષો સર્વસંગપરિત્યાગી વિવિક્તસેવી બનીને અલગ અલગ રીતે વનમાં વાસ કરતા. એમની તપશ્ચર્યા ચાલુ હતી. એમનાં આશ્રયસ્થાનની સમીપે જ સરિતા વહેતી. એ સરિતા તરફથી એક વાર અવાજ આવ્યો કે મને બચાવો. ભગવાન તથાગતના નામે બચાવો.

એ અવાજને સાંભળીને એક સાધુ પોતાના સ્વાધ્યાયને છોડીને તરત જ ઊભો થયો, સરિતાની દિશામાં દોડી ગયો, ને શું થયું છે તે જોવા લાગ્યો. ત્યાંની પરિસ્થિતિ અતિશય કરુણ તથા હૃદયવિદારક હતી. એક નવયૌવના સ્ત્રી સરિતામાં સ્નાનાદિ કરવા આવેલી. તે સરિતામાં તણાઈ ગયેલી. એ ડૂબવાની તૈયારીમાં હતી. પેલા સેવાભાવી સહાનુભૂતિસભર સાધુપુરૂષે સમયસૂચકતા વાપરીને સરિતામાં સત્વર ઝંપલાવ્યું ને પેલી સન્નારીને મૃત્યુના મુખમાંથી બચાવી લીધી. એ અચેતન બનેલી સ્ત્રીને સરિતામાંથી બહાર કાઢી, પોતાના આશ્રમમાં લઈ જઈને એણે આવશ્યક ઉપચાર કરીને સુદીર્ઘ સમયના સેવાકાર્ય પછી સ્વસ્થ કરી. સ્ત્રીએ એનો આભાર માન્યો ને સંકોચ સાથે કૃતજ્ઞભાવે વિદાય લીધી.

બાજુમાં રહેતા બીજા સાધુને એ સાધુનો એ વ્યવહાર સારો ના લાગ્યો. એને થયું કે સાધુનું અધઃપતન થયું. એ લાગણીનું પ્રદર્શન પણ એણે અવારનવાર કરી બતાવ્યું. છતાં પણ પેલો સેવાભાવી સાધુપુરૂષ શાંત જ રહ્યો.

એ વાતને થોડો વખત વીતી ગયો.પેલા સેવાભાવી સાધુપુરૂષને એ સ્થાન છોડીને બીજે સ્થળે જવાની ઈચ્છા થઈ.

એ નીકળતી વખતે બીજા સાધુપુરૂષને મળવા આવ્યો તો તેણે તરત જ જણાવ્યું કે તારું તો અધઃપતન થયું છે. દિવસો પહેલાં તેં સરિતામાં કૂદકો મારીને પેલી સુંદર સ્ત્રીને કુટિરમાં આણેલી. એ સ્ત્રીને તું ઊંચકીને લાવેલો. હું તારું મોઢું જોવા નથી માગતો.

પેલા સેવાભાવી સાધુપુરૂષે દલીલ ના કરી. એણે એટલું જ કહ્યું કે એ દુઃખી સ્ત્રીને એક સાધુપુરૂષના ધર્મ પ્રમાણે સરિતામાંથી બહાર કાઢીને મેં તો એની સારવાર કરીને પછી મૂકી દીધેલી. એ વાતને વખતના વીતવાની સાથે હું ભૂલી ગયેલો. પરંતુ આટલો બધો વખત વીતી ગયો છે તો પણ હજુ એ સ્ત્રી તારા મનમાં રમ્યા જ કરે છે. તું એને સરિતામાં પડીને રોજ ઊંચકે છે અને એનો ભાર વહે છે.

બીજો સાધુપુરૂષ કાંઈ જ ના બોલ્યો. ના બોલી શક્યો.

- શ્રી યોગેશ્વરજી

Comments  

0 #1 Muljibhai Patel 2012-10-07 02:06
Very good.

Today's Quote

God's love elevates us without inflating us, and humbles us without degrading us.
- B.M. Nottage