Text Size

લોકોને ઉદ્વેગ અને લોકોથી ઉદ્વેગ

શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયમાં ભક્તના લક્ષણોની ચર્ચાવિચારણા કરતી વખતે કહેવામાં આવ્યું છે કે આદર્શ પરમાત્મપ્રેમી પરમાત્મનિષ્ઠ ભક્તને લીધે કોઈને, સમાજને ઉદ્વેગ નથી થતો. એવા મન-વચન-કર્મથી પવિત્ર અને બીજાને કાજે કલ્યાણકારક જીવન જીવનારા ભક્તનું જીવન અન્યને માટે ઉદ્વેગરૂપ નથી થતું. ભગવાન કૃષ્ણે અર્જુનને જણાવ્યું છે કે, यस्मान्नोद्विजते लोको । એ વચનોનો ભાવાર્થ સારી પેઠે શાંતિપૂર્વક સમજવા જેવો છે. ભક્ત કોઈનું બૂરું કરતો નથી, કરવાની ઈચ્છા રાખતો નથી, ને કરી શકતો નથી. તે તો સમસ્ત સંસારનું, જીવમાત્રનું, મંગલ જ ચાહે છે.

સંસારમાં સદાયે જીવો સદા સુખી હો,
ના દુઃખ હો જરીયે સૌ રીતથી સુખી હો.
અને
સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ,
નરનારી પશુપંખીની સાથે જીવજંતુનું તમામ,
દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ.

એ એની ભાવના, કામના, અપેક્ષા, અભિલાષા તથા પ્રાર્થના હોય છે. એનો જીવનવ્યવહાર પણ એવો આત્મનિરીક્ષણપૂર્વકનો, જાગ્રત, પ્રત્યેક પગલે વિવેકયુક્ત ગણતરીપૂર્વકનો, વિશદ, વિશુદ્ધ અને માનવતાપૂર્ણ હોય છે કે બીજાને માટે એ હાનિકારક કે દુઃખદ બનવાને બદલે લાભકારક તથા સુખદ થાય છે. કોઈક પૂર્વગ્રહયુક્ત, સંકુચિત દ્રષ્ટિવાળા, તેજોદ્વેષી, અકારણ વેરી, નિંદા કે ટીકાખોર, ઈર્ષાળુ, અહંકારી, અજ્ઞાની માનવીને એને લીધે અકારણ અનાવશ્યક ઉદ્વેગ થઈ આવે, અશાંતિ અનુભવવી પડે એ જુદી વાત છે. બાકી અધિકતર તો એનું જીવન સર્વશ્રેયસ્કર અને સર્વસુખશાંતિપ્રદાયક હોવાથી એનાથી કોઈને ખેદ કે ક્લેશ નથી પહોંચતો. એનાં દર્શન, સ્પર્શન, સંસર્ગ અને સમાગમથી જે ઉદ્વિગ્ન હોય તેમનો ઉદ્વેગ દૂર થાય છે. તેમને પ્રેરણા, પ્રકાશ, પ્રસન્નતા તથા શાંતિ સાંપડે છે. એનું જીવન સંભાષણ કે વર્તન સંસારની મહામૂલી મૂડી, અનામત કે થાપણ થઈ પડે છે. એની ઉપસ્થિતિને લીધે આજુબાજુના વાયુમંડળમાં પ્રેરણા તથા ઉત્સાહનાં નવાં પ્રાણવાન પરમાણુ ફરી વળે છે. એની અમૃતમય અક્ષય અમોઘ અસર દૂર-સુદૂર સુધી પહોંચી જાય છે. એ સર્વ પ્રકારે શોકનાશક અને શાંતિદાયક થઈ પડે છે.

એના જ અનુસંધાનમાં કહેવામાં આવ્યું છે કે लोकान्नो द्विजते च यः । ભક્તોને લોકો કે સમાજથી કોઈ પ્રકારનો ઉદ્વેગ નથી થતો. એનો અર્થ પણ સમજવા જેવો છે. કેટલાક લોકો ભક્તોની નિંદા કરે છે, અકારણ અનુચિત આલોચનાનો આધાર લે છે, ભક્તો પર અયોગ્ય દોષારોપણ કરે છે, ભક્તોનો દ્વેષ કરે છે, અથવા ભક્તોને હેરાન કરે છે. એમના માર્ગમાં અંતરાયો નાખે છે કે અવરોધો પેદા કરે છે. આદર્શ ઈશ્વરનિષ્ઠ ઈશ્વરપ્રેમી ભક્તને એને લીધે પણ કોઈ પ્રકારનો ખેદ, ક્લેશ કે શોક નથી થતો. એ કોઈને અકારણ દોષ નથી દેતો. એનાથી અશાંત નથી બનતો. પોતાના પસંદ કરેલા પવિત્ર પથ પર આગળ ને આગળ વધતો જ રહે છે. એ માનવતાને મૂકી દઈને બીજાની પેઠે પ્રતિશોધભાવથી પ્રેરાઈને દાનવ નથી થતો, નથી થઈ શકતો. એ અન્યનું ભલું જ ઈચ્છે છે. મંગલના જ મનોરથ કરે છે. વિરોધીઓની ને વિદ્વેષીઓની પણ કલ્યાણકામના જ કરતો રહે છે.

કેટલાય માનવીઓને આપણે ફરિયાદ કરતા જોઈએ છીએ કે અમારી કોઈ કદર કરતું નથી. અમને જોઈએ તેટલું સન્માન મળતું નથી. લોકો અજ્ઞાનમાં, મોહમાં, માયામાં પડી ગયા છે, કૃતઘ્ની છે. આદર્શ ભક્તને એવી ફરિયાદ કરવાનું કારણ નથી રહેતું. એવા વિચારો એને નથી સતાવતા. એના અંતરમાં એવા ભાવો નથી પેદા થતા. તે સૌની સદ્ બુદ્ધિની, શાંતિની, સુખાકારીની પ્રાર્થના કરે છે. પ્રત્યેક પરિસ્થિતિને કે પ્રસંગને પ્રભુનો પ્રસાદ સમજે છે, અને શાંત, સ્વસ્થ, સદ્ ભાવ ભરપૂર, નિર્વિકાર, નિર્વેર તથા પ્રસન્ન રહે છે. એ કોઈને નિરર્થક દોષ નથી દેતો. કોઈને માટે આક્ષેપ નથી કરતો. કોઈ પ્રકારનો દુર્ભાવ નથી સેવતો. સદા સ્મરણ-મનન ને નિદિધ્યાસનમાં, અન્યના કલ્યાણકાર્યોના અનવરત અનુષ્ઠાનમાં રત રહે છે. એને મળેલા અંદરના આત્મિક આનંદના અર્ણવમાં અહર્નિશ અવગાહન કરે છે. બહારની પરિસ્થિતિ એ આત્માનંદનો, અંતરંગ સ્થિરતા, પ્રસન્નતા તથા શાંતિનો નાશ નથી કરી શકતી. ના કદીયે નહિ.

ગીતાના ઉદ્ ગારો એ વાત પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Constant dripping hollows out a stone.
- Lucretius