Text Size

યોગીનું મન

શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં આત્મસંયમયોગની વિચારણ કરતી વખતે ધ્યાનની અંતરંગ સાધનાની અભિરુચિ રાખનારા સાધકને માટે કહેવામાં આવ્યું છે :

यथा दीपो निवातस्थो नेंङ्गते सोपमा स्मृता ।
योगिनो  यतचित्तस्य  युंजतो योगमात्मनः ॥

સરળ ગીતામાં જણાવ્યા પ્રમાણે કહીએ તો,

હવા વિનાના સ્થાનમાં દીવો ના હાલે.
તેવું મન યોગીતણું ચળે ન કો કાળે.

એનો ભાવાર્થ સ્પષ્ટ છે. એ શ્લોક દ્વારા ધ્યાનની અંતરંગ સાધનાની અભિરુચિવાળા સાધકના સંબંધમાં જણાવવામાં આવ્યું છે કે ધ્યાનથી સાધનાના અંતરંગ અભ્યાસક્રમમાં આગળ વધેલા સાધકનું મન એટલું બધું એકાગ્ર બની જાય છે કે બાહ્ય વિષયો, પદાર્થો અથવા આકર્ષણોની અસર એના પર નથી થતી. એ મનની એકાગ્રતા અથવા તલ્લીનતાને સમજાવવા માટે દીપકનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. એ દ્રષ્ટાંત ખૂબ જ સુંદર અને સુસંગત છે. ઘરના ખૂણામાં દીપકને મૂકવામાં આવે, ત્યાં પવનલહરીનો પ્રવેશ પણ ના થતો હોય તો, એ દીપકની જ્યોતિ જરા પણ હાલતી નથી. એ જ્યોતિ કોઈ પણ પ્રકારના વ્યવધાન વિના સ્થિરતાપૂર્વક જલ્યા કરે છે. યોગીનું મન પણ એવી રીતે આત્માનું અનુસંધાન સાધતાં તન્મય બને છે. એ વિષયોથી ચલાયમાન અથવા વિક્ષિપ્ત નથી બનતું. એ ઉપમા કેટલી બધી સરસ છે !

એ વિચારધારાના અનુસંધાનમાં આપણે એટલું કહી શકીએ કે જે સ્થાનમાં પવનની લલિત લહરીનો પ્રવેશ ના થતો હોય તે સ્થાનમાં રાખેલો દીપક હાલતો નથી તો એમાં કશી અસામાન્યતા નથી. અસામાન્યતા તો ત્યારે જ કહેવાય કે જ્યારે પવનની લહરીઓની ને પવનનાં તુમુલ તોફાનોની વચ્ચે રહીને પણ દીપક હાલે નહીં અને એવો જ સ્થિર રહે. જ્યાં વિષયો જ ના હોય ત્યાં યોગીનું મન ચળે નહીં અથવા સ્વસ્થ રહે એ સ્વાભાવિક છે. પરંતુ વિષયોની વચ્ચે રહીને પણ, પ્રલોભનોના પ્રતિકૂળ પ્રખર પવનો ફૂંકાતા હોય ત્યારે પણ, એની અંદર ચંચળતા કે ક્ષોભ ના પ્રગટે એ વસ્તુ ખરેખર અસાધારણ કહેવાય. સાચા યોગીની અવસ્થા એવી અનુપમ હોય છે. એને સમજવા માટે આપણે ગીતાના એ શ્લોકને જરાક જુદી રીતે બોલી શકીએ,

यथा प्रदीपो निवातस्थो नेंङ्गते सोपमा स्मृता ।
योगिनो  यतचित्तस्य  युंजतो योगमात्मनः ॥

અથવા કહીએ કે

હવા ભરેલા સ્થાનમાં દીવો ના હાલે.
તેવું મન યોગીતણું ચળે ન કો કાળે.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

If you want to make God laugh, tell him about your plans.
- Woody Allen