Text Size

વરસાદ

પ્રતીક્ષાનો, પ્રાર્થનાનો પાર ન હતો, તો પણ વરસાદ વરસતો ન હતો. મોડે મોડે પણ વરસે છે ત્યારે મન મૂકીને, મોડો પડ્યો તેનો દંડ ભરી દેતો હોય તે રીતે, ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે એટલો બધો વરસે છે કે વાત નહીં. નદીનાળાં ઊભરાઈ ગયાં છે, દિવસોથી સૂર્યનારાયણનું દર્શન નથી થતું. જાહેરજીવન મોટે ભાગે ખોરવાઈ ગયું છે. જે પ્રાર્થના કરતા હતા તે જ હવે પુન: પ્રાર્થવા લાગ્યા છે કે હે મેઘરાજા, હવે કૃપા કરીને વરસવાનું બંધ કરો. હવે ઘણું થઈ ગયું.

વરસતા વરસાદમાં છોકરાઓ છત્રીઓ લઈને, વરસાદી કોટ પહેરીને નિશાળે જાય છે. એમનામાંના કેટલાકની પાસે તો છત્રી કે વરસાદી કોટ પણ નથી હોતા, એટલે કોઈક મિત્રની મદદ માગે છે. વરસાદને લીધે કેટલાકને રહેવાની મુશ્કેલી લાગે છે. એમનાં ઝૂંપડાં વાવાઝોડાં તથા અતિવૃષ્ટિને લીધે સાફ થઈ જાય છે, કાચાં મકાનો ધોવાઈ જાય છે. નીચાણવાળા વિસ્તારોમાં સ્થળે સ્થળે પાણી ભરાઈ જાય છે, કાદવ થાય છે, એમાં કોઈક ખૂંપી પણ જાય છે. એને નુકશાન પહોંચે છે. નદીઓમાં રેલ આવે છે ત્યારે તો ભયંકર હોનારતો સરજાય છે. જાનમાલને અસાધારણ નુકશાન થાય છે. ગામડાનાં ગામડાં નદીના ઘોડાપૂરથી ધોવાઈ જાય છે. વરસાદ વિભુના વરદાનરૂપ છે. અમોઘ આશીર્વાદરૂપ છે, કલ્યાણકારક છે. આવશ્યક અથવા અનિવાર્ય છે. પરંતુ એની અતિશયતા અભિશાપરૂપ બને છે, અમંગલ કરે છે.

વરસાદના દિવસોમાં વરસાદ બનવાનો સંકલ્પ કરીએ તો ! કોઈક સંતપ્ત, નીરસ, શુષ્ક જીવનની ધીખતી મરુભૂમિ પર મેઘ બનીને વરસીએ. વાદળ બનીને શીળી છાયા ધરીએ. એમાં નવજીવન, નવલ ચેતન ભરીએ. કેટલાય માનવઆત્માઓ એવા સંજીવનપ્રદાયક મેહુલાની પ્રતીક્ષા કરે છે. એને માટે પ્રાર્થે છે, પોકારે છે. કોઈકના જીવનખેતરમાં મેઘબિંદુ બનીને મીઠું મીઠું વરસીએ. મોતી થઈએ. હરિયાળી ધરીએ. એવું જીવન કેટલું બધું કામનું. કલ્યાણકારક, આશીર્વાદરૂપ થઈ શકે !

વરસાદના દિવસોમાં કોઈક ઝૂંપડાવાસીને આશ્રય ધરીએ. એમનાં ઝૂંપડાને બને તેટલાં પ્રમાણમાં ઠીક કરીએ-કરાવીએ. ઠેકઠેકાણે થતી ગંદકીને દૂર કરીએ. અટકેલાં પાણીને ફરી પાછાં વહેતાં કરીએ. એમનો સમુચિત, સદ્ બુદ્ધિપૂર્વકનો, એકલા કે સાથે મળીને નિકાલ કરીએ. વરસાદમાં ભીંજાતા વિદ્યાર્થીઓને, અન્ય જનોને, છત્રી, વરસાદી કોટ કે ઢાંકણ પૂરું પાડીએ. કોઈના પગને બની શકે તો પગરખાંથી સુશોભિત અથવા સંપન્ન કરીએ. મકાનોને નુકશાન થાય તો મદદે જઈએ, એમાં રહેનારને આવશ્યકતાનુસાર આશ્રય આપીએ. નદીઓની રેલને લીધે ઘરબાર વિનાનાં બનેલાંની વહારે જઈએ. એમને બનતી બધી જ મદદ કરીએ-કરાવીએ. શક્ય હોય તો ફરી વાર વસાવીએ. આવશ્યકતા પ્રમાણે અન્નવસ્ત્રાદિથી સહાયતા પહોંચાડીએ.

વરસાદના દિવસોને એવી રીતે સેવાના દિવસો બનાવીએ. જીવનની ગંદકીને, વાસનાઓના, કામનાઓના, કુભાવના, કિલ્મિષના કીચડને એ દિવસોમાં વધારે ને વધારે શક્તિથી કાઢી નાખીએ. નવાં વ્રતો લઈએ. જીવનને અવનવું કરીએ. અવનવું સ્વરૂપ ધરીએ. કોઈકની સંતપ્ત ધરતીના મીઠા મધુરા મેહુલા બનીએ. બનવાનો પ્રામાણિક પ્રયાસ કરી છૂટીએ. વરસાદ તો આવશે ને જશે, પણ જીવનમાં વર્ષાઋતુને કાયમ કરીએ. વહાલનો, દયાનો, કરુણાનો, સેવાભાવનો વરસાદ વરસાવતા જ રહીએ.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore