Text Size

આ દિવસો પણ ચાલ્યા જશે

સમાજમાં કેટલાક પરંપરાગત શબ્દપ્રયોગો-વાક્યપ્રયોગો થતા આવ્યા છે. ઉપલક રીતે જોતાં, વાંચતાં, વિચારતાં એ શબ્દપ્રયોગો છેક જ સીધાસાદા અથવા સરળ દેખાય છે, પરંતુ વધારે ઊંડાણથી તપાસતાં, એમના મર્મસ્થાનમાં ઊતરતા, અત્યંત રહસ્યમય, પ્રેરક અને સદુપદેશભર લાગે છે. મોટાં મોટાં સદ્ ગ્રંથો જે વાતની રજૂઆત ના કરી શકે અથવા મહામહેનતે કરે, તે જીવનોપયોગી સારવાતની રજૂઆત એમની દ્વારા સચોટ રીત ભાવભરી ભાષામાં થતી હોય છે. એમની પ્રેરકતા તથા પ્રાણપ્રદાયકતાને લીધે એ શબ્દપ્રયોગો માત્ર શબ્દપ્રયોગો જ નથી રહેતા પરંતુ મંગળમય મહામંત્રો બની જાય છે. એવા શક્તિસંચારક શબ્દપ્રયોગોમાં પ્રસ્તુત શબ્દપ્રયોગનો પણ સમાવેશ થાય છે : આ દિવસો પણ ચાલ્યા જશે.

એ શબ્દપ્રયોગની પાછળ કેટલી બધી સંજીવની-શક્તિ સમાયલી છે ! માનવ ગમે તેટલો દુઃખી હોય, ગમે તેવી પ્રતિકૂળતામાંથી પસાર થતો હોય, પીડિત હોય, તો પણ એણે નિરાશ, હતપ્રભ, વ્યથિત બનીને જીવન પ્રત્યેની રસવૃત્તિને ખોઈ બેસવાને બદલે એ મહામંત્રને અંતરના અંતરતમમાં સદાને માટે લખી રાખીને યાદ કરવો જોઈએ કે આ દિવસો પણ ચાલ્યા જશે. દુઃખના, વ્યાધિના, વિપરીતતાના, વ્યથાના આ દિવસો પણ સ્થાયી નથી. વ્યોમના વિશાળ પટ પર વ્યાપી વળતાં વાદળાં ત્યાં કાયમને માટે બેસી નથી રહેતાં પરંતુ પળે પળે પ્રવૃત્તિરત બનીને છેવટે પરિપૂર્ણપણે વિદાય લે છે; તેવી રીતે વિપરીતતા, વિષમતા, વ્યથા, વ્યાધિ, વિરોધનાં વાદળ પણ દૂર થશે. દુઃખના દાવાનલ શાંત બનશે. કુદરતનો ક્રમ જ એવો છે કે એક પ્રકારની પરિસ્થિતિ સદાને સારુ સ્થિર નથી રહેતી. એમાં પરિવર્તનની પ્રક્રિયા પ્રારંભાય છે ને પોતાનું કાર્ય કરે છે. દુઃખ સુખમાં ફેરવાય છે.

નાના ને મોટા બધા જ માનવોને વિવિધ પ્રકારની વિષમતા, પ્રતિકૂળતા તથા દુઃખમાંથી પસાર થવું પડે છે. પરંતુ મજબૂત મનોબળવાળા, દુઃખની અનિત્યતાને સમજનારા માનવો દુઃખાદિથી ડરી કે ડગી જતા નથી. વધારે પડતી ને વ્યર્થ ચિંતામાં પણ નથી પડતા. બનતી સ્વસ્થતાને સાચવી રાખીને, સન્મતિને સુરક્ષિત રાખી સન્માર્ગગામી જ બની રહે છે અને દુઃખાદિમાંથી મુક્તિ મેળવવાના પ્રયત્નો કરે છે. દુઃખના આ દિવસો પણ ચાલ્યા જશે એ મહામંત્રના માંગલ્યકારક મનન દ્વારા અસાધારણ આશ્વાસન મેળવે છે.

જીવનમાં જેમ દુઃખ સ્થાયી નથી તેમ સુખ પણ શાશ્વત અથવા સદાને માટે રહેનારું નથી. કવિએ કહ્યું છે કે 'એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.’ એટલે આજે જે સુખાનુભવ થઈ રહ્યો છે તે કાલે રહેશે જ એવી બાંયધરી કોઈનાથી આપી શકાય તેમ નથી. સુખ ને દુઃખ એક જ સિક્કાનાં બે પાસાં જેવાં નૈસર્ગિક છે અને એકની અપેક્ષા રાખનારે અન્યને માટે પણ તૈયાર રહેવું જ જોઈએ. સુખના પ્રભાવથી છકી ના જઈએ. સુખના નશામાં પડીને મિથ્યાભિમાની કે મોહાંધ બનીને કુમાર્ગગામી ના થઈએ. માનવતાનો મૃત્યુઘંટ વગાડીને દાનવતાના દૂત, પશુતાના પુરસ્કર્તા ના બનીએ. સુખ, સમૃદ્ધિ, શાંતિ, સંપત્તિનો સદુપયોગ કરીએ. જીવનના આત્યંતિક વિકાસ માટે એને માધ્યમ બનાવીએ. જાગૃતિપૂર્વક જીવીએ. ગણતરીપૂર્વકનાં સદસદ્ બુદ્ધિથી સમલંકૃત બનીને ભરાયલાં પગલાં ભરીએ.

સુખ તથા દુઃખ બંનેના દ્રષ્ટા થઈએ. એમની પરિવર્તનશીલતાને પારખી લઈએ. સદાય વિચારીએ કે આ દિવસો પણ ચાલ્યા જશે. રૂપના, યૌવનના, પદના, પ્રતિષ્ઠાના, સત્તાના, અભ્યુત્થાન અને અવનતિના, હર્ષ તથા વિષાદના, જન્મ ને મૃત્યુના આ દિવસો પણ ચાલ્યા જશે. આપણે ઈચ્છીશું કે નહિ ઈચ્છીએ તો પણ ચાલ્યા જશે.

- શ્રી યોગેશ્વરજી

Comments  

+1 #1 Paresh Trivedi 2010-01-21 21:55
This website was great resource when I visited five year ago.Now it seems content is less. many book and its audio missing. Overall for me this was the best resources I found six years ago for spirituality. I read Yogeshwarji's book 30 years ago, so I am very grateful for all knowledge and dream I got from that. With regards,
- Paresh Trivedi

[Pareshbhai, over the years, the content has grown manifold. We have not removed any book or audio. Let me know what is missing. - admin]

Today's Quote

When I admire the wonders of a sunset or the beauty of the moon, my soul expands in the worship of the creator.
- Mahatma Gandhi