Text Size

Audio

સમાધિનો અનુભવ

 દશરથાચલના કુદરતી સૌંદર્યથી ભરેલા વાતાવરણમાં અમારા દિવસો શાંતિપૂર્વક પસાર થઇ રહ્યા હતા. તે વખતે શંકરાચાર્યના સુંદર ગ્રંથ વિવેકચુડામણીનું વાચન કરવામાં મને વિશેષ આનંદ આવતો. તેમના બીજા મૌલિક સ્તોત્રો પણ હું વાંચતો. વિવેકચુડામણીમાં કરેલી સૂચના પ્રમાણે સ્વરૂપનો નિર્ણય કર્યા પછી તેનો પ્રત્યક્ષ અનુભવ કરવા માટે સમાધિની પ્રાપ્તિ કરવાનો પ્રયાસ કરતો. શંકરાચાર્યે કહ્યું છે કે વિચાર દ્વારા જેની શંકા દૂર થઇ છે ને જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે તે સાધકે શાંત એકાંત સ્થાનમાં બેસીને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો. નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ કરીને એણે આત્માનો અપરોક્ષ અનુભવ કરી લેવો. એ પ્રક્રિયા જ્ઞાનમાર્ગની છે. તેમાં મને રસ હોવાથી એના અમલ માટે મેં તૈયારી કરવા માંડી. દશરથાચલનું વાતાવરણ સુંદર હતું. ત્યાંના પરમાણુ પવિત્ર હતા. એનાથી વધારે ઉત્તમ અને અનુકૂળ વાતાવરણ બીજે ક્યાં મળે ? ગીતા જેવા જ્ઞાનના ને બીજા યોગના ગ્રંથોમાં સાધના માટે પવિત્ર પ્રદેશ પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. એવા પવિત્ર, શાંત, એકાંત પ્રદેશમાં ધ્યાનાદિ કરવાથી મન જલદી એકાગ્ર થઇ જાય છે, એમ પણ કહેવામાં આવ્યું છે. એટલે દશરથાચલ પર રહીને મેં દિવસ ને રાતનો વધારે વખત ધ્યાનમાં જ વીતાવવા માંડ્યો. ગમે તેમ કરીને સમાધિનો અનુભવ મેળવવાની મને તરસ લાગી. એટલે બીજી બધી વાતોમાંથી મનને પાછું વાળીને તેને ધ્યાનપરાયણ કરવાની મેં સતત કોશિશ કરવા માંડી.

જેમને સમાધિ જેવા સાધનાના ઉત્તમ અનુભવોની ઇચ્છા હોય તેમણે આ વાત સમજી લેવી જોઇએ. અંતરના ઉંડાણમાં લખી રાખવું જોઇએ કે સતત પરિશ્રમ વિના એવા અનુભવોની ઇચ્છા સંતોષાય તેમ નથી. જેમણે થોડા વખતમાં સાધનાના સર્વોત્તમ અનુભવ-શિખર પર પહોંચી જવું છે તેમણે બીજી બધી વાતોમાંથી મનને પાછું વાળીને આદુ ખાઇને ખંતપૂર્વકની સાધના પાછળ પડવું જોઇએ. ઉત્સાહ, ખંત, હિંમત ને શ્રદ્ધાની માત્રાને વધારવી પડશે, ને પ્રમાદ કે દીર્ઘસૂત્રીપણાનો કાયમને માટે ત્યાગ કરવો પડશે. માણસોમાં વધારે ભાગે ઉત્સાહની ખામી હોય છે. સાધના માટે જરૂરી ભોગ આપતાં એ અચકાય છે અને એકધારા પુરુષાર્થનો પણ વધારે ભાગના માણસોમાં અભાવ હોય છે. સાધનાના ઉત્તમ અનુભવો ન થવામાં, બહુ ઓછા પ્રમાણમાં થવામાં, ને થોડા થવામાં, એ કારણો પણ ઓછો મહત્વનો ભાગ નથી ભજવતાં.

પરંતુ મારું અંતર અપૂર્વ ઉત્સાહથી આપ્લાવિત હતું. શ્રમ કરવામાં હું પાછું વાળીને જોઉં તેમ ન હતો. વળી વાતાવરણ બધી રીતે અનુકૂળ હતું. દશરથાચલના પ્રદેશમાં બહાર તેમ જ ઓરડાની અંદર બધે જ એક પ્રકારનો અનહદ નાદ ચાલ્યા કરતો. એ નાદ ખરી રીતે તો આગળ વધેલા સાધકને પોતાની અંદર જ સંભળાય છે. પરંતુ પર્વત ને વનના કેટલાક પ્રદેશો ને કેટલાંક મકાનો એવાં હોય છે કે તેમાં કુદરતી રીતે જ એ નાદ ચાલ્યા કરે છે. એવાં સ્થાનો ખાસ કરીને ધ્યાન કરનારા સાધકો માટે ખૂબ જ મદદરૂપ થઇ પડે છે. કુડલિનીની જાગૃતિ પછી સાધકને દસ જાતના નાદ સંભળાય છે એમ યોગશાસ્ત્રમાં કહેલું છે. તેને મળતો અમુક જાતનો નાદ તે સ્થાનોમાં ચોવીસ કલાક ચાલ્યા જ કરે છે. દશરથાચલ પર્વત પર એવો નાદ ચાલતો હોવાથી મન તેમાં તરત જ એકાગ્ર થઇ જતું. એ એક વિશેષ લાભ હતો. એ ઉપરાંત ઇશ્વરની કૃપા એટલે સમાધિનો અનુભવ મેળવતાં મને વાર ના લાગી. મનની પેલી પારના પ્રદેશનું દ્વાર જાણે કે સહેજમાં ઉઘડી ગયું ને મને શાંતિ મળવા માંડી. અંતરમાં આનંદ આનંદ થઇ રહ્યો. શરૂઆતમાં પા કે અડધો કલાક ને પછી તો ચાર ને પાંચ કલાક સુધી શરીરની વિસ્મૃતિનો એ અનુભવ કાયમ રહેવા માંડ્યો. ચંપકભાઇને પણ એથી આનંદ થયો.

વિવેકચુડામણીમાં શંકરાચાર્યે સમાધિના મહત્વનો સ્વીકાર કર્યો છે. પરંતુ સમાધિ કેટલી વખતની હોવી જોઇએ તેની નિરર્થક ચર્ચામાં તે ઉતર્યા નથી. 'જેનું મન એક ક્ષણ માટે પણ પરબ્રહ્મ પરમાત્મામાં લીન થઇ ગયું, તેનું જીવન ધન્ય થઇ ગયું, કુળ પવિત્ર થઇ ગયું, તેની જનની કૃતાર્થ થઇ, ને પૃથ્વી પણ તે બડભાગી પુરુષનો સ્પર્શ પામીને સફળ ને પુણ્યશાળી થઇ ગઇ.' એવી અંજલિ આપીને એમણે આત્માનુભવવાળા પુરુષનું ગૌરવ કર્યું છે. પરંતુ તેમના લખાણ પરથી જણાઇ આવે છે કે સમાધિના સમય પર ભાર મૂકવાને બદલે તેની ગુણવત્તા પર તેમણે વધારે ભાર મૂક્યો છે. સમાધિનો સમય ગમે તેટલો હોય પણ સમાધિ પ્રાપ્ત કરનારા સાધકને સમાધિ પછી બધે પરમાત્માની સત્તાનું દર્શન થવું જોઇએ, એ વાતને તે ખાસ મહત્વની માને છે. દૃષ્ટિને દૈવી કરીને અંદર ને બહાર બધે જ પરમાત્માનું દર્શન કરાવનારી એક ક્ષણની સમાધિ તેવું દર્શન કરવાની શક્તિ કે દૃષ્ટિ ના આપનારી કલાકો, દિવસો ને મહિનાની સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ છે, એવો એમનો અભિપ્રાય છે. બીજા પ્રકારની સમાધિથી કાળાંતરે કેટલીક સિદ્ધિઓ મળે છે, તે સાચું છે પણ તેની મુખ્ય સિદ્ધિ તો પરમાત્માનું દર્શન જ છે. તેને સાધવામાં જ તેની સફળતા છે. શંકરાચાર્યની એ વાત પર વિચાર કરીને ચરાચરમાં પરમાત્માનું દર્શન કરવાના પહેલેથી પાડેલા અભ્યાસને મેં વધારવા માંડ્યો. તેથી મને ઘણો આનંદ મળ્યો. અદ્વૈતના અનુભવના ભાવથી મારું હૃદય ભરાઇ ગયું. દશરથાચલ પર જવાનો એક ઉદ્દેશ આમ સફળ થયો.