Text Size

Audio

ભગવાન રામનું દર્શન

 દશરથાચલ પર્વત પર કાવ્યો સારા પ્રમાણમાં લખાયાં. કાવ્યો લખવાની શક્તિ મારામાં સહજ હતી એમ કહીએ તો ચાલે. કાવ્યોના વાચન ને લેખન તરફ મને પહેલેથી જ પ્રીતિ હતા. તે પ્રીતિ હિમાલય આવ્યા પછી પણ ચાલુ રહી. તેનું ઝરણું ઝરતું જ રહ્યું. કોઇને વિચાર થશે કે દશરથાચલના નિવાસ દરમ્યાન તો સાધના સતત રીતે ચાલતી હતી. આત્મોન્નતિની ઉત્કટ ઇચ્છાની તૃપ્તિ માટેના પ્રયાસો તે વખતે ચાલતા હતા. હિમાલયના બીજા સ્થળોમાં રહેવાનો મુખ્ય હેતુ પણ આત્મોન્નતિની સાધનાનો હતો. તે દરમ્યાન કવિતા લખવાનું કેવી રીતે બની શક્યું ? એવી શંકા થાય તે તદ્દન સ્વાભાવિક છે. પરંતુ તેનું સમાધાન પણ સહેલું છે. વાત એમ છે કે કવિતા મારે માટે કોઇ કલ્પનાનું કેવળ ઉડ્ડયન, મનોરંજન કે શોખનું સાધન નથી. કેવળ લખવાને ખાતર કવિતા લખવાનું મને પસંદ નથી. કવિતા મારે માટે એક કળા છે, સાધના છે, સત્ય, શિવ ને સુંદરનો સાક્ષાત્કાર કરાવનારી શક્તિ છે. તે દ્વારા પુરુષ પોતાના ભાવોની અભિવ્યક્તિ કરીને પરમાત્માની પાસે પોતાની જાતને ખુલ્લી કરે છે. પરમાત્મા સાથે વાતો કરે છે, ને પરમાત્માની કૃપાનો અનુભવ કરી શકે છે. વ્યક્તિ ને સમષ્ટિને પ્રેરણા પાવામાં, પોષવામાં ને સુધારવામાં પણ તેનો ફાળો નાનોસૂનો નથી. વ્યક્તિ તેમજ સમષ્ટિની આત્મિક ઉન્નતિની સાથે સાથે કવિતા સામાજિક ને રાષ્ટ્રીય ઉન્નતિ જેવી બીજી ઉન્નતિમાં ઓછો અગત્યનો ભાગ નથી ભજવતી. પરંતુ અત્યારે હું મારી પોતાની વાત કરી રહ્યો છું. મારા મનોભાવોને વ્યક્ત કરવામાં ને ઇશ્વર આગળ રજૂ કરવામાં તેણે મને હંમેશા મદદ કરી છે. એટલે તે સાધનામાં પૂરક કે સહાયક થઇને સાધનાની સહચરી બનીને જીવી રહી. જો તે જીવનના વિકાસની નક્કી કરેલી સાધનાની વિરોધી હોત, ને સાધના સાથે બંધબેસતી ના થતી હોત, તો તેનો ત્યાગ કરવાનો પ્રશ્ન ઉભો થાત. પણ વસ્તુસ્થિતિ તેથી ઉલટી હોવાથી, સાધનાના દિવસો દરમ્યાન પણ તેનો પ્રવાહ ચાલુ જ રહ્યો. કવિતા અથવા સાહિત્ય એ રીતે જીવન પોષક બને, તો તે આશીર્વાદરૂપ બની રહે છે. આપણે જોઇએ છીએ કે તુલસીદાસ, સુરદાસ, મીરાં, નરસી ને તુકારામ જેવા ભક્તોને માટે તેમની કવિતા પરમાત્માની સાથે સંબંધ બાંધવાના સાધનરૂપ બની છે. કવિતા તેમને માટે જપ, ધ્યાન, અનુષ્ઠાન જેવી કિમતી ઠરી છે. જેમ સાગરના વિશાળ સલીલ સાથે પંખી પોતાની પાંખની મદદથી સંબંધ સાધે તેમ કવિતાની પાંખથી આધ્યાત્મિકતાના આકાશમાં ઉડનારા તે ભક્તોએ પરમાત્માના વિશાળ સ્વરૂપને સ્પર્શ કર્યો છે. તેમને માટે કવિતાનું મૂલ્ય મંત્ર જેવું મોટું થયું છે. મારા સંબંધમાં પણ તે વાત કૈંક અંશે સાચી ઠરી. એટલે સાધનાની ઉત્કટતા દરમ્યાન પણ કવિતાનો પ્રવાહ વત્તેઓછે અંશે ચાલુ જ રહ્યો.

પરંતુ હિમાલયમાં આવ્યા પછી તેનું સ્વરૂપ જરા બદલાયું. માણસ જેવું જીવન જીવે છે, જીવવા માંગે છે, જેવા વિચાર ને ભાવ સેવે છે ને જે આદર્શોને પ્રિય ગણે છે, તેની છાયા તેની કૃતિમાં જરૂર આવવાની. તેનું પ્રતિબિંબ તેની રચનામાં જરૂર પડવાનું. તે કૃતિ ગદ્યની હોય કે પદ્યની, તેમાં તેના વ્યક્તિત્વ ને તેના અનુભવની છાપ ઉઠવાની, તેના ચિંતનમનન ને નિદિધ્યાસનની અસર તેમાં ખરેખર હોવાની. આ સિદ્ધાંતમાં અપવાદરૂપ એવાં એક-બે ઉદાહરણ નીકળી શકે, પરંતુ સામાન્ય રીતે તો આમ જ બનવાનું. તેથી જ આપણે સાહિત્યને જીવનનું દર્પણ કહ્યું છે. ગાંધીજી, વિનોબા, ટાગોર, મેક્સીમ, ગોર્કી, ટોલસ્ટોય, અરવિંદ, ન્હાનાલાલ જેવા સર્જકોના સાહિત્યનું આમ જ સમજવાનું છે. બીજા સર્જકોનું પણ તેવું જ છે. તેમનું વ્યક્તિત્વ તેમના સાહિત્યમાં ઓતપ્રોત રહેવાનું જ. મારી લેખનશક્તિ તો સીમિત છે, છતાં પણ મારા લેખન સંબંધી પણ એમ જ સમજવાનું છે. હિમાલય ગયા પછી મારા જીવનમાં આત્મોન્નતિની સાધનાએ ભારે ભાગ ભજવ્યો. મારું જીવન મુખ્યત્વે આધ્યાત્મિક બની ગયું. આધ્યાત્મિકતા પ્રત્યેની મારી પ્રેમભક્તિ ને શ્રદ્ધામાં વધારો થતો ગયો. એટલે મારા લેખનમાં પણ તેની અસર છે, છાપ છે, ને તેનું પ્રતિબિંબ જોવા મળે છે.

સમાધિના અનુભવના આરંભથી મને અસાધારણ આનંદ થયો. મારી શ્રદ્ધા વધી પડી. મને થયું કે ઇશ્વરની મારા પર કૃપા છે. તેને લીધે મને બીજા અનુભવો પણ મળતા રહેશે. મારા દિલમાં ઇશ્વરના સાકાર દર્શનની ભાવના લાંબા વખતથી ચાલુ હતી. તેની પૂર્તિ માટે હું બનતી પ્રાર્થના કર્યા કરતો. તે દિવસોમાં મને પ્રાર્થનામાં ભારે શ્રદ્ધા હતી. પ્રાર્થના એ જ મારું બળ હતું એમ કહીએ તો ચાલે. જે અનુભવ કે વસ્તુની જરૂર હોય તેને માટે હું ઇશ્વરને પ્રાર્થના કરતો. પ્રાર્થના દ્વારા મારા દિલને ઇશ્વર આગળ ખોલી દેતો, ને ઇશ્વરની કૃપાની યાચના કરતો. જેવી રીતે બાળક માતાને માટે ટળવળે છે, રડે છે, ને બેચેન બને છે, તેવી રીતે ઇશ્વરને માટે હું બેચેન બનતો, રડતો, ને ટળવળતો. તાલાવેલીના એ દિવસો કેવી રીતે પસાર થઇ જતા તેની ખબર પણ ના પડતી. તે પછીના ને આજ સુધીના મારા જીવનનું મુખ્ય બળ પ્રાર્થના જ છે. ઇચ્છાનુસાર સિદ્ધિને માટે પણ આજે હું પ્રાર્થનાનો જ આધાર લઇ રહ્યો છું. પ્રાર્થના મારે માટે મંત્રનું કામ કરે છે. મારે કહેવું જોઇએ કે પ્રાર્થનાએ મને આજ લગી મોટી મદદ કરી છે. પ્રાર્થનાના પરિણામે ઇશ્વરે મારા પર વખતોવખત કૃપા વરસાવી છે ને સાધનાના જુદા જુદા અનુભવો આપીને મને કૃતાર્થ કર્યો છે.

ઇશ્વરના સાકાર દર્શનને માટે મારી પ્રકૃતિ પ્રમાણે હું રોજેરોજ પ્રાર્થના કર્યા કરતો. ધ્યાનમાં બેસવા માટે સવારે બારણાં બંધ કરતો, ત્યારે તો મારી દશા કરુણ થઇ જતી. મને થતું કે એક એક દિવસ વીતતો જાય છે. હજી મારી ઇચ્છા પૂરી નથી થઇ. તો પ્રભુ મારા પર કૃપા ક્યારે કરશે ?

ત્યાં તો એક દિવસ પ્રભુની કૃપા થઇ ગઇ. એ દિવસ મારે માટે આશીર્વાદરૂપ સાબિત થયો. સવારે ધ્યાન ને પ્રાર્થના કરતાં કરતાં અચાનક મારું શરીરભાન ભૂલાઇ ગયું. શરીર નિશ્ચેષ્ટ બની ગયું. તે દશામાં મને જે અલૌકિક અનુભવ થયો તેને યાદ કરીને આજે પણ મારા અંતરમાં આનંદ ઉભરાય છે. મને ભગવાન રામનું દર્શન થયું. ભગવાન રામનું સ્વરૂપ ખૂબ જ સુંદર હતું. એવું સુંદર સ્વરૂપ સંસારમાં જોવા મળતું નથી. તે ઉભા હતા. તેમણે પિતાંબર પહેરેલું, ગળામાં માળા, માથે મુકુટ ધારણ કરવાથી તેમની શોભામાં વધારો થયેલો. તે મારી તરફ જોઇ રહેલા. તેમની દૃષ્ટિની મધુરતાનું વર્ણન મારા સરખો સાધારણ ને અજ્ઞ માણસ કેવી રીતે કરી શકે ? લગભગ પાંચેક મિનીટ તે દર્શનનો અનુભવ ચાલુ રહ્યો ને પછી મને ભાન આવ્યું. હું ધ્યાનમાંથી જાગ્રત થયો. પણ મારા મનમાં ઉંડી શાંતિ હતી અને અંતરમાં આનંદનો અર્ણવ ઉછાળા મારી રહેલો. એ અનુભવની અસર એવી અજબ હતી.

થોડા વખત પછી હું બહાર નીકળ્યો ત્યારે મારા મુખ પર આનંદ આનંદ ફરી વળેલો. મને કોઇ સારો અનુભવ થયો છે એ વાતની કલ્પના મને જોતાંવેંત કરી શકાય તેમ હતી. ચંપકભાઇને મારી ટેવ મુજબ મેં લખીને મને થયેલા દર્શનના અનુભવની વાત કરી. તેથી એમને આનંદ થયો.

રામના દર્શનની મને ખાસ લગની ન હતી. તે માટે મેં કોઇ ખાસ પરિશ્રમ પણ નહોતો કર્યો છતાં પ્રભુએ મારી ભાવનાને સંતોષવાની એવી રીતે કૃપા કરી. તેમાં મારા પૂર્વજન્મના સંસ્કારો પણ કારણભૂત થયા હશે. ગમે તેમ પણ રામદર્શનના એ અનુભવથી મને અત્યંત આનંદ થયો ને પાર વિનાની શાંતિ મળી. એ અનુભવ કોઇ પ્રકારના વાર્તાલાપથી રહિત હતો. વળી ધ્યાનનો અથવા સમાધિનો હતો છતાં મારે માટે તેનું મૂલ્ય ઘણું મોટું હતું. ભગવાન રામની એ કૃપા બદલ તેમના ચરણમાં મેં વારંવાર ભીની આંખે પ્રણામ કર્યા.