Text Size

Home

prakash-na-panthe

શ્રી યોગેશ્વરજીની સુપ્રસિદ્ધ આત્મકથા 'પ્રકાશના પંથે'.

ભૂતકાળની સ્મૃતિ લગભગ દરેક માણસને થયા કરે છે. વીતી ચૂકેલા જીવનના મીઠા પ્રસંગોને લાંબા સમય સુધી ને વારંવાર યાદ કરીને માણસ તેમાંથી આનંદ, પ્રેરણા, પ્રકાશ, શાંતિ ને નવજીવનનું ભાથું મેળવે છે. માનવજીવન અતિ મૂલ્યવાન છે. તેનું ખાસ પ્રયોજન છે. તેમાં ભારે શક્તિ ને શક્યતા રહેલી છે. દેહધારી માનવને એની અલ્પતાનો અંત લાવી અને એને વધારેને વધારે ઉચ્ચ તથા ઉજ્જવળ બનાવી એને પરિપૂર્ણ કરવાની તક મળેલી છે. અંધકારને દૂર કરી, અસત્ય અને મૃત્યુના આવરણને હઠાવી દઇ, તેને જ્યોતિર્મય, સત્યમય અને અમૃતમય કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. તે માટે તેણે પ્રયાસ કરવાનો છે. પ્રકાશના પંથના એ પ્રવાસનું એણે અવારનવાર અવલોકન કરવાનું છે ને ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી જાગ્રત રહીને આગળ ને આગળ ધપવાનું છે.

પ્રકાશના પંથના આલેખનનું આ કાર્ય એકમાત્ર ઇશ્વરની ઇચ્છાથી થઇ રહ્યું છે. જીવનને પૂર્ણ, મુક્ત ને પ્રભુમય બનાવવા માટે થયેલી સાધનાની આ કથા પ્રામાણિક અને વાસ્તવિક છે. એ કેટલાક બુદ્ધિજીવી કે બુદ્ધિ પર જ નિર્ભર રહેતા માણસોને કૈંક અચરજમાં મૂકી દેશે, કેટલીક વાર શંકાશીલ તો કેટલીક વાર ઊંડા વિચાર કરતા કરી દેશે. જીવનને પ્રભુપરાયણ કરવાની ઇચ્છાવાળા માણસોને કે પ્રકાશના પંથે પ્રવાસ કરનારા સાધકોને આમાંથી કંઇ ને કંઇ ઉપયોગી સામગ્રી અવશ્ય મળી રહેશે. પથભ્રાંત કે હતાશ થયેલા સાધકોને આમાંથી માર્ગદર્શન ને નવજીવનની સુખદ સામગ્રી સાંપડશે. સંસારના આધ્યાત્મિક વારસામાં એ રીતે થોડોઘણો પણ વધારો થશે તો લેખનનો પરિશ્રમ કૈંક અંશે સાર્થક થયેલો મનાશે.

નાનપણથી મને રોજનીશી લખવાની ટેવ હતી. અને તે ટેવ ઉપકારક લાગવાથી લાંબા વખત સુધી ચાલુ રહી. એટલે જીવનનું અવલોકન કરીને તેનું શબ્દોમાં સરવૈયું કાઢવાની મારી પ્રિય પ્રથા, ઇશ્વરી પ્રેરણાનો પુરસ્કાર પામીને જાણે કે આત્મકથાના રૂપમાં પરિણમી રહી છે. એ પરથી કોઇએ એમ નથી સમજવાનું કે વીતી ગયેલ જીવનની બધી જ વાતોને આમાં સમાવી લેવામાં આવી છે. અહીં તો જે વાતો લખવા જેવી લાગી તે જ અને જે સાધનાત્મક અનુભવો જાહેર કરવા ઠીક લાગ્યા તે જ રજૂ કર્યા છે. વધુ તો આ કથા પોતે જ કહેશે.

 

દેવભૂમિથી પણ અધિક મહિમાવાળી ભારતવર્ષની ઋષિમુનિ સેવિત તપોભૂમિમાં અતીત કાળથી માંડીને અદ્યતન કાળપર્યંત જુદાજુદા અનેક અલૌકિક સંતો, મહાત્માઓ, યોગીઓ અને તપસ્વીઓ જન્મીને પોતાના લોકાત્તર જીવન દ્વારા પ્રેરણા તથા પ્રકાશ પાથરીને, અસંખ્ય આત્માઓને પથપ્રદર્શન પહોંચાડીને, જ્યોતિર્ધર તરીકેનું કલ્યાણકાર્ય કર્યું છે. શ્રી યોગેશ્વરજીએ જયોતિર્ધરોની એ પ્રાણવાન પરંપરાને વધારે પ્રકાશવંતી કરી છે તથા પ્રાણવાન બનાવી છે. એમની આત્મકથાનું અવલોકન કે અધ્યયન કરનારા આત્માઓ એ સત્યને પ્રથમ દૃષ્ટિએ સહેલાઇથી સમજી શકશે.

શ્રી યોગેશ્વરજીના જ્યોતિર્મય જીવનનો હું વરસોથી સાક્ષી રહ્યો છું. મેં ગુજરાતની પુણ્યભૂમિના એમના સાબરમતી તટ પરના નાનકડા જન્મસ્થાનને જોયું છે, એમણે જ્યાં રહીને કઠોર તપ કરેલું તે દેવપ્રયાગના એમના એકાંત આશ્રમને જોયો છે, એમના સાધનામય જીવનનો પરિચય પ્રાપ્ત કર્યો છે, એમના ઉપવાસોને નિહાળવાનું સૌભાગ્ય પણ મેળવ્યું છે, એમની સ્થિતપ્રજ્ઞતાને પણ નિહાળી છે, અને એ બધા પરથી મારી પ્રતીતિ થઇ છે કે એ જીવનમુક્ત મહામાનવ આજના વિશ્વના એક અસાધારણ મહામાનવ છે. મેં મારા જીવન દરમ્યાન કેટલાય સંતો, તપસ્વીઓ, યોગીઓને જોયા છે, પરંતુ યોગેશ્વરજી જેવા સાચા, સંપૂર્ણ, સર્વાંગીણ વિકાસવાળા મહાપુરુષને નથી જોયા. યોગેશ્વરજી સૌમાં જુદા જ તરી આવે છે. એમનું જીવન ભારતીય સાધના, તત્વજ્ઞાન અને સંસ્કૃતિના અલૌકિક અનુવાદરૂપ છે.

એમની વિસ્તૃત રીતે આલેખાયેલી આત્મકથામાં એમણે છેક જ સીધીસાદી સરળ નિરાડંબર સત્યનિષ્ઠ ભાષામાં પોતાની જીવનસાધનાની અને વિવિધરંગી સિદ્ધિઓની કથા કહી છે. એ કથા કેટલી બધી રોચક, પ્રેરક અને પથપ્રદર્શક છે એ તો એનું અધ્યયન કરવાથી જ સમજી શકાશે. એને વાંચ્યા-વિચાર્યા પછી હું તો એટલું જ કહું છું, કહ્યા સિવાય રહી શકતો નથી, કે જે માતાપિતાએ એમના આવિર્ભાવમાં અજ્ઞાત રીતે પણ ભાગ ભજવ્યો છે તેમને ધન્ય છે. એમને પ્રકટાવનારું કુળ અને એમની ક્રીડાસ્થળી થનારી ભૂમિ ધન્ય છે, અને એમની પવિત્ર પદરજને ધારણ કરનારી ધરતી પણ ધન્ય છે. એમના જેવા મહાપુરુષનું દર્શન યુગો પછી કોઇવાર થઇ શકે છે તથા યુગો સુધી પ્રેરણા પ્રદાન કરનારું થઇ પડે છે.

યોગેશ્વરજીએ સાધનાના જટિલ જીવનપંથને ઇશ્વર પર શ્રદ્ધા રાખીને, ઇશ્વરરૂપી પરમ કરુણામયી માતાનો આશ્રય લઇને, એની આંગળી પકડીને, એકલે હાથે જ ખેડવા માંડ્યો ને પૂરો કર્યો છે. એ સતત સાવધ, જાગ્રત, આત્મનિરીક્ષણયુક્ત રહ્યા છે, નાના-મોટાં પ્રલોભનોમાં પડ્યા નથી. નાના સરખા ગામમાં જન્મીને અભ્યાસાર્થે મુંબઇ ગયા. ત્યાંના નિવાસ દરમ્યાન આધ્યાત્મિક માર્ગે આગળ વધવાના સંકલ્પો અને એ સંકલ્પોની સિદ્ધિના પ્રયત્નો કર્યા. પવિત્ર હિમાલયમાં વસ્યા, ભાતભાતની સાધનામાં પ્રવેશ્યા. જુદા જુદા જ્ઞાત-અજ્ઞાત સિદ્ધ પુરુષો કે સંતોને મળ્યા. અલૌકિક અનુભવો પામ્યા. અને છેવટે સિદ્ધિના સર્વોચ્ચ શિખર પર પહોંચીને શાંતિમય બન્યા. એ બધું ભગીરથ કાર્ય એમણે સતત લગન, ધીરજ, હિંમત, ત્યાગ, શ્રદ્ધા તથા સમર્પણભાવથી પૂરું કર્યુ. બીજા સાધારણ, અથવા અસાધારણ સાધકો એમના જીવનમાંથી ઘણું ઘણું શીખી શકશે. સાધનાને નામે પેદા થતી ભ્રાંતિઓને ને કપોલકલ્પિત માન્યતાઓને દૂર કરીને સાધનામય જીવનનો સાચો પ્રકાશ પામી શકશે. છેવટે ધન્ય બનશે.

એમણે કરેલા અવારનવારના ઉપવાસો આજની પ્રજાને આશ્ચર્ય પમાડે તેવા છે. અને એમ તો એમનું આખું જીવન આશ્ચર્યકારક છે. એ ઉપવાસો એમની પરમાત્મપ્રીતિ, લગની ને નિષ્ઠાની પ્રતીતિ કરાવે છે. એમણે કેટકેટલાં કષ્ટો વેઠીને એમના ધ્યેયની સિદ્ધિ સારુ સાધના કરી છે એનો પરિચય કરાવે છે. એમની સાધના કેવળ એમને માટે જ નહોતી થઇ. એમની આત્મકથા દર્શાવે છે કે દેશ તથા દુનિયાને માટે, બીજાને સુખશાંતિ પહોંચાડવા તથા મદદરૂપ થવા માટે પણ એમણે સ્વપ્નાં સેવેલાં ને બનતા પ્રયત્નો કરેલા. દેશની સ્વતંત્રતાને માટે હિમાલયમાં રહીને એમણે વરસો સુધી પ્રાર્થનાઓ કરેલી. દેશની ઘટનાઓનું સતત ધ્યાન રાખેલું, અને હજુ હમણાં જ ઇ. સ. 1977ના માર્ચમાં થયેલા ભારતના ઐતિહાસિક નોંધપાત્ર અદભૂત પરિવર્તનમાં પણ એમણે કેવો અદૃષ્ટ છતાં ચોક્કસ અનન્ય ભાગ ભજવેલો એનો પરિચય આત્મકથાના અંતિમ પ્રકરણ 'સુવર્ણ પ્રભાત' પરથી થઇ રહે છે. દેશને માટે પ્રતિષ્ઠા કે કશાની પરવા વિના પડદા પાછળ રહીને એમણે જે પાયાનું કામ કર્યું છે તેનો દસ્તાવેજી પૂરાવો એમાં પ્રાપ્ત થાય છે, ત્યારે સમજાય છે કે એ એક મહાન રાષ્ટ્રભક્ત કે રાષ્ટ્રવિધાયક પણ છે અને એમને માટે પરમ આદરભાવ પ્રકટે છે. આપણે એવું નિશ્ચિત રીતે માનતા હતા કે ભારતની રાજ્યપરિવર્તનની છેલ્લી ઘટનાની પાછળ કોઇક દૈવી સંકેત કે દૈવી શક્તિનો હાથ છે, પરંતુ એ હાથ આવો મજબૂત હશે અને યોગેશ્વરજી જેવા મહાપુરુષ પણ એમાં નિમિત્ત બન્યા હશે તે તો એ પ્રકરણને વાંચ્યા પછી જ સમજાય છે. મારી સાથે યોગેશ્વરજીએ એ વિશે વારંવાર વાતો કરેલી ને કહેલું કે ભારતના નક્શાને ધરમૂળથી બદલવો પડશે. રાજ્યશાસન બીજાના હાથમાં મૂકવું પડશે. એને માટે હું મારાથી બનતું કરી અને પરમાત્માને પ્રાર્થી રહ્યો છું. ભારતની છેલ્લી લોકસભાની ચૂંટણી પહેલાં જ એમણે મને જણાવેલું કે આ વખતે સરકાર છેક જ બદલાઇ જશે. એ કેવા અસાધારણ આર્ષદૃષ્ટા છે તેની સમજ અમને સંપૂર્ણપણે ત્યારે જ પડેલી.

એમના પૂર્વજન્મના જ્ઞાનની વાતોને વાંચીને કેટલાક વિચારમાં પડશે. એમણે તો સત્યને વફાદાર રહીને, સ્વાનુભવના નિર્દેશ માટે જ એ વાતને રજૂ કરી છે. એમને ઇ.સ. 1944માં પૂર્વજન્મનું જ્ઞાન થયેલું, અને એ પછી વરસો સુધી એ જ્ઞાન જુદી જુદી રીતે થતું રહ્યું એનો ઇતિહાસ રોચક છે. એમના એ જ્ઞાનનો હું છેક ઇ.સ. 1944થી જ સાક્ષી છું. આજે તેત્રીસ જેટલાં વરસો પછી એ એની માહિતીને પ્રગટ કરી રહ્યા છે તો એમને એ દ્વારા કીર્તિ કમાવાની ઇચ્છા નથી જ. જો કીર્તિ કમાવવાની, ભક્તમંડળને વધારવાની કે બીજી કોઇ લૌકિક લાલસા હોત તો એ આટલાં વરસ સુધી બેસી ના રહેત, પૂર્વજન્મના જ્ઞાનની તરત જ જાહેરાત કરત. પરંતુ એ એવી લાલસા કે ઇચ્છાથી સર્વથા મુક્ત છે. હજુ હમણાં જ એમને કેટલાંક પ્રેમીજનોએ પૂર્વજન્મ વિશે પૂછેલું તો એમણે શાંતિથી જણાવેલું કે મારી આત્મકથા હવે બહાર પડવાની છે, તેમાંથી જાણી લેજો. આટલા વખત સુધી ધીરજ રાખી છે તો થોડીક વધારે રાખો. યોગેશ્વરજી કહે છે કે એ જ્ઞાન તો મને મારા પોતાના લાભ માટે મળેલું છે. બીજાને તેની સાથે એટલો સંબંધ નથી. બીજા તેને માને કે ના માને તે મહત્વનું નથી. બીજા માને તેવો મારો આગ્રહ પણ નથી. સૌ કોઇ સ્વતંત્ર છે. મેં તો મારા અનુભવનું આલેખન કર્યું છે એટલું જ. બીજાને માટે તો હું વર્તમાન જીવનમાં જે છું તે જ વધારે મહત્વનું છે. મારે પૂર્વજન્મના નામને વટાવીને યશસ્વી નથી થવું. પૂર્વજન્મના મહત્વના આધાર પર મહત્વ નથી બતાવવું. છતાં પણ મારા સ્વાનુભવોની રજૂઆત કરતી વખતે એની રજૂઆત પણ સહજ રીતે જ કરી રહ્યો છું. એમની નમ્રતા, નિખાલસતા અને સત્યનિષ્ઠા અદભૂત છે. કોઇ એમની વાતને માને કે ના માને એટલા માટે એમણે આ કથા નથી લખી. આત્મકથામાં એમણે મહાત્મા ગાંધીજીના પૂર્વજન્મ વિશે પણ પ્રકાશ પૂરો પાડ્યો છે. એ પણ અવનવો અદ્વિતીય થઇ પડે તેમ છે.

આત્મકથામાં આલેખાયેલો સાધનામય જીવનનો ઇતિહાસ રસિક, તર્કબદ્ધ, બુદ્ધિસંગત અને ઉપકારક છે. વરસો તથા યુગો સુધી એ સાધકોનું કલ્યાણ કરશે. ઇતર જનોને પણ પ્રેરણા પાશે. સંસારની સફરમાં દિવ્ય દીવાદાંડીની ગરજ સારશે. આ પ્રકારની આધ્યાત્મિક અનુભવોથી ભરેલી, જીવનવિકાસની સાંગોપાંગ સમજ પૂરી પાડતી આત્મકથા આ પહેલી છે, એવું કહેવામાં કશી અતિશયોક્તિ નથી થતી. પરમાત્માના પરમ કૃપાપાત્ર પરમ આદરણીય પરમ વંદનીય શ્રી યોગેશ્વરજીને એના આલેખન માટે જેટલા પણ અભિનંદન આપીએ એટલાં ઓછાં છે. યોગેશ્વર નામ એમને સ્વયં મા જગદંબાએ કેવી રીતે આપ્યું એનો આહલાદક વૃતાંત પણ આ કથામાં મળી આવે છે. એમની સાથે છેલ્લાં કેટલાય વરસોથી રહેતાં એમનાં માતાજીનો સમ્યક પરિચય પણ કથાના પ્રવાહ દ્વારા પ્રાપ્ત થાય છે.

ગુજરાતી ભાષા સાહિત્યના ભંડારને એમણે એમના નાના-મોટા અનેકવિધ ગ્રંથો દ્વારા આજ સુધી સમૃદ્ધ કર્યો છે. આત્મકથા દ્વારા એ એમાં એક અમર થવા અથવા સનાતન બનવા સરજાયેલા અસાધારણ ગુણવત્તાવાળા ગ્રંથરત્નનો ઉમેરો કરે છે. ગુજરાતી સાહિત્યમાં આ ગ્રંથરત્ન પોતાની આગવી વિશિષ્ટતાથી પ્રકાશી ઉઠશે. એની વિષય નિરૂપણ શૈલી, મૌલિકતા, સરસતા, એનું ભાષાપ્રભુત્વ, બધું જ અદભૂત છે. એ શિષ્ટ શ્રેષ્ઠ સાહિત્યના સર્વૌચ્ચ શિખરોને સર કરે છે. એમની આત્મકથાનું આલેખન સરિતાના પરમ શાંત પ્રસન્ન પ્રવાહની પેઠે, પરિમલથી પુલકિત પુષ્પ કે ધીરગંભીર ચિત્તાકર્ષક ગૌરવાન્વિત ગગનમંડળની પેઠે, એટલું બધું સહજ, સરસ, સ્વયંભૂ બન્યું છે કે વાત નહીં. એનું અધ્યયન અસાધારણ આનંદવર્ષણ કરનાર, અંતરને અનુપ્રાણિત કરનારું, અને આત્માને ઉદ્દાત બનાવનારું થઇ પડે છે. જીવનનું શ્રેય સાધે છે. એ એમને સિદ્ધહસ્ત સાહિત્યકાર તરીકે પુરવાર કરે છે. એમના સરખા સમર્થ સંતપુરુષે આલેખેલી અનુભવોની અનોખી સંહિતા સમી આ આત્મકથા પરમ પ્રકાશના સાક્ષાત્કારના પવિત્ર પંથનો પરિચય કરાવે છે અને એ પંથના પ્રવાસની પ્રેરણા આપે છે.

આ આત્મકથાએ ભારતવર્ષની સનાતન સાધના, આધ્યાત્મિકતા, સંતપરંપરા, અને હિમાલયના ગૌરવને વધાર્યું છે. એણે પ્રદર્શાવ્યું ને પૂરવાર કર્યું છે કે આજના વિષમ વખતમાં પણ પરમાત્માની પરમ કૃપાને પામેલા સાચા મહાત્માઓની પરંપરા ભારતમાં તૂટી નથી. એણે ભારતીય સંસ્કૃતિના નામને રોશન કર્યું છે.

- સ્વામી બ્રહ્મરૂપાનંદ, પરમધામ (હિમાલય)

 

'પ્રકાશના પંથે' એ મહાત્મા યોગેશ્વરજીની આત્મકથા છે. પ્રારંભમાં જ લેખકે કહ્યું કે પોતે એ આત્મકથા સત્યને વફાદાર રહીને, કીર્તિની કે ધનસંપત્તિની ઇચ્છા રાખ્યા સિવાય, અભીપ્સુઓને તેથી માર્ગદર્શન મળે, સહધર્મીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી લખી છે. એમાં કોઇ કપોળ-કલ્પના નથી, અતિશયોક્તિ નથી, પણ એક નક્કર આધ્યાત્મિક આત્મ-ઇતિહાસ છે. આવા ગ્રંથોનું મૂલ્ય ઘણું હોય છે, તે બીજાઓને પ્રકાશને પંથે જવાની પ્રેરણા પૂરી પાડે છે. એટલે એ એક પરોપકાર બુદ્ધિથી લખાયેલી આત્મકથા છે. પોતાને નાનપણથી, મુંબઇ અનાથ બાળકોના આશ્રમમાં હતા ત્યારથી, રોજનિશી લખવાની ટેવ પડી હતી; એટલે એક આધ્યાત્મિક દસ્તાવેજ તરીકે જ આપણે એનું મૂલ્ય આંકવાનું છે. એક અંગ્રેજ કવિએ ઠીક જ કહ્યું છે કેઃ

Lives of great men all remind us,
We can make our lives sublime,
And departing leave behind us
Foot prints on the sands of time.

બરાબર છે. આ મહાકાળના પથ ઉપર મૂકેલા એક સાધક મહાત્મા યોગીના પદચિન્હો છે, જેથી બીજા સાધકોને તેમાંથી ઘણું ઘણું જાણવાનું મળે, પોતાના અનુભવોને આ મહાત્માના અદભૂત ગણાય તેવા અનુભવો સાથે સરખાવવાનું સદભાગ્ય મળે, નિરાશાને ખંખેરી નાખી પૂર્ણતાના પથ ઉપર આગળ વધવાના ઉત્સાહ, પ્રેરણા, હિંમત અને બળ મળે.

લેખક એક બહુ જ ઊંચી કોટિના ગદ્ય લેખક અને કવિ છે. સાહિત્ય પ્રત્યેની અભિરુચિ અને કાવ્યલેખનનો આત્મ-આવિષ્કારનો અદ્વિતીય માર્ગ તેમને નાની ઉંમરથી જ, મુંબઇમાં હાઇસ્કૂલમાં અને કોલેજમાં ભણતા હતા ત્યારથી જ સ્વયં પ્રાપ્ત થયો હતો. એટલે આત્મકથાના સાહિત્યના ક્ષેત્રમાં તે આવો પ્રયાસ કરે તે સ્વાભાવિક છે. મહાત્મા ગાંધીજીએ, વેંદાતના અદ્વૈત માર્ગના ઓલિયા શ્રી મણિલાલ નભુભાઇ દ્વિવેદીએ (તેમની આત્મકથા અપ્રગટ છે), શ્રી ઇંદુલાલ યાજ્ઞિકે વગેરે મહાપુરુષોએ આત્મકથાઓ લખી છે. પણ લેખક કહે છે તેમ દરેક જણ જે રંગે રંગાયેલો હોય તે રંગની વસ્તુ જ તેની કૃતિઓમાં સ્વાભાવિક રીતે પ્રતિબિંબિત થાય. રાજકારણી પુરુષો રાજકારણ વિશે જ વધારે લખે, સાહિત્યસર્જકો સાહિત્ય વિશે જ વધારે લખે અને તેની છણાવટ કરે, મણિભાઇ દ્વિવેદી જેવા ગૂઢ અભેદ માર્ગના સફરીઓ આત્મ-નિમજ્જન કરે, અને યોગેશ્વરજી જેવા મહાત્માઓ આધ્યાત્મિક દર્શનો, સંત મહાત્માઓના મિલનો અને કેવળ 'મા' પર શ્રદ્ધા રાખી, પરમાત્મ તત્વને પ્રાપ્ત કરવા માટે, અંદરની 'મા'ની પ્રેરણાના અવાજ અનુસાર વિવિધ સાધનામાર્ગોમાં ઝંપલાવે, પૂર્ણતા પ્રાપ્ત કરવા ભગીરથ વ્રતો, ઉપવાસો, પ્રાર્થના, તપસ્યાઓ કરે અને તે બધી વસ્તુઓનું ચિત્રણ આત્મકથામાં કરે એ સ્વાભાવિક છે. મહાત્મા ગાંધીજી, જેમની અસર લેખક ઉપર નાનપણથી જ ઘણી માત્રામાં પડી હતી, અહિંસા, સત્યાગ્રહ અને ભારતની આઝાદી અને વિશ્વશાંતિ માટે એક અનોખો માર્ગ શોધી કાઢે, જીવનમાં અજમાવીને તે સાધનની અસરકારકતા સ્પષ્ટ કરી બતાવે તે સ્વાભાવિક છે.

પણ યોગેશ્વરજીની આધ્યાત્મિક સાધનાની એક વિશેષતા છે. તે પરમાત્મ તત્વને પ્રાપ્ત કરી, તેમાં વિલીન થઇ જવાની વાતને પસંદ કરતા નથી. તેમને 'કારક' મહાપુરુષોનું અવતારી કાર્ય ખૂબ ગમે છે. પોતાના યુગને અનુરૂપ બની, વિશ્વજીવનને વધારે આધ્યાત્મિક, પરિપૂર્ણ, વિશુદ્ધ, શાંતિમય અને સમૃદ્ધ બનાવવામાં પોતાને ઇશ્વરનિર્ણીત ભાગ ભજવવાનો છે, તે નિયતિ તરફ હંમેશા કારક-કોટિના મહાત્માઓનું ધ્યાન રહેતું હોય છે. પરમાત્માએ તેમને અમુક મિશન સોંપ્યું હોય છે, તેઓ વિશ્વનિયંતાના કમિશ્નરો હોય છે. તે કાર્ય કરવામાં જો તેઓ આનાકાની કરે, તેને પૂર્ણરૂપે સિદ્ધ ન કરે, તો પરમાત્માની આજ્ઞાનો ભંગ કર્યો ગણાય. એટલે આવા મહાપુરુષો ગીતાનો નિષ્કામ, અહંતારહિત, દિવ્ય કર્મયોગ આચરવામાં આનંદ અને કૃતાર્થતા માણતા હોય છે. આ બાબતમાં યોગેશ્વરજીનું દ્રષ્ટિબિંદુ શ્રી અરવિંદના દૃષ્ટિબિંદુને બહુ જ મળતું આવે છે તે નોંધવું અસ્થાને નહિ ગણાય.
 
લેખકને જગતની ઉત્ક્રાંતિમાં, આધ્યાત્મિક વિકાસમાં ખૂબ રસ છે. એટલે પ્રસંગોપાત, એક આધ્યાત્મિક વિવેચકની આંતરદૃષ્ટિ વડે, તે અંગુલિનિર્દેશ કરતા જ રહે છે. અત્યારે ભારતમાં કયા કયા ક્ષેત્રમાં શું શું ચાલી રહ્યું છે અને શું થવું જોઇએ, તેમાં કયા કયા સુધારા થવા જોઇએ તેનું આનુષંગિક વિવેચન પણ તે આ આત્મકથામાં કરતા રહ્યા છે. પોતે અમદાવાદ અને ધોળકા વચ્ચેના સરોડા ગામમાં જનમ્યા. શૈશવ ત્યાં પસાર થયું. એટલે ગામડાંની અત્યારની દશા, ગામડાં અને મુંબઇ જેવી નગરી વચ્ચેનો તફાવત, ગામડાંની સંકુચિત દૃષ્ટિ, આ બધાંની તે છણાવટ કરી લે છે, અને ગામડાંને કેળવણીની, વીજળીની, પાણીની વગેરેની સગવડ મળે અને એ દેશના વિકાસમાં પોતાનો યોગ્ય ફાળો આપી શકે, તે માટે તેમાં થવી જોઇતી ઉન્નતિ તરફ લેખક આંગળી ચીંધે છે. તેમના પિતા શ્રી મણિલાલ ભટ્ટનો ખેતીનો ધંધો એટલે તે પ્રકારના જીવનમાં આવતા મુખ્ય ગુણો સ્વાશ્રય, સહિષ્ણુતા, જાતમહેનત અને પ્રકૃતિની ગોદમાં રહેવાનું સદભાગ્ય એમની લેખક નોંધ લે છે. નિરાધાર બાળકોનો અનાથાશ્રમ, ત્યાંનુ વાતાવરણ, ગૃહપતિમાં બાળકો પ્રત્યે સહાનુભૂતિનો અભાવ, પરિણામે બાળકો પર પડતા અનિષ્ટ પ્રત્યાઘાતો વગેરેની નોંધ લઇ, ગૃહપતિ કેવો હોવો જોઇએ તેનું પણ તે સુરેખ ચિત્ર ચીતરે છે. ચિતા જોતાં તેમને જીવનની ક્ષણભંગુરતાના અને વૈરાગ્યના વિચાર આવે છે. મુંબઇમાં હાઇસ્કૂલમાં ગીતાના ખાસ વર્ગો લેવાતાં એટલે ગીતાનો મહિમા તે ગાઇ લે છે, અને બીજા અધ્યાયના સ્થિતપ્રજ્ઞના લક્ષણો તેમના મનમાં ઘર કરી જાય છે, તે મુજબ જીવન ઘડવાની અદમ્ય પ્રેરણાના પિયૂષ પાય છે. છાત્રાલયમાં પ્રેતયોનિનો પ્રસંગ નીકળતાં, તે પ્રેતયોનિ જેવી સુક્ષ્મ જગતની યોનિનો નિર્દેશ પણ કરે છે. એક બેન સાથેના પ્રસંગ સમયે, તે સ્થૂળ દેહને અને તેના વિનાશી સૌંદર્યને ન જોતાં દરેકમાં આત્મદર્શન કરવાની જરૂરિયાત તરફ સાધકોનું ધ્યાન દોરે છે. લગ્નસમસ્યાનો વિષય પોતાના જીવનમાં ઉભો થતાં તેઓ સમજાવે છે કે ઉચ્ચ આધ્યાત્મિક આદર્શવાળા મહાપુરુષ માટે લગ્નજીવન અનિવાર્ય નથી, અને સમજપૂર્વક દાંપત્યજીવન જીવવામાં આવે તો તે ક્રમેક્રમે માણસને આત્મપ્રાપ્તિ કરવામાં સહાયક બને છે તેનો ઉલ્લેખ તે કરી લે છે.

હિમાલય તો યોગેશ્વરજીનું ઘર-સાચું ઘર છે. ત્યાંના અનેક સ્થાનો, પર્વતમાળાઓ, પવિત્ર ગંગા નદી વગેરેનું કાવ્યમય વર્ણન કરતાં કરતાં અત્યારે તીર્થસ્થાનોમાં જે અસ્વચ્છતા, ભ્રષ્ટાચાર, સડો વ્યાપી ગયાં છે તેમની સામે પણ લેખક લાલ બત્તી ધરે છે. દીલ્હીની એક હોટેલમાં પોતાને અનુભવ થતાં લાયસન્સ મેળવીને ચલાવાતી વેશ્યાગિરી પર, કુમળી છોકરીઓ પર થતાં અત્યાચારો પર, તેવી કન્યાઓને ખરીદીને બળજબરીથી તેમની પાસે કરાવવામાં આવતાં વ્યભિચાર પર કઠોર પ્રહારો કરે છે. યાત્રાસ્થાનોમાં ધનિકો વધારે પૈસા આપે તેમને ભગવાનની મૂર્તિનો ચરણસ્પર્શ, આરતી વગેરે કરવાની છૂટ મળે, તે દુકાનદારીની પ્રથા પર પણ તેમનું દિલ ઊકળી ઊઠે છે. તેમાં તો માણસની આંતરસ્થિતિ, વિશુદ્ધિ જ નિર્ણાયક તત્વો ગણાવા જોઇએ. કવિ ન્હાનાલાલના મિલનપ્રસંગે તેમની અપદ્યાગદ્ય શૈલીનું સ્પષ્ટીકરણ કરતાં લેખક-વિવેચક કહે છે કે મુખ્ય બાબત તો તે પોતાના કાવ્યોમાં શું કહે છે તે છે, શૈલીની વાત ગૌણ છે, વસ્તુ પર કૃતિનું મૂલ્ય અંકાવુ જોઇએ. આ રીતે હિમાલયમાંના એક અનુભવ પરથી તેઓ ગંધર્વો, કિન્નરો, વિદ્યાધરો વગેરેની અર્ધદેવ, અર્ધમાનવ યોનિઓ પર પણ પ્રકાશ પાડે છે. આમ લેખક મુખ્યત્વે આધ્યાત્મિક યોગસાધના કરનાર મહાત્મા હોવા છતાં, આનુષંગિક રીતે સમાજસુધારક, વિવેચક, અંગૂલિનિર્દેશક તરીકે દેશના પુનરુત્થાન માટે વારંવાર દેખા દે છે.

હિમાલય માટે મહાત્મા યોગેશ્વરને અસીમ આકર્ષણ ને પ્રેમ છે. ત્યાં તેમને અનેક આધ્યાત્મિક દર્શનો પ્રાપ્ત થયા છે. રામનું (દશરથાચલ પર), બુદ્ધનું, સિદ્ધ મહાપુરુષોની મંડળીનું, આત્મજ્યોતિનું, લક્ષેશ્વર મહાદેવની કુટિયામાં પ્રકાશનું અને સમૂહ સંગીતનું, રમણ મહર્ષિનું, જ્ઞાનેશ્વરનું, જમનોત્રીના માર્ગમાં આવેલી ધર્મશાળામાં સો મહાત્માઓનું જે યોગેશ્વરજીનું સ્વાગત કરે છે, દક્ષીણેશ્વરમાં કુમારી રૂપે 'મા'નું, લેખકના મૂલાધાર ચક્ર પર અંગૂઠો દબાવી તેમને સમાધિની અનુભૂતિ કરાવનાર અવધૂત મહાત્માનું, હનુમાનજીનું, પોતાના જ દિવ્ય દર્શનનું, આલંદીમાં જ્ઞાનેશ્વરનું અને નિવૃતિનાથનું, નર-નારાયણનું, ઓગણીસ કન્યાઓએ (રિદ્ધિ, સિદ્ધિ, અષ્ટયોગ સિદ્ધિઓ અને નવનિધિઓ) તેમને પુષ્પહારો પહેરાવ્યાનું, જગદંબાનું, ત્રણ વામન સનકાદિકોનું - આમ અનેક આધ્યાત્મિક દર્શનો આ મહાન સાધક યોગેશ્વરજીને થયા છે તે તેમની યોગસાધનાની ઉચ્ચ દશાની સાબિતિઓ છે. છતાં પોતે તટસ્થતાપૂર્વક કહે છે કે દરેક સાધકને આવા દર્શનો થાય જ એવું કાંઇ આવશ્યક નથી. તે તો સાધકની રુચિ, સ્થિતિ, ઇચ્છા પર આધાર રાખે છે.

હિમાલયમાં અને ઇતર સ્થાનોમાં લેખકને અનેક સંતમહાત્માઓનું પણ મિલન થયું છે. પરમ કૃપાળુ 'મા' જ તે બધું ગોઠવતી હોય છે. વાળમાંથી દૂધ કાઢનાર એક બાવાનું, ભિક્ષુ અખંડાનંદનું (નડીયાદ, અમદાવાદમાં), સ્વામી શિવાનંદનું (ઋષિકેશમાં), વડોદરામાં રણમુક્તશ્વર મહાદેવને મેડે રહેતા શાંતાનંદનું કે મગર સ્વામીનું, અઢાર વર્ષની ઉંમરના, જડીબુટ્ટીઓના જાણકાર, વસુધારાના વૈરાગીનું, એક ત્રિકાળજ્ઞ મહાત્માનું, વેદબંધુનું, પ્રભુદત્ત બ્રહ્મચારીનું, જમીનથી અધ્ધર પદ્માસનમાં રહેતા અજ્ઞાત મહાપુરુષનું, જોશીજીનું (જે આગલા જન્મમાં એક સ્ત્રી હતા અને ત્યાર પહેલાંના જન્મમાં એક ફકીર હતા), ઉત્તરકાશીમા નાગાજીનું તથા મોતીલાલ બ્રહ્મચારીનું, શ્રી કૃષ્ણાશ્રમનું, તપોવનજીનું, દેવગિરિજીનું, પ્રજ્ઞાનાથજીનું, કુલાનંદજી, મા આનંદમયીનું તથા હરિબાબાનું (સોલનમાં), ચેલના મહાત્માનું, ભગતનું, નેપાલીબાબાનું તથા તેમના ગુરુ ચીનના લામાનું, તૈલંગ સ્વામીનું તથા એક બંગાળી મહાત્માનું વગેરે ... આ બધા સાથેની વાતચીતમાંથી, તેમના દર્શનથી લેખકને જે કાંઇ પ્રાપ્ત થયું તેની તેમણે સમીક્ષા કરી છે. આત્મનિર્ભર, ગુણગ્રાહી સાધકને દત્તાત્રેયે જેમ ચોવીસ ગુરુઓ કર્યા હતા તેમ ગમે ત્યાંથી અને ગમે તેની પાસેથી કાંઇકને કાંઇક શીખવાનું મળી રહેશે; તે બધું 'મા' જ પૂર્વયોજના પ્રમાણે કરાવતી હોય છે. કવિ નાટ્યકાર શેક્સપિયરે બરાબર જ કહ્યું છે કે સાચા જિજ્ઞાસુ માટે વહેતા ઝરણાંમાં ધર્મશાસ્ત્રો છે, પત્થરોમાં પ્રવચનો છે, સર્વત્ર કલ્યાણકારી સામગ્રી છે, આ ગુણગ્રાહીતા વ્યાપક દૃષ્ટિમાંથી સાચી વિનમ્રતામાંથી અને તત્વ-દૃષ્ટિમાંથી જ પ્રાપ્ત થાય છે.

તેમનો જન્મ 1921 પંદરમી ઓગષ્ટે થયો હતો. શ્રી અરવિંદનો જન્મદિન પણ પંદરમી ઓગષ્ટ, 1872, ભારતને આઝાદી મળી 1947ની પંદરમી ઓગષ્ટે, રામકૃષ્ણ પરમહંસદેવે સમાધિ લીધી તે દિન પણ પંદરમી ઓગષ્ટ હતો. આ દિવસ અનન્ય છે.

યોગેશ્વરજી અનંતના યાત્રી છે. જ્ઞાન અને યોગ તેમની સાધનામાં સહકારી છે, પણ મૂળ મુદ્દે તેમનું હૃદય શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના હૃદય જેવું ભક્તહૃદય છે. 'મા'ને પોકારતા તેમની આંખોમાંથી અશ્રુ વહે છે, હૃદય દ્રવી જાય છે, દિલ કકળી ઉઠે છે. 'મા'ના દર્શનની એ તાલાવેલી, એ લગની એ જ એમની સાધકતાની ગુરુચાવી છે. પ્રાર્થનાએ એમના જીવનમાં મહાન ભાગ ભજવ્યો છે, એમ તે પોતે અનેકવાર કહે છે. પ્રાર્થનાનું બળ અમોઘ છે. ચંપકભાઇનો રોગ (ક્ષયરોગ) પ્રાર્થનાથી ગયો, માંદા પડેલાં ગૃહપતિ (અનાથાશ્રમના) તેમની સમૂહ પ્રાર્થનાથી સાજા થઇ ગયા, ટ્રસ્ટીમંડળના સંસ્થાપકની બાબતમાં પણ તેમ જ બન્યું. પણ આંતર વિકાસમાં પણ બાળક જેમ 'મા'ને પોકારે એમ તે હંમેશા 'મા'ને પોકારતા રહ્યા છે. તે જ તેમનું બળ છે, વિજયની ચાવી છે.

હજી તો કેવળ ગુજરાત કે ભારત નહિ, પણ વિશ્વ તેમની પાસેથી ઘણી ઘણી મોટી આશાઓ રાખે છે. તેમનો પણ સંકલ્પ એવો જ છે કે વિશ્વના વિકાસમાં સહાયભૂત થવું, માર્ગદર્શક બનવું. તે પોતે જ પોતાને એક આધ્યાત્મિક પ્રોફેસર માને છે, જગતના દર્દની ચિકિત્સા કરનાર આધ્યાત્મિક વૈદ્ય અથવા ડોક્ટર માને છે. એંધાણ તો એવા જ છે કે તે સંકલ્પ જરૂર ચરિતાર્થ થશે. તેમના પ્રવચનો સાંભળી લોકો ગદ્દગદ્દ અને આશ્ચર્યવિભોર બની જાય છે. તેમની ભાષા સરળ, શિષ્ટ, સંસ્કારી અને મધુર છે. તેમના કાવ્યોમાં પણ તે જ ભાષાશૈલીની અને આધ્યાત્મિકતાની પ્રચુર છાંટ હોય છે, તેમની કલમ કોઇ આધ્યાત્મિક શક્તિથી અણથંભી વહેતી જ રહે છે, તેમની વાગ્ધારાની જેમ. એટલે આ મહાન આધ્યાત્મિક વિભૂતિથી જગતને અનહદ લાભ થશે જ, એવી અમારી દૃઢ માન્યતા છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમ કરો એવી અમારી સાચા દિલની પ્રાર્થના છે. તે પોતે સતત એવી પ્રાર્થના કરતાં જ રહ્યા છે. તેમની પ્રાર્થનાઓ ભૂતકાળમાં અનેક ક્ષેત્રોમાં અનેક રીતે ફળી છે. અને આ સંકલ્પની સિદ્ધિમાં પણ તે ફળશે જ એવી અમારી અતૂટ શ્રદ્ધા છે.

'પ્રકાશના પંથે' એ ગ્રંથની દેણ અનેક ક્ષેત્રોમાં અનેકવિધ છે. સાધકો માટે તે સાધનામાં સહાયક, અમૂલ્ય પથપ્રદર્શિકા છે. સાહિત્યના ક્ષેત્રે એ એક ઉત્તમ આત્મકથા ગ્રંથ છે. દેશના હિતચિંતકો માટે તે અમૂલ્ય સામગ્રીથી ભરપૂર, કાર્યદિશાઓ બતાવનાર, નિર્દેશગ્રંથ છે, તેમના પ્રશંસકો અને પ્રેમીઓ માટે તે તેમના આંતરજીવનમાં ડોકિયું કરાવનાર રહસ્યબારી છે. અમને આ ગ્રંથને આવકારતાં હર્ષ અને ગૌરવ થાય છે. જિજ્ઞાસુઓ, સાહિત્યપ્રેમીઓ, દેશહિતના વિધાયકો આનો પૂરો લાભ ઊઠાવે એવી અમારી નમ્ર પણ આગ્રહભરી વિનંતી છે.

ૐ તત્ સત્

- શાંતિલાલ ઠાકર (એમ. એ, બી. ટી, વિદ્યાભાસ્કર)
ભૂલા ઠાકરની પોળ, નડીયાદ.(તાઃ 16-12-1977)

 

જીવનના વીતી ગયેલા વખતને ફરીથી યાદ કરવાનું કારણ ? ભૂતકાળની ગર્તામાં પડેલી ક્ષણોને બહાર કાઢીને ફરી વાર તાજી કરવાનું કારણ ? જે પ્રસંગો પવનની લહરી અથવા તો પાણીના પ્રવાહની પેઠે કેટલાક કાળ સુધી પીડા કરીને છેવટે પસાર થઇ ચુક્યા છે ને કોટિ પ્રયત્ને પણ ફરી વાર જીવી શકવાના નથી એમને અક્ષરદેહમાં આલેખવાનું પ્રયોજન શું ? એમને શબ્દોની સુમનમાળામાં ગૂંથવાની પાછળ કયો હેતુ કામ કરી રહ્યો છે ? સ્મૃતિપટ પર સંઘરાયેલાએ પ્રસંગોને સજીવન કરીને શબ્દસ્વરૂપે રજૂ કરવાથી કોઈ વિશેષ ને ઉપકારક હેતુની સિદ્ધિ થવાની સંભાવના છે ? વીતી ગયેલા જીવનપ્રવાહની એવી પ્રસિદ્ધિ પાછળ કોઈ સાધારણ લૌકિક હેતુ તો કામ નથી કરી રહ્યો ? કીર્તિની કમાણી કરવાની કામનાથી તો શું આ કામ નથી થઈ રહ્યું ? લક્ષ્મીની લાલસા તો તેના મૂળમાં નથી પડી રહી ? આત્મશ્લાઘા, અહંતા અને આપબડાઇનો અંચળો ઓઢીને લેખનના આ કામમાં પ્રવૃત્ત નથી થવાયુંને ?

એના જવાબમાં આપણે કહીશું કે ના. ખૂબ ખૂબ ભાર દઈને કહીશું કે ના. જીવનના પ્રકાશના પંથના પ્રવાસની આ પ્રસિદ્ધિની પાછળ કોઈ સાધારણ લૌકિક હેતુ કામ નથી કરી રહ્યો. કીર્તિની કામના અને લક્ષ્મીની લાલસા પણ તેના મૂળમાં નથી પડી. કેવલ દિલબહેલાવ કે મનોરંજનને માટે પણ એની અભિવ્યક્તિનો પ્રયાસ નથી થઈ રહ્યો. આત્મશ્લાઘા, અહંતા અને આપબડાઈની ભાવના તો અડકી શકે તેમ પણ નથી, તે તો તેનાથી કોસો દૂર છે, લોકપ્રિયતાની ફોરમ તેની પાસે ફરકી શકતી પણ નથી, ને કેવળ સમય પસાર કરવા માટે પણ જીવનની આ અમૂલ્ય ક્ષણો આવી રીતે એમ ને એમ નથી વહી રહી.

રહ્યા બીજા પ્રશ્નોના પ્રત્યુત્તરો. તે વિશે તો મારે એટલું જ કહેવાનું છે કે ભૂતકાળની સ્મૃતિ લગભગ દરેક માણસને થયા કરે છે. વીતી ગયેલા, સારા સ્વપ્નની જેમ પસાર થઈ ચૂકેલા જીવનના મીઠા પ્રસંગોને માણસ લાંબા વખત લગી ને વારંવાર યાદ કરે છે. તેમાંથી તેને પ્રેરણા, આનંદ, પ્રકાશ ને શાંતિ મળે છે. નવજીવનનું ભાથું પણ તે તેમાંથી ભરી શકે છે. ખવાઈ ગયેલા પશુના ખોરાકની જેમ જીવાઈ ગયેલી એ પળોને વાગોળવાનું ને તેમાંથી સંજીવની મેળવવાનું કામ માણસના જીવનમાં ચાલ્યા જ કરે છે. તેના પરિણામરૂપે બીજાને કોઈ લાભ લાગતો હોય કે ન લાગતો હોય, માણસને પોતાને તો લાભ થાય જ છે. અતીતની સ્મૃતિ તેનો સ્વભાવ થઈ ગયો હોય તેવું દેખાય છે ને તેને માટે કેટલીક વાર તે ભારે સહાયકારક થઈ પડે છે. વીતી ગયેલી ક્ષણોને યાદ કરવાથી મળનારી એ સહાયતા, પ્રેરણાશક્તિ અને સંજીવનીથી વધારે મોટો લાભ બીજો કયો હોઈ શકે ? ભૂતકાળને યાદ કરવાનું એથી વિશેષ ઉપકારક પ્રયોજન બીજું કયું હોઇ શકે ? એને આત્મિક સુખ કહો, પ્રસન્નતા કહો, આત્મસંતોષ કહો કે ગમે તે કહો, વીતી ગયેલી પળોને યાદ કરવાનો તેથી વિશષ ઉપકારક, અસરકારક, પ્રબળ હેતુ પણ બીજો કયો હોઇ શકે ?

માનવજીવન અત્યંત મૂલ્યવાન છે. તે જેમતેમ જીવી કાઢવાનું નથી. તેમાં ભારે શક્તિ ને શક્યતા રહેલી છે. તેનો સદુપયોગ કરીને એક કુશળ કારીગરની જેમ માણસે પોતાના જીવનનું ઘડતર કરવાનું છે. જીવન મિથ્યા નથી, પ્રયોજન વિનાનું પણ નથી. તેની પાછળ અમુક નિશ્ચિત હેતુ છે. તેનું ખાસ પ્રયોજન છે. દેહધારી માનવને એની અલ્પતાનો અંત લાવી અને એને વધારે ને વધારે ઉચ્ચ તથા ઉજ્જવળ બનાવી છેવટે એને પરિપૂર્ણ કરવાની તક મળેલી છે. અંધકારને દૂર કરી, અસત્ય અને મૃત્યુના આવરણને હટાવી દઈ, તેને જ્યોતિર્મય, સત્યમય ને અમૃતમય કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. તે માટે તેણે પ્રયાસ કરવાનો છે-કહો કે અનવરત પ્રયાસ કરવાનો છે. પ્રકાશના પંથના એ પ્રવાસનું એણે અવારનવાર અવલોકન પણ કરતા રહેવાનું છે ને ધ્યેયસિદ્ધિ ન થાય ત્યાં સુધી જાગૃત રહીને આગળ ને આગળ ધપવાનું છે. એવું અવલોકન અને એવી જાગૃતિ ખૂબ ખૂબ મદદરૂપ થઈ પડશે. વીતી ગયેલા પ્રસંગોનું સરવૈયું કાઢવાનો એ પણ એક લાભ છે.

પણ તેવું સરવૈયું તો સ્મૃતિ દ્વારા પણ કાઢી શકાય. શાબ્દિક રૂપે એવું સરવૈયું કાઢવાની જરૂર છે જ એવું થોડું છે ? એનો ઉત્તર એટલો જ કે કોઈનામાં શક્તિ હોય, ને તેવું સરવૈયું તે શાબ્દિક રૂપે કાઢે, તો તેમાં ખોટું પણ શું છે ? જેને જે પદ્ધતિ વધારે અનુકૂળ આવે તેનો લાભ તે ભલે લે. એમાં આપણને હરકત પણ શું છે ? દરેક માણસે અમુક પદ્ધતિનો જ આધાર લેવો જોઈએ એવો દુરાગ્રહ આપણે કે કોઈએ શા માટે રાખવો જોઈએ ? જેને જે પદ્ધતિ વધારે પસંદ પડે એનો જ આશ્રય તે ભલે લે. તે માટે તે સ્વતંત્ર છે.

મારા સંબંધમાં તો હું એટલું જ કહી શકું કે આ કામ ઈશ્વરની ઈચ્છાથી થઈ રહ્યું છે. ભૂતકાળને યાદ કર્યા વિના હું સારી પેઠે આગળ વધી શકું તેમ છું. છતાં ઈશ્વરી પ્રેરણા પ્રમાણે મારે તેની યાદ કરવી પડે છે. સ્મૃતિપટ પર તાજા થયેલા ભૂતકાળને શબ્દોમાં સાકાર કરવાનું કામ પણ તેથી જ થઈ રહ્યું છે. એને અક્ષરમાં આલેખ્યા વિના ચાલી શકે તેમ છે. છતાં ઈશ્વરની ઈચ્છા જુદી છે ને મારે તે પ્રમાણે ચાલ્યા વિના છૂટકો નથી. તેની પાછળ ઈશ્વરનું શું પ્રયોજન છે તે તો તે જ જાણે. એક નાના સરખા બાળકને પૂર્ણતા કે પ્રકાશને પંથે પ્રવાસ કરવાની પ્રેરણા થઈ ને તેણે પ્રવાસ શરૂ કર્યો. માર્ગમાં તેને કેવા કેવા અસંખ્ય અવનવા અનુભવો થયા ને છેવટે તેના પ્રવાસનું પરિણામ શું આવ્યું, તેનો સંપૂર્ણ સાચો કે પ્રામાણિક ઈતિહાસ આજના જડવાદ તરફ વધારે ને વધારે ઢળતા જતા જગતને વાંચવા મળે, ને તે તેનામાં શક્તિસંચાર કરવાનું ને મરી પરવારતી આધ્યાત્મિકતા ને ઈશ્વરપરાયણતાને જાગૃત કરવાનું કામ કરે - એવી પણ કદાચ ઈશ્વરની ઈચ્છા આ પ્રેરણાની પાછળ હોઈ શકે. તેની ખરેખરી ઈચ્છા શી છે તે કોણ કહી શકે ? મારી ફરજ તો એનું અનુકરણ કરવાની કે તે ઈચ્છાને અનુવાદિત કરવાની છે. સ્વામીની આજ્ઞાને શિરોધાર્ય કરવા સિવાય સેવકનો બીજો સ્વધર્મ શો હોઇ શકે ? એટલે જ જેમ ઈશ્વરની પ્રેરણા થાય છે તેમ કર્યે જાઉં છું. ખરી રીતે તો મારું જીવન આજે વરસોથી ઈશ્વરી ઈચ્છા કે પ્રેરણાની આવૃતિ જેવું બની ગયું છે. પોતાની પ્રેરણાનો અનુવાદ ઈશ્વર આજે વરસોથી મારા જીવન દ્વારા કરાવ્યે જાય છે. આત્મકથાના પ્રસંગોને વાંચતા જવાથી આગળ પણ એ વાતની યથાર્થતાની ખાતરી થઈ જશે. ઈશ્વરના હાથમાં હું હથિયાર છું. હું વાંસળી છું ને તે તેમાં પ્રાણ પૂરનાર કે તેને વગાડનાર. જીવન જ આખું તેનું છે ને તે મય છે. માટે જ તે લખાવે છે તેમ લખ્યે જાઉં છું ને કરાવે છે તેમ કર્યે જાઉં છું. તેની ઇચ્છા એ જ પ્રયોજન. તેથી વિશેષ કીમતી પ્રયોજન બીજું કયું હોઇ શકે ?

 

Today's Quote

God writes the gospel not in the Bible alone, but on trees and flowers, and clouds, and stars.
- Luther

prabhu-handwriting

Video Gallery

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai