વરસાદનાં ફોરાંઓ
વરસાદનાં ફોરાંઓ ! તમે ટપકટપક થાઓ.
વરસાદનાં ફોરાંઓ !
તમે ઊંચેથી બહુ આવો, નવ પીડાથી પીડાઓ,
વરસાદનાં ફોરાંઓ ! તમે ટપકટપક થાઓ.
વરસાદનાં ફોરાંઓ !
મુજ આંખ મીંચી રાતે, સૂતો સરિતાને ઘાટે;
મધરાતે ત્યારે ધીરે, મધુસ્વરમાં કેવાં ગાઓ ?
વરસાદનાં ફોરાંઓ ! તમે ટપકટપક થાઓ.
વરસાદનાં ફોરાંઓ !
વરસો રણમાંને વનમાં,ઝૂંપલડી રાજભવનમાં;
તાપ તપેલી ધરતીપર, ઠંડકને કેવી લાવો ?
વરસાદનાં ફોરાંઓ ! તમે ટપકટપક થાઓ.
વરસાદનાં ફોરાંઓ !
ફળફૂલડે ઢળીને રસ ચાખતાં મળીને;
ને કરવામાટે ક્રીડા, કૈં જળાશયોમાં જાઓ,
વરસાદનાં ફોરાંઓ ! તમે ટપકટપક થાઓ.
વરસાદનાં ફોરાંઓ !
જે સ્પર્શ તમારો પામે, તે ભરાય છે આરામે;
એને આનંદ મળે કેવો ? ને કેવો મળે લહાવો ?
વરસાદનાં ફોરાંઓ ! તમે ટપકટપક થાઓ.
વરસાદનાં ફોરાંઓ !
- શ્રી યોગેશ્વરજી