Text Size

03. તૃતીય સ્કંધ

વિદુરનો બીજો પ્રશ્ન

વિદુરે મહાત્મા મૈત્રેયના એ સુખશાંતિકારક સમાગમ દરમિયાન એક બીજો મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે. એ એના ઉત્તર સાથે ખાસ ઉલ્લેખનીય છે. વિદુરે પૂછ્યું કે ભગવાન તો શુદ્ધ જ્ઞાનસ્વરૂપ, નિર્વિકાર તથા નિર્ગુણ છે. એમની સાથે લીલાને માટે પણ ગુણ અને ક્રિયાનો સંબંધ કેવી રીતે થઇ શકે ? ભગવાનનો માયાની સાથે સંયોગ શી રીતે થઇ શકે ? ભગવાન સૌમાં સાક્ષીરૂપે રહેતા હોય તો એમને કર્મજન્ય ક્લેશની પ્રાપ્તિ કેવી રીતે થઇ શકે ?

વિદુરના પ્રશ્નને સાંભળીને મહાત્મા મૈત્રેયે સ્મિત કર્યુને કહ્યું કે સૌનો સ્વામી ને સર્વથા મુક્ત આત્મા દીનતા તથા બંધનને પ્રાપ્ત થાય એ યુક્તિયુક્ત ના લાગે તો પણ એને જ ભગવાનની મહામહિમામયી માયા કહેવામાં આવે છે. સ્વપ્નમાં પોતાનું મસ્તક કપાતું હોય કે એવા બીજા અનુભવો થતા હોય તે જેવી રીતે જુઠા હોવાં છતાં પણ અજ્ઞાનને લીધે સાચા લાગે છે તેવી રીતે જીવને બંધન કે ક્લેશ ના હોવા છતાં પણ અજ્ઞાનને લીધે ભાસે છે. એવું પૂછવામાં આવે કે એમની પ્રતીતિ ઇશ્વરમાં કેમ નથી થતી તો એનો ઉત્તર એ છે કે પાણીમાં થનારી કંપાદિ ક્રિયા પાણીમાં પડનારા ચંદ્રના પ્રતિબિંબમાં ન હોવા છતાં પણ ભાસે છે--આકાશના ચંદ્રમામાં નથી ભાસતી, એવી રીતે દેહના મિથ્યા ધર્મોની પ્રતીતિ દેહાભિમાની જીવમાં થાય છે ને પરમાત્મામાં નથી થતી.

એ પ્રતીતિને દૂર કરવાનો ઉપાય શું ? નિષ્કામભાવથી કરાતું ધર્માચરણ અને એવા ધર્માચરણના પરિણામે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થનારો ભક્તિયોગ. એવા ભક્તિયોગને લીધે અવિદ્યાજનક ક્લેશની અને એની પ્રતીતિની નિવૃત્તિ થાય છે. એ ભક્તિ યોગના પ્રભાવથી ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાંથી હઠીને પરમાત્મામાં સ્થિતિ કરે છે અને રાગદ્વેષાદિ સમસ્ત ક્લેશો શાંત બને છે. એમાં મદદ મેળવવા માટે પરમાત્માના નામ તથા ગુણોનું શ્રવણ, મનન તેમજ સંકીર્તન કરવું જોઇએ. એને લીધે હૃદયમાં પરમાત્માનો પ્રેમ જાગે છે. એ પ્રેમ અત્યંત અસરકારક કે અમોઘ થઇ પડે છે.