Text Size

06. ષષ્ઠમ સ્કંધ

દધિચી ઋષિની હિતભાવના

ભારતવર્ષના આધ્યાત્મિક ઇતિહાસમાં અમર થવા કાજે સરજાયલાં જે જ્વાજ્વલ્યમાન, પરમ જ્વાજ્વલ્યમાન નક્ષત્રો છે તેમાં મહર્ષિ દધીચિ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. એ સ્થાન એમની મુક્તિ, પૂર્ણતા, પરમાત્માના સાક્ષાત્કારની સાધના કે સિદ્ધિની વ્યક્તિગત પ્રાપ્તિને માટે નથી મળ્યું પરંતુ એમણે સેવેલી બીજાના હિતની ભાવના તથા એ ભાવનાને અનુસરીને એમણે આપેલા અસાધારણ આત્મબલિદાનને લીધે પ્રાપ્ત થયેલું છે. ભારતીય સંસ્કૃતિ કેવળ પોતાને માટે જ જીવવામાં નહોતી માનતી. પરંતુ બીજાના સુખ, ઉત્કર્ષ કે કલ્યાણને માટે જીવવામાં ગૌરવ ગણતી હતી. એ વિધાનનો આદર્શ અથવા પરિપૂર્ણ પડઘો મહર્ષિ દધીચિના જીવનમાં પડેલો જોઇ શકાય છે. સમાજસેવાની સર્વોપયોગી ભાવના ભારતને પશ્ચિમની સંસ્કૃતિ પાસેથી સાંપડી છે એવું સમજનારા ને સમજાવનારા શિક્ષિત કહેવાતા સુધારકવર્ગને માટે મહર્ષિ દધીચિની હિતભાવનાનો પ્રસંગ નૂતન પ્રકાશ પુરો પાડનારો થઇ પડશે. એ પ્રસંગનો પરિચય કરવા જેવો છે.

પ્રાચીન કાળમાં દેવાસુર સંગ્રામ થયા કરતા. એવા એક સંગ્રામ દરમિયાન વિશ્વરૂપના મૃત્યુ પછી એના પિતા ત્વષ્ટાએ ઇન્દ્રનો નાશ કરવાના આશયથી પ્રેરાઇને યજ્ઞાનુષ્ઠાન દ્વારા વૃત્રાસુરને ઉત્પન્ન કર્યો. એ વૃત્રાસુર પ્રલય કરવા માટે પ્રવૃત્ત થયેલા કાળ જેવો મહાભયંકર દેખાતો. એને જોઇને એવું લાગતું કે એ ત્રણે લોકોનો નાશ કરી નાખશે. એણે પ્રકટ થતાં વેંત જ સમસ્ત સંસારને ઘેરી લીધો. એટલે જ એનું નામ વૃત્રાસુર પડ્યું. દેવતાઓ એમના સૈનિકો સાથે જુદી જુદી જાતનાં શસ્ત્રો લઇને એની ઉપર તૂટી પડ્યા અને એના પ્રહારો કરવા લાગ્યા તો પણ વૃત્રાસુર વશ ના થઇ શક્યો. એ એમના નાનાં મોટાં સઘળાં શસ્ત્રાસ્ત્રોને ગળી ગયો. એ દેખીને દેવતાઓ આશ્ચર્યચકિત, દુઃખી ને બેચેન બન્યા. એ ચિત્તને એકાગ્ર કરીને પોતાના ને સૌના હૃદયપ્રદેશમાં રમનારા આદિપુરુષ નારાયણને શરણે ગયા.

એમની શરણાગતિ, સ્તુતિ તથા ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન નારાયણે એમને વૃત્રાસુરના સંહારનો ઉપાય બતાવતાં કહ્યું કે મારું શરણ તથા સ્તવન કદાપિ મિથ્યા નથી થતું. એ ફળે જ છે. તમારું સૌનું કલ્યાણ થાવ. હવે તમે લેશ પણ વિલંબ કરવાને બદલે મહર્ષિ દધીચિની પાસે પહોંચી જાવ અને એમના વ્રત, તપ તથા ઉપાસનાથી સુપવિત્ર ને સુદૃઢ થયેલા શરીરની માગણી કરો. એ પરમ બ્રહ્મજ્ઞાની તથા ધર્મના અસાધારણ મમર્જ્ઞ છે. એ તમારા વૈદ્ય અશ્વિનીકુમારની માગણીને માન આપીને શરીરને સમર્પિત કરી દેશે. એમના એ અર્પણ કરેલા અંગમાંથી તમે વિશ્વકર્માની મદદથી એક આયુધ તૈયાર કરાવી લેજો. મારા શુભાશીર્વાદથી સાંપડેલી મારી અસીમ શક્તિથી સંપન્ન થઇને ઇન્દ્ર એ અમોઘ અને સર્વોત્તમ શસ્ત્રથી વૃત્રાસુરના શીશને છેદી નાંખશે. એ બધું નિશ્ચિત જ છે. વૃત્રાસુરના નાશ પછી તમને ફરી પાછી સમૃદ્ધિની, સંપત્તિની ને શાંતિની પ્રાપ્તિ થશે.

ઇશ્વરની શરણાગતિ કદી પણ નિષ્ફળ નથી જતી એ એક અનુભવસિદ્ધ હકીકત છે. પરંતુ એમાં વિશ્વાસ રાખીને માણસ ઇશ્વરનું સાચા દિલથી શરણ લે ત્યારે ને ? ઇશ્વરનું શરણ ના લેવાથી જ જીવન દુઃખરૂપ છે. ઇશ્વરનું શરણ લેવાથી એ સુખરૂપ બની જાય છે.

ભગવાન નારાયણની વાત સાંભળીને દેવતાઓ આનંદ પામ્યા. દધીચિ ઋષિની પાસે પહોંચીને એમણે ભગવાનના આદેશાનુસાર યાચના કરી. એ યાચનાથી ઋષિ આનંદની અભિવ્યક્તિ કરતાં કહેવા માંડ્યા કે જીવન અને એને ધારણ કરનારા શરીર સમાન પ્રિય આ સંસારમાં બીજું કશું જ નથી. એ શરીરને છોડતી વખતે મનુષ્યોને કેટલું બધું કષ્ટ થાય છે તે તમે જાણો છો. એ કષ્ટ અસહ્ય હોય છે. એ કષ્ટને વેઠવા તેમજ પ્રિયમાં પ્રિય શરીરનો પરિત્યાગ કરવા સાક્ષાત ઇશ્વર આવીને માગણી કરે તો પણ કોઇ ભાગ્યે જ તૈયાર થાય. તો પણ તમારા સૌના શ્રેયને માટે મારા પાર્થિવ શરીરનો પરિત્યાગ કરવામાં મને અભૂતપૂર્વ આનંદ થશે. હું સ્વાર્થમાં નહિ પરમાર્થમાં માનું છું. શરીર દ્વારા બીજાનું કલ્યાણ થાય એથી બીજો વધારે સારો સદુપયોગ એનો ભાગ્યે જ હોઇ શકે. મરણધર્મી મનુષ્ય એનો સર્વનાશ થાય તે પહેલાં એની દ્વારા બીજાનું હિતસાધન કરી લે એ જ સારું છે.

દધીચિ જેવા વિરલ-અતિવિરલ મહાપુરુષ જ એવી સુંદર વાણી વદી શકે. વાણી વદવી એ એક વાત છે અને એ પ્રમાણે ચાલવું એ જુદી જ વાત છે. દધિચી વાણીને અનુસરનારા હતા એટલે એ પ્રમાણે તરત જ આસન વાળીને પોતાના પાર્થિવ શરીરનો પરિત્યાગ કર્યો. ધન્ય દધીચિ ! તમારા જેવો ઉત્તમ ત્યાગ, સમાધિ દ્વારા શરીરત્યાગ બીજો કોણ કરી શકે અને એ પણ બીજાના કલ્યાણ માટે ? શરીરને જ પ્રિય માનનારા અને શરીરના લાલનપાલનમાં રત રહેનારા સામાન્ય માનવીનું એમાં ગજું નહિ.

દધિચી ઋષિ પરમાત્મનિષ્ઠ અને જીવનમુક્ત હોવાથી કોઇ પણ પ્રકારના કષ્ટ વગર સહેલાઇથી શરીર છોડી શક્યા. જીવનમુક્ત મહાપુરુષોની અવસ્થા એવી જ અલૌકિક હોય છે. એ દેહાધ્યાસથી તદ્દન મુક્ત હોઇને સ્મિતપૂર્વક શરીરને છોડી શકે છે.

વિશ્વકર્માએ દધીચિ ઋષિના શરીરનાં હાડકાંમાંથી વજ્ર બનાવીને ઇન્દ્રને આપ્યું ત્યારે દેવતાઓની ને ઇન્દ્રની પ્રસન્નતાનો પાર ના રહ્યો. ઇન્દ્ર ઐરાવત હાથી પર સવાર થઇને વૃત્રાસુરનો નાશ કરવા માટે આગળ વધ્યો. વૃત્રાસુર પણ દૈત્ય સેનાપતિઓની વિશાળ સેના સાથે યુદ્ધ કરવા તૈયાર હતો. નર્મદા તટ પર એ ભયંકર સંહારાત્મક યુદ્ધનો આરંભ થયો.

દેવોની સેના અસુરોની સેનાને માટે અજેય હતી. અસુરો એની આગળ ના ફાવી શક્યા. એ ઉત્સાહરહિત બનીને વૃત્રાસુરને યુદ્ધભૂમિમાં છોડીને નાસી ગયા. એ જોઇને વૃત્રાસુર ખૂબ જ ગમગીન બની ગયો ને ક્રોધે ભરાયો. એ દેવતાઓને લલકારવા લાગ્યો. એના ભયંકર સિંહનાદથી લગભગ બધા જ દેવો બેહોશ બની ગયા. એ જોઇને ઇન્દ્રે વૃત્રાસુર પર ગદા ફેંકી. વૃત્રાસુરે એને રમતાં રમતાં પકડી લીધી, અને એ જ ગદાથી ઇન્દ્રના હાથી ઐરાવતના મસ્તક પર પ્રહાર કર્યો. એની ગદાના આઘાતથી ઐરાવત હાથી મસ્તક ફાટી જવાથી અતિશય વ્યાકુળ બની ગયો અને ઇન્દ્રને લઇને અઠ્ઠાવીસ હાથ પાછો હઠી ગયો. ઐરાવતના મૂર્છિત થવાથી ઇન્દ્રના વિષાદનો પાર ના રહ્યો. એ જોઇને યુદ્ધના મર્મજ્ઞ વૃત્રાસુરે એના પર ફરીથી ગદા ના ચલાવી. ત્યાં સુધી ઇન્દ્રે અમૃતમય હાથના સ્પર્શથી ઐરાવતની વેદનાને શાંત કરી, વૃત્રાસુર ઇન્દ્રને હાથમાં વજ્ર સાથે યુદ્ધ કરવા ફરીવાર તૈયાર થયેલો જોઇને સમજી ગયો કે હવે મારાથી નહિ બચી શકાય. એ ભગવાનનો ભક્ત હોવાથી મૃત્યુથી ડરતો નહતો. પોતાના મૃત્યુને તદ્દન સમીપ જોઇને એણે ભગવાનની પ્રેમપૂર્વક પ્રાર્થના કરી.