Text Size

12. દ્વાદશ સ્કંધ

જન્મેજયનો યજ્ઞ

મુનિકુમાર શ્રૃંગીના શાપને અનુસરીને તક્ષક રાજા પરીક્ષિતને કરડવા માટે ચાલી નીકળ્યો. માર્ગમાં એને કશ્યપ નામે બ્રાહ્મણનો મેળાપ થયો. એ સર્પવિષની ચિકિત્સામાં ને મૃતસંજીવનીવિદ્યામાં કુશળ હતો. તક્ષકે એને ધન આપીને વિદાય કર્યો ને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને પરીક્ષિતની પાસે પહોંચીને ડંખ માર્યો. પરીક્ષિતનું શરીર ક્ષણવારમાં બળીને ભસ્મ થઇ ગયું. પરંતુ આત્મા ? એનો નાશ કોણ કરી શકે ? એ તો પહેલેથી જ પરમાત્મામાં મળી ગયેલો.

મહાભારતમાં પરીક્ષિતના અંતકાળનું વર્ણન જરાક જુદી રીતે કરાયેલું છે. એમાં એવું કહ્યું છે કે પરીક્ષિતે જલાશયથી વીંટળાયેલા કાચના મહેલમાં નિવાસ કર્યો ત્યાં સાધુઓ સાથે ગયેલા તક્ષકે ફળમાં કીડાનું રૂપ લઇને પોતાનું કાર્ય પૂરું કર્યું. આપણે તો ભાગવતની કથાની સાથે જ સવિશેષ સંબંધ હોવાથી એને અનુસરીને જ વિચારી રહ્યા છીએ.

અંત સમયે મન પરમાત્મામાં મળી જાય અને વાસનારહિત થાય તો જીવન કૃતાર્થ બની જાય. એથી વધારે કલ્યાણકારક સિદ્ધિ બીજી કયી હોઇ શકે ? આજે પણ એવી કૃતાર્થતાને અનુભવનારા કોઇ કોઇ માનવો મળી આવે છે. હમણાં અમે બદરીકેદારની યાત્રાએ જઇ આવ્યા. રસ્તામાં પાછા આવતાં થોડાક વખત દેવપ્રયાગ રોકાયા ત્યારે દેવપ્રયાગના અમારા પહેલાના નિવાસ દરમિયાન અમારી ખૂબ જ પ્રેમપૂર્વક સેવા કરનારા મગનલાલના પરિવારની અમે મુલાકાત લીધી. એની સાથે વાતચીત કરતા જણાયું કે મગનલાલને એમના અંતકાળની ખબર પહેલેથી પડી ગયેલી. છેલ્લે દિવસે એમણે મનને પરમાત્માના સ્મરણ મનનમાં પરોવી દીધું ને જણાવ્યું કે આજે સાંજે સાડાપાંચ વાગ્યા સુધી જ હું રહેવાનો છું, માટે એ વખતનું બરાબર ધ્યાન રાખજો. સાંજે સાડાપાંચ વાગ્યે એમણે કહ્યું કે હવે સમય થઇ ગયો, અને ઇશ્વરનું સ્મરણ કરતાં શરીરને છોડી દીધું. એ માહિતી મેળવીને અમને આનંદ થયો. કેટલું બધું મંગલમય મૃત્યુ ? એ મૃત્યુનું મહત્વ એટલા માટે અધિક હતું કે એ કોઇ વિરક્ત કે ત્યાગીનું મૃત્યુ નહોતું પણ પારિવારિક જીવનમાં શ્વાસ લેતા સંસારીનું મૃત્યુ હતું. બીજાને માટે મૃત્યુની એ ઘટના પ્રેરક અને આશાસ્પદ હતી એમાં શંકા નહિ. મગનલાલે કોઇ મોટું તપ નહોતું કર્યું પરંતુ એમનું જીવન નિર્મળ હતું. એ કોઇને હાનિ ના પહોંચે એનું ધ્યાન રાખતા, દાન કરતા, ને સાધુસંતોની યથાશક્તિ સેવા કરવાની સાથે સાથે બને તેટલા ઇશ્વરસ્મરણનો આધાર લેતા. એ એમની મૂડી કહી શકાય. બીજા પણ એવી મૂડી મેળવી શકે છે. જીવનના મંગલનો માર્ગ સૌ કોઇને માટે ઉઘાડો છે.

*

પોતાના પિતા પરીક્ષિતનું શરીર તક્ષક નાગના કરડવાથી બળીને ખાખ થયું એથી જનમેજયને ખૂબ જ ક્રોધ ચઢયો. એ ક્રોધથી પ્રેરાઇને પિતાના મૃત્યુનું વેર વાળવા આખી નાગજાતિનું નિકંદન કાઢવાનો એણે નિર્ણય કર્યો અને એને અમલમાં મૂકવા યજ્ઞ આરંભ્યો.

યજ્ઞકુંડમાં સર્પો ભસ્મીભૂત થવા લાગ્યા તે જોઇને તક્ષકે ભયભીત બનીને ઇન્દ્રનું શરણ લીધું. ઇન્દ્ર એની રક્ષા કરે છે તેવું જાણીને જનમેજયે બ્રાહ્મણોને તક્ષકને ઇન્દ્ર સાથે જ યજ્ઞકુંડમાં નાખવાનો આદેશ આપ્યો. બ્રાહ્મણોએ ઇન્દ્ર સાથે તક્ષકનું આવાહન કર્યું. અંગિરાનંદન બૃહસ્પતિએ ઇન્દ્રને વિમાન તથા તક્ષક સાથે અગ્નિકુંડમાં પડવાની તૈયારીમાં જોઇને કરુણાથી પ્રેરાઇને જનમેજયને જણાવ્યું કે તક્ષક અમૃતપાન દ્વારા અજરામર બન્યો હોવાથી મરી નહિ શકે. સૌ કોઇ પોતાના કર્મફળ પ્રમાણે સુખ તથા દુઃખ ભોગવે છે. એને માટે કોઇને દોષ દેવો નકામો છે. તક્ષક તો પરીક્ષિતના મૃત્યુમાં માત્ર નિમિત્ત બન્યો છે. માણસો કર્માનુસાર અનેક રીતે મૃત્યુ પામે છે.

બૃહસ્પતિના સદુપદેશને શિરોધાર્ય કરીને જનમેજયે યજ્ઞને બંધ કર્યો. એને નવી દૃષ્ટિની પ્રાપ્તિ થવાથી એનો વેરભાવ શમી ગયો. હજારો નિર્દોષ નાગોની હત્યા પછી એ હિંસક યજ્ઞનો એવી રીતે અંત આવ્યો.