Text Size

ગુરુ વિશે

પ્રશ્ન : પૂર્ણતા પોતે જ શું વિશિષ્ટ આકાર ધારણ કરીને ગુરુના રૂપમાં પ્રકટ થતી હોય છે ?

ઉત્તર : ગુરુના રૂપમાં પૂર્ણતા પોતે જ વિશિષ્ટ આકાર ધારણ કરીને પ્રકટ થાય છે એવું તો કેવી રીતે કહી શકાય ? બધા ગુરુ પૂર્ણ નથી હોતા. હા, એટલું અવશ્ય કહી શકાય કે ગુરુ પરમાત્માના પ્રતિનિધિ હોય છે, પરમાત્માનો સનાતન સંદેશ સંભળાવીને પરમાત્માભિમુખ કરે છે, ને બંધનમુક્તિ, પૂર્ણતા તથા પરમાત્માદર્શનની પ્રેરણા પૂરી પાડે છે. એમની મદદથી અપૂર્ણતામાંથી પૂર્ણતામાં પ્રવેશ કરી શકાય છે અથવા પૂર્ણતાને પોતાની અંદર પ્રગટાવી શકાય છે, એટલું સાચું છે.

પ્રશ્ન : ગુરુ અને શિષ્યનો સંબંધ સનાતન હોય છે, તે જન્મ-જન્માંતર સુધી ચાલે છે, એ સત્ય છે ?

ઉત્તર : ગુરુ અને શિષ્યનો સંબંધ જન્માંતર સુધી ચાલે છે અથવા નથી પણ ચાલતો. એ એક જ જજ્મ પૂરતો, એક જન્મમાં પણ થોડાક વરસો પૂરતો મર્યાદિત રહેશે કે આગળ વધશે એનો આધાર સંસ્કારો પર રહેતો હોય છે. સર્વ કાંઈ સંસ્કાર કે ઋણાનુબંધને અનુસરીને નક્કી થાય છે. એ સંબંધમાં કોઈ એકસરખો નિયમ નથી લાગુ પડતો.

પ્રશ્ન : શિષ્યને મુક્તિ અપાવ્યા સિવાય ગુરુ પોતે મુક્ત નથી થતાં. ગુરુનું ઉત્તરદાયિત્વ એટલું બધું મોટું હોય છે ?

ઉત્તર : જે ગુરુ શિષ્યને મુક્ત કરવાની ઉત્કટ ઈચ્છા રાખે ને શિષ્યને મુક્ત કરવા માટે શરીરને છોડ્યા પછી અવારનવાર આવવાનો સંકલ્પ કરે તે ગુરુ, શિષ્યની મુક્તિ કે સદ્ ગતિને માટે પ્રયત્ન કરે એ દેખીતું છે. તેવા ગુરુ જીવનમુક્ત અવસ્થાનો અનુભવ કરવા છતાં પણ સ્વેચ્છાનુસાર જીવનનો અભિનય ચાલુ રાખે છે. એવા સંકલ્પ વગરના બીજા ગુરુને માટે એવું વિધાન લાગુ નથી પડતું. બીજા ગુરુના આશીર્વાદ અને પ્રથપ્રદર્શનથી શિષ્યનું કલ્યાણ થાય છે. ગુરુની અદૃષ્ટ છતાં અમોઘ શક્તિ શિષ્ય કે શરણાગતના જીવનનું શ્રેય સાધે છે. શિષ્યના જીવનમાં ક્રાંતિ કરીને એ સહજ રીતે જ પોતાની કલ્પનાતીત કરામત કરી બતાવે છે, ને શિષ્યને સર્વ પ્રકારે કૃતાર્થ કરે છે.

પ્રશ્ન : એક વ્યક્તિના એકથી વધારે ગુરુ હોઈ શકે ?

ઉત્તર : હોઈ શકે. જેની પાસેથી જીવનના વિકાસનું માર્ગદર્શન મળે, પ્રેરણાની પ્રાપ્તિ થાય, ને શાંતિ સાંપડે તેને ગુરુ કહી શકાય. એવા ગુરુ એક કરતાં વધારે હોઈ શકે. એનો આધાર સાધકની આવશ્યકતા પર રહે છે. મોટે ભાગે તો માનવ કોઈ એક જ પુરુષને ગુરુ કરે છે. જેના તરફથી એને મંત્ર કે માર્ગદર્શન મળે, પ્રેરણા કે પ્રકાશ જડે, જ્યાં એની આંખ અને એનું અંતર ઠરે, એને શાંતિ લાગે, અને એનો આત્મા સમર્પિત બને, તેની સાથે એ શિષ્ય તરીકેનો સંબંધ સ્થાપતો હોય છે. રામકૃષ્ણ પરમહંસદેવે કહ્યું છે કે શિક્ષાગુરુ અનેક હોઈ શકે પરંતુ દીક્ષાગુરુ એક જ હોય. તેવી રીતે જીવનનું સર્વસમર્પણ એક જ ગુરુના શ્રીચરણોમાં હોઈ શકે.

પ્રશ્ન : કોઈ ને ગુરુરૂપે સ્વીકારવાની કે પસંદ કરવાની સ્વતંત્રતા મનુષ્યને છે કે નથી ?

ઉત્તર : છે. મનુષ્ય સ્વતંત્ર રીતે વિચારે છે, વિચારીને નિર્ણય લે છે, અને લીધેલા નિર્ણયાનુસાર વર્તે છે. એ રીતે વિચારતાં એને ગુરુ કરવાની પણ સંપૂર્ણ સ્વતંત્રતા છે. એની પોતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ એના જીવનમાં કોઈ ગુરુને લાદી નથી શકતું. જે થાય છે (ગુરુની પ્રાપ્તિ સંબંધમાં) તે તેની સંમતિ કે સ્વીકૃતિથી જ થતું હોય છે. એટલે ગુરુને પસંદ કરવાની સ્વતંત્રતા મનુષ્યને નથી એવું માનવા-મનાવવાની જરૂર નથી. ગુરુ જીવનમાં કોઈ પ્રકારનાં વિશેષ પ્રયત્ન વિના આપોઆપ અથવા એકાએક આવી મળે તો પણ મનુષ્ય એમની ઉપર વહેલો કે મોડો મંજૂરીની મહોર તો મારતો જ હોય છે.

પ્રશ્ન : ગુરુભાવ, ગુરુ તથા સદ્દગુરુ એટલે શું ?

ઉત્તર : ગુરુભાવ એટલે ગુરુ તરીકેનો ભાવ. ગુરુ તરીકેનો ભાવ શિષ્યને હોય તો તે શુભ અથવા કલ્યાણકારક કહેવાય છે, પરંતુ એવો ભાવ અને અહંભાવ જો ગુરુમાં હોય તો તેને શુભ શ્રેષ્ઠ અથવા કલ્યાણકારક ભાગ્યે જ કહી શકાય, ગુરુમાં કોઈ જાતનો અહંભાવ કે ઘમંડ ના જોઈએ. ગુરુ શબ્દ સૌ કોઈને માટે વપરાય છે પરંતુ સદ્દગુરુ શબ્દ સૌ કોઈને માટે નથી વપરાતો. સદ્દગુરુ તો એને જ કહી શકાય જેણે પરમસત્યની પ્રાપ્તિ કરી હોય, પરમ શાંતિ મેળવી હોય, અથવા પરમસત્યની કે પરમશાંતિની પ્રાપ્તિ કરવાના પ્રામાણિક પ્રયત્નો કર્યા હોય. સત્યરૂપી પરમાત્માની સાથે જેણે સંબંધ સ્થાપ્યો હોય અથવા સ્થાપવાનો સાધનાત્મક પ્રયાસ કર્યો હોય તેને સદ્દગુરુનું નામ આપી શકાય.

પ્રશ્ન : ગુરુદીક્ષા, ગુરુદક્ષિણા ને ગુરુમંત્ર એટલે શું ?

ઉત્તર : શિષ્યને ગુરુ તરફથી જે આપવામાં આવે છે તેને ગુરુદીક્ષા કહેવામાં આવે છે. તે દીક્ષાના જુદાજુદા પ્રકારો છે. ગુરુ પોતાના સંકલ્પથી જે દીક્ષા આપે છે તેને સંકલ્પદીક્ષા કહેવામાં આવે છે. ગુરુ સ્પર્શ દ્ધારા આશીર્વાદ આપીને જે દીક્ષા આપે છે તેને સ્પર્શદીક્ષાનું નામ આપવામાં આવે છે ને મંત્ર આપીને જે દીક્ષા આપે છે તે મંત્રદીક્ષા કહેવાય છે. ગુરુ દ્રષ્ટિપાતથી પણ દીક્ષા આપે છે. ગુરુદીક્ષામાં ઘણી શક્તિ સમાયેલી છે.

ગુરુને આપવામાં આવતી ભેટને ગુરુદક્ષિણા તરીકે ઓળખવામાં આવે છે. સાચી ગુરુદક્ષિણા શ્રદ્ધાભક્તિથી સંપન્ન થઈને ગુરુના માર્ગદર્શન પ્રમાણે ચાલવામાં રહેલી છે. છતાં પણ સ્થૂળ દક્ષિણાને જ સમાજમાં ગુરુદક્ષિણાનું નામ આપવામાં આવે છે.

ગુરુ દ્ધારા આપવામાં આવતા મંત્રને ગુરુમંત્ર કહે છે. ગુરુમંત્રની અંદર ધાર્યા કરતાં ઘણી વધારે શક્તિ હોય છે. એનો આધાર લેવાથી શિષ્યને સાધનામાં મોટી મદદ મળે છે અને એનું શ્રેય સધાય છે. એનો આધાર ખૂબ જ શ્રદ્ધાભક્તિપૂર્વક લેવો જોઈએ.

પ્રશ્ન : આવશ્યકતા પ્રમાણે ગુરુમંત્ર બદલી શકાય ?

ઉત્તર : જરૂર બદલી શકાય પરંતુ ગુરુમંત્રને બદલાવાની પ્રક્રિયાની પાછળ આવશ્યકતા અને એ પણ અનિવાર્ય આવશ્યકતા હોવી જોઈએ. મંત્રને બદલવાની પ્રક્રિયા એક પ્રવૃતિ, શોખ કે ફેશન ના બનવી જોઈએ. જીવનની એક અનિવાર્ય આવશ્યકતા તરીકે એકાદ વાર મંત્રને બદલવો પડે તે જુદી વાત છે. પરંતુ મંત્રને બદલવાનો ચસકો લાગી જાય અને મંત્રને અવારનવાર બદલ્યા કરાય તો એ બદલવાની પ્રવૃત્તિ સાધકને બદલે બાધક અને તારકને બદલે મારક જ વધારે થઈ પડે.

પ્રશ્ન : ગુરુની સંનિધિ ના હોય અને પ્રેરણા પણ પ્રાપ્ત થતી બંધ થાય તો એમનો સનાતન સંબંધ સમાપ્ત થયો એવું માનવું ?

ઉત્તર : ના. ગુરુની સ્થૂળ સંનિધિ ના હોય તેથી શું થયું ? એમની સૂક્ષ્મ સંનિધિ રહેવી જોઈએ. ગુરુની પ્રેરણા પણ વધારે વખત કે સદાને માટે જરૂરી ના હોય એવું બની શકે, તો પણ એમના પ્રત્યેની શ્રદ્ધાભક્તિ તો અખંડ જ રહેવી જોઈએ. એને લીધે જ એમનો સંબંધ અમર અથવા સનાતન રહે છે કે બને છે. એ સંબંધ કદી પણ પૂરો નથી થતો ને ના થવો જોઈએ. પછી એ સ્થૂળ રૂપમાં ચાલુ રહે કે સૂક્ષ્મ રૂપમાં એ જુદી વાત છે.

પ્રશ્ન : અદ્ધૈતની અનુભૂતિ થતા ગુરુ-શિષ્યનો સંબંધ ટકી શકે છે ?

ઉત્તર : ટકી શકે પણ ખરો અને ના પણ ટકી શકે.

પ્રશ્ન : એટલે ?

ઉત્તર : અદ્ધૈતની અનુભૂતિ થયા પછી વસ્તુત: એ સંબંધની આવશ્યકતા નથી હોતી. જ્યાં સર્વત્ર, સૌમાં ને સૌના સ્વરૂપમાં પરમાત્મા છે ત્યાં ગુરુ તથા શિષ્યના ભેદ ક્યાંથી ટકી શકે ? તો પણ શિષ્ય ગુરુની એટલી સ્મૃતિ કાયમ રાખે છે, જેમકે શ્રી આદ્ય શંકરાચાર્ય. એ ગુરુ પ્રેમથી પ્રેરાઈને એમના ગુરુને પ્રત્યેક ગ્રંથમાં યાદ કરે છે. શ્રી જ્ઞાનેશ્વર મહારાજના સંબંધમાં પણ એવું જ કહી શકાય. એમની ગુરુભક્તિ જાણીતી છે. જ્ઞાનેશ્વરી ગીતા જેવા ગ્રંથરત્નના વાચનથી એ હકીકત સુચારુરૂપે સમજી શકાય છે.

Today's Quote

There is no God higher than Truth.
- Mahatma Gandhi

prabhu-handwriting