Text Size

આશ્રમનો વિચાર

પ્રશ્ન : એક પ્રશ્ન પૂછવાનું લાંબા સમયથી મન થાય છે. ખરી રીતે તો એમ થાય છે કે પહેલાં બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ ને છેવટે સંન્યસ્તાશ્રમ કરવો જોઈએ. તમે શરૂઆતથી જ ત્યાગ કરી હિમાલયમાં રહો છો તો ગૃહસ્થાશ્રમની ફરજ ચૂક્યા છો એમ ના કહેવાય ?

ઉત્તર: અમે કોઈ પણ ફરજ ચૂક્યા નથી. ઊલટું માનવમાત્રની જે ઉચ્ચોચ્ચ ફરજ છે - પરમાત્માની પ્રાપ્તિની - તે માટે પુરુષાર્થ, તે ફરજનું પાલન કરી રહ્યા છીએ. આ માનવશરીર તેને જ માટે છે. તે કરવું એટલે કે પરમાત્માનું દર્શન કરવું એ જ જીવનનો સર્વોચ્ચ પુરુષાર્થ છે. તે પુરુષાર્થ કરવો તે માનવની સૌથી પ્રથમ ને છેવટની ફરજ છે. તે ફરજ અમે બજાવી રહયા છીએ.

તમે જે આશ્રમના ક્રમ વિશે કહ્યું તે ક્રમ શાસ્ત્રોમાં બતાવ્યા છે. તેવા ક્રમ પ્રમાણે ચાલવામાં સાધારણ માનવનું હિત રહેલું છે. પરંતુ તેનાથી જુદો એવો બીજો ક્રમ પણ શાસ્ત્રો બતાવે છે. તે ક્રમ કૈંક ઊચી કોટિના પુરુષો માટે છે. જેમને સંસારના વિષયોમાં પ્રીતિ નથી, કામિની-કાંચન કે લૌકિક વાહ વાહની જેને ઈચ્છા, સ્પૃહા કે વાસના નથી, જેને જણાયું છે કે સંસારની બધી જ વસ્તુ વિનાશી છે, જીવન ક્ષણભગુંર છે, ને એક ઈશ્વર જ અવિનાશી ને પ્રાપ્ત કરવા યોગ્ય છે, તેની પ્રાપ્તિ વિના જીવનમાં સુખશાંતિ સંભવિત નથી, એ જ્ઞાન જેને સારી પેઠે થઈ ગયું છે, ને જેનું મન ઈશ્વરપ્રાપ્તિ કે આત્મદર્શન માટે લાલાયિત છે, તેને માટે તો શાસ્ત્રો બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સીધા ત્યાગનો ઉપદેશ કરે છે.

‘જે ક્ષણે સંસારમાંથી મન ઉઠી જાય ને ઈશ્વરપ્રાપ્તિ માટે અંતર આતુર થાય તે જ ક્ષણે ત્યાગ કરી ઈશ્વર માટે સાધના કરવા એકાંતમાં ચાલ્યા જવું.’ એમ શાસ્ત્રો કહે છે. ‘યદહરેવ વિરજેત્ તદહરેવ પ્રવ્રજેત્’ એ આ સંબંધી વિખ્યાત શાસ્ત્રવચન છે. અલબત્ત, આટલી બધી ઊંચી યોગ્યતા હરેકમાં હોતી નથી, પણ કેટલાક બડભાગી પુરુષોમાં બાલપણથી હોય છે પણ ખરી, એ વાત ભૂલવા જેવી નથી. શંકરાચાર્ય, શુકદેવ, અષ્ટાવક્ર, ધ્રુવ, પ્રહલાદ, વિવેકાનંદ, એકનાથ ને જ્ઞાનેશ્વર તેમજ દયાનંદ સરસ્વતી - એ બધા આવા બડભાગી મહામાનવનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ને એવા પુરુષો કોઈ પણ કાળે પ્રગટી શકે છે. તેમને માટે આશ્રમોનાં ક્રમનો દુરાગ્રહ રાખવો અસ્થાને છે. તે જ વાત અમારા સંબંધી લાગુ પડે છે.

હવે જો બીજી રીતે વિચાર કરશો તો જણાશે કે આશ્રમનો જે ક્રમ આપણે ત્યાં પ્રાચીનકાળમાં હતો તો આજની પરિવર્તન પામેલી દશામાં શક્ય નથી. આજે માણસનું આયુષ્ય ૧oo વર્ષનું છે જ નહિ તો પછી ૧oo વર્ષની વય નિર્ધારિત કરીને ગોઠવેલો ક્રમ આજે શું ખપ લાગશે ! તે ઉપરાંત આજની પરિસ્થિતિમાં શાસ્ત્રોક્ત રીતે આશ્રમપાલન તદ્દન અસંભવ જેવું છે. શાસ્ત્ર કહે છે કે વાનપ્રસ્થાશ્રમીએ વનમાં જવું જોઈએ, ત્યાં (સ્ત્રી હોય તો) સ્ત્રી સાથે રહી વનમાં ફળફૂલ ને કંદમૂળ ખાવા જોઈએ. પણ અત્યારે વનમાં ફળફૂલ જ મળે એવી સ્થિતિ નથી તો એવા નિયમનું પાલન ક્યાંથી થવાનું હતું ? એટલે પલટાયેલી દશામાં આપણે વિચાર કરીને સમયને અનુકૂળ વ્યવસ્થા કરવી જોઈએ. એનો અર્થ એમ નથી કે આશ્રમધર્મનું ચોકઠું ઉડાવી દેવું. આશ્રમની વ્યવસ્થા માનવવિકાસ માટે જરૂરી છે. પણ વર્ષોનો જે ક્રમ છે તેમાં આપણે પુનર્વિચાર કરવો પડશે. બ્રહ્મચર્યાશ્રમ તો ૨૫ વર્ષનો જ રહેવો જોઈએ. તે તો ખૂબ જરૂરી છે. પણ ગૃહાસ્થાશ્રમમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે માનવને ત્યાગની જરૂર ઓછી રહે. ગૃહસ્થાશ્રમમાં ભોગનો સમય તદ્દન મર્યાદિત હોવો જોઈએ, વાનપ્રસ્થને બદલે તદ્દન સંન્યાસ હોવો જોઈએ, અને વધારામાં ત્યાગની ઈચ્છાવાળા પુરુષે ગૃહસ્થાશ્રમમાં જ કેળવણી મેળવતા વચ્ચે વચ્ચે વાનપ્રસ્થાશ્રમનો આનંદ લૂંટવા એકાંતનો આશ્રય લેતા રહેવું જોઈએ.

આ તો આપણે જરા બીજી વાત પર ઊતરી ગયા. પણ મુખ્ય વિચારવાની વાત તો એ છે કે જેને ઈશ્વરપ્રાપ્તિ કરવી હોય તેણે તો એક પણ દિવસ નકામો ખોવાને બદલે સંસારના મોહની સાંકળ તોડીને ‘જાગ્યા ત્યાંથી સવાર’ માની બનતી વ્હેલી તકે ઈશ્વરપ્રાપ્તિની સાધનામાં લાગવું જોઈએ. આ શરીરનો શો વિશ્વાસ છે ? તે ક્યારે પડી જશે તે કોણ કહી શકે તેમ છે ? ને જે કામ જુવાનીમાં થાય છે તે મોટી ઉંમરે કે વૃદ્ધાવસ્થામાં ભાગ્યે જ થાય. તપ, જપ ને ઊંડી સાધના કરવા મજબૂત મન જોઈએ. કટાઈ ગયેલું શરીર ને નિર્બળ મન ઈશ્વરપ્રાપ્તિ ના કરી શકે. ને વિષયભોગમાં બધી જ શક્તિ ક્ષીણ થઈ જાય પછી નીરસ શરીરથી તમે પ્રભુ કરતાં મૃત્યુને વહેલા મેળવવા લાયક રહો છો. માટે બુદ્ધિશાળી પુરુષે તો જરાય રાહ જોયા વિના વહેલામાં વહેલી તકે ઈશ્વરપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. ને છેલ્લા જીવનમાં ઈશ્વરપ્રાપ્તિનો આનંદ માણવાની સાથે સાથે બીજાને માર્ગદર્શક થવું જોઈએ.

Today's Quote

Fear knocked at my door. Faith opened that door and no one was there.
- Unknown

prabhu-handwriting