Text Size

ઈશ્વરદર્શન વિશે

પ્રશ્ન: આ યુગમાં કોઈને ઈશ્વરદર્શન થઈ શકે ખરું ?

ઉત્તર: કોઈ પણ યુગમાં થઈ શકે. આ યુગમાં પણ ઈશ્વરદર્શન કરી ચૂકેલા કેટલાય મહાપુરુષો થઈ ચૂકેલા છે અને આજે પણ છે. એટલે આ યુગમાં ઈશ્વરદર્શન ના થઈ શકે તેવું કશું માનવાની જરૂર નથી. ઈશ્વરનું દર્શન દેશ તથા કાળથી અતિત છે, એટલે કોઈપણ સ્થળે ને કાળે થઈ શકે. ફક્ત તેને માટે જે જરૂરી છે તે શરત અથવા ભૂમિકા પૂરી કરવી જોઈએ.

પ્રશ્ન: મુખ્યત્વે કઈ શરત કે ભૂમિકા છે તે કહી શકશો ?

ઉત્તર: સૌથી પહેલી શરત હૃદયની શુદ્ધિ છે. એને મનની નિર્મળતા પણ કહી શકાય. દૈવી સંપત્તિની પ્રાપ્તિ પણ એને જ કહેવામાં આવે છે. સાત્વિકતા પણ એને જ કહેવામાં આવે છે. દુર્ગુણો દૂર થઈને તેમને ઠેકાણે સદ્દગુણો જામી જાય, દુર્વિચારને ઠેકાણે સુવિચારનું સામ્રાજ્ય થાય, અને વાસના ને વિકાર અથવા અહંતા, મમતા, અને આસક્તિવાળું મન જ્યારે સ્થિર ને શાંત થાય, ત્યારે હૃદયશુદ્ધિ કે મનની નિર્મળતા સંપૂર્ણ થઈ એમ કહેવાય છે. એની સિદ્ધિ થતાં ઈશ્વરદર્શન માટેની જરૂરી ભૂમિકા તૈયાર થઈ એમ કહેવાય છે.

પ્રશ્ન: બીજી કોઈ શરત કે ભૂમિકા ?

ઉત્તર: બીજી શરત ઈશ્વરને માટેના પ્રબળમાં પ્રબળ એકધારા સતત પ્રેમની છે. હૃદયની શુદ્ધિ થવાથી એવો પ્રેમ પ્રકટી શકે છે. એ પ્રેમ જ ઈશ્વરદર્શનના મંગલદર્શનની કૂંચી થઈ પડે છે. સાધકને એ ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી દે છે. એવા પ્રેમનો આધાર લઈને કોઈ સાધક ધ્યાનની સાધના કરે છે તો કોઈ શ્રેષ્ઠ ભક્તિની. જેવી જેની રુચિ અને પ્રકૃતિ. પરંતુ પ્રેમ એક અગત્યની અને અનિવાર્ય ભૂમિકા છે, ને સાધકે એ ભૂમિકાની પ્રાપ્તિ કરવી પડે છે.

પ્રશ્ન: એ સિવાય કોઈ બીજી ભૂમિકાની પ્રાપ્તિ સાધકે કરવી પડે છે ખરી ?

ઉત્તર: બીજી ભૂમિકા પ્રેમના સાધનમાં જ સમાઈ જાય છે અથવા આર્વિભાવ પામે છે. એ છે ઉત્કટ ઈચ્છા, આતુરતા, અથવા વ્યાકુળતાની ભૂમિકા. એની પ્રાપ્તિ થતાં સાધક ઈશ્વરને માટે એકદમ અધીરો બની જાય છે. ઈશ્વરનાં દર્શન વિના એને ચેન નથી પડતું. ઈશ્વરના દર્શન વિનાની ક્ષણેક્ષણ એને યુગ જેવી લાગે છે. ઈશ્વરના દર્શન કે સાક્ષાત્કાર વિનાની બીજી કોઈ વસ્તુમાં એને રસ જ નથી. એને એવી ઉત્કટતા ઉત્પન્ન થયા પછી ઈશ્વરનો સાક્ષાત્કાર બહુ દૂર નથી રહેતો. દરેક યુગમાં એવી ભૂમિકા પર આરૂઢ થઈને આજ સુધીમાં કેટલાય સાધકોએ ઈશ્વર સાક્ષાત્કાર કરેલો છે. તેવી રીતે આજે પણ જે ધારે તે કરી શકે છે. દૃઢ ઈચ્છાશક્તિ, અડગ નિરધાર, અને અનવરત પુરુષાર્થ જોઈએ. તો કશું જ મુશ્કેલ નથી.

પ્રશ્ન: ઈશ્વરદર્શન પછી જીવનનો કોઈ વિકાસ રહે છે ખરો ?

ઉત્તર: ઈશ્વરદર્શન પછી જીવન પરમ શાંતિથી સંપન્ન તથા મુક્ત બની જાય છે. એટલે જીવનની ધન્યતા તથા સફળતાની દૃષ્ટિએ જોઈએ તો કોઈ જાતનો વિકાસ બાકી નથી રહેતો. માટે જ ભારતીય સંસ્કૃતિમાં ઈશ્વરદર્શનને જીવનના વિકાસની પરાકાષ્ઠારૂપ માનવામાં આવે છે. વધારે ભાગે સાધકો કે મહાપુરુષો પોતાના સાધનામય જીવનના લક્ષ્ય તરીકે, ઈશ્વરદર્શનને જ નજર સામે રાખતા હોય છે. છતાં પણ વિચાર કરતાં લાગે છે કે જીવનનો વિકાસ એથી પણ આગળ હોઈ શકે છે, અને ભારતીય સંસ્કૃતિમાં એનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.

પ્રશ્ન: એ વિકાસ કઈ જાતનો છે તેનો ખ્યાલ આપી શકશો ?

ઉત્તર: જરૂર. ભારતીય સંસ્કૃતિએ કેવળ ઈશ્વર-દર્શન કરીને બેસી રહેવામાં જીવનનું ધ્યેય પૂરું થાય છે એવું નથી કહ્યું. જીવનમાં ઈશ્વરનું દર્શન તો કરવાનું છે જ. પરંતુ એની સાથે સાથે ઈશ્વરમય પણ થવાનું છે. ઈશ્વરનું દર્શન થવું એ એક વાત છે, અને ઈશ્વરમય થવું એ વળી બીજી જ વાત છે.

પ્રશ્ન: ઈશ્વરમય થવું એટલે ?

ઉત્તર: ઈશ્વરમય થવું એટલે ઈશ્વરનાં લક્ષણો જેવાં વિશેષ લક્ષણોથી સંપન્ન થવું.

પ્રશ્ન: એ વિશેષ લક્ષણો કયા કયા છે ?

ઉત્તર: સર્વજ્ઞપણું, સર્વસમર્થપણું, અને સર્વવ્યાપકપણું. જો સાધકની ઈચ્છા હોય, અને ઈશ્વર પર વિશ્વાસ હોય, તો ઈશ્વરની કૃપાથી એ લક્ષણો એનામાં પ્રકટ થાય છે. એ રીતે એ ઈશ્વરની સાથે એકતા સાધી શકે છે. એવી એકતા માટે જ શાસ્ત્રોનો આદેશ છે. બ્રહ્મવિદ્દ બ્રહ્મૈવ ભવતિ. એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરનાર પરમાત્મા તુલ્ય કે પરમાત્મા જ બની જાય છે. એ ઉપનિષદ વચનના અર્થનો વિચાર કરો તો સમજાશે કે જીવન-વિકાસના સાધકોએ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને બેસી રહેવાનું નથી. પરંતુ પરમાત્મા પદે પહોંચવાનું છે. એ બંનેનો ભેદ તમે સમજ્યા ? ઈશ્વરનું દર્શન કરવું એ આદર્શ ગમે તેટલો ઉત્તમ હોવા છતાં, ઈશ્વરમય બની જવાના અંતિમ આદર્શોના એક અંગરૂપ છે.

પ્રશ્ન: કોઈ માણસને માટે એટલો બધો વિકાસ શક્ય છે ખરો ?

ઉત્તર: એ પ્રશ્નનો ઉત્તર ભારતીય ઋષિઓએ આપેલો જ છે. કેટલાય ઋષિઓ વિકાસની એવી ઉત્તમોત્તમ કક્ષાએ પહોંચ્યા હતા. તેમ જો તમે પણ ધારો, અને મન મૂકીને દિવસરાત પરિશ્રમ કરો તો વિકાસની એ ભૂમિકાએ પહોંચી શકો. ફક્ત તમારું સંકલ્પબળ મજબૂત જોઈએ. જે માર્ગે આગળ વધવું છે તેની ચોકખી સમજ જોઈએ, અને બીજા બધા જ વિષયોમાંથી મનને પાછું વાળી લઈને તમારા ધ્યેયને માટે મરી ફીટવાની કે બલિ થઈ જવાની તમન્ના જોઈએ. ઉચ્ચ કોટિના આધ્યાત્મિક વિકાસની પ્રાપ્તિ એના વિના નથી થઈ શકતી. બાકી જો તમે નબળા મનના હશો, તથા તમારા વિકાસના વર્તુળને પહેલેથી જ ને હાથે કરીને નાનું કરીને બેસી જશો, તો જેટલો શક્ય છે એટલો વિકાસ નહિ કરી શકો.

પ્રશ્ન: એવા ઈશ્વરદર્શી તથા ઈશ્વરતુલ્ય પુરુષો આ દેશમાં હશે ખરા ?

ઉત્તર: છે. એવા પુરુષોનો આત્યંતિક અભાવ આ દેશમાં કોઈ કાળે ન હતો, અને આજે પણ નથી. ઈશ્વરની કૃપાથી એમનો સમાગમ થઈ શકે છે. મેં તો એમને જોયા છે, અને સાંભળ્યા છે પણ ખરા. અને જો ધારો તો તમે પણ એમને જોઈ શકો છો. હૃદયમાં એમને મળવાની લગની લાગશે, એટલે એ તમને આપોઆપ, અને જ્યાં હશો ત્યાં મળી રહેશે.

પ્રશ્ન: મને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા છે. તેને માટે ઘરનો ત્યાગ કરવાનો સંકલ્પ પણ થયા કરે છે. એક આશ્રમમાં રહેવા માટેની મંજૂરી પણ મેં મંગાવી છે. તો આ બાબત આપનો શો અભિપ્રાય છે ? હું ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે ઘરનો ત્યાગ કરું કે નહિ ?

ઉત્તર: તમે જે પ્રશ્ન પૂછો છો તેના પરથી સમજી શકાય છે કે તમારી પરિસ્થિતિ કે ભૂમિકા વિશે તમારું પોતાનું મન હજી સાફ નથી. તે હજી શંકા કે દ્વિધામાં છે. નહિ તો તમે મને આવા પ્રશ્ન જ ના પૂછત, અને તમારી ચોક્કસ પસંદગી પ્રમાણેના માર્ગે આગળ વધત. પરંતુ તેવું દેખાતું નથી, ને તમે મારી સલાહ માંગી છે, એટલે એ સલાહ મારે આપવી પડશે. સૌથી પહેલા તો હું તમને તમારી ભાવનાને માટે અભિનંદન આપું છું. તમારી ભાવના ઘણી સારી છે. તેના પરથી તમારા શુભ સંસ્કારોનો ખ્યાલ આવે છે. પરંતુ જીવનમાં બધું કામ એકલી ભાવનાથી જ નથી થઈ શકતું. થોડા વાસ્તવિક પણ થવું પડે છે. એટલે કે વાસ્તવિકતાના આધાર પર ભાવનાને ચકાસીને તેનો સારાસાર સમજવો રહે છે.

પ્રશ્ન: એટલે તમે મને ઘરનો ત્યાગ કરવાની સલાહ નથી આપતા એમ ?

ઉત્તર: ઘરનો ત્યાગ કરવો કે નહિ એ તો તમારે તમારી સ્વતંત્ર બુદ્ધિથી નક્કી કરવાનું છે. હું તો મારા વિચારો તમારી સમક્ષ રજુ કરું છું અને પૂછું છું કે ઘરનો ત્યાગ કરવાથી ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જશે એમ તમને લાગે છે ? ઘરનો ત્યાગ કરીને બહાર કોઈ આશ્રમમાં રહેવાથી ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જશે એમ માનવું બરાબર નથી. એવી રીતે કેટલાય ભાવનાશાળી માણસો આશ્રમોમાં ગયા છે. પરંતુ તેમને ઈશ્વરના સાક્ષાત્કારનો લાભ નથી મળ્યો.

Today's Quote

Be not afraid of growing slowly, be afraid only of standing still.
- Chinese Proverb

prabhu-handwriting