Text Size

ભક્તિ વિશે

પ્રશ્ન: શાસ્ત્રોમાં વાંચવામાં આવે છે કે કેટલાક સંતો કે ભક્તોને પરમાત્માનો સાક્ષાત્કાર થયો હતો. તેવી રીતે આજે પણ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે ખરો ?                      

ઉત્તર: જરૂર થઈ શકે. તે સંતો ને ભક્તોની જેમ આજે પણ કોઈ સાચા દિલથી યોગ્ય પુરુષાર્થ કરે, તો પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે. એ સંબંધી શંકા રાખવાનું કોઈ કારણ નથી.

પ્રશ્ન: પરમાત્માનો સાક્ષાત્કાર કેવી રીતે થાય છે ? સાકાર કે નિરાકાર રૂપે ?

ઉત્તર: બન્ને રૂપે થઈ શકે છે. સાધક કે ભક્ત પરમાત્માને જે રૂપે જોવા માગે છે તે રૂપે જોઈ શકે છે. પરમાત્માને કેવા રૂપે જોવા અથવા અનુભવવા એ સાધકની રુચિનો સવાલ છે.

પ્રશ્ન: એને માટે મુખ્યત્વે કયા સાધનોનો આધાર લેવો જોઈએ ?

ઉત્તર: પરમાત્માને સાકારરૂપે જોવા માગનારે મુખ્યત્વે પ્રાર્થના ને ભક્તિનો આધાર લેવો જોઈએ. એમની મદદથી છેવટે ઉત્કટ પ્રેમ જાગી ઊઠે છે ત્યારે દર્શનનો લાભ મળી શકે છે. એવો પ્રેમ વરસોની એકધારી સાધનાથી પ્રકટ થાય છે. જે પરમાત્માને નિરાકારરૂપે અનુભવવા માગતા હોય, તેમણે ધ્યાનની સાધના કરવી જોઈએ. બંને જાતના સાધકોએ હૃદયશુદ્ધિ તો સાધવી જોઈએ. હૃદયશુધ્ધિ સાધનામાં એક અત્યંત અગત્યની આવશ્યક્તા છે. એ વિના ઈશ્વરનું દર્શન કે પરમાત્માનો સાક્ષાત્કાર ના થઈ શકે.

પ્રશ્ન : ભક્તિના પ્રકાર કેટલા છે તે કહેવાની કૃપા કરશો ?

ઉત્તર : ભક્તિના પ્રકાર મુખ્યત્વે તો બે છે. સગુણ અને નિર્ગુણ અથવા તો સાકાર અને નિરાકાર.

પ્રશ્ન : સગુણ અને નિર્ગુણ અથવા સાકાર અને નિરાકાર ભક્તિ કોને કહેવાય  ?

ઉત્તર : એનું સ્પષ્ટીકરણ એ નામ પરથી જ મળી રહે છે. પરમાત્માને નિર્ગુણ, નિરાકાર અને સમસ્ત સંસારમાં વ્યાપક સમજીને જે ભક્તિ કરાય છે, તેને નિર્ગુણ કે નિરાકાર ભક્તિ કહેવામાં આવે છે, તથા કોઈ એક કે વિશેષ ગુણથી યુક્ત અથવા તો રૂપથી સંપન્ન સમજીને જે ભક્તિનું આલંબન લેવામાં આવે છે તે ભક્તિને સગુણ કે સાકાર ભક્તિ કહેવામાં આવે છે. બંને પ્રકારની ભક્તિનું ફળ એક જ છે, અને તે પરમાત્માનો સાક્ષાત્કાર છે. એ સાક્ષાત્કારનું સ્વરૂપ જુદું હોય છે. પરંતુ એથી પરમ શાંતિ તથા મુક્તિની પ્રાપ્તિ થાય જ છે.

પ્રશ્ન : તમે કહી શકો છો કે બંને પ્રકારની ભક્તિમાં સાક્ષાત્કારનું સ્વરૂપ જુદું હોય છે તો તેનો ભાવાર્થ સમજાવશો  ?

ઉત્તર : તેનો ભાવાર્થ આટલી ચર્ચા વિચારણા પછી તમે હજુય નથી સમજી શક્યા ? નિર્ગુણ કે નિરાકાર માર્ગની ભક્તિનું આલંબન લેનાર ભક્તને પરમાત્માનો સાક્ષાત્કાર પોતાની અંદર થાય છે. હૃદય પ્રદેશમાં વિરાજેલા પરમાત્માની અનુભૂતિ કરીને એ ધન્ય બને છે. એ જ્ઞાની કે યોગી ભક્તનો માર્ગ પણ કહેવાય છે; નરસિંહ મહેતાની જેમ પછીથી એવો ભક્ત ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે.’-નો અનુભવ કરવા માંડે છે. સમસ્ત બ્રહ્માંડને તે પરમાત્મા આવિર્ભાવ કે પ્રતીકરૂપે માને છે. ‘પવન તું, પાણી તું ભૂમિ તું ભૂધરા’નો અનુભવ એને માટે સહજ બની જાય છે. સંસારને એ પરમાત્માથી પૃથક નથી મનતો. પરંતુ પરમાત્માના સાકાર સ્વરૂપ તરીકે જ જુએ છે અથવા તો અનુભવે છે. પ્રહલાદ, મીરાં તથા ગોપીઓની દશા આવી જ હતી. ભાગવતના ગોપીગીતમાં ગોપીઓએ પોતાની એ ધન્ય દશાનું પ્રતિબિંબ પાડતાં એટલા માટે જ કહ્યું છે કે કૃષ્ણ ! અમે તમને નંદયશોદાના પુત્ર નથી સમજતી. પણ સમસ્ત વિશ્વના અંતરાત્મા માનીએ છીએ. ‘ન ખલુ ગોપીકા નંદનો ભવાનખિલ વિશ્વનામંતરાત્મક.’

પ્રશ્ન : સગુણ કે સાકાર ભક્ત પરમાત્માને એ રીતે સમસ્ત વિશ્વમાં વ્યાપકરૂપે નથી અનુભવતો  ?

ઉત્તર : અનુભવે છે. આગળ જતાં તો એ પણ એવો અનુભવ કરે છે, અને સંત તુલસીદાસની જેમ પોતાના ઉપાસ્યને ચરાચર જગતમાં બધે જ જુએ છે. તુલસીદાસે કહ્યું છે ને કે, સમસ્ત જગતને સીતા ને રામમય જાણીને બે હાથ જોડીને પ્રણામ કરું છું. એ વચનમાં એમની વ્યાપક વિશ્વરૂપ દૃષ્ટિની ઝાંખી થાય છે. ભક્તની દૃષ્ટિ એવી જ વિશાળ તથા વ્યાપક હોય છે. પરંતુ સગુણ ભક્તિ શરૂઆતમાં તો ઈશ્વરના કોઈ એક સાકાર સ્વરૂપમાં પોતાના મનને એકાગ્ર કરે છે. ઈશ્વરનું સાકાર દર્શન કરવાની ઈચ્છા રાખે છે. ઝંખના કરે છે, ને એ માટે પ્રાર્થના, જપ કે આરાધના કરે છે. એનો સ્વભાવ જ એવો હોય છે કે ઈશ્વરના સાકાર સ્વરૂપનું દર્શન ના કરે ત્યાં સુધી એને શાંતિ નથી મળતી કે ચેન નથી પડતું. એ રીતના સાક્ષાત્કારની ભાવનાથી જ એ ભક્તિ કરે છે. એટલે છેવટે એને ઈશ્વરના સાકાર દર્શનનો આનંદ મળી રહે છે. એવી રીતે સગુણ તથા નિર્ગુણ ભક્તના પ્રારંભના સાક્ષાત્કાર સ્વરૂપમાં તત્વનો ફેર પડે છે. એ ફેર મૂળભૂત છેવટનો નથી. પરંતુ શરૂઆતનો છે એ ખાસ યાદ રાખવાનું છે.

પ્રશ્ન: ઈશ્વરની પ્રાપ્તિનું સહેલું સાધન કયું ?

ઉત્તર: સહેલું તો કોઈયે સાધન નથી. જે છે તે બધાં જ સાધનો અઘરાં અથવા તો કષ્ટસાધ્ય છે. દરેકમાં કાંઈ ને કાંઈ પરિશ્રમ તો પડવાનો જ છે. ઈશ્વરપ્રાપ્તિની વાત કાંઈ તૈયાર ભાણે જમવા જેવી થોડી જ છે કે જલદી જલદી જમી લેવાય ? તેને માટે ભારેમાં ભારે ભોગ આપવો પડે છે.

પ્રશ્ન: કહે છે ને કે ભક્તિ સૌથી સહેલું સાધન છે ?

ઉત્તર: ભક્તિને સહેલું સાધન કહેનારા ભક્તિનો માર્ગ કેટલો બધો કપરો તથા મુસીબતોથી ભરેલો છે તે કદાચ નહિ જાણતા હોય. ભક્તિને તો શીશતણું સાટું કહેવામાં આવી છે. એનો આધાર લેનારને અનેક જાતની મુસીબતોનો સામનો કરવો પડે છે, કષ્ટો વેઠવા પડે છે અને ચિંતા તેમજ અગ્નિ-પરીક્ષામાંથી પસાર થવું પડે છે. મીરાં, નરસિંહ, પ્રહલાદ ને તુકારામ જેવા ભક્તાત્માના જીવનનો વિચાર કરો તો સહેજે સમજાશે કે ભક્તિ કોઈ રમત નથી ને ધાર્યા જેટલી સહેલી પણ નથી. હા, તેને સરળ સાધન અથવા સૌ કોઈને અનુકૂળ આવે એવું સાધન જરૂર કહી શકાય. કેમકે યોગ ને જ્ઞાનના સાધન કરતાં તે વધારે સરળ છે. તથા તેનો લાભ પણ સૌ કોઈ લઈ શકે છે.

પ્રશ્ન: કોઈના જીવનમાં સાચી ભક્તિ પ્રકટ થઈ છે એવું ક્યારે સમજી શકાય ?

ઉત્તર: એનાં અમુક લક્ષણો છે. જ્યારે સાચી ભક્તિ પ્રગટે છે, ત્યારે ભક્તનું મન સંસારના બધા જ રસ, વિષય, કે પદાર્થોમાંથી પાછું વળીને, કેવળ ઈશ્વરમાં જ લાગી જાય છે. ઈશ્વર વિના એનું મન બીજા કશાને ભજતું, રટતું, ઝંખતું અથવા ચાહતું નથી. ઈશ્વરને માટે એ આકુળવ્યાકુળ બની જાય છે. ઈશ્વરનું સ્મરણ કરતાંવેંત, ભક્તનું હૃદય ભાવથી ભરાઈ જાય છે, એની આંખમાંથી અનુરાગનાં અશ્રુ ટપકે છે. અને એનું અંગેઅંગ ઈશ્વરને મળવા માટે આતુર બની જાય છે. એવી દશા એક બે દિવસ માટે નહિ, પરંતુ દિવસો, મહિના ને વરસો સુધી રહે, ત્યારે ભક્તિ થઈ એમ કહેવાય છે. એને પરમપ્રેમનું બીજું નામ પણ આપી શકો.

પ્રશ્ન: એવા પ્રેમને પ્રકટાવવાનું કોઈ સાધન ખરું ?

ઉત્તર: સાધન કેમ નથી ? ઈશ્વરની સતત તથા સાચા દિલથી થતી પ્રાર્થનાથી આવો પ્રેમ લાંબે વખતે પ્રકટી શકે. ઈશ્વરની પ્રાર્થનાના પરિણામરૂપે ઈશ્વરી પ્રેમ પેદા થાય છે, એ એક હકીકત છે. વળી એવા પ્રેમને જગાડવામાં ભક્તોનો સમાગમ ને ભક્તિભાવથી ભરેલાં પુસ્તકોનો સંગ પણ બહુ ભાગ ભજવે છે.

Today's Quote

Time spent laughing is time spent with the God. 
- Japanese Proverb

prabhu-handwriting