Text Size

ઓમકારનો અર્થ અને ઓમકારના જપ

પ્રશ્ન: વિધિપૂર્વકનાં અનુષ્ઠાનોથી ઈશ્વરદર્શન થઈ શકે ખરું ?

ઉત્તર: ઈશ્વરદર્શનની ઈચ્છા જેમ જેમ ઉત્કટ બનશે તેમ તેમ બધી પ્રકારની વિધિમાંથી મન ઉપરામ બનતું જશે. એટલે એવો પ્રશ્ન જ નહિ રહે.

પ્રશ્ન: પ્રણવ મંત્ર એટલે શું?

ઉત્તર: ઓમકારને પ્રણવ મંત્ર કહેવામાં આવે છે.

પ્રશ્ન: ઓમકારનો અર્થ શું થાય ?

ઉત્તર: ઓમકારમાં અ, ઉ, અને મ એ ત્રણ અક્ષરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણેયની સંધિ થવાથી ઓમ બને છે. એ ઓમ શબ્દ પરમાત્માનો વાચક છે એમ પતંજલિએ યોગદર્શનમાં કહેલું છે. પતંજલિએ એ જ હકીકત તરફ ધ્યાન દોરેલું છે. પુષ્પદંતે પોતાના રચેલા મહિમ્નસ્ત્રોત્રમાં પણ ઓમકાર વિશે એવો જ ઉલ્લેખ કરેલો છે. ઓમકારની ત્રણ માત્રાઓ ત્રણ પ્રકારના લોકનો, ત્રણ પ્રકારની અવસ્થાનો, પ્રકૃતિના ત્રણ ગુણોનો, ત્રણ પ્રકારના શરીરનો, તથા ત્રણ દેવોનો નિર્દેશ કરે છે, અને ઓમકારનું બિંદુ એમનાથી પર એવા પરમાત્માનો નિર્દેશ કરે છે, એમ પુષ્પદંતે કહેલું છે,પ્રશ્નોપનિષદમાં પણ પિપ્પલાદ ઋષિએ એવો જ અર્થ કરી બતાવ્યો છે. પરંતુ મારી દૃષ્ટિએ તો ઓમકારમાં ભારતીય તત્વજ્ઞાન ને સાધનાનો અર્ક સમાયો છે.

પ્રશ્ન: તે કેવી રીતે ?

ઉત્તર: આત્મદર્શન કરવાની ઈચ્છાવાળા ઋષિઓને સૌથી પહેલાં પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા થઈ, ત્યારે તેમને પ્રશ્ન થયો કે કોહમ્ ? એટલે કે હું કોણ છું ? અથવા તો મારું સાચું સ્વરૂપ શું છે ? એ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે એમણે ધ્યાન કર્યું, એમના અંતરમાં ડૂબકી મારી અને ચિંતનમનનનો આધાર લીધો. એને પરિણામે વરસોની મહેનત પછી, એમને એમના સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થયો. એથી એમણે નક્કી કર્યું કે સોહમ્ એટલે કે આપણે પરમાત્મ સ્વરૂપ છીએ. અથવા તો પરમાત્માથી જુદા નથી. કોઈએ તેમને પુછ્યું કે પરમાત્મા કેવા ? તો તેમણે કહ્યું કે સત્યં, શિવં, સુંદરમ્. સત્ય, શિવ સ્વરૂપ ને સુંદરતાના મૂળાધાર જેવા. વળી જ્ઞાનના અધિષ્ઠાતા, અનાદિ, અનંત, અવિનાશી, અને પરમ પ્રેમની મૂર્તિ જેવા. સચ્ચિદાનંદસ્વરૂપ એવા એ પરમાત્માની સાથે એકતાનો અનુભવ કરી ચૂકેલા ઋષિઓએ કહ્યું કે અમારામાં અને એ પરમાત્મામાં મૂળભૂત રીતે જોતાં કોઈ ભેદ નથી. અમારી વચ્ચે અખંડ એવી એકતા છે. એ અનુભવની ઉચ્ચતમ દશાએ પહોંચેલા ઋષિએ કહ્યું કે અહં બ્રહ્માસ્મિ, હું પરમાત્મા છું. સૂફી સંતોએ અનલહક કહીને એ જ વાત તરફ અંગૂલીનિર્દેશ કરેલો છે. એટલે સોહમ્ શબ્દમાં ભારતીય યોગી, મુની, જ્ઞાની કે તત્વજ્ઞાનીઓની આત્મિક સાધનાનું સરવૈયું આવી જાય છે. એ શબ્દમાં ભારતીય ધર્મ, તત્વજ્ઞાન, કે સાધનાનો, વરસોનાં ચિંતન, મનન ને તપને પરિણામે પ્રાપ્ત થયેલો નિષ્કર્ષ આવી જાય છે. હવે સોહમ્ શબ્દમાંથી આગળનો સ કાઢી નાંખો ને છેલ્લો મ રહેવા દઈને વચલો હ કાઢી નાંખો તો ફક્ત ઓમ બાકી રહેશે. એટલે ઓમ એ સોહમનું ટૂંકું રૂપ છે, એની ખાતરી થશે, ને મારું કથન પણ સમજાશે કે ઓમકારમાં ભારતીય તત્વજ્ઞાન અને સાધનાનો અર્ક આવી જાય છે. ઓમકારનો આ રીતે વિચાર કરો તો ઘણો લાભ થશે.

પ્રશ્ન: પણ તમારી સમજાવવાની પધ્ધતિ તો તદ્દન નવી છે !

ઉત્તર: નવી હોય તેથી શું થયું ? એ બુદ્ધિગમ્ય ને વૈજ્ઞાનિક છે કે નહિ, તે જ જોવાનું છે. જૂની રીતે વિચારવા ટેવાયેલા માણસોને આ વિચારસરણી નવી લાગશે. પણ વિચારવા જેવી કે કામની છે. એટલે એને અપનાવવાની હું સૌને ભલામણ કરું છું. મને પોતાને આવી રીતે વિચાર કરવાથી લાભ થયો છે. ઓમકારના જપ જો આવી રીતે વિચારીને કરવામાં આવે તો ખૂબ જ લાભ થાય એમ મારું માનવું છે.

પ્રશ્ન: ઓમકારના જપ કેવી રીતે કરવા ?

ઉત્તર: ગુરુએ કહ્યા પ્રમાણે કરવા. જો ગુરુ કર્યા જ ના હોય, ને પોતાની મેળે કરવાની ઈચ્છા હોય, તો પદ્માસન જેવા કોઈ આસનમાં કે કેવળ સુખાસનમાં બેસીને, આંખ બંધ કરીને, હૃદય અથવા તો ભ્રૂમધ્ય બેમાંથી કોઈપણ એક સ્થાનમાં દૃષ્ટિ સ્થિર કરવી, ને માળાની મદદથી અથવા મનોમન ઓમકારના ઉચ્ચાર કરતા રહેવું અને હું આનંદ સ્વરૂપ છું, શાંતિસ્વરૂપ છું, જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું, બુદ્ધ છું, એવી ભાવના કરવી.

પ્રશ્ન: પરંતુ આપણે ખરેખર એવા ના હોઈએ તો એવી ભાવના કરવાથી શો લાભ ?

ઉત્તર: આપણે ખરેખર તો એવા જ છીએ. પરંતુ વ્યવહારમાં એનો અનુભવ નથી કરી શકતા. એનું કારણ આપણું અજ્ઞાન અને આપણા કર્મસંસ્કાર કે આપણી નબળાઈ. તેને દૂર કરવામાં આવે, તો આપણને આપણા એ ખરેખરા અથવા તો અસલ સ્વરૂપનું ભાન થઈ શકે, એ સ્વરૂપની ભાવના કરવાથી એના અનુભવ માટેની ઈચ્છા થાય છે. ને છેવટે એક ધન્ય દિવસે એનો અનુભવ પણ થઈ જાય છે. ભાવનાનું સ્થાન જીવનમાં ઘણું મોટું છે. ભાવનાની શક્તિ ઘણી પ્રબળ છે, ભાવના પ્રમાણે જીવનમાં વધારે કે ઓછો વિકાસ થઈ શકે છે. જેનામાં ભાવના જ નથી, તેઓ ભાવનાની દિશામાં વિકાસ કેવી રીતે કરી શકે ? માટે ભાવના કરવાથી શો લાભ, એવી શંકા કરવાની જરૂર નથી, સારી ભાવનાઓ જીવનમાં હંમેશા ઉપયોગી થઈ પડે છે. આજે જે ભાવના છે, તે કાલે જીવન બને છે.

પ્રશ્ન: ઓમકારના જપનું ફળ શું ?

ઉત્તર: ઓમકારના જપનું ફળ વળી બીજું શું હોય ? આત્મદર્શન અથવા પરમાત્મપ્રાપ્તિ. જેને એ ફળ ના જોઈતું હોય, ને દુન્વયી ફળ જોઈતાં હોય, તેને પણ વત્તા ઓછા વખતે ને વત્તા ઓછા પ્રમાણમાં તે ફળ મળી શકે છે. જેની જેવી ઈચ્છા કે જેની જેવી ભાવના. ઓમકાર તો કલ્પવૃક્ષ છે. તેની નીચે બેસીને બધી જાતની ઈચ્છાઓ પૂરી કરી શકાય છે. તે પછી લૌકિક હોય કે પારલૌકિક. એટલે જ પેલા જૂના શ્ર્લોકોમાં કહ્યું છે કે, 'બિંદુ સાથેના ઓમકારનું જે દરરોજ ધ્યાન કરે છે, તે યોગીની બધી જ કામનાઓ પૂરી થઈને તેને મુક્તિ મળે છે. એ ઓમકારને હું નમસ્કાર કરું છું. ઓમકારં બિંદુ સંયુક્ત નિત્યં ધ્યાયંતિ યોગિન: । કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમોનમ: ॥ ઓમકારથી એવી રીતે બીજી કામનાઓની પૂર્તિ થતી હોવા છતાં, એનો આધાર મુખ્યત્વે તો આત્મદર્શન અથવા પરમાત્મપ્રાપ્તિ કે આત્મશાંતિ માટે લેવાય તે જ વધારે સારું છે.

પ્રશ્ન: ઓમની સાથે તત્ ને સત્ કેમ કહેવાય છે ? એનો શો અર્થ ?

ઉત્તર: એનો અર્થ બધા પોતપોતાની બુદ્ધિ ને રુચિ પ્રમાણે કરે છે. ગીતામાં પણ એનો ઉલ્લેખ કરેલો છે કે ઓમ તત્સત્ કહીને પરમાત્મા વિશે જ કહેવામાં આવ્યું છે, વેદપાઠ કરનાર ને યજ્ઞ કરનાર એ નામથી પોતપોતાની શુભ ક્રિયાની શરૂઆત કરે છે. ઓમ તો પરમાત્માનું નામ છે. તત્ ને સત્ કહીને તે પરમાત્મા જ્ઞાનસ્વરૂપ ને સત્યસ્વરૂપ છે એવો અર્થ કરીએ તો ઠીક થાય કે તે સત્યસ્વરૂપ પરમાત્મા તથા મારી વચ્ચે એકતા છે. હું તે પરમાત્મા સ્વરૂપ છું.

પ્રશ્ન: જપ કરતી વખતે તત્સત્ બોલવું જોઈએ કે એકલું ઓમ ?

ઉત્તર: એકલું ઓમ બોલવાથી ઓમ તત્સત્ નો ભાવ આવી જ જાય છે. છતાં પણ એ બંનેમાંથી શેનો જપ કરવો તે સાધકની ઈચ્છા પર અવલંબે છે. જેનો પણ જપ કરવામાં આવે તેનો જપ જડ કે યાંત્રિક ના બની જાય, પણ સમજપૂર્વક થાય, અને સ્વભાવના સુધાર, ચારિત્ર્યના ઘડતર, તથા આત્મિક વિકાસના કામમાં મહત્વનો ભાગ ભજવી જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એ જ મહત્વનું છે.

Today's Quote

Awake. Be the witness of your thoughts. You are what observes, not what you observe.
- Lord Buddha

prabhu-handwriting