Text Size

જપના લાભ

પ્રશ્ન: જપથી થતા લાભ કઈ કઈ જાતના છે ?

ઉત્તર: સૌથી પહેલો લાભ તે ચિત્તની સ્થિરતા અથવા એકાગ્રતાનો છે. તમે જાણો છો કે ચિત્તની વૃત્તિઓ રાત ને દિવસ બહારના પદાર્થો કે વિષયોમાં દોડ્યા જ કરે છે. એ બધી વૃત્તિઓને એકાગ્ર કરવાનું કામ કપરું છે. જપ એમાં કીમતી મદદ કરે છે. વારંવાર એક મંત્રનો જપ કરવાથી મન એ મંત્ર પર એકાગ્ર થતું જાય છે. છેવટે એવી અવસ્થા આવે છે કે મન એ મંત્રના રટણ સિવાયનું બીજું બધું જ ભૂલી જાય છે. મંત્રના જપમાં એ એટલું બધું જોડાઈ જાય છે ને તલ્લીન બની જાય છે કે વાત નહિ. કોઈ મહોત્સવમાં સામેલ થયું હોય એવી એની દશા થાય છે. લાંબે વખતે જપ કરતાં કરતાં શરીરનું ભાન પણ ભૂલાઈ જાય છે. એ અવસ્થા આપોઆપ જ આવી મળે છે. જ્યાં સુધી એવી અલૌકિક અવસ્થાની અનુભૂતિ ના થાય અને મન સપાટી પર તર્યા કરે તથા બહારની વસ્તુઓમાં દોડ્યા કરે ત્યાં સુધી જપ કાચા છે અથવા તો છેક જ પ્રાથમિક દશામાં છે એમ સમજી લેવું. સમજી લઈને પછી નિરાશ થઈને બેસી ના રહેવું પરંતુ મનની સ્થિરતા વધે તે માટે પ્રયાસ કરવો. તો જ આગળ વધી શકાય. જપનો લાભ પણ ત્યારે મેળવી શકાય.

પ્રશ્ન: જપનો એક લાભ તો સમજાયો. હવે બીજો લાભ કયો છે તે કહી બતાવશો ?

ઉત્તર: જરૂર. તમને કહેવા માટે તૈયાર થઈને બેઠો છું. જપનો બીજો લાભ પણ એટલો જ અગત્યનો છે. જેના જપ કરવામાં આવે છે તેના જપ યાંત્રિક રીતે નથી કરવાના, પરંતુ સમજપૂર્વક કરવાના છે. એવી રીતે કરવામાં આવે તો જ જીવનનું જરૂરી પરિવર્તન થઈ શકે. દાખલા તરીકે ધારો કે તમે શ્રીરામના જપ કરી રહ્યા છો, તો 'રામ રામ' એવું પોપટ પારાયણ કરવાને બદલે રામની વિશેષતાઓનો વિચાર કરો, અને તેમને તમારા જીવનમાં ઊતારવાની કોશિશ કરો. તો રામના જપ વધારે ઉપયોગી કે સાર્થક થશે.

પ્રશ્ન: રામની વિશેષતાઓ એટલે ?

ઉત્તર: રામની વિશેષતાઓ એટલે રામના જીવનના વિશેષ, આદરણીય અથવા અનુકરણીય ગુણો. તે ગુણોને યાદ કરીને, એક મહાન આદર્શરૂપે નજર સામે રાખવાના છે. એટલું જ નહિ, પરંતુ એમને આત્મસાત કરવા બનતા બધા જ પ્રયાસો કરવાના છે. રામની માતા, પિતા, ગુરુ, તથા ભાઈઓ તરફની પ્રીતિ કે ભક્તિ, સાધારણ કહેવાતા જીવો કે મનુષ્યોને માટેની પણ લાગણી, દુષ્ટોનું દમન કરવાની શક્તિ, નીતિ, ધર્મનિષ્ઠા, એકપત્નીવ્રતની ભાવના, અને તેવી બીજી વિશેષતાઓને જીવનમાં વણી લેવામાં આવે, તો જીવન જુદી જાતનું જ બની જાય. રામ કેવળ જીભ પર, મસ્તકમાં, કે માળાના મણકામાં જ રહેવાને બદલે, જીવનના પ્રત્યેક પાસામાં ફરી વળે. આપણા અસ્તિત્વના અણુએ અણુમાં આવિર્ભાવ પામે અને જપનો એક જડ વિષય જ રહેવાને બદલે, જીવનનું એક પ્રેરક બળ બની જાય. એ રીતે કેટલો બધો અમુલખ લાભ થાય ? કોઈપણ જપના સંબંધમાં આ રીતે સમજી લેવાનું છે. પછી તે જપ કૃષ્ણનો હોય, શંકરનો હોય, દેવીનો હોય, હનુમાનનો હોય, ગાયત્રી કે ઓમકારનો હોય, કે કોઈ બીજો હોય. દરેક જપ આ રીતે કરવામાં આવે તો, જીવનમાં એક પ્રકારની અસાધારણ ક્રાંતિ કરી શકે છે. એ ક્રાંતિને લીધે જ એનું મહત્વ છે. એને જ આપણે જપનો બીજો લાભ કહીએ છીએ.

પ્રશ્ન: ધારો કે એવી અવસ્થાની અનુભૂતિ થતી હોય, તો પછી વિકાસને માટે બીજું કાંઈ શેષ રહે છે ?

ઉત્તર: જરૂર શેષ રહે છે. તલ્લીનતા કે એકાગ્રતાની એ અવસ્થા અત્યંત આવકારદાયક અને ઉત્તમ હોવા છતાં પણ, સર્વોત્તમ કે છેવટની નથી, એનું ધ્યાન રાખવાનું છે. એને જો છેવટની માની લેવામાં આવશે, તો સાધકનો આગળનો વિકાસ અટકી જશે. યાદ રાખો કે જીવનની ધન્યતા કે સંપૂર્ણતાને માટે સાધકે મન ને બુદ્ધિથી અતીત પ્રદેશમાં પહોંચવાનું છે. મતલબ કે એણે અતીન્દ્રિય ભૂમિકાની પ્રાપ્તિ કરવાની છે. એને અતીન્દ્રિય ભૂમિકા કહો કે આત્મલીન ભૂમિકા કહો, બધું એક જ છે. યોગની પરિભાષામાં એને સમાધિ કહે છે. સાધકનું મન એ વખતે પરમાત્મ તત્વમાં ડૂબી જાય છે, ને શરીરનું ભાન સંપૂર્ણપણે ભૂલી જવાય છે. એ અવસ્થાની પ્રાપ્તિ તમે કરી શક્યા છો ? જો કરી શક્યા હો, તો સાધનામાં ખૂબખૂબ આગળ વધી ગયા છો, એમ સમજી લેજો, ને જો એ અવસ્થાની પ્રાપ્તિ ન કરી શક્યા હો, તો એની અનુભૂતિ માટે નિરંતર, નિયમિત, ને ઉત્સાહપૂર્વક પુરુષાર્થ કરો. ઈશ્વર તમને જરૂર સફળ કરશે. જીવનની કૃતાર્થતા એ વિના અધૂરી જ રહી જશે, ને સાધનાની સંપૂર્ણતા પણ.

પ્રશ્ન: ભક્તિમાર્ગના સાધકને માટે ?

ઉત્તર: ભક્તિમાર્ગના સાધકને પણ તલ્લીનતાની જરૂર તો પડશે જ-પરંતુ એની સાથે સાથે એણે પરમાત્માને માટેનો પ્રેમ જગાવવો પડશે, ને છેવટે પરમાત્માનું દર્શન કરવું પડશે. સમાધિની ઈચ્છા એને નહિ હોય છતાં પણ, પરમાત્માના પ્રેમની પ્રબળતાને લીધે, એ ભાવસમાધિનો અનુભવ જરૂર કરશે.

પ્રશ્ન: જપના મુખ્ય બે લાભ તો કહી બતાવ્યા, તે સમજાયા પણ ખરા. હવે એના બીજા ત્રણ લાભો વિશે કહેવાની કૃપા કરશો ?

ઉત્તર: જપ કરવાથી જેમ મનની એકાગ્રતા સધાય છે, અને જેના જપ કરવામાં આવે છે તેની અંદર રહેલા વિશેષ ગુણોથી સંપન્ન બનાય છે, તેમ ધીરે ધીરે પ્રેમ પણ પેદા થાય છે. જેના જપ કરવામાં આવે છે તેના દર્શન કે સાક્ષાત્કારની ઈચ્છા થાય છે અને એ ઈચ્છા ક્રમે ક્રમે બળવત્તર બનીને આતુરતામાં પરિણમે છે. એવો પ્રેમ બહુ લાંબે વખતે પ્રકટ થાય છે અને જ્યારે પ્રકટ થાય છે, ત્યારે સાધકની રૂચિ ને વૃત્તિ બદલાઈ જાય છે. એમાં આકાશ ને પાતાળનું પરિવર્તન આવી જાય છે. એનું અંતર ઈશ્વરના અનુરાગથી આપ્લાવિત બને છે, એમાં ઈશ્વર વિના બીજું કાંઈ જ નથી રહેતું. ઈશ્વરને માટે એ બેચેન બની જાય છે. પરિણામે ઈશ્વરસ્મરણ કે, જપ કરતી વખતે એની આંખમાં આંસુ ટપકે છે તથા શરીરે કંપ ને રોમાંચ થાય છે. ઈશ્વરના ગુણાનુવાદ વિના બીજું કશું સાંભળવાનું એને નથી ગમતું. વાતો કરવાનો પ્રસંગ આવે તો પણ, વધારે ભાગે ઈશ્વર વિષયક વાતો કરવાનું જ ગમે છે. ઈશ્વરનું દર્શન વહેલી તકે થાય એ જ એનું લક્ષ્ય બની રહે છે. એ રીતે પરમ પ્રેમભાવના પ્રાકટ્યથી એનું સમસ્ત જીવન ભરાઈ જાય છે. જપ સૌથી પહેલાં હૃદયશુદ્ધિ સાધીને આવો અસાધારણ ઉત્કટ પ્રેમ પેદા કરે છે. એમાં જ એની મહત્તા છે.

પ્રશ્ન: એવો ઉત્કટ પ્રેમ પેદા થાય તો સાંસારિક કર્મો કે વ્યવહાર થઈ શકે ખરો ?

ઉત્તર: પરમાત્માને માટેનો એવો ઉત્કટ પ્રેમ પેદા થશે એટલે સાંસારિક કર્મો આપોઆપ છૂટી જશે. કર્મો કરવાનું મન જ નહિ થાય. તમારું એકમાત્ર લક્ષ પરમાત્માની પ્રાપ્તિનું જ રહેશે. છતાં પણ યાદ રાખો કે એ દશા બહુ મોડી આવશે. ત્યાં સુધી કર્મો થયા કરશે, ને ઈશ્વરસ્મરણ પણ ચાલુ રહેશે.

પ્રશ્ન: એવા પ્રેમના પ્રાકટ્ય પછી શું થશે ?

ઉત્તર: ઈશ્વરનું દર્શન, એવો ઉત્કટ પ્રેમ જ ઈશ્વરના દર્શન માટેની મૂલ્યવાન સામગ્રીરૂપ થઈ પડશે. સૂર્યોદય પહેલાની ઉષા જેવો એ પ્રેમ, છેવટે ઈશ્વરના સાક્ષાત્કારરૂપી સૂર્યનારાયણનું દર્શન કરાવી દેશે એ ચોક્કસ છે, અને ઈશ્વરનું દર્શન થશે પછી બાકી શું રહેશે ? પછી તો શાંતિ થઈ રહેશે. એક પ્રકારના અવર્ણનીય ઊંડા આનંદની અનુભૂતિ થશે, ને બધી જાતનું દુઃખદર્દ દૂર થઈને જીવન કાયમ માટે ધન્ય બનશે.

પ્રશ્ન: ઈશ્વરદર્શનની અલૌકિક અવસ્થાએ પહોંચ્યા પછી સેવાના ક્ષેત્રમાં પડી શકાય ખરું ?

ઉત્તર: ઈશ્વરની ઈચ્છા હોય તો જરૂર પડી શકાય. એવી અવસ્થાએ પહોંચ્યા પછી જે સેવા થાય છે તે વધારે વિશાળ, સંગીન, દીર્ધાયુષી, રાગદ્વેષથી રહિત, અથવા તો અનાસક્ત ભાવે થાય છે. એની અંદર કે બહાર, આગળ કે પાછળ, કર્તાપણાના અહંકારનો છાંટો સરખો પણ નથી હોતો. પરિણામે તે સેવા બંધનકારક નથી થતી. સંસારની પ્રત્યેક વસ્તુ કે વ્યક્તિમાં ઈશ્વરનો વાસ છે એવું સ્પષ્ટ રીતે અનુભવીને, ઈશ્વરના હાથમાં હથિયાર બનીને, ઈશ્વરની પ્રસન્નતા માટે, એક યજ્ઞભાવથી પ્રેરાઈને, એ સેવા થતી હોય છે. વિશ્વમાં જે મહાપુરુષો, સાક્ષાત્કારી આત્માઓ, કે ધર્મધુરંધરો થઈ ગયા છે, તેમની સેવા એવી જ હતી.

Today's Quote

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.
- Rabindranath Tagore

prabhu-handwriting