Text Size

સમાધિ વિશે

પ્રશ્ન: સમાધિ એટલે શું ?

ઉત્તર: ચિત્તના લયની દશાને સમાધિ કહેવામાં આવે છે. એ દશામાં દેહભાન નથી રહેતું. કાળનું ભાન કે ધ્યાન પણ નથી રહેતું, અને આજુબાજુના વાતાવરણનું અથવા તો બાહ્ય જગતનું પણ વિસ્મરણ થઈ જાય છે.

પ્રશ્ન: એ ઉપરાંત સમાધિના બીજા કોઈ ભેદ છે ખરા ?

ઉત્તર: મુખ્ય ભેદ તો આ બે જ છે. એટલે કે જેમાં સાધકને પરમાત્માનો અપરોક્ષ અનુભવ થાય તે, અને જેમાં એવો અનુભવ થતો નથી તે. છતાં શાસ્ત્રોએ સવિકલ્પ તથા નિર્વિકલ્પ સમાધિ એવા બીજા બે ભેદ પણ પાડેલા છે.

પ્રશ્ન: એનું સ્પષ્ટીકરણ કરી બતાવશો ?

ઉત્તર: જરૂર. જે સમાધિમાં ચિત્તનો થોડોક પણ અંશ જાગ્રત રહે છે, તથા તેની મદદથી ચિત્ત કોઈક અનુભવ કરે છે, તે સમાધિને સવિકલ્પ કહેવામાં આવે છે. ચિત્ત તેમાં સંપૂર્ણપણે શાંત નથી થતું. પરંતુ જેમાં સંપૂર્ણપણે શાંત થાય છે, અને કશું જ જોતું અથવા અનુભવતું નથી, તે સમાધિને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે.

પ્રશ્ન: તે વખતે શેનું અસ્તિત્વ રહેતું હશે ?

ઉત્તર: એ વખતે કેવળ આત્મસત્તાનું જ અસ્તિત્વ શેષ રહે છે. તેને પરમાત્મા પણ કહે છે. તેમાં તેના સિવાય બીજું કંઈ જ નથી રહેતું. એ પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ કરીને ચિત્ત એની સાથે એકાકાર કે એકરૂપ બની જાય છે. એટલે શરૂઆતમાં દરેક સાધક સવિકલ્પ સમાધિમાંથી પસાર થાય છે. અને આખરે નિર્વિકલ્પમાં મળી જાય છે.

પ્રશ્ન: સમાધિમાં વધારેમાં વધારે કેટલા કાળ પર્યંત રહી શકાય ?

ઉત્તર: એનો કોઈ ચોક્કસ નિયમ નથી. વધારે વખત પણ રહી શકાય, અને ઓછો વખત પણ. વખતનું મૂલ્ય તટસ્થ રીતે જોતાં બહુ મોટું નથી. મહત્વની કે મુલ્યવાન વસ્તુ ગુણવત્તાની છે. કલાકો કે દિવસો સુધી રહેનારી જડ સમાધિ કરતાં, ભલે બે ત્રણ મિનિટ ટકનારી હોય તો પણ ચેતન સમાધિ ઉત્તમ છે. કેમકે તેમાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે ને એથી જીવન પ્રશાંત ને ધન્ય બને છે. એથી વધારે વખત સુધી સમાધિના મોહમાં પડીને બેસી રહેવાને બદલે, સાધકે હૃદયની શુદ્ધિ સાધીને, પરમાત્માના સાક્ષાત્કારની સિદ્ધિ કરવા પ્રયાસ કરવો જોઈએ.

પ્રશ્ન: લાંબા વખત લગી સમાધિનો અભ્યાસ કરવાથી કંઈ લાભ થાય છે ખરો ?

ઉત્તર: ઘણા લાભ થાય છે. યોગીમાં સત્યસંકલ્પત્વ જેવી કેટલીક સિદ્ધિઓનું પ્રાકટ્ય થાય છે. વળી તેને દૈવી પુરુષો કે સિદ્ધોના દર્શનનો લાભ મળે છે. ભૂતભાવિને જાણવાની તેનામાં શક્તિ આવે છે. અને તેનું ચિત્ત સંપૂર્ણપણે એકાગ્ર અને વશ થઈ જાય છે. આખરે જો કૃતસંકલ્પ હોય તો તેને પરમાત્માનો સાક્ષાત્કાર પણ થઈ જાય છે.

પ્રશ્ન: સહજ સમાધિ કોને કહેવાય ? કબીર સાહેબનાં પદોમાં સહજ સમાધિ એવો શબ્દપ્રયોગ આવે છે તેનો અર્થ શો છે ?

ઉત્તર: સહજ સમાધિનો અર્થ સહજ રીતે થનારી સમાધિ અથવા તો સ્વાભાવિક સમાધિ એવો થાય છે. વેદાંતના સંસ્કૃત ગ્રંથોમાં એને બ્રહ્માકારવૃત્તિ અથવા તો સર્વાત્મકભાવ કહેવામાં આવે છે. શંકરાચાર્યે એને માટે બ્રહ્મમયી વૃત્તિ એવો શબ્દપ્રયોગ કરેલો છે. વૃત્તિને પરમાત્મામય કરીને, સમસ્ત જગતને પરમાત્માના પ્રતીકરૂપે જોવું, એ જ ઉત્તમ પ્રકારનું દર્શન છે : નાકના અગ્રભાગમાં દૃષ્ટિને સ્થિર કરવી ને જડ થઈને બેસી રહેવું તે નહિ. એમ કહીને આદ્ય શંકરાચાર્યે એનો જ ઉલ્લેખ કરેલો છે. ગીતામાં એ દશાની પ્રાપ્તિ કરી ચૂકેલાને સ્થિતપ્રજ્ઞ, ગુણાતીત કે બ્રાહ્મી સ્થિતિપ્રાપ્ત પુરુષ કહેવાય છે.

પ્રશ્ન: એવો પુરુષ શું સદાને માટે આંખ બંધ કરીને સમાધિમાં જ બેસી રહેતો હશે ?

ઉત્તર: એવા પુરુષને આંખ બંધ કરીને સમાધિમાં બેસી રહેવાનું કોઈ પ્રાયોજન નથી હોતું. પોતાની અંદર ને બહાર બધે જ એને પરમાત્માની ઝાંખી થઈ ચૂકી હોય છે. એ પરમાત્માનો અનુભવ એ બધે કર્યા કરે છે. એ માટે એને આંખ બંધ કરવાની જરૂર નથી હોતી. એની આંખ તો ઉઘાડી જ રહે છે. પરંતુ મન એનું નિરંતર ઈશ્વરમય રહેતું હોય છે. એવા મહાપુરુષને માટે સમસ્ત સૃષ્ટિ કાશી જેવી પવિત્ર બની જાય છે. નિદ્રા પણ સમાધિ બરાબર થાય છે. અને બધી જ ક્રિયાઓ પરમાત્માની આરાધનાના અર્ધ્ય જેવી થઈ જાય છે. એક પળને માટે પણ એની વૃત્તિ પરમાત્માભાવમાંથી ચલિત નથી થતી. એ દશાનું વર્ણન કરતાં કબીર સાહેબ એમના પદમાં કહે છે કે, હે સાધુ, સહજ સમાધિ જ સારી છે. એને જ સિદ્ધ કરવાનો આગ્રહ રાખ. ગુરુની કૃપાથી મારા જીવનમાં એ દિનપ્રતિદિન વધતી ગઈ છે, ફરું છું ત્યારે પરમાત્માની પ્રદક્ષિણા કરું છું જે કરું છું તે દ્વારા એની સેવા કરું છું. સુતી વખતે એને જ દંડવત પ્રણામ કરું છું. બોલું છું ને સંભળાવું છું તે એનું જ કીર્તન છે: ખાવું-પીવું એની પૂજા-સેવા છે. આંખ મીંચ્યા ને કાનને છેદ્યા વિના, પરમાત્માના સુંદર સ્વરૂપને હું દિનરાત જોયા કરું છું. કબીર કહે છે કે આ અવસ્થાને કેટલાક લોકો ઉન્મની અવસ્થા પણ કહે છે.

પ્રશ્ન: સમાધિ કરતાં એ દશાને શ્રેષ્ઠ કહેવાય ખરી ?

ઉત્તર: સમાધિ તો સાધન છે, અને આ દશા તો એના પરિણામે પ્રાપ્ત થનારું જીવનનું કલ્યાણ કે સાફલ્ય કરનારું ફળ છે એને શ્રેષ્ઠ કેમ ના કહેવાય ? એ જરૂર શ્રેષ્ઠ છે.

Today's Quote

Happiness is when what you think, what you say and what you do are in harmony.
- Mahatma Gandhi

prabhu-handwriting