if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન: વ્યવહારમાં રહીને આત્મોન્નતિની સાધના કરી શકાય કે ન કરી શકાય ?

ઉત્તર: જરૂર કરી શકાય.

પ્રશ્ન: કેવી રીતે કરી શકાય ?

ઉત્તર: આત્મોન્નતિની સાધનામાં હૃદયશુદ્ધિનું મહત્વ ઘણું મોટું છે. હૃદયશુદ્ધિને બીજા શબ્દોમાં દૈવી સંપત્તિની પ્રાપ્તિ અથવા તો નીતિ કે સદાચારનું પાલન કહી શકાય. વ્યવહારમાં રહીને હૃદયશુદ્ધિની દિશામાં આગળ વધવાના અથવા તો નીતિ સદાચારને માર્ગે દૃઢતાપૂર્વક પગલાં ભરવાના, પ્રયાસ થઈ શકે છે. તે ઉપરાંત પરમાત્માના સાક્ષાત્કારને માટે, નક્કી કરેલી પદ્ધતિ પ્રમાણે નિયમિત સાધના પણ કરી શકાય છે. વ્યવહાર એમાં કોઈ રીતે વચ્ચે નથી આવતો. જે વચ્ચે આવે છે તે તો માણસનો પોતાનો પ્રમાદ, ચંચળ અથવા અસ્થિર સ્વભાવ, સંકલ્પબળ અને નિયમિતતાનો અભાવ, કે માનસિક નિર્બળતા હોય છે. એને ખંખેરી કાઢીને, આત્મશુદ્ધિ, આત્મોન્નતિ અને આત્મસાક્ષાત્કારની ભાવના સાથે આગળ વધવામાં આવે, તો વ્યવહારમાં રહીને પણ ઘણું ઘણું કરી શકાય. આજસુધી કેટલાંય માણસો એ રીતે વિકાસ કરી શક્યા છે. બીજા કેટલાય કરી રહ્યા છે. અને તમે પણ કરી શકો છો.

પ્રશ્ન: પણ તમને એમ નથી લાગતું કે વ્યવહારમાં રહીને આત્મોન્નતિની સાધના કરવામાં પાર વિનાની મુશ્કેલીઓ  છે ?

ઉત્તર: મુશ્કેલી તો છે જ, અને આવવાની જ, પરંતુ એમનાથી હિંમત હારી ગયે કે ડગી ને ડરી ગયે શું વળશે ? વ્યવહારમાં જ મુશ્કેલીઓ છે, ને એકાંતમાં નથી, એવું થોડું જ છે ? વત્તા કે ઓછા પ્રમાણમાં મુશ્કેલીઓ બહારની હોય છે, અને કેટલીક માનવે પોતાની મેળે, પોતાની નબળાઈના પરિણામરૂપે, ઉત્પન્ન કરેલી હોય છે. એ મુશ્કેલીઓને પાર કરવાનો પ્રશ્ન તો બધે જ ઊભો રહેવાનો. તમે ઘરમાં હો કે વનમાં, અને એકલા હો કે વસ્તીની વચ્ચે, પણ એ સમસ્યા તો તમને સતાવવાની જ, અને જે વાતાવરણમાં તમે મુકાયા છો, તે વાતાવરણનો ત્યાગ કરીને તમે ક્યાંય બીજે જઈ શકો તેમ છો ? તમારાં કર્તવ્યો, તમારી વ્યવહારિક ફરજો કે જવાબદારીઓને છોડીને તમે બીજે ક્યાંય બેસી શકો તેમ છો ? એટલે જ્યાં છો ત્યાં રહીને જ, વાતાવરણ કે વ્યવહારને શુદ્ધ કરવાની જ જરૂર છે. એ જ રસ્તો બાકી રહે છે. એ રસ્તે ચાલીને તમે જરૂર આગળ વધી શકશો. વ્યવહારમાં વસીને અલ્પિત અથવા અનાસક્ત રહેવાની કળા તમે પણ મેળવી શકો છો.

પ્રશ્ન: આત્મોન્નતિની સાધનામાં કોઈ આગળ વધ્યું છે કે નહિ તે બીજાને કેવી રીતે જણાય ?

ઉત્તર: આકાશમાં સૂર્યોદય થાય છે તે કાંઈ છાનો રહે છે ખરો ? બધે પ્રકાશ પથરાઈ જાય છે. કમળ ખીલે છે, પંખી ઉડે છે. વૃક્ષ, વેલી ને વનસ્પતિ નવજીવન મેળવે છે, ને બધે જ શક્તિ તથા ચેતનાનો સંચાર થઈ જાય છે. સૂર્યનો પ્રકાશ કાંઈ છાનો નથી રહેતો, એવી રીતે આત્મોન્નતિની સાધનાનું પણ સમજી લેવાનું છે. એ સાધનામાં જે આગળ વધે છે, તેની અંદર આમૂલ પરિવર્તન થઈ જાય છે.

પ્રશ્ન: આમૂલ પરિવર્તન એટલે ?

ઉત્તર: આમૂલ પરિવર્તન એટલે ધરમૂળનું પરિવર્તન અથવા તો સમૂળી ક્રાંતિ. મહાત્મા પ્રીતમદાસના શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે, તેનાં નેણ ને વેણ બદલાય. એટલે કે  આત્મોન્નતિનો સોનેરી સૂરજ જેના જીવનમાં ઊગી નીકળે છે, તેની દૃષ્ટિમાં ફેર પડી જાય છે. મતલબ કે એ દૃષ્ટિ અહંતા, મમતા, રાગદ્વેષ તથા ભેદભાવથી રહિત બની જાય છે. જગતમાં સઘળે એ પરમાત્માની ઝાંખી કરે અથવા તો ઝાંખી કરવાનો પ્રયાસ કરે છે. જુદાં જુદાં નામ ને રૂપની અંદર ચૈતન્ય તત્વનો એ સાક્ષાત્કાર કરે છે અને એવા સાક્ષાત્કારને પરિણામે એ દૃષ્ટિ કેવળ દૃષ્ટિ રહેવાને બદલે, સમદૃષ્ટિ બની જાય છે, તે સર્વત્ર સમદર્શન કરે છે. સમદર્શન એટલે સર્વત્ર સમાનરૂપે રહેલા પરમાત્માનું દર્શન. દૃષ્ટિ એવી દૈવી અથવા તો ચિન્મયી બની જાય, પછી વાણીનું તો કહેવું જ શું ? વાણી પણ મધુમય તથા સત્યપરાયણ કે મંગલ બની જાય છે. એ વાણીમાં એક પ્રકારની અદ્દભૂત તાકાત હોય છે બીજાના પર તે તરત અને ધારી અસર કરે છે. એટલે જ એને અમોઘ કહેવામાં આવે છે. અમોઘ એટલે કદી પણ નિષ્ફળ ના થાય તેવી. એને જ વચનસિદ્ધિ કહેવામાં આવે છે. વાણીનું એ બળ ક્યાંથી આવે છે ? સાધનાજન્ય મૂલ્યવાન વિકાસમાંથી. એટલે જ પ્રીતમદાસ પોતાના પદમાં કહે છે કે, નેણ તો બદલાય છે, પરંતુ વેણ પણ બદલાય છે.

પ્રશ્ન: એનો અર્થ એવો છે કે નેણ ને વેણ જ બદલાય છે ?

ઉત્તર: નેણ ને વેણ બદલાય છે એવું કહેવાનો ભાવ એટલો જ છે કે હૃદયશુદ્ધિ થાય છે, કે હૃદય બદલાય છે. હૃદયની શુદ્ધિ થાય એટલે એનો પડઘો જીવનમાં બધે જ પડે. બધી જ ઈન્દ્રિયો, ક્રિયાઓ, ને બધી જાતના વિષયો એની અસર નીચે આવી જાય. હૃદયશુદ્ધિ વિના તો આગળની સાધના થાય જ નહિ. હૃદયશુદ્ધિ તો આત્મિક સાધનાનો મૂળભૂત પાયો છે. નેણ ને વેણ બદલાય છે એમ કહીને, એ પાયાનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે.

પ્રશ્ન: એ સિવાય સાધનામાં કોઈ આગળ વધ્યું છે કે નહિ એ જાણવામાં મદદરૂપ થનારી બીજી નિશાની છે ?

ઉત્તર: બહારની નિશાનીની વાત કરતા હો, તો તેમાં સૌથી મહત્વની નિશાની શાંતિની પ્રાપ્તિની છે. જેને સાધનાના ક્ષેત્રમાં આગળ વધવાને પરિણામે કાંઈક નક્કર વસ્તુની પ્રાપ્તિ થાય છે, તેની બધી જાતની ચંચલતાનો અંત આવે છે. તેને એક પ્રકારની ઊંડી શાંતિની પ્રાપ્તિ થાય છે. તે શાંતિના પરમાણુ તેના ચહેરા પર સહેલાઈથી જોઈ શકાય છે. એ શાંતિને લીધે એક જાતની સહજ પ્રસન્નતા પણ તેનામાં જોઈ શકાય છે. શાંતિ અને પ્રસન્નતાનું રહસ્ય એ છે કે એ સ્વયંભૂ અથવા તો આત્માની અનુભૂતિને લીધે સહજ રીતે જ ઉદ્દભવેલી હોય છે એનો કદી નાશ નથી થતો, ગીતામાં જેને પ્રસાદમધિગચ્છતિ કહીને પ્રસાદરૂપે ઓળખવામાં આવ્યો છે, તે પ્રસાદ એ જ છે. એને પ્રસાદ કહો, પ્રસન્નતા કહો, કે પરમ શાંતિ કહો, બધું એક જ છે. નામ જુદાં પણ ભાવ એક છે.

પ્રશ્ન: એ ઉપરાંત બીજી કોઈ નિશાની ?

ઉત્તર: આટલી નિશાનીઓ ઓછી છે ? છતાં કહેવું હોય તો કહી શકાય કે સાધનામાં આગળ વધતા કે વધેલા માણસનું વર્તન કે ચારિત્ર્ય જ બદલાઈ જાય છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.