Text Size

હિમાલય દર્શન

પર્વત પંક્તિબંધ શાંત ને પ્રેમપરિપ્લાવિત ઊભા,
કેટલા બધા સુંદર દીસે સ્વાગત કરવાને ઊભા !
પુરાણ મુનિશા પેખી પર્વત કોનું અંતર ના નાચે ?
કૃતાર્થતાના ફૂટે ફુવારા રોમરોમ મહીં સાચે.

તપસ્વી સમા યુગયુગ કેરા સાક્ષી સાધક દ્રષ્ટા કોક,
પ્રેરક સૌના એમને ઉરે સ્પર્શે સ્વપ્ને પણ ના શોક.
પરમાનંદે લીન બનેલા પરમ શાંતિસંપન્ન ખરે,
દર્શનમાત્ર થકી અંતરને શાંતિ તેમ આનંદ ધરે.

હિંમત ને ધીરજના સ્વામી તિતિક્ષા તણા તાત સમા,
ટાઢતાપ વાવાઝોડાંની એમને નથી લેશ તમા.
આત્મારામ અભય વ્રતધારી, મૃત્યુ પર શાસન કરતા,
ગૌરવથી ઉન્નત મસ્તકના, ચંચળતા મનની હરતા.

ધુમ્મસ ને વાદળની વચ્ચે સોહે એ સાચે જ ઘણા,
ડગે કદી ના, રહે શાંતિથી સહસ્ત્ર ઘા વરસાદ તણા.
દેવદાર ને ચીડ તેજમલ વૃક્ષ, ફૂલ ફળથી ભરપૂર
પર્વતને પેખીને પ્રાણે કોના ના'વે રસનું પૂર ?

જુઓ વળી આ ઝરણાં કેવાં કુદરતને ખોળે દોડે,
કિલ્લોલ કરે પંખી એમાં, એકે ક્ષણ પણ ના છોડે.
કલકલ કરતાં વહી જાય છે કથા કહી કાળ તણી કોક,
કોઈ સ્નેહી સુણે એમને નથી મોહ મમતા કે શોક.

પર્વત પર પ્રકટીને આવે પૃથ્વીને દેવાને પ્રાણ,
વહી રહે ત્યાં રસને રેલે અખંડ આનંદે ગુલતાન.
જુઓ ખીણમાં દૂર દૂર ત્યાં સરિતાના દેખાય પ્રવાહ,
જતા હશે સાગરની પાસે ભરી ચિત્તમાં ચોગમ ચાહ.

નાનાં સરખાં પર્વત પરનાં દૃષ્ટિગોચર ગામ થતાં,
ખેલી રહેલ શાંતિથી બેઠાં જનનીખોળે બાળ સમાં.
નાનાં અસંખ્ય ખેતર દીસે તેમ દૂર પર્વતમાળા
તુષારથી આચ્છાદિત જાણે આકાશી ગંગાધારા.

અરણ્યમાં પંખી બોલે ને ડોલે લહરી વાયુ તણી,
સૂર્યચંદ્રની શોભાયે શી આહલાદક અવનવી બની !
રજની સમયે ચંદ્રકિરણથી સજે સૃષ્ટિ સઘળી શૃંગાર
ત્યારે તો એમ જ લાગે તે અમરાપુરી ન આની પાર.

સરોવર તણાં સલિલ સુધાના સિંચનથી સ્વાદિષ્ટ બને,
સુંદર લાગે હૈયું હરી લે પર્વત પણ પરિપૂર્ણપણે.
નવી હવા ને નવી ધરામાં નવા વિચારે નાચે પ્રાણ,
અંતર નવું અનુભવે દેખે નયન નવું સાંભળતા કાન.

ઈશ્વરદર્શન કાજ તપસ્યા કરવી એ ઉત્તમ છે કામ,
વાળી લેવી મનની વૃત્તિ વિષયોમાંથી અન્ય તમામ.
જીવનનું સાર્થક્ય કરીને કરવો એકાંત મહીં વાસ,
એ જ કાર્ય; અંતે થાય ભલે આવા સ્થળમાં ખેલ ખલાસ.

Comments  

0 #1 Bhargav Dave 2010-02-13 12:51
mare himalaya darshan karva che so, pls. sent photograph .
hindu bharmin so. i have few money, i required darshan my mail id dave_9682@yahoo.co.in me apna punya darash se mil jayega .
jay swaminarayn.
from bhargav dave

Today's Quote

You must be the change you wish to see in the world.
- Mahatma Gandhi

prabhu-handwriting