Text Size

વૃદ્ધાની આહુતિ

સેવાગ્રામ મહીં સ્થાપી ગાંધી એકાંત આશ્રમ
જનાર્દન તણી સેવા સમજી જનતા તણી
કરતા સ્નેહથી સેવા રાષ્ટ્રને પ્રેરણા ધરી,
તીર્થધામ બન્યું ગ્રામ, ભાગ્ય એનું ગયું ફરી.

વિખ્યાત રાષ્ટ્રના નેતા પ્રવાસી સેવકો વળી
જિજ્ઞાસુ ભાવનાભીના સમાગમ જતા કરી.
પરાગ પુષ્પનો લેવા અલિ આતુર આવતા,
પ્રવાહો સરિતા કેરા સિંધુપ્રતિ સિધાવતા,

પતંગ દીપને દેખી દોડતાં જ્યોતિએ જતાં,
જ્ઞાતઅજ્ઞાત એ રીતે જન એકત્ર ત્યાં થતા.
રાષ્ટ્રપ્રેમી જનો કોઈ નિજ સર્વસ્વ ત્યાગતાં
વસતા એમની પાસે જિંદગીને સમર્પતાં.

ભોગ આપવા ભારત માટે પ્રજા સમસ્ત હતી તૈયાર
સંકટ સહેવા વ્યથા વેઠવા હઠાવવાને મારી કાળ.
બલિદાનો કોઈયે ભારે મહાન કોઈ ત્યાગ વળી
દેશ તણા હિત આગળ ન્હોતા મૂલ્યવાન અનુરાગ જરી.

આબાલવૃદ્ધ જપતાં જપ દેશ કેરો
ને પ્રાર્થતાં ઉર ઉમંગ ભરી અનેરો
કેવી થતી નગરગ્રામ પ્રભાતફેરી,
ભક્તિ હતી હૃદયમાં જનના ઘણેરી.
*
પવન પુનિત વાતો, કોકિલે ક્યાંક બોલે,
નવલ જલદ જોઈ મોર ને ઢેલ ડોલે;
વિહગ સરસ ગીતે સ્નેહસંદેશ આપે,
મધુમય વરસીને મેહુલો કષ્ટ કાપે.

પરિમલ મધુ ધારી શી સુહાયે ધરા આ,
રસિક હૃદયે ગાયે ગીત આભારનું ના ?
જડ અજડ બધાંયે સ્નેહ ને શાંતિ માગે,
સુભગ વધુ લભીને સાર્થ સંપન્ન લાગે.

ચપલા ચમકી વ્યોમે વિહારે નીકળી પછી,
અભ્રની ગર્જના દ્વારા રહ્યા સંદેશ સાંપડી.
પ્રવેશ એક વૃદ્ધાએ ત્યારે આશ્રમમાં કર્યો,
ભીનાં વસ્ત્ર હતાં કિન્તુ આત્મા ઉષ્મા થકી ભર્યો.

ઝાંખા પડેલ નયને, કર લાકડી ને
વાંકી વળેલ કમરે પગલાં ભરીને,
ગંગા સમી વિમળ જર્જર વસ્ત્રવાળી,
ગાંધીતણું મુખ રહી રસથી નિહાળી.

તારે માટે દિવસભર છું ચાલતાં આજ આવી,
બોલી વૃદ્ધા પરિશ્રમ બધો પંથ કેરો ફગાવી,
દેખી તારું વદન મુજને દિવ્ય આનંદ લાગે,
જેવી રીતે રતન મળતાં દીનનું દુઃખ ભાગે.

ગાંધીએ ગ્રામમાતાનો કર્યો સત્કાર સ્નેહથી,
બોલી વૃદ્ધા પછી ધીરે કંપતી કૃશ દેહથી.

લોકો અનેક તુજને ઉપહાર આપે,
સેવા કરી સતત તું જનકષ્ટ કાપે,
સેવા તણા સુખદ સુંદર યજ્ઞમાં હું
ફાળો ધરું અસરકારક શો કહે શું ?

છું દીનહીન જગમાં નવ એક આપ્ત,
વૈધવ્યનાં વરસ સોળ કર્યાં સમાપ્ત;
હાથે દળું પરિશ્રમે દિવસો વિતાવું,
તોયે થયું નવ તને ક્યમ કામ આવું ?

રાજા યુધિષ્ઠિર તણો સુપ્રસિદ્ધ યજ્ઞ
ને વિશ્વશાંતિહિત તેમજ વિષ્ણુયાગ
આ યજ્ઞ આગળ દીસે અતિ અલ્પ ક્ષુદ્ર,
તેં માનવીહિત તણો જગવ્યો ચિરાગ.

બિરલા બજાજ જેવા લક્ષ્મીપતિ કર્યા કરે
અસંખ્ય ધનિકો તારી સેવા મેં વાત સાંભળી;
દેવતા તુજ કાર્યોમાં સહયોગ સદા ધરે,
પરમાત્મા તણા મીઠા શુભાશિષ તને મળે.

મારામાં એમની શક્તિ યોગ્યતા તલભાર ના,
તોયે આકર્ષણે સ્નેહે આવી છું છત્રછાંયમાં.

સાગરે સરિતાસ્ત્રોતો સમાતાં બિંદુ મેઘનાં
બેચાર ઢળતાં તેનું મૂલ્ય ના લેશ લાગતું
છતાંયે સ્નેહનું મારું સમર્પણ કરી રહી,
મૂલ્ય છે ભાવના કેરું, વસ્તુનું એટલું નહીં.

લોકસેવા તણા યજ્ઞે આર્પું આહુતિ માહરી,
ઉપયુક્ત હશે એની મને છે પૂર્ણ ખાતરી.
બાંધેલા થીંગડામાં ને એણે પંદર રૂપિયા
ગાંધીચરણમાં મૂક્યા, બન્યા ગાંધી વિમુગ્ધ શા.

પ્રાર્થું છું કે સફળ સઘળી યાતના થાય તારી,
આઝાદીનો દિવસ પ્રકટે દેશમાં તેમ ભારી,
દેવો વર્ષે સુમન વિભુની સાંપડે ને કૃપાયે;
વૃદ્ધા બોલી સજલ નયને શબ્દ પાછી વળી એ.

ભરાઈ આંખ ગાંધીની, દ્રવ્યું અંતર એમનું,
દશા દેશ તણી દેખી દૃશ્ય દુર્લભ સ્નેહનું,
વૃદ્ધાઓ દેશમાં આવી હશે કંગાળ કેટલી,
દીન ભારત માતાઓ પ્રેમી પ્રત્યક્ષ લાગતી.

એમના શી સહસ્ત્રોનાં અશ્રુઓ લૂછવાં રહ્યાં,
મટાડવી રહી પીડા ઘોર પાવક જેટલી.
આઝાદીને નથી વાર એમના મનમાં થયું,
વરસીને વળી પાછું વ્યોમ ખુલ્લું થઈ રહ્યું.

Add comment

Security code
Refresh

Today's Quote

Be not afraid of growing slowly, be afraid only of standing still.
- Chinese Proverb

prabhu-handwriting