Text Size

સાચા માનવી

તોડ્યા પર્વતને પ્રચંડ, ગિરિનાં શૃંગે પહોંચી જઈ
લહેરાવ્યા વિજ્યધ્વજો, વન મહીં સૃષ્ટિ કરી સ્વર્ગ શી,
ખેડ્યા સાગર, સિંધુ શી સરિતને બાંધી મહાબંધમાં,
ઊડીને અવકાશઅંતર કર્યાં અન્વેષણોને વળી.

રણે ઉપવનો કર્યાં, પ્રકૃતિતત્વ નાથ્યાં બધાં,
કર્યાં પરમવિસ્મયે ભર અસંખ્ય સંશોધનો;
ઘડ્યા જગવિનાશનાં વિષમ શસ્ત્ર, રાજ્યો રચ્યાં,
પ્રભાવ પશુ જંગલી પર વળી જમાવ્યો ઘણો.

બધે પહોંચ્યું બળ માનવીનું,
ન કિન્તુ એણે નિજ જાત કેરું
કર્યું મહાશાસન, આ ધરામાં
સત્કર્મનો પાવનપંથ કાપી
પ્રશાંતિ ને માનવતા ન સ્થાપી
સામર્થ્ય એ ત્યાં લગ સૌ અધૂરું.

હજી ભમે છે ભય વિશ્વમાં આ
ભર્યા વળી ભ્રામક ભેદભાવો,
ક્રીડા કરે તત્વ અનેક આસુરી,
લડે મનુષ્ય પશુ શા હજારો.

અન્યાય તૃષ્ણા મમ ને અહંની
હોળી થઈ ના પશુલાલસા તણી,
અસત્ય ને શોષણ સ્વાર્થખોરી
રમી રહ્યાં રાસ વિરાટ શાં બની.

માનવીએ થવું સાચા માનવી શેષ છે રહ્યું,
ત્યાં લગી વિશ્વ ના સાચું સમુન્નત હશે થયું.
સમસ્ત માનવીશક્તિ જ્ઞાન સંશોધનો તણો
મહીમાંગલ્યને માટે વિનિયોગ થશે ઘણો

સૌની સ્વતંત્રતા સૌના સુખને ચાહશે બધા,
સ્વર્ગથી સુખદા સૃષ્ટિ અનેરી બનશે તદા.
એ ધ્યેયસિદ્ધિને માટે જીવવું જગમાં રહ્યું,
સાર્થક્ય જીવને એવા બલિદાન બની લહ્યું.

મોરચા માંડવાના છે સૌએ આંતરયુદ્ધના,
ફેલાવે રિપુની સેના ઘોર આતંક નિત્ય ત્યાં.
અજ્ઞાન દૈન્ય રોગો ને દૂષણોને મટાડવા
સંઘર્ષ કરવો સૌએ તેમ બાહ્ય સમાજમાં.

Add comment

Security code
Refresh

Today's Quote

The character of a person is what he or she is when no one is looking.
- Anonymous

prabhu-handwriting