Text Size

ઉન્નતિની વિરાટ સાધના

પેલા વિદ્વાન ભાઈને સંતોષ થયો. તેમણે કહ્યું : ‘આ વાત તો સમજાઈ ગઈ. પણ હવે બીજી વાત. સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધનું વર્ણન કરી બતાવે છે, ને ભગવાને કહેલો ગીતાનો ઉપદેશ પણ સંભળાવે છે. પણ તે તો યુદ્ધભૂમિથી ખૂબ જ દૂર હતો. ત્યાંથી યુદ્ધનું દૃશ્ય કેવી રીતે જોઈ શકાયું ને ગીતાનો ઉપદેશ પણ તેને કેવી રીતે સંભળાયો ? કહે છે કે મહર્ષિ વ્યાસે તેને દિવ્યદૃષ્ટિ ને શક્તિ આપી હતી, તેને લીધે તે દૂર બેસીને પણ બધું જોઈ ને સાંભળી શક્યો. તો શું આ વાત સાચી માનવી ? આપણી દુનિયામાં તો આવું કાંઈ બનતું નથી. કે પછી આ એક વિનોદ છે ?’

મેં ઉત્તર આપ્યો કે, ‘ભાઈ, મહર્ષિ વ્યાસે સંજયને દિવ્યદૃષ્ટિ આપી હતી એ વાત તદ્દન સાચી જ છે. ગીતાના અઢારમા અધ્યાયમાં જ સંજયે જાહેર કર્યું છે કે ગીતાનો આ રહસ્ય ઉપદેશ તેમણે મહર્ષિ વ્યાસની કૃપાથી સાંભળ્યો છે, ને યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણે પોતે પોતાના શ્રીમુખે અર્જુનને આ ઉપદેશ આપ્યો છે.’

વ્યાસદેવની કૃપાથી સંજય યુદ્ધભૂમિથી દૂર રહીને મહાભારતનું યુદ્ધ તો જોઈ શક્યાં, પણ શ્રીકૃષ્ણે આપેલો ઉપદેશ પણ સાંભળી શક્યા. આપણી દુનિયામાં આવું બને છે કે નહિ તે જુદી વાત છે. પણ શક્તિના આવા પ્રયોગો આપણી આજની દુનિયામાં જોવા ન મળતા હોય તેથી જ કાંઈ તેવા પ્રયોગો નિરર્થક નથી થઈ જતાં, તેથી જ કાંઈ તેમને પાયા વિનાના માની લેવાની જરૂર નથી. પ્રાચીનકાળમાં ને થોડા વખત પહેલાં થનારી કેટલીય વસ્તુઓ આજે નથી થતી.

ભાગવતમાં કર્દમ ઋષિએ એક વિમાન પોતાની સંકલ્પ શક્તિથી તૈયાર કર્યું હતું, તે બેસનારની ઈચ્છા પ્રમાણે ચાલનારું, કોઈના પણ ચલાવ્યા વિના ચાલનારું ને અનેક જાતના ભોગ પદાર્થોથી સંપન્ન હતું. રામાયણના આધાર પ્રમાણે રામનું પુષ્પક વિમાન પણ અજબ હતું. રામને અયોધ્યામાં ઉતારીને કોઈના પણ ચલાવ્યા વિના જ તે પાછું ફર્યું હતું. પહેલાંની ધનુર્વિદ્યા પણ કેવી અજબ હતી ? ચિત્તોડની રાજપુત સ્ત્રીઓ પોતાના શિયળની રક્ષા કરવા અગ્નિમાં કૂદી પડતી તેવી સ્ત્રીઓ આજે ના હોય કે તદ્દન ઓછી સંખ્યામાં હોય, ને કેટલીક સ્ત્રીઓને મન શિયળ રક્ષા કે શરીરની પતિવ્રતાનું ખાસ મહત્વ પણ ના હોય, તેથી તે ક્ષત્રિય સ્ત્રીઓના દ્રષ્ટાંત શંકાસ્પદ થઈ જાય છે કે ? હરિશ્ચંદ્ર ને રંતિદેવના માર્ગે ચાલવાનું કામ વધારે ભાગના માણસોને માટે આજે કપરું હોય, તેથી તેમણે આચરી બતાવેલા સત્ય ને જીવદયા કે સેવાના માર્ગને શંકાની દૃષ્ટિથી જોવાની જરૂર છે કે ? ધ્રુવજીને પાંચ વરસની નાની વયે પાંચેક મહિનાના સ્વલ્પ સમયમાં પ્રભુનાં દર્શન થયાં. તે માટે તેમણે તપશ્ચર્યાં પણ ખૂબ ભારે કરી. તેવી તપશ્ચર્યાં કરવાની આજે સાધારણ માણસમાં શક્તિ ન હોય, ને પાંચ કે સાત વરસની નાની વયમાં પ્રભુને પંથે પ્રયાણ કરનાર ભાગ્યે જ કોઈ મળતું હોય કે પછી કોઈયે મળતું ના હોય, તો તેથી જ શું ધ્રુવજીની સત્યતા પ્રત્યે અવિશ્વાસની નજરે જોવાનું ડહાપણ ભર્યું છે કે ?

હમણાં જ થઈ ગયેલા મહાત્મા ગાંધીજીની જેમ સાધારણ માણસને સત્ય, અહિંસા ને અભયને માર્ગે ચાલવાનું સરળ લાગતું ના હોય, તો તેથી પોતાની અંદર ત્રુટી જોવાને બદલે માણસે શું એમ માની લેવું કે સત્ય, અહિંસા ને અભયનું પૂરું આચરણ આ યુગમાં થઈ જ ના શકે ? તે જ પ્રમાણે પહેલાંના ઋષિઓમાં સાધનાની અજબ શક્તિઓ હતી. તેવી શક્તિઓનું વર્ણન પાંતજલ યોગદર્શનમાં વિસ્તારથી કરેલું છે. વિજ્ઞાનની મદદથી માણસ આજે દૂરના શબ્દો સાંભળી શકે છે. એટલું જ નહિ, પણ તે શબ્દો કહેનાર માણસને પણ સાથે સાથે જોઈ શકે છે. આવી શોધ સંસારમાં થઈ ચૂકી છે, તો પ્રાચીન કાલમાં તે વસ્તુ કેમ નહિ હોય ?

વિજ્ઞાને જે શક્તિ બાહ્ય જગતની મદદથી મેળવી છે તે જ શક્તિ ને તેથી પણ વધારે વિરાટ શક્તિ ઋષિ ને યોગીઓએ ઈશ્વરની કૃપા ને પોતાની અંદરના જગતના અનુસંધાનથી મેળવી હતી. વ્યાસે એ શક્તિનો જે સાધારણ પરિચય સંજયને આપ્યો છે તેને દૂરદર્શન ને દૂરશ્રવણ પણ કહેવામાં આવે છે એટલે તે બાબત જરાપણ શંકા કરવાની જરૂર નથી. માણસ ધારે તો આજે ને કોઈયે કાળે એ ને એથી પણ અજાયબીમાં નાખી દે એવી બીજી શક્તિઓ મેળવી શકે છે. તે માટે અખંડ સાધના કે ઉપાસનાની જરૂર રહે છે.

ભારત દેશ મુખ્યત્વે ધર્મપ્રાણ છે. ઈશ્વરની શોધને માટે સર્વસ્વનો ત્યાગ કરીને ફકીરી લેનાર માણસો આ દેશમાં જુના વખતથી થતા આવ્યા છે. આત્મિક રહસ્યોનો ઉકેલ કરવા માગનાર ને આત્મિક શક્તિઓનો પૂર્ણ વિકાસ કરવા પ્રયાસ કરનાર પુરૂષો પણ આ દેશમાં દરેક યુગમાં વત્તા કે ઓછા પ્રમાણમાં થતાં જ આવ્યા છે. તેવી રીતે આત્મિક શક્તિઓની પ્રાપ્તિ કરી ચૂકેલા પુરૂષો પણ આ દેશમાં હરેક સમયે થતા જ રહ્યા છે. આજના વિકૃત, વધારે ભાગે યંત્રમય ને આધ્યાત્મિક વિકાસથી વિમુખ એવા વાતાવરણની વચ્ચે પણ કોઈ કોઈ વાર આવા આત્મવીરોનાં દર્શન થઈ જાય છે. તો પણ એટલું સાચું છે કે સર્વસાધારણ માણસો આધ્યાત્મિક શક્તિને મેળવી કે સમજી શકવાના નહિ, કેમ કે તેવી શક્તિ માટે ભારે ત્યાગ ને પુરૂષાર્થની જરૂર રહે છે. માણસે તે માટે કેવળ ઈશ્વરપરાયણ થઈને જ જીવવું પડે છે કે આત્માના સતત અનુસંધાનમાં આનંદ માનવો પડે છે.

માનવ શરીરમાં કેટલી શક્યતા રહેલી છે, તે વાત દૂરદર્શન ને દૂરશ્રવણ જેવી શક્તિના વિચાર પરથી સમજી શકાય છે. જો સારી પેઠે સમજીએ તો આ વાત આપણે માટે લાભકારક છે, પ્રેરણાદાયક પણ છે. જીવનના દરેક ક્ષેત્રમાં આરોગ્યમાં, વિદ્યામાં, રસમાં, નવી નવી શોધખોળમાં, લોકહિતના કર્મમાં, વિકાસમાં, બધામાં વધારે ને વધારાની ઈચ્છા કર. જે અલ્પ છે તેમાં સુખ ક્યાંથી હોય ? સુખ તો ભૂ’ માં એટલે વિરાટ ઈશ્વરમાં છે તે ઈશ્વરનું અનુસંધાન કર. દુનિયાની જ નહિ પણ આત્માની ઉપાસનામાં પણ રત બન. તો તું અનંત ને અખંડ સુખનો ભાગી બની શકીશ. વિકાસના આ એક મંત્રથી તું જીવનને ઉચ્ચ બનાવી શકીશ. માટે ઊઠ. આળસનો ત્યાગ કર, સમયની મહત્તાને સમજ, ને કમ્મર કસીને ઉન્નતિની વિરાટ સાધનામાં લાગી જા.

- શ્રી યોગેશ્વરજી

 

Today's Quote

You can't cross the sea merely by standing and staring at the water.
- Rabindranath Tagore

prabhu-handwriting