Text Size

સ્વધર્મની વિચારણા

આ પછી અર્જુનનો શોક દૂર કરવા ભગવાને બીજી પણ કેટલીક વિચારસરણી રજૂ કરવા માંડી. એ વિચારસરણીને ટૂંકમાં સ્વધર્મની વિચારણા કહી શકાય. ભગવાને કહેવા માંડ્યું કે અર્જુન, તારા સ્વધર્મનો તો વિચાર કર. તું ક્ષત્રિય છે. ક્ષત્રિયનો ધર્મ શામાં રહેલો છે ? અધર્મના નાશમાં ને ધર્મની રક્ષામાં. તે માટે લડવું પડે તો પણ લડવા તૈયાર રહેવું જોઈએ. ધર્મની રક્ષા માટે ને ધર્મસંગત સાધન દ્વારા થતા યુદ્ધથી ક્ષત્રિયનું મંગલ થાય છે. ધર્મને માટે લડવાની વૃત્તિ તને વારસામાં જ મળી છે. આ ધર્મયુદ્ધનો અનાદર કરીને જો તું શોક સાથે પાછો જઈશ, તો પરિણામ કેટલું ખરાબ આવશે તેની તને ખબર છે કે ? ડાહ્યા માણસો પોતે જે કરે છે તેના સારાનરસા પરિણામનો પહેલેથી જ વિચાર કરે છે. તું પણ જે પગલું ભરે તેનો વિચાર પહેલેથી ને શાંત મનથી સારી પેઠે કરી લે જે, જેથી શોકની દશામાં ઉતાવળથી ભરેલા પગલા માટે પાછળથી પસ્તાવું ન પડે. તેં દલીલો તો ઘણીયે કરી છે. આ યુદ્ધનો આશ્રય લેવાથી પાપ લાગશે એમ પણ તું કહે છે પણ તને ખબર નથી કે જો તું યુદ્ધ નહિ કરે તો તને ભારે પાપ લાગશે. કેમ કે સ્વધર્મનું પાલન ન કરવું એ મોટામાં મોટો અપરાધ છે. દરેક માણસ તારી જેમ જો સ્વધર્મને છોડી દે ને મનમાન્યું આચરણ કરવા માંડે તો તેનું પરિણામ કેટલું ખરાબ આવે ? સંસારની વ્યવસ્થા ને સલામતી ટકે નહિ, ને બધે સંકરતા કે ગડબડ ઊભી થાય. આનાથી વધારે ગેરલાભ ને અપરાધ બીજો કયો હોઈ શકે ? તું તો વિચારશીલ ને ધર્મની મર્યાદાને પાળનારો છે, વીર છે.

જો લડાઈના મેદાનમાંથી નિરાશ થઈને તું લડ્યા વિના જ પાછો ફરીશ; તો તારી વીરતાને કલંક લાગશે, તારા નિર્મલ યશમાં અપયશની રેખા દોરાશે, ને તારા નામને બટ્ટો લાગશે. લોકો કહેતા ફરશે કે અર્જુન જેવા વીરની પામર દશા તો જુઓ ! ગાંડીવને ધારણ કરીને ને ભગવાનને પોતાના સારથિ બનાવીને તે રણમાં તો આવ્યો, ને હોંશે હોંશે આવ્યો, પણ કાકા મામા ને બીજાં સ્નેહીજનોને જોઈને તેના પગ ઢીલા થઈ ગયા. તે ખોટા મોહમાં પડીને કુરુક્ષેત્રના મેદાનમાંથી પાછો ફર્યો, ને એ રીતે શરીરમાં પ્રાણ રહ્યાં તે છતાં કૌરવોના અધર્મનો તેણે સામનો ન કર્યો. લોકો આ રીતે તારી અપકીર્તિ કરશે. તે શું તને સારી લાગશે ? સમજુ માણસો તો પોતાની અપકીર્તિ થાય, પોતાના નામને ને કામને કલંક લાગે, તેના કરતાં મરણને વધારે સારું માને છે. લોકો તને વીર માને છે પણ તું લડાઈ કર્યા વિના પાછો ફરશે તો તે બધા એમ સમજશે કે તું ભયનો માર્યો રણમાંથી પાછો ફર્યો છે. મોટા મોટા યોદ્ધા ને મહારથીઓના શંખનાદ ને તેમના ઘોડાઓની ગગનભેદી ગર્જના સાંભળીને તું ડરી ગયો ને તારું હૃદય ઠંડુગાર થઈ ગયું, એવી એવી વાતો આ રણમેદાનમાં ફેલાવા માંડશે, ને જે તને માનની દૃષ્ટિથી જુએ છે તેમની નજરમાં તું હલકો દેખાઈશ. તારી શક્તિની વગોવણી ને ઠેકડી કરતાં કેટકેટલાં માઠાં વચનો સંસારમાં ફેલાઈ જશે. ભલા, આવી રીતે નિંદા, ટીકા ને તિરસ્કારને પાત્ર થવાનું તને સારું લાગે છે કે ? જરા વિચાર તો કર. તારા તો બંને હાથમાં લાડુ છે. તને તો બંને રીતે લાભ છે.

ધર્મની રક્ષા માટેના આ યુદ્ધમાં કાં તો તું જીતીશ, ને કાં તો હારીશ, ત્રીજું કોઈ પરિણામ તો આમાં આવવાનું નથી. હવે જો તું જીતીશ તો રાજ્યની પ્રાપ્તિ કરીશ. ને મરીશ તો સ્વર્ગ મેળવીશ કેમ કે ધર્મયુદ્ધમાં મરાયેલ ક્ષત્રિયને સ્વર્ગ મળે છે. આ પ્રમાણે બંને રીતે તું સુખી થઈશ, ને આનંદ તથા ઐશ્વર્યનો ભાગી બની જઈશ. આ તો ઠીક, પણ સ્વધર્મનું પાલન કર્યાનો સંતોષ મળશે તે વધારામાં. જો તું સ્વધર્મનું પાલન નહિ કરે તો વિષાદનાં આ કામચલાઉ વાદળ દૂર થઈ જતાં તને પશ્ચાતાપ થશે. સ્વધર્મનું આચરણ ના કર્યું એ વાતની યાદ આવતાં દુઃખ થશે ને એ રીતે અશાંતિ ને અસંતોષનો કીડો તને ફોલી ખાશે. પશ્ચાત્તાપના અગ્નિમાં તું જીવનભર જલ્યા કરીશ. શું આ તને સારું લાગે છે ? માટે મનને સ્થિર કર, ને મૂકી દીધેલા ગાંડીવને ફરીથી ધારણ કર. હજી કાંઈ જ બગડ્યું નથી.

અર્જુને શરૂઆતમાં કરેલી દલીલોનો ભગવાને આ રીતે રદિયો આપ્યો તેનો મૂળ સૂર એક જ છે, ને તે એ કે માણસે સ્વધર્મનું બધા જ સંજોગોમાં પાલન કરવું. દરેક માણસને પોતાનો સ્વધર્મ હોય છે. સ્વધર્મને નક્કી કરવા બહુ વાદવિવાદમાં પડવાની જરૂર નથી. ઈશ્વરની કૃપાથી માણસ આ સંસારમાં જન્મે છે, ને આ સંસારની સામગ્રીનો લાભ લે છે. તે ઈશ્વરને પ્રેમ કરવાનો, ઓળખવાનો પ્રયાસ કરવાનો ને સંસારને ગમે તે રીતે કામ આવવાનો ધર્મ તેને જન્મથી જ વારસામાં મળે છે. જે દૈવી શક્તિ તેના જેવા અનેક જીવોને જીવન આપે છે, ને જેણે તેનાં જન્મતાં પહેલાં જ માતાના શરીરમાં તેને માટે દૂધની વ્યવસ્થા કરી છે. એટલે જે દયાળુ છે, તેની દયાને સદાય યાદ રાખવી ને તેના પ્રેમને જીતવા પ્રયાસ કરવો એ તેનો સ્વધર્મ છે, ને તેને લઈને જ તે આ જગતમાં જન્મે છે. જે ઈશ્વરે તેને આ જગતમાં મોકલ્યો છે તે ઈશ્વરની પાસે પાછા પહોંચવા પ્રયત્નશીલ રહેવું, ને તે ઈશ્વરના આદેશ પ્રમાણે જીવનમાં ચાલવું એ તેનો સ્વધર્મ છે. એનું પાલન કરવા તેણે સદાય તૈયાર રહેવું જોઈએ. આ ઉપરાંત બીજા કેટલાક સ્વધર્મની પ્રાપ્તિ તેને જન્મની સાથે જ થઈ જાય છે. જે માતા પોતાના ઉદરમાં તેની રક્ષા કરે છે, ને દૂધ પાઈને તેને ઉછેરે છે, તે માતા તથા પાલન કરનાર પિતા પ્રત્યેના સેવાધર્મને આ સંસારમાં તે સાથે લાવે છે. વળી જે ઘરમાં તે જન્મે છે તે ઘર ને તેના સભ્યો, તેનાં ગામનાં સભ્યો ને સમાજ પ્રત્યે પણ તેની કેટલીક ફરજો છે. સંસારમાં જેના પર કોઈનો એકહથ્થુ અધિકાર નથી, પણ ઈશ્વરનો જ અધિકાર છે, તે હવા, પાણી, સૂર્ય, ચંદ્ર ને નક્ષત્રોનો પ્રકાશ તે વાપરે છે. આ ધરતી પર પણ તે વિચરે છે. તે ઋણના બદલામાં સંસારની કાંઈક પણ સેવા કરી છૂટવાનો ધર્મ તેને વારસામાં મળે છે. આ તો કુદરત કે ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલો ને શરીર સાથે સંકળાયલો સ્વધર્મ છે. પણ જેમ જેમ તે જીવન જીવતો જાય છે, તેમ તેમ બીજી પણ કેટલીક ફરજો, કેટલાક ધર્મો તેને પ્રાપ્ત થાય છે. તે ફરજોનું પાલન કરવા તેણે સદાયે તૈયાર રહેવું પડે છે.

- શ્રી યોગેશ્વરજી

Today's Quote

Life can only take place in the present moment. If we lose the present moment, we lose life.
- Buddha

prabhu-handwriting