if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પંડિત થવા માટે કાંઈ શાસ્ત્રોના પુષ્કળ અધ્યયનની જરૂર નથી. ઘણા વિષયો ને ઘણી ભાષાઓની માહિતીની પણ આવશ્યક્તા નથી. જે સદ્ ગુણો ને સારા શુદ્ધ વિચારો તથા ચારિત્ર્યથી પંડિત છે તે જ પંડિત છે. કામ ને ક્રોધના વિષમય વેગથી જે વ્યાકુળ બને છે, જૂઠ ને કપટનો આશ્રય લે છે, ને દંભ કરે છે; તથા અહંકાર, સ્વાર્થ ને મમતાથી જેનું જીવનમંદિર ખંડીત છે, તે પંડિત નથી. પંડિત તો તે છે જેને સંસારના અસાર વિષયોમાં નહિ, પણ પ્રભુમાં પ્રીતિ છે; સંસારમાં જે પ્રભુની ઝાંખી કરે છે ને જે યજ્ઞની ભાવનાથી વિવેકપૂર્વક કર્મો કરવા છતાં અકર્તાપણાનો અનુભવ કરે છે તે સદા સંતોષી છે. ઈશ્વર વિના કોઈની ચાકરી કે ખુશામત કરતો નથી ને બીજા કોઈને પોતાનું હૃદય દેતો નથી. મન ને ઈન્દ્રિયોનો સંયમ કરીને તે હંસની જેમ વિવેકી બનીને આ સંસારમાં રહે છે. તે કોઈનો દ્વેષ કરતો નથી કે કોઈથી બીતો નથી. સંસારના રંગરાગથી સદા દૂર રહે છે, ને દયા, પ્રેમ, ક્ષમા ને સેવાભાવની મૂર્તિ બનીને જીવે છે. ઉત્તમ કર્મયોગી, પંડિત કે જ્ઞાની આવો હોય છે. આ જ તેની યોગ્યતા છે. તે કેટલું ભણ્યો છે, કે તેણે કેટલી ડીગ્રી મેળવી છે, એ વાત જરા પણ મહત્વની નથી. બહુ સંભવ છે કે એક માણસ કૈં જ ભણ્યો ના હોય, સ્કૂલ કે કોલેજમાં ગયો ના હોય, ને પોતાનું નામ પણ લખી જાણતો ના હોય છતાં તેનામાં આ બધી યોગ્યતા હોય તો તે જ્ઞાની ને પંડિત છે. ને તે જ રીતે એક માણસે ઘણાં પુસ્તકો વાંચ્યા હોય, ને ઘણી ડીગ્રી મેળવી હોય, પણ તેનામાં ઉપર્યુક્ત યોગ્યતા ના હોય, તો ગીતાની દૃષ્ટિએ તે પંડિત નથી, જ્ઞાનીયે નથી, પણ જ્ઞાનનો ભાર ઉપાડનાર માત્ર માનવપશુ છે. જે જ્ઞાન હૃદયના મલને દૂર કરી માણસને પવિત્ર ના બનાવે, ને તેને બંધનથી મુક્ત કરીને સચરાચરમાં એકત્વનું દર્શન કરતાં ના શીખવાડે તે જ્ઞાન ગીતાની દૃષ્ટિએ ભારરૂપ જ છે. તેવા જ્ઞાનથી સંપન્ન માનવને ગીતા પંડિતનો ઉમળકાભર્યો ઈલ્કાબ આપતી નથી.

કેટલાક પંડિતોને લેખો લખવાની ટેવ હોય છે. લેખક તરીકે તે પોતાનું નામ લખે છે, તેની સાથે ‘સકલશાસ્ત્રવિશારદ, ન્યાયતીર્થ, વેદાંતવાદી’ એવા ઈલ્કાબ પણ લખે છે. અંગ્રેજી ભણેલા લેખકોમાંના કેટલાક પોતાના નામની પાછળ પોતાની ડીગ્રીઓ રજૂ કરે છે. ખાસ વાત તો એ છે કે આધ્યાત્મિક લેખો લખતી વખતે પણ તેમને પોતાની ડીગ્રી લખ્યા વિના ચાલતું નથી. પણ આધ્યાત્મિક વિષયના લેખો સાથે એ ડીગ્રીઓનું શું કામ છે ? કોઈપણ લખાણનું મૂલ્ય તેની અંદરના મસાલા પરથી નક્કી થશે, ડીગ્રી પરથી નહિ. અમુક અંગ્રેજી કે સંસ્કૃત ડીગ્રીઓ મેળવી એટલે માણસ આધ્યાત્મિક વિષયો પર સારી રીતે લખવાની ને બોલવાની યોગ્યતા મેળવી શકે છે એમ માનવું ભૂલભરેલું છે. આધ્યાત્મિકતાને અસરકારક રીતે રજૂ કરી શકાય તે માટે તેને જીવનમાં ઉતારવાની જરૂર પડે છે. એ જ લાયકાત વધારે ઉપયોગી છે. તેના મોહમાં પડવાથી લાભ થશે; બાકી ડીગ્રીઓનો મોહ નકામો છે.

જે જ્ઞાનનો અનુભવ કરે છે, ને પરમાત્માનો સાક્ષાત્કાર કરવા પ્રયાસ કરે છે, તે સાચો જ્ઞાની ને પંડિત છે. ભલે પછી તેની પાસે એક પણ ડીગ્રી ના હોય, કે પુસ્તક ને પાઠશાળામાં પણ તેનો પ્રવેશ ના હોય. માણસ પાસે પંડિતાઈ હોય, તો તેનો ઉપયોગ તેણે લોકોને રાજી કરવા કે ચર્ચા કરવામાં ના કરવો જોઈએ. અસલના પંડિતો શાસ્ત્રાર્થ કરવા નીકળતા. શાસ્ત્રાર્થ કરીને દિગ્વિજયી થવાની લાલસા તેમના દિલમાં થયા કરતી. સામેના પંડિતોને શાસ્ત્રાર્થ કરવો ના હોય તો પણ તે બળજબરી શાસ્ત્રાર્થ કરવા તૈયાર થતા. શાસ્ત્રાર્થ કરવાની એ લાલસા પાછળ અહંકાર હતો. માણસ પંડિત બને કે જ્ઞાની થાય, પણ જો તે અહંકારથી રહિત થઈને નમ્ર ના બને તો તેને અજ્ઞાની ને અધૂરો માનજો. અહંકારી માણસને શાંતિની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. જેણે પણ શાંતિ મેળવવી હોય તેણે અહંકારથી રહિત થવું જ જોઈએ. જ્ઞાન માણસને વધારે ને વધારે ભારે બનાવનારૂં ના હોવું જોઈએ. ઝાડને ફળ આવતાં તે જેમ ઝૂકી જાય છે ને પાકી ગયેલા ચોખા જેમ વધારે ને વધારે નરમ થાય છે, તેમ જ્ઞાનીએ સ્વભાવે સરલ ને કોમલ બનવું જોઈએ, ને નમ્રતા ધારણ કરવી જોઈએ.

આપણે ત્યાં કેટલાક લોકો પંડિત ને જ્ઞાની કહેવાય છે પણ મોટી ઉંમરે પણ તે પ્રભુતામાં પગલાં મૂકવા તૈયાર થાય છે. માણસ એકવાર લગ્ન કરે તે સમજી શકાય તેવું છે. પણ ઉંમર પાકી થતાં બીજી કે ત્રીજીવાર લગ્ન કરવા તૈયાર થાય, તે સાધારણ માણસને માટે કદાચ ઠીક હોય તો પણ પંડિત ને જ્ઞાનીને માટે જરા પણ ઠીક નથી. ભારતની બહારના એક પંડિત ને તત્વજ્ઞાનીએ થોડા વખત પર મોટી ઉંમરે ફરીવાર લગ્ન કર્યું. એ સમાચાર સાંભળીને અમારે ત્યાં નાના સરખા ગામડામાં રહેતી, એક સાધારણ ભણેલી માતા હસી પડેલી. તેમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. ભારતના સાધારણ ભણેલા કે નિરક્ષર માણસો પણ સમજે છે કે જે જ્ઞાની કે પંડિત છે તે કામિની કે કામવાસનાની મોહજાળમાંથી મુક્ત જ હોય. બીજા સાધારણ માણસોની જેમ તે પણ જો કામક્રોધમાં ડૂબેલા હોય, તો તેમનામાં ને બીજામાં ફેર શું ? તેમનામાં વિશેષતા શી રહી ? જ્ઞાનીપુરૂષ કામક્રોધ ને લૌકિક લાલસાઓથી મુક્ત હોવો જોઈએ એમ આપણને ગળથુથીમાંથી જ શીખવવામાં આવ્યું છે. શરીરના વધારે પડતા લાલનપાલનમાં ને જાતીય વાસનાઓને ઉશ્કેરવામાં ને પોષવામાં આપણે માનતા નથી. વાસનાઓ પર કાબૂ કરવામાં આપણે વીરતા માણીએ છીએ. તેથી જ સંયમી ને વીતરાગી મહાપુરૂષોનાં ચરણોમાં આપણે વંદન કરીએ છીએ, ને જીતેન્દ્રિય પુરૂષોને પૂજ્ય કહીએ છીએ.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.