Text Size

સંયમ એ જ શોભા

લોહાણા બોર્ડીંગ, વડોદરા.
તા ૮ જુલાઈ, ૧૯૪૨

ભાઈ નારાયણ,

વસ્તુસ્થિતિ જુદી જ બની છે. સરકારી નોકરી પસંદ કરત પરંતુ ભાદરણ વિના બીજી કોઈ જગાનો હુકમ ન હતો. ને ભાદરણની વાત તો મેં તને આપણે મળેલા ત્યારે કરેલી, એટલે તું ત્યાંના વાતાવરણથી તથા માણસોથી ને મારા અનુભવથી પરિચિત છે જ. એવા સ્થળે જવાનું મને બહુ પસંદ નથી. ને તે પણ હુકમ માત્ર એક મહિનાનો છે. એક મહિના પછી તો પાછું આવવું જ પડે ! તે પછી શું ? પાછું કંઈક શોધવું તો રહ્યું જ. આવી મુશ્કેલીમાં હતો ત્યાં તો રસ્તો સ્પષ્ટ થયો. અહીં બોર્ડીંગમાં જ રહી શકાય તેવી વ્યવસ્થા થઈ. અહીંના ગૃહપતિએ મને અહીં જ રહેવા કહ્યું. વિદ્યાર્થીઓની દેખરેખ રાખવાની. તેમની સાથે રહેવાનું, રસોડે જમવાનું ને તેમનામાં સારી કેળવણીનો પ્રસાર થાય એવું કામ કરવાનું. બીજો કોઈ ઉપાય નહિ હોવાથી, મેં હા કહી. એટલે આજથી કે કાલથી જ અહીંઆ વિદ્યાર્થીઓ સાથે રહેવાનું શરૂ કરીશ. આમ પણ બહારગામ કોઈ નોકરી મળત તો તેમાંથી મકાનભાડું, ખાવાનું, સાબુ, કાગળખર્ચ, દૂધખર્ચ, બધું નીકળતાં ને ઘેર મોકલતાં ભાગ્યે જ કંઈક બચત. ભાદરણમાં પણ આમ જ થતું તો પછી અહીં શું ખોટું છે ? અહીં તો વિદ્યાર્થીઓ સાથે રહીને કામ પણ સારા પ્રમાણમાં કરી શકાય. તેમના આંતરજીવનમાં પ્રવેશ કરીને તેને યોગ્ય વળાંક આપી શકાય તથા તેમાં અનેક અંશે પરિવર્તન કરી શકાય. એટલે હમણાં તો અહીં જ સારું છે.

કાંઈ બહારનું વાચન ચાલે છે કે નહિ ? મેં હમણાં હમણાં સ્વામી વિવેકાનંદનું જીવન, પાતંજલ યોગદર્શન તથા મણિરત્નમાલા વાંચ્યાં છે. અત્યારે ‘હ્યુ-એન-સંગ’ વાચું છું. સ્વામી વિવેકાનંદનું જીવન ખરે જ અદભુત છે. એવાં પુસ્તકો ફરી ફરી વાંચવાનું મન થાય એ સ્વાભાવિક છે. તેમનો જુસ્સો અજબ હતો. તેમની નિસ્પૃહતા વિષે પણ કાંઈ કહેવાનું નથી. તેમની વૈરાગ્યવૃત્તિ તો ખરે જ આશ્ચર્યચકિત કરનારી છે. જ્યારે તેમને સંન્યાસ ધારણ કરવાની ઈચ્છા હતી ને તેમની માતાને માટે (ગુજરાન માટે) કશી વ્યવસ્થા ન હતી તે વખતનો પ્રસંગ યાદ છે ? તે રામકૃષ્ણ પાસે ગયાં ને બધી વાત કહી. રામકૃષ્ણે કહ્યું : કાલિકા પાસે જા ને ધન માગ. વિવેકાનંદ આનંદમાં આવ્યા. કાલિકા પાસે જઈને એ ઊભા. ધારત તો તેઓ આખું સામ્રાજ્ય માગી શકત. કદાચ ત્રિલોકનું રાજ્ય માગ્યું હોત તો પણ તેમને મળી શકત. પરંતુ વિવેકાનંદ તો જગન્માતાનું સુંદર રૂપ જોઈને બધુંય માગવાનું ભૂલી ગયા. તેમણે તો કહ્યું : જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય, માતા, એ વિના કશુંય ના જોઈએ.

માતાએ કહ્યું : તથાસ્તુ. વિવેકાનંદ પાછા આવ્યા.

રામકૃષ્ણે પૂછ્યું : કેમ માગી લીધું ?

વિવેકાનંદ કહે : હું તો બધું જ ભૂલી ગયો. મેં તો જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય જ માગ્યાં.

રામકૃષ્ણે કહ્યું : અરે, ભલા માણસ, જા, ફરીથી મા પાસે જા ને પૈસા માગ.

વિવેકાનંદ ફરી ગયા પરંતુ ફરીયે તે તો જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય માગીને આવ્યા.

ત્રણ ત્રણ વખત આમ થયું. છેવટે રામકૃષ્ણે કહ્યું : જા તારી માતાને ખાવાપીવાની ને વસ્ત્રની તંગી પડશે નહીં. પછી વિવેકાનંદ સંન્યાસી થયા.

રામકૃષ્ણ તો બ્રહ્મનિષ્ઠ હતા. તેમનું પત્ની પ્રત્યેનું વર્તન તો જાણીતું છે. આપણે આ બધુંય વાંચીએ છીએ. આપણામાંના ઘણાખરા આવા મહાન સંતસાધુઓનાં જીવન વાંચે છે. પરંતુ તેનું આચરણ કેટલા કરે છે ? રામકૃષ્ણે પત્ની પ્રત્યે જે પ્રેમ બતાવ્યો તેવો ને તેના જેવો શુદ્ધ પ્રેમ કેટલાક બતાવી કે જાળવી શકે છે ? અરે, પતિપત્નીમાંનાં કેટલાં એકમેક પ્રત્યે સંપ રાખી શકે છે ? ખરી રીતે તો આપણી લગ્નસંસ્થા લથડી પડી છે ને શિક્ષિત વર્ગમાં તો તેની વિકૃતિ બહુ જ ભયંકર રીતે પ્રત્યક્ષ થાય છે. રામતીર્થના વિદ્યાર્થી જીવનમાં જે સાદાઈ ને સંયમ જડે છે તે બીજે કેટલેક ઠેકાણે જડશે ? ખરું કહીએ તો આપણે યુવાન છીએ પણ આપણામાં યુવાની નથી, મનોબળ નથી, કોઈ આદર્શ માટે મરી ફીટવાની તમન્ના નથી, સંયમી જીવન નથી. મહાન પુરુષોનાં જીવન આપણે વાંચીએ છીએ પણ તેથી શું ? તેની અસર આપણા હૃદયમાં ઊતરે ત્યારે જ સાચું વાંચન થયું ગણાય. ખરી રીતે તો કોઈ પણ મહાન થઈ શકે છે. તેને માટે કાંઈ ડીગ્રીની (ઉપાધિની) કે પ્રખ્યાતીની જરૂર પડતી નથી. જે સ્થિતિ બુધ્ધે પ્રાપ્ત કરી હતી તે આપણે પણ પ્રાપ્ત કરી શકીએ ને જે સ્થિતિને લીધે ગાંધીજી પુજાય છે તે સ્થિતિએ આપણે પણ સ્થિત થઈ શકીએ. ઈશુ તો શું તેનાથી પણ ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થાએ પહોંચી શકીએ. માત્ર તે માટે આપણો પ્રયાસ જોઈએ. બુધ્ધે જે ત્યાગવૃત્તિ ને દયાની લાગણી ખીલવી હતી તે વૃત્તિ આપણે પણ ખીલવી શકીએ. ત્યારે જ આપણી મહત્તા છે. દરેક માણસે ધીરે ધીરે આસુરી વૃત્તિઓને વશ કરીને દૈવી વૃત્તિ મેળવવાની છે ને છેવટે સર્વે વૃત્તિઓની પર થઈ જવાનું છે. અખંડ જીવનમુક્તિ એ દરેક માણસનો ઈજારો છે પરંતુ તે મેળવવા માટે આવશ્યક સાધના કરવી પડે છે. અત્યારના પ્રગતિશીલ ઝડપી યુગમાં આવા વિચારને સ્થાન જ ક્યાં છે ! અત્યારે તો આપણી આજુબાજુના શતાવધિ લોકો માત્ર દુન્યવી વ્યવહારમાં જ મગ્ન છે. નાનું બાળક હોય તેને શાંત રાખવા તેની આગળ એક માટીનું રમકડું મૂકીએ એટલે તે રમે ને શાંત થઈ જાય. તેને બિચારાને ઓછી જ ખબર છે કે એ રમકડાનું બાળક તે તેના જેવું સાચું બાળક નથી ? આવી જ સ્થિતિ આ દુનિયાના હજારો લોકોની છે. (યદ્ અસત્યમસ્તિ તદ્ સત્યમિવ પરિકબય્ય) જે અસત્ય છે તેને સત્ય માનીને પેલા નાના બાળકની પેઠે તેઓ રમ્યા કરે છે. ભૌતિક સમૃદ્ધિ ને ભૌતિક સંપત્તિએ માણસને એટલો બધો જકડી લીધો છે કે તેને તે બંધનરૂપ છે કે નહિ તે પણ ખ્યાલમાં નથી આવતું. આ પરાધીનતા ને નિર્બળતા ઓછી છે ?

જીવનને સંયમી બનાવવું જોઈએ કેમકે સંયમ એ જ શોભા છે, વિલાસ નહીં. ઈન્દ્રિયોના સ્વાદને જીતવામાં જ સાચો પુરુષાર્થ છે, તેને વશ થવામાં નહિ, આવું આવું કોણ જાણે કેમ આપણા ખ્યાલમાં જ આવતું નથી. અત્યારે તો જેમ વધારે સંપત્તિ તેમ વધારે ધનભાગ્ય; જેમ ઊજળાં ને વધારે કપડાં તેમ વધારે શિક્ષિત; આજ વિચારો આપણા લોકોમાં વધારે પ્રમાણમાં ઘર કરી બેઠા છે.

નહિ, જીવનનું મૂલ્યાંકન એમાં નથી. યોગી થવું જોઈએ. સમસ્ત શક્તિને આત્મામાં લીન કરી અખંડાનંદમાં લીન થવું જોઈએ. એ વિના સાચી શાંતિ જ ક્યાં છે ? જીવનનો ઉપયોગ શું ધન, ધરા ને રમા માટે છે ? નહિ જ. તે તો પામરતાની નિશાની છે. ઈન્દ્રિયોનો નિરોધ એ જ મહાન છે, ઈન્દ્રિયોનો વિલાસ નહિ. મનનો સંયમ એ જ મહાન છે, મનનો સ્વચ્છંદ વિહાર નહિ. એક વાર આ આત્મદેવનાં દર્શન કરી લેવાં ને પછી પ્રેમના પ્રતીક થઈ સર્વત્ર વિચરવું કે સેવામાં લાગી જવું એ સાધના આજને માટે અનુકૂળ છે.

મને ભગવું બહુ જ ગમે છે. પણ તે ધારણ કરવાનો વિચાર પહેલાં ન હતો, અત્યારે પણ નથી. રીતસર દીક્ષા લેવાની જરૂર શું છે ? એટલું ખરું કે સંન્યાસ લીધા પછી (એટલે સંન્યાસનાં બાલચિહ્ન ધારણ કર્યા પછી) ગૃહજીવનમાં પડવાની જરાય શક્યતા રહેતી નથી. તે વિના પણ દૃઢ નિશ્ચય આગળ કશું જ થઈ શકે નહિ. પરંતુ અહીં છીએ ત્યાં સુધી આપણને કોઈ કંઈ કહી શકે ને આપણે પણ વિચારવું પડે. પરંતુ માતાજી છે ત્યાં સુધી તો તેમ કરવું શક્ય નથી. ને તેમ કરવાની જરૂરેય નથી. કેમકે સંન્યાસ એ તો વાસનાનો ત્યાગ છે. આત્મજ્ઞાનમાં સ્થિતિ કરનાર ને ઈન્દ્રિયને જીતનાર કે તે માટે યત્ન કરનાર સંન્યાસી જ છે અને આખરે તો માણસે સંન્યાસી પણ મટી જવું પડે છે. જ્યાં સુધી તે એમ માને કે હું સંન્યાસી છું ત્યાં સુધી તેની પ્રગતિ અપૂર્ણ છે. ચારે આશ્રમોની પર થવું એ જ ઉચ્ચ સ્થિતિ છે. એવો માણસ ગમે ત્યાં રહે ને ગમે તે વેશે રહે તોય શું ?

હે મારા મન, તું ભગવાં કે સફેદની જંજાળમાં ના પડીશ. કોઈ ભગવાં ધારે, કોઈ કાબરચીતરાં પહેરે, પણ તેથી શું ? રૂપ ને રંગની પાર પહોંચવું એ જ તારું ધ્યેય છે.

તું તો સર્વત્ર માંગલ્ય જોનારું છે ને સર્વમાં તારા આત્મદેવનાં દર્શન કરનારું છે. એ અમૃતનું પાન કર ને મસ્ત થા. બીજો વિચાર પણ તને કેમ સ્પર્શે ?

અભ્યાસ કેમ ચાલે છે ?

 

Today's Quote

When the pupil is ready, the teacher will appear.
- Unknown

prabhu-handwriting