Text Size

મનુષ્યજીવનની સાર્થકતા

ઋષિકેશ,
તા. ૨૯ જુન, ૧૯૪૩

પરમ પ્રિય ભાઈ,

પ્રણામ. પત્ર મળ્યો. આનંદ થયો. અહીં શાંતિ છે. આનંદ છે. બી. એ. માં સફળતા મળી તે માટે અભિનંદન. સુનીતિ ગર્લ્સ સ્કૂલમાં શિક્ષકનું કામ સ્વીકાર્યું તે પણ સારું થયું. શિક્ષણ વાટે આપણે ઠીકઠીક કામ કરી શકીએ. જો કે અત્યારે તો શાળામાં નિયત પુસ્તકો ને નિયત સમય હોવાથી શિક્ષકોને પુસ્તકો વાંચ્યા વિના વધારે કાંઈ ભાગ્યે જ કરવાનું હોય છે, પરંતુ જો ધગશ હોય તો તેટલામાંથી પણ અવકાશ મેળવીને સારો શિક્ષક બહારનું ઘણું ઘણું અંદરના ટેકારૂપે વર્ગ સમક્ષ મૂકી શકે છે. સારો શિક્ષક હંમેશાં એક લીટી વાંચે છે તો પાંચ લીટી બહારથી શીખવે છે. આમ શિક્ષણ એક રસિક વસ્તુ બની જાય છે. તારે ત્યાં આવી શક્યતા ન જ હોય ને એવું શિક્ષણ લેવાની વૃત્તિ પણ બેનોમાં ભાગ્યે જ કેળવાઈ હોય. છતાં પણ બીજો કોઈ પણ માર્ગ લેત તેના કરતાં આ માર્ગ સારો છે ને તે લીધા બદલ તને શાબાશી આપું છું. સાથે સાથે એમ. એ. નો અભ્યાસ પણ જરૂર ચાલતો રહે એમ ઈચ્છું છું અને એ રીતે આવતીકાલના ભાવિ જીવનમાં તારી કારકીર્દિ ઉજ્જવલ ને યશસ્વી થાય એમ ઈચ્છું છું.

આપણી સાથેના પંડ્યા, મોદી સફળ થયા પણ તેઓ તો મને ક્યાંથી જાણતા હોય ! આપણે હતા તો એક વર્ગના કે ગુરુના વિદ્યાર્થી પણ પેલા કૃષ્ણની જેમ તમે બધા જાણે વિદ્યા ને ઉપાધિના ઉચ્ચ આસને બેસી ગયા ને હું તો ‘મારે તુંબડી ને લાકડી’ એવા સુદામા જેવો જુદે જ રસ્તે પડી ગયો. ભાવિને કોણ મિથ્યા કરી શકે છે ? બધું મંગલમય જ થાય છે એની પણ કોણ ના કહે છે ?

મારા આવવા વિષે પૂછ્યું છે પણ તે વિષે નિશ્ચિત લખી શકતો નથી. આસો મહિનાની શરૂઆતમાં અહીંથી રવાના થવા વિચાર રાખું છું. પણ ઈશ્વરની લીલાને કોણ જાણે ? તેટલા વખતમાં શું થશે તે કશું જ કહી શકાય નહિ. આટલું શાંત વાતાવરણ ને કાંઈક આજની સલામતી તે દરમ્યાન તે બાજુ હશે કે કેમ એ ઉપર ઘણો આધાર રહે છે. પ્રભુ જે કરશે તે સારું જ કરશે.

                                       *

મારા વ્રતને ઓછું જ ભારે વ્રત કહેવાશે ? જ્યાં આગળ માણસ પણ ન હોય, ફળ કે ફૂલ પણ ન હોય, ત્યાં આગળ ફક્ત ઈશ્વરને માટે ને ઈશ્વરની શ્રદ્ધાએ જ જીવવું એ ઉચ્ચોચ્ચ તપ ને વ્રત છે. હું તો અહીં માણસોની વચ્ચે રહ્યો. પરંતુ એ ખરું કે અહીં મને ઓળખનાર ઓછાં છે, ને કોણ જાણે કેમ, મને કોઈ જાણે કે ઓળખે એ મને રુચતું પણ નથી. છતાં ઈશ્વરની દયા અજબ છે. જ્યારથી આ વ્રતનો આશ્રય લઈ રહ્યો છું ત્યારથી અત્યાર સુધીમાં લગભગ હરરોજ એવા અદભુત પ્રસંગ બન્યા છે જેથી એ કૃપાળુ પરમેશ્વરનો પ્રેમ જણાઈ આવ્યો છે. ખરેખર, જો તેની આગળ આપણે બાળક બની જઈએ તો તે આપણને જાળવી જાળવીને એક માતાની જેમ રાખે છે - એટલે કે સમય પર ખવડાવે છે, પિવડાવે છે, પહેરાવે છે, ને તેનો પ્રેમ પાયા કરે છે.

*

તું એક યોગભ્રષ્ટ પુરુષ છે એમ મને સતત લાગ્યા કર્યું છે. અને એથી કરીને ઈશ્વરની તારા પર વિશેષ દયા છે. તું જોઈશ તો આખાયે જીવનના આર્થિક સંકડામણ તેમજ બીજી મુશ્કેલીના પ્રસંગમાંથી અજબ રીતે સાચવીને ઈશ્વરે તને આ સ્થિતિએ આણ્યો છે. ઈશ્વરની એ દયાનો ખ્યાલ કરવો જરૂરી છે. ઈન્દ્રિયોનો સંયમ એ કપરી વસ્તુ છે પરંતુ પ્રયત્નસાધ્ય છે ને ઈન્દ્રિયલુબ્ધ કદી ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરી શકતો નથી. વળી ઈશ્વરની સતત પ્રાર્થના કરવાથી સંયમ સુસાધ્ય બને છે. રાતે સૂતી વખતે પ્રાર્થના કરવાથી તેમજ પરમહંસદેવ, રામતીર્થ, ગાંધીજી જેવાનાં જીવન યાદ કરવાથી ખૂબ લાભ થાય છે. તેમણે કેવી સ્થિતિ પ્રાપ્ત કરી હતી ! પરમહંસદેવ તો શારદાદેવીમાં 'મા' જોતા. આપણે પણ પ્રયત્નથી એ અનુભવે પહોંચી શકીએ. પ્રયત્ન કોડીનો જ થાય તો પ્રભુ તેને લાખનો કરી દે છે. માટે પ્રભુની દયાની ભીખ માગવી જરૂરી છે. આખાય જગતમાં કામવાસનાથી મુક્ત (પૂર્ણ) કોઈક જ મળે. અને તમે તો સાપના દરમાં રહો છો. પરંતુ તેથી તો તમારું જોખમ વધે છે. દરેક પરીણિત જીવન જીવનારે યાદ રાખવું ઘટે કે સ્ત્રીના શરીર પર તેની પૂર્ણ માલિકી નથી. અને જેમ પોતાનું તેમ સ્ત્રીનું શરીર પણ ઈશ્વરનું મંદિર છે એટલે તેને વારંવાર અશુદ્ધ કરે તે એક જાતનું પાપ કરે છે ને પોતાની તેમજ બીજાની હત્યા કરે છે એ સમજવું જોઈએ. ઈશ્વરની ભક્તિ જેટલી વધે છે તેટલી જ વાસના ઘટે છે. ઉપરાંત, શુક્ર પણ બહુ પવિત્ર વસ્તુ છે. તેની શક્તિ અપરિમિત છે. જે તેનો યથેચ્છ ઉપયોગ કરે છે તે જરૂર અશક્ત બની જાય છે.

*

વ્રત વિષે લાંબુ લખવાની જરૂર જોતો નથી. એટલું લખું છું કે સ્ત્રીને માટે તેમજ બાળાઓને માટે આ સમયમાં પહેલું તો સ્વશરીરની રક્ષા ને તેનું આરોગ્ય, પછી સ્વાદિષ્ટ ખાનપાન ને શોખીલા પહેરવેશનો ત્યાગ, ત્રીજું કુટુંબીજનોની સેવા તથા બનતી ઈશ્વરભક્તિ એ જ ઉત્કૃષ્ટ વ્રત છે. અલબત્ત, તેની ખોટી વિષય લાલસાને તૃપ્ત કરવામાં તેની પૂજા નથી રહી પરંતુ તેની યથાયોગ્ય સેવા કરવામાં ને તેને તે લાલસામાંથી ઉપરામ કરવામાં જ રહેલી છે.

આ ઉપરાંત એકાદશી જેવા વ્રતની જરૂર છે. તેમજ આ ઉપર્યુક્ત હેતુઓને લક્ષમાં લઈને જ વટસાવિત્રી જેવાં ઈતર વ્રતો કરવાં ઉચિત છે. તેનાથી ઈન્દ્રિયદમન થાય છે પરંતુ તેના હેતુને લક્ષમાં લેવાથી જ તે લાભ મળે છે એ ધ્યાનમાં રાખવું ઘટે છે.

સેવા જેવું ઉત્તમ વ્રત બીજું એકે નથી. પણ તે નિ:સ્વાર્થ ભાવે ને સહજ રીતે થવી જોઈએ. તેનાથી પોતાને તેમજ બીજાને અનેક લાભ થાય છે. બીજાને માટે પોતાને કષ્ટ પડે, ત્રાસ થાય, વિપત્તિ આવે, માન-અપમાન સહેવાં પડે, તો પણ તેને ગણકાર્યા વિના બીજાને ઉપયોગી થવામાં આનંદ માનવો એ સેવાની ઉચ્ચ અવસ્થા છે. એટલે સેવા, એ ઉચ્ચ વ્રત છે.

*

સ્વામી શિવાનંદ સાથે કાંઈ વાત થતી નથી ને હું ભાગ્યે જ ત્યાં જાઉં છું. ઉનાળામાં અહીં કલ્યાણવાળા જયદયાલજી ગોયન્કા આવ્યા હતા. તેમની વૃત્તિ એક સંતની હતી. ભક્તિ પર તેમનું વિશેષ લક્ષ છે. તે દરમ્યાન અહીં ઘણા સારા સંતો આવ્યા હતા. જયદયાલજી પોતે જ્યારે ગંગાના અંધારા શાંત પટ પર મંજીરાં લઈને ધૂન સાથે ગોળગોળ ફરતા ત્યારે તેમના મુખ પર અજબ ભાવો મૂર્ત થતા ને તે સમયે નરસિંહ ભગતની યાદ આવતી.

બીજી એક પવિત્ર મૂર્તિ ને સાધ્વી તે આનંદમયી માતા. હું થોડા દિવસ પર દેહરાદુન ગયેલો. ત્યાં તેમનાં દર્શન થયાં. બહુ પવિત્ર મૂર્તિ. સદા આનંદમાં રહે. પરીણિત જીવનમાં પણ પવિત્રતાથી જીવતાં. એક બાલિકા જેવી સરલ સ્નેહાળ વૃત્તિનાં છે.

*

દુનિયામાં અનેક સંતપુરુષો છે. કો'કને આપણે જાણીએ છીએ, કો'કને નથી જાણતા. પણ તેથી આપણને શું ? આપણે જો તેમને જાણ્યા છતાંય આપણી વૃત્તિઓને ઈશ્વરાભિમુખ ના કરી શકીએ તો એના જેવું આશ્ચર્યજનક બીજું કાંઈ જ નથી. દિવસો ચાલ્યા જાય છે, જીવન ટૂંકું છે. એટલે સમજુ પુરુષે બનતી વહેલી તકે ને વધારે વાર ઈશ્વરાભિમુખ થતા રહેવાનું છે, ને પવિત્રતા, શાંતિ તથા સેવા ને સત્યના રસ્તે વળીને કલ્યાણને અનુભવવાનું છે. એમાં જ મનુષ્યજીવનની સાર્થકતા છે.

 

Today's Quote

The flower which is single need not envy the thorns that are numerous.
- Rabindranath Tagore

prabhu-handwriting