Text Size

નામસ્મરણ

પ્રશ્ન : નામજપ કે ઈશ્વર સ્મરણ અમુક નિશ્ચિત સમયે કરવું આવશ્યક છે ? કેટલાક સંતપુરૂષો કહે છે કે, તે વહેલી સવારે તથા સાંજના સમયે થવું જોઈએ. તો શું તે દિવસના બે ભાગમાં જ થઈ શકે ?
ઉત્તર : વ્યવહાર પરાયણ લોકોને વધારે વખત ના મળે, તથા વહેલી સવારનો તથા સાંજનો સમય શાંત હોય છે, તેથી તેમને માટે દિવસમાં ઓછામાં ઓછું બે વાર શાંતિપૂર્વક ઈશ્વરસ્મરણ કરવાનું વિધાન કરેલું છે. જેથી એટલો વખત તો તે ગમે તેમ કરીને અવકાશ મેળવીને નામજપ કે ઈશ્વરસ્મરણ કરે જ. પરંતુ એનો અર્થ એવો નથી કે ઈશ્વરસ્મરણનો વખત એટલો જ અને તે દિવસના એ બે ભાગમાં જ થઈ શકે. ઈશ્વરસ્મરણ શરૂઆતમાં તબક્કામાં સવાર-સાંજ બે વખત કરવાનો નિયમ બરાબર છે, પરંતુ પછી તો એ વખતમાં વધારો થવો જોઈએ અને એક અવસ્થા એવી આવવી જોઈએ જ્યારે નામજપ કે ઈશ્વરસ્મરણ શ્વાસોશ્વાસે થઈ શકે. વ્યવહાર પરાયણ ના હોઈએ ત્યારે તો ખરું જ, પરંતુ વ્યવહારમાં રત હોઈએ ત્યારે પણ એવી ટેવ પાડવી જોઈએ કે જેથી તે દરમ્યાન પણ માનસિક રીતે ઈશ્વરસ્મરણ થઈ શકે. પહેલાં એવી ટેવ પાડવી જોઈએ. પરંતુ પછીથી ઉત્તરોત્તર આગળ વધતાં એવી ટેવ સ્વાભાવિક થઈ જશે. ઈશ્વરના પ્રેમી અનુભવી ભક્તો તો કહે છે કે જીવનમાં ઈશ્વરસ્મરણ અખંડ અથવા તો સતત રીતે થવું જોઈએ. એવી એકે પળ કે વિપળ ના હોવી જોઈએ જ્યારે ઈશ્વરસ્મરણ ના થતું હોય.

તમારા પહેલા પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે ઈશ્વરસ્મરણ આરંભમાં અમુક નિશ્ચિત સમયે કરવું આવશ્યક છે. એવી ભલામણ કરવાનો મુખ્ય હેતુ એટલો જ છે કે, ઈશ્વરસ્મરણનું ઉપકારક કામ નિયમિત રીતે થઈ શકે. જો નિશ્ચિત સમયનો નિયમ કે આગ્રહ ના રાખવામાં આવે તો પરિણામ શું આવે તે જાણો છો ? માણસો મનમાની કરે. એટલે કે આજે જપ કરે ને કાલે ના કરે. રોજ કરે તો પણ, એ સરખા સમયે ના કરે. આજે સવારે કરે, કાલે બપોરે, પરમ દિવસે સાંજના કરે, ને તે પછીના દિવસે રાતે કરે, કે પછી બિલકુલ ના કરે. સાધનાનાં કામમાં એવી અવ્યવસ્થા થયા કરે. એ અવ્યવસ્થાને અટકાવવા માટે સાધકે પોતાના અભ્યાસમાં નિયમિત થવાની જરૂર છે. પોતાનો અભ્યાસ એણે નક્કી કરેલા વખતે ને નિરંતર કરવો જોઈએ. એવો નિયમિત અભ્યાસ મનને સ્થિર કે એકાગ્ર કરવામાં પણ ઘણો મહત્વનો ભાગ ભજવશે. રોજના નક્કી કરેલા સમયે મન પોતાના નિયત કરેલા અભ્યાસ માટે તૈયાર થઈ જશે, ધીરે ધીરે એ અભ્યાસમાં રસ લેશે, અને એકાગ્ર થતાં પણ શીખી લેશે. નિશ્ચિત સમયના અભ્યાસનો એ લાભ કાંઈક નાનોસુનો નથી.

પ્રશ્ન : એકલા જપથી દર્શન થઈ શકે ખરું ?
ઉત્તર : થઈ શકે, પરંતુ ક્યારે થઈ શકે તે જાણો છો ? નામજપ કરતાં કરતાં અંતર ભાવવિભોર બની જાય, દ્રવી જાય અને ભગવતીના પ્રેમથી પરિપ્લાવિત કે આતુર બની જાય ત્યારે ત્યારે નામજપ કરતાં કરતાં અંતર એક પ્રકારની અનેરી લાગણીનો અનુભવ કરે છે, આંખમાંથી આંસુ ટપકે છે, પ્રાણ પ્રેમાતુર બનીને પોકારો કરવા માંડે છે, ને રોમેરોમમાં રાગ તથા રસની છોળો ઊડવા માંડે છે. એ અવસ્થા ભક્તને માટે ભારે આશીર્વાદરૂપ છે. એ અવસ્થા સૂર્યોદય પહેલાં પૂર્વાકાશમાં ઊગતી ઉષા જેવી છે. પરંતુ એવી ભાવાવસ્થા એક બે દિવસ સુધી કે વધારે વખત રહીને અદ્રશ્ય થઈ જનારી ન હોવી જોઈએ. એ એકસરખી કે અખંડ રહેવી જોઈએ, બને ત્યાં સુધી અખંડ રહેવી જોઈએ. જ્યાં સુધી ભક્તને પોતાની ઈચ્છા પ્રમાણેનાં દર્શનનો લાભ ના મળે, ત્યાં સુધી એ અવસ્થાને જતન કરીને જાળવવી તથા વધારવી જોઈએ. એ પ્રેમમયી અનુરાગ ભરેલી અવસ્થાને પરિણામે અંતર ભગવતીના દર્શનને માટે આક્રંદ કરી ઊઠે છે, ને ભક્ત પોતાનું સર્વસમર્પણ કરવા તૈયાર થાય છે. એ પછી દર્શન દૂર નથી રહેતું.

પ્રશ્ન : તમે જે સંક્ષિપ્ત ગાયત્રી મંત્રનું વર્ણન કરેલું તેના જપનો કોઈ વિધિ છે ખરો ?
ઉત્તર : તેના જપનો કોઈ ખાસ વિધિ નથી. બીજા મંત્રોની પેઠે તેને પણ સ્નાનાદિથી પરવારીને જપી શકાય છે. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે જે જપ થાય તે બનતી સ્થિરતા અથવા તો એકાગ્રતાથી થવા જોઈએ અને તેની પાછળ લગન હોવી જોઈએ. ગાઢ શ્રદ્ધા હોવી જોઈએ તથા ઈશ્વરપ્રેમનું પીઠબળ હોવું જોઈએ. માણસો વિધિવિધાન પ્રત્યે વધારે ધ્યાન આપે છે. વિધિવિધાનનું અમુક અંશે મહત્વ પણ છે પરંતુ વિધિવિધાન જ જપનું સર્વસ્વ છે એવું ન કહી શકાય. એનું સર્વસ્વ તો ઈશ્વર પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધા તથા વ્યાકુળતા છે. તેનો ઉદ્ ભવ થવાથી જપ ફળે છે અથવા તો ધારેલું ફળ આપી શકે છે.

પ્રશ્ન : કેટલા જપ કરવાથી ધારેલું ફળ મળી શકે ?
ઉત્તર : તે માટેનો કોઈ ચોક્કસ નિયમ નથી બાંધી શકાતો. એટલે સારો માર્ગ તો એ છે કે જ્યાં સુધી ધારેલું ફળ ન મળે ત્યાં સુધી અને પછી પણ જપ કરતા રહો. જપ જીવનની એક સહજ ક્રિયા થઈ જવી જોઈએ. હા ઈશ્વરના સાક્ષાત્કાર પછી એની આવશ્યકતા નહીં રહે.

Today's Quote

Time spent laughing is time spent with the God. 
- Japanese Proverb

prabhu-handwriting