Text Size

પ્રાણાયામનો અભ્યાસ

પ્રશ્ન : આધ્યાત્મિક સાધનામાં પ્રાણાયામનો અભ્યાસ સૌને માટે આવશ્યક છે કે તેના સિવાય પણ સાધના થઈ શકે છે ?
ઉત્તર : પ્રાણાયામના અભ્યાસની આવશ્યકતા સૌને માટે નથી. તેના સિવાય પણ સાધના થઈ શકે છે. પ્રાણાયામ આધ્યાત્મિક સાધનામાં અનિવાર્ય છે એવું નથી. એનો અભ્યાસ વધારે ભાગે રુચિ પર આધાર રાખે છે. જેને તેમાં રસ હોય તે એનો અભ્યાસ કરી શકે છે. અલબત્ત એનો અભ્યાસ મોટે ભાગે યુવાવસ્થામાં અને અનુભવી માર્ગદર્શકની દોરવણી પ્રમાણે કરવો જોઈએ, નહિ તો વ્યાધિ તથા મુસીબત પેદા થવાનો ભય રહે છે.

પ્રશ્ન : પ્રાણાયામની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ ?
ઉત્તર : શરૂઆત નાડીશોધન પ્રાણાયામથી કરવી જોઈએ. એને ભસ્ત્રિકા પ્રાણાયામ પણ કહેવામાં આવે છે. એથી પ્રાણવાયુની વિશુદ્ધિ થાય છે ને બીજી પણ ઘણી મહત્વની મદદ મળે છે. સૂર્યોદય પહેલાં, ખુલ્લી ને તાજી હવામાં બેસીને તેનો અભ્યાસ કરી શકાય છે. વળી સાંજે પણ કરી શકાય છે. પરંતુ ચોમાસામાં એનો આરંભ ના કરવો જોઈએ. આરંભને માટે શરદ ને વસંત ઋતુ વિશેષ અનુકૂળ છે.

પ્રશ્ન : સામાન્ય પ્રાણાયામ કેવી રીતે કરી શકાય છે ?
ઉત્તર : સામાન્ય પ્રાણાયામની ઉપલક વિધિ આ પ્રમાણે છે. પદ્માસન કે સુખાસનમાં ટટ્ટાર બેસીને સૌથી પહેલાં તો જમણાં નાકે બે વાર ઓમ કે રામ બોલતાં ધીમેથી શ્વાસ અંદર લો. પછી આઠ વાર તે જ મંત્ર બોલતાં બંને નાક બંધ કરીને શ્વાસને રોકી રાખો, અને છેલ્લે ડાબા નાકને ખોલી દઈને ચાર વાર મંત્ર બોલતાં શ્વાસને ધીમેથી બહાર કાઢો. પછી તરત તે જ નાકથી બે વાર મંત્ર બોલીને શ્વાસને અંદર લો, બંને નાક બંધ કરીને આઠ વાર મંત્ર બોલીને શ્વાસને રોકી રાખો, ને ચાર વાર મંત્ર બોલીને જમણા નાકથી શ્વાસને બહાર કાઢો. પછી આરામ કરો. એવી રીતે એક પ્રાણાયામ પૂરો થાય છે. અંદર શ્વાસ લેવો તેને પૂરક, શ્વાસ રોકવાને કુંભક, ને શ્વાસ છોડવો તેને રેચક કહે છે. પૂરક કરતાં કુંભક ચાર ગણો તથા રેચક બમણો કરવો જોઈએ એવો સ્વાભાવિક નિયમ છે. એ નિયમ ધ્યાનમાં રાખીને ઉપર કહેલી પદ્ધતિ પ્રમાણે ચારથી પાંચ પ્રાણાયામ કરી શકાય. પ્રાણાયામ કરતી વખતે નાના કે મોટા કોઈ પણ અનુકૂળ મંત્રનો આધાર લઈ શકાય છે.

પ્રશ્ન : પ્રાણાયામથી શા લાભ થાય છે ?
ઉત્તર : પ્રાણાયામથી મુખ્યત્વે તો પ્રાણની શુદ્ધિ થાય છે. શ્વાસ, નાક તથા ગળાના અવયવો મજબૂત બને છે અને શરીરમાં નવા તાજા વાયુનો સંચાર થાય છે. એ ઉપરાંત રક્તાભિસરણની ક્રિયામાં પણ મદદ મળે છે. પરંતુ એ તો બધા સ્થુળ લાભ છે. સૌથી વધારે મહત્વનો સૂક્ષ્મ લાભ તો મનની સ્થિરતાનો છે. પ્રાણ અને મન બંનેને ઘણો નિકટનો સંબંધ હોવાથી, પ્રાણાયામની અસર મન પર અવશ્ય પડે છે. તેની મદદથી મનની ચંચળતા દૂર થાય છે, મન સ્થિર બને છે, ને શાંતિ મેળવે છે. મનના વિકાર પણ ધીરે ધીરે દૂર થાય છે.

પ્રશ્ન : પ્રાણાયામ કરનારે આહારનું ધ્યાન રાખવું જોઈએ એ સાચું છે ?
ઉત્તર : હા, સાચું છે. પ્રાણાયામ કરનારે આહાર અને વિહાર બંનેનું ધ્યાન રાખવું જોઈએ. વિહારનું ધ્યાન રાખવું જોઈએ એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, તથા વધારે પડતી નિદ્રામાંથી પણ મુક્તિ મેળવવી જોઈએ. આહારમાં વિશેષ કરીને ખાટાં, ખારાં તથા તીખાતમ પદાર્થોનો તથા રાતે મોડેથી ખાવાની ટેવનો ત્યાગ કરવો જોઈએ. પ્રાણાયામના અભ્યાસમાં આગળ વધ્યા પછી તો થોડો વખત એકદમ સાદા ભોજન પર અથવા તો દૂધ ને ફળ પર પણ રહેવું પડે છે. એનો અર્થ એ થયો કે પ્રાણાયામના સાધકે જીભ પર વિજય મેળવવો જોઈએ, અથવા તો સ્વાદજય કરવો જોઈએ.

Today's Quote

There is nothing that wastes the body like worry, and one who has any faith in God should be ashamed to worry about anything whatsoever.
- Mahatma Gandhi

prabhu-handwriting