Text Size

ઈશ્વરદર્શન

પ્રશ્ન : ઈશ્વરદર્શન ને આત્મદર્શનમાં કાંઈ ફેર છે ?
ઉત્તર : ફેર કેવળ સમજણનો છે. ભક્તિ દ્વારા પ્રેમનો મહાન ઉદય થતાં ઈશ્વરનું સાક્ષાત દર્શન થાય છે. તે ઈશ્વરદર્શન કહેવાય છે ને ધ્યાનાદિ દ્વારા શરીરની અંદર આત્માનો સાક્ષાત્કાર થાય છે તે આત્મદર્શન કહેવાય છે. વસ્તુ એક જ છે. પણ તેના પ્રકાર પ્રમાણે તેનાં નામ જુદાં જુદાં છે.

પ્રશ્ન : ઈશ્વરદર્શન ક્યારે થઈ શકે ?
ઉત્તર : તેને માટે કોઈ ચોક્કસ સમય કે મુહૂર્ત નથી. જ્યારે પણ તમે યોગ્ય બનો ત્યારે તમને ઈશ્વરદર્શન થઈ શકે. ઈશ્વરને માટે તમારા દિલમાં ખૂબ પ્રેમ થવો જોઈએ, ને ઈશ્વર વિના ચેન પડવું ના જોઈએ.

એક વાર ઈશુ ખ્રિસ્તની પાસે એક માણસ આવ્યો, ને તેમને ઈશ્વરદર્શન વિશે પૂછ્યું. ઈશુ તેને એક સાગર કિનારે લઈ ગયા, ને તેને પાણીમાં ડૂબકી મારવા કહ્યું. પેલા માણસે ડૂબકી મારી એટલે ઈશુએ તેની ગરદન પકડી રાખી.
આખરે પેલા માણસે ખૂબ ગભરાઈ જઈને કહ્યું, 'હવે છોડી દો, નહિ તો હું મરી જઈશ.’
ઈશુએ તેને છોડી દીધો. ને કહ્યું કે, 'પાણીમાં શું થતું હતું ?’
પેલા માણસે કહ્યું કે, 'હમણાં જ પ્રાણ છૂટી જશે એમ લાગતું હતું.’
ઈશુએ કહ્યું કે, 'એવી લાગણી ને અવસ્થા જ્યારે ઈશ્વરને માટે થશે ત્યારે ઈશ્વર જરૂર મળી જશે.’

એટલે કે ઈશ્વરદર્શન માટે કોઈએ પાણીમાં ડૂબકી મારી દુઃખી થવાનું નથી, પરંતુ સંસારના પદાર્થોની મમતા ને આસક્તિને છોડી ઈશ્વરની ભૂખ જગાવવાની છે. અત્યારે માણસોને જરાય મહેનત કરવી નથી. સંસારના રાગરંગ ભોગવવા છે ને સાથે સાથે સહેલાઈથી કે વિના ભોગે પ્રભુ મળી જાય તો મેળવવા છે. આવી રીતે ઈશ્વર ક્યાંથી મળે ? ઈશ્વરને માટે અંતરના ઊંડાણમાંથી રૂદન થવું જોઈએ, દિલ છટપટાવું જોઈએ. રોમરોમ તનમન તલસવું જોઈએ. આટલું થાય એટલે ઈશ્વરદર્શનની યોગ્યતા થઈ ગણાય. આટલું થયા પછી ઈશ્વર તમારાથી દૂર રહી શકે તેમ નથી.

Today's Quote

If you think you're free, there's no escape possible.
- Ram Dass

prabhu-handwriting