Text Size

આત્મજ્ઞાન અને સમાધિ

પ્રશ્ન : આત્મજ્ઞાન અને સમાધિ બંને એક જ કે જુદા ? આત્મજ્ઞાન અને સમાધિમાં શો ફેર ? આત્મજ્ઞાનથી સમાધિ મળે ?
ઉત્તર : આત્મજ્ઞાન અને સમાધિ બંને એક નથી પરંતુ જુદાં જુદાં છે. બંનેમાં ઘણો મોટો તફાવત છે. આત્મજ્ઞાન તો આત્મા વિશેનું જ્ઞાન છે અને સમાધિ તો યોગની સાધનાની મદદથી પ્રાપ્ત થતી વિકાસની એક ભૂમિકા કે અવસ્થા છે. યોગની સાધનાના એકંદરે આઠ અંગ ગણાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, તેમાં સમાધિ આઠમું અને છેવટનું અંગ છે. ધ્યાનના લાંબા વખતના ઊંડા અભ્યાસ પછીથી તે આવી મળે છે. જ્યારે આત્મજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. આત્માના જ્ઞાનથી સમાધિ નથી મળતી. તેથી સમાધિ મળવામાં મદદ મળી શકે ખરી, પરંતુ વધારે સારી ને સાચી ભાષામાં કહીએ તો કહી શકાય કે સમાધિની, વધારે ને વધારે સિદ્ધિ થતાં અથવા તો સમાધિદશાની દ્રઢતા થતાં આત્મજ્ઞાન મળી શકે છે. એવી રીતે જોતાં આત્મજ્ઞાન સમાધિનું સંતાન છે. સમાધિ સાધન છે અને આત્મજ્ઞાન સાધ્ય છે. સાચી ને સંપૂર્ણ શાંતિ સમાધિ અથવા એકલી સમાધિ દ્વારા નહિ મળી શકે. પરંતુ આત્મજ્ઞાનની મદદથી જ મળી શકશે. જીવનની સિદ્ધિ આત્મજ્ઞાનથી જ થાય છે.

પ્રશ્ન : આત્મજ્ઞાન તો શાસ્ત્રોના ચિંતન-મનન મારફત પણ મળી શકે ને ?
ઉત્તર : શાસ્ત્રોના ચિંતન-મનન મારફત જે મળે છે તેને આત્મજ્ઞાન કહેવા કરતાં શાસ્ત્રજ્ઞાન કહીએ તે જ બરાબર છે. શાસ્ત્રોના ચિંતન-મનનથી આત્માનું જ્ઞાન મળે છે એમ માની લઈએ તો પણ એવા આત્મજ્ઞાનના પ્રતાપથી શાંતિ નથી મળી શકતી. ભેદભાવ કે અહંભાવની નિવૃત્તિ પણ નથી થતી ને જીવનનું શ્રેય પણ નથી સધાતું. રસોઈનું જ્ઞાન થવાથી, રસોઈની માહિતી મળે છે પરંતુ ભૂખ નથી ભાંગતી. ભૂખ તો રસોઈનો સ્વાદ લેવાથી જ ભાંગી શકે છે. તેવી રીતે શાસ્ત્રોની મદદથી મેળવેલું આત્મજ્ઞાન માણસની ભ્રમણા નથી મટાડતું. ભ્રમણા મટાડવાનું ને શાંતિ આપવાનું કામ તો અનુભવજ્ઞાન જ કરતું હોય છે. એવા અનુભવજ્ઞાનને મેળવવા માટે લાંબા વખત લગી ઉત્સાહપૂર્વક સાધના કરવી પડે છે. એ સાધનાને પરિણામે સાધકને આત્મદર્શન થાય છે. અને આત્માના એવા પ્રત્યક્ષ દર્શનને પરિણામે આત્માનું પ્રત્યક્ષ અનુભવજન્ય, શંકારહિત, સચોટ જ્ઞાન થાય છે. એવું આત્મજ્ઞાન કાંઈ જેને તેને ને જ્યારે ત્યારે નથી મળતું, તે માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે. પરંતુ એવું આત્મજ્ઞાન જ સર્વ પ્રકારે સુખકારક, શાંતિદાયક ને તારક થઈ શકે છે. માટે એને મેળવવાનો જ નિશ્ચય કરવો જોઈએ. શાસ્ત્રજ્ઞાનથી અટકી પડવાને બદલે એને મેળવીને આગળ વધવું જોઈએ.

પ્રશ્ન : સમાધિ વિના ચાલે કે ના ચાલે ?
ઉત્તર: આટલી વિચારણા પછી એ પ્રશ્નનો ઉત્તર તમને સહેલાઈથી મળી રહેશે. આત્માના અનુભવજન્ય જ્ઞાન માટે સમાધિ જ એક અગત્યનું અકસીર સાધન છે. એટલે એના વિના ના જ ચાલી શકે. માટે એની સિદ્ધિ માટે ધ્યાનનો અભ્યાસ કરવા માંડો અને એવી રીતે એકલી વાતો નહિ પરંતુ અનુભૂતિના પ્રદેશમાં પ્રવેશ કરો.

Today's Quote

Keep your face to the sunshine, and you cannot see the shadow.
- Helen Keller

prabhu-handwriting