Text Size

મનની સ્થિરતા માટેની પ્રક્રિયા

પ્રશ્ન : નામજપ કરતી વખતે એકાગ્રતા નથી જળવાતી તેનું કારણ શું ? તે વખતે ભાતભાતના ને જાતજાતનાં સંકલ્પો, ભાવો ને વિચારો મનમાં પેદા થાય છે તથા જાતજાતના દ્રશ્યો મનના પડદા પર પ્રકટ થાય છે. એનો અંત કેવી રીતે લાવવો ?
ઉત્તર : તમારા અંતરમનમાં અનેક પ્રકારના ભાવો, વિચારો, સંકલ્પો તથા રસવૃત્તિઓના સંસ્કારો પ્રકટ કે અપ્રકટરૂપે પડેલા હોય છે. તે મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે, પ્રબળ બનીને બહાર આવે છે ને તમારી આગળ ફર્યા કરે છે. એ સંસ્કારો કે ભાવોને નિર્મળ કરવાની કોશિશ કરો, અને એની સાથે સાથે જે વિધાતક ભાવો, વિચારો કે સંસ્કારો છે તેમને વિવેકશક્તિની મદદ લઈને જડમૂળથી નાબૂદ કરો. એમના સૂક્ષ્મ અંકુરો તમારા આંતરમનમાં પણ રહેવા ના પામે એનું ધ્યાન રાખો. મતલબ કે મનને સ્થિર કરવાની સાધના કરવાની સાથે સાથે મનને શુદ્ધ કરવાનો પ્રયાસ પણ કરતા રહો. એથી એકાગ્રતાના મંગલ કાર્યમાં મદદ મળશે. અલબત્ત, એ કામ જરાક કષ્ટસાધ્ય છે, લાંબુ છે અને વિકટ છે પરંતુ એવા એવા વિચારો કરીને નિરાશ થવાની, નાહિંમત બનવાની કે નાસીપાસ થઈ જવાની જરૂર નથી. આત્મવિશ્વાસ, આત્મનિરીક્ષણ અને ધીરજ તથા હિંમત સાથે આગળ વધવાથી મનની એકાગ્રતા અવશ્ય સિદ્ધ થશે ને નામજપ કે ધ્યાનનો અભ્યાસ કરતી વખતે મન બહારના ચિંતનમનને મૂકી દઈને આત્માભિમુખ અથવા તો અંતર્મુખ બની જશે. એ વખતે અદ્ ભૂત આનંદનો અનુભવ થશે.

પ્રશ્ન : નામજપ દરમિયાન મનની સ્થિરતા માટે બીજી કોઈ ઉપયોગી પ્રક્રિયા સૂચવી શકો છો ?
ઉત્તર : બે પ્રકારની પ્રક્રિયા સૂચવી શકાય છે. એક તો જપ કરતી વખતે કે ધ્યાન ધરતી વખતે શ્વાસોચ્છવાસની ગતિનું નિરીક્ષણ કરો. શ્વાસને અંદર લેતી વખતે એક જપ કરો અને બહાર કાઢતી વખતે બીજો જપ કરો. જપ લાંબો હોય તો તેને એકથી વધારે શ્વાસમાં પણ કરી શકો છો. બીજી પ્રક્રિયા જેના જપ કરવામાં આવે તેના રૂપનું સ્મરણ કે ધ્યાન કરવાની છે. આરંભમાં થોડો વખત એ રૂપને મૂર્તિ કે ચિત્રરૂપે સામે રાખીને તેને જોતાંજોતાં ઉઘાડી આંખે જપ કે ધ્યાનનો આધાર લેવો. એ બંને પ્રક્રિયા એકાગ્રતામાં મદદરૂપ થઈ પડશે. તમે એમને અજમાવી શકો છો.

Today's Quote

Keep your face to the sunshine, and you cannot see the shadow.
- Helen Keller

prabhu-handwriting