Text Size

સમાધિપ્રાપ્તિનો ઉપાય

પ્રશ્ન : સમાધિની પ્રાપ્તિ માટેનો સૌથી અકસીર માર્ગ કયો ?
ઉત્તર : સૌથી અકસીર અને સરસ માર્ગ ધ્યાનનો છે. ધ્યાનમાં નિયમિત અને લાંબા વખત લગી ઉત્સાહપૂર્વક બેસવાથી છેવટે મનનો લય થાય છે અથવા તો મન છેક જ શાંત થાય છે. એ દશાને સમાધિની દશા કહેવામાં આવે છે. મંત્રજપથી પણ એવી દશાની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ મંત્રજપ કરતાં કરતાં જ્યારે મન બીજું બધું જ ભૂલીને ધ્યાનમાં લીન બનીને પ્રવાહિત બનીને વહેવા માંડે ત્યારે જ એ દશાનો અનુભવ થાય છે. એ દ્રષ્ટિથી વિચાર કરતાં મુખ્ય માર્ગ ધ્યાનનો જ છે એવું કહેવામાં કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ નથી થતી.

પ્રશ્ન : સમાધિની અવસ્થામાં સાધકને શરીરનું ભાન રહે છે ખરું ?
ઉત્તર : જ્યાં સુધી સાધકને શરીરનું ભાન રહેતું હોય ત્યાં સુધી એણે સમાધિની અવસ્થામાં પ્રવેશ કર્યો છે એવું ન કહેવાય. સમાધિની ઉચ્ચતમ અવસ્થા દરમિયાન શરીરનું ભાન બિલકુલ નથી રહેતું, કાળનું ભાન પણ નથી રહેતું અને આજુબાજુના વાતાવરણનું ભાન પણ નથી રહેતું. મનની વૃત્તિ અથવા તો મન એ બધાથી પર અથવા તો અતીત બની જાય છે. જ્યાં સુધી શરીરનું, કાળનું, અને આજુબાજુના વાતાવરણનું ભાન રહેતું હોય ત્યાં સુધી એ દશાને સમાધિની દશા નહિ પરંતુ ધ્યાનની દશા કહેવાય છે. ધ્યાન ને સમાધિની દશાનો એ ભેદ ધ્યાનમાં રાખો તો સમાધિના રહસ્યને સારી પેઠે સમજી શકશો.

પ્રશ્ન : સમાધિદશામાં ઓછામાં ઓછું કેટલા વખત સુધી રહેવું જોઈએ ?
ઉત્તર : સમાધિદશામાં ઓછામાં ઓછું કે વધારેમાં વધારે કેટલા વખત સુધી રહેવું તેનો કોઈ જ ચોક્કસ નિયમ નથી બાંધી શકાતો. એક વાત ખાસ યાદ રાખવાની છે કે સમાધિ દશામાં કોઈ કેટલા વખત સુધી સ્થિતિ કરે છે તે એટલું મહત્વનું નથી જેટલું મહત્તવનું એ દશામાં શું અનુભવે છે અને એ દશામાંથી જાગ્રત થયા પછી મનનું સ્વરૂપ કેવું રહે છે તે છે. સમાધિની મહત્તા એના સમય પરથી નથી મનાતી, પરંતુ એની ગુણવત્તા પરથી જ અંકાય છે એ કદી ભૂલાવું ન જોઈએ.

પ્રશ્ન : સંત તુલસીદાસે રામાયણમાં કલિયુગની એક વિશેષતા બતાવતાં કહ્યું છે કે કલિયુગમાં 'માનસ પુણ્ય હોહિ નહિ પાપા’ એટલે કે કલિકાળમાં મનથી જે પુણ્ય કરવામાં આવે તેનું ફળ મળે છે, પરંતુ મનથી કરાતાં પાપની ગણતરી નથી થતી કે નોંધ નથી લેવાતી, તો એ વચનોનો શો ભાવ છે ?
ઉત્તર : એમનો ભાવ તો સ્પષ્ટ જ છે. તુલસીદાસજી કહેવા માગે છે કે આ યુગમાં મનથી કરાતું પુણ્યકર્મ ફળે છે. એટલે કે ધારો કે કોઈ દીન દુઃખીને જોઈને મનમાં તમને એકાએક દયા, કરૂણા કે સેવાની ભાવના થઈ આવી. છતાં પણ તે ભાવનાનો અમલ કરવા માટેની શક્તિ કે સામગ્રી તમારી પાસે ન હોય તો પણ તે ભાવનાનું શુભ ફળ તમને મળવાનું જ. પરંતુ એથી ઊલટું, મનમાં કોઈ પાપવિચાર પેદા થાય તો તેનું કુફળ નહિ મળે કે તેની ગણતરી નહિ થાય.

પ્રશ્ન : એનો અર્થ એવો ખરો કે મનથી પાપ કરવાની છૂટ છે ?
ઉત્તર : એનો અર્થ એવો નથી થતો. સૌથી ઉત્તમ અથવા આદર્શ દ્રશ્ય તો એ જ છે કે તનથી તો ખરાબ કામ થાય જ નહિ, પરંતુ મનમાં પણ બુરો વિચાર કે ભાવ ન ઊઠે. આચાર અને વિચાર બંને મંગલ હોય એથી વિશેષ રૂડું બીજું કાંઈ જ નથી. છતાં પણ આચાર અને વિચારની એવી શુદ્ધિ કોઈ કારણથી શક્ય ન હોય તો પણ, જે અશુભ વિચાર મનમાં ઉત્પન્ન થાય તે બહાર નીકળીને આચરણમાં અનુવાદિત ન થાય એટલી શક્તિ કેળવી લેવાની જરૂર છે. એટલી શક્તિ મેળવી લેવાય તો પણ ઘણું ઉપકારક કામ થઈ જાય. આજે તો સામાન્ય રીતે માણસની દશા એવી છે કે, મનમાં ઉત્પન્ન થયેલો વિચાર આચારમાં ક્યારે આકાર પામે છે તેની તેને ખબર પણ નથી પડતી. પછી તે વિચારનું સંશોધન કરવાનો કે તેનો સંયમ કરવાનો તો અવકાશ જ ક્યાં રહે છે ?

Today's Quote

There is a sufficiency in the world for man's need but not for man's greed.
- Mahatma Gandhi

prabhu-handwriting